સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ વિભાગ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયે ગ્રામીણ નાણાકીય સમાવેશ, આજીવિકા પ્રોત્સાહન અને લોજિસ્ટિક્સ ક્ષમતાને મજબૂત કરવા માટે સીમાચિહ્નરૂપ MoU પર હસ્તાક્ષર કર્યા
प्रविष्टि तिथि:
07 JAN 2026 7:13PM by PIB Ahmedabad
દેશભરમાં સ્વ-સહાય જૂથો (SHGs) અને ગ્રામીણ પરિવારો માટે ગ્રામીણ પરિવર્તનને વેગ આપવા અને નાણાકીય, ડિજિટલ અને લોજિસ્ટિક્સ સેવાઓના વિસ્તરણ તરફના એક મોટા પગલા તરીકે, ટપાલ વિભાગ (DoP) અને ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD) એ આજે સર્વસમાવેશક અને ટકાઉ ગ્રામીણ વિકાસના સમર્થનમાં સહયોગને ગાઢ બનાવવા માટે એક સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

(નવી દિલ્હી ખાતે ટપાલ વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે સહયોગ કરે છે)
કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સહયોગ માનનીય પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પિત "ડાક સેવા, જન સેવા" ને મજબૂત કરવા અને ભારતીય ટપાલને ગ્રામીણ અર્થતંત્રના મુખ્ય પ્રેરક તરીકે પુનઃસ્થાપિત કરવાના સરકારના વિઝન સાથે સુસંગત છે. તે કેન્દ્રીય બજેટ 2025-26 માં દર્શાવેલ પ્રાથમિકતાઓને પણ પ્રતિબિંબિત કરે છે, જે ગ્રામીણ ભારતમાં નાણાકીય સમાવેશ, ડિજિટલ સશક્તિકરણ અને આજીવિકાની તકોને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ટપાલની અપ્રતિમ પહોંચનો લાભ લેવા પર ભાર મૂકે છે.
1.5 લાખથી વધુ ગ્રામીણ પોસ્ટ ઓફિસો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) અને લગભગ 2.4 લાખ ગ્રામીણ ડાક સેવકોના તેના વ્યાપક નેટવર્ક સાથે, ટપાલ વિભાગ નાણાકીય અને ડિજિટલ સેવાઓની છેવાડા સુધી પહોંચ (last-mile delivery) સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય દેશભરમાં ગ્રામીણ મહિલાઓ, સ્વ-સહાય જૂથો અને સામુદાયિક સંસ્થાઓ માટે નાણાકીય સમાવેશ વધારવા, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, ડિજિટલ ક્ષમતાઓને મજબૂત કરવા અને બજાર સુધીની પહોંચ સુધારવાનો છે.
MoU હેઠળ, IPPB તેના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા બચત, ચૂકવણી અને રેમિટન્સ સહિતની ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓની સુવિધા આપશે. SHG સભ્યોને વધુ સશક્ત બનાવવા માટે, સીમલેસ ડિજિટલ વ્યવહારો સક્ષમ કરવા, કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને પાયાના સ્તરે રેકોર્ડ-કીપિંગ સુધારવા માટે ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ્સ અને પોઇન્ટ ઓફ સેલ (PoS) મશીનો પૂરા પાડવામાં આવશે. SHG સભ્યોની ભાગીદારીને ઔપચારિક માન્યતા આપવા અને નાણાકીય તેમજ બજાર જોડાણો માટે તેમની વિશ્વસનીયતા વધારવા માટે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે.
ટપાલ વિભાગ તેના પોસ્ટલ સ્ટાફ અને ગ્રામીણ ડાક સેવકોના વ્યાપક નેટવર્ક દ્વારા છેવાડા સુધી સેવા વિતરણ સુનિશ્ચિત કરશે, જે અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં પણ પહોંચને સક્ષમ બનાવશે. SHG ઉત્પાદનો માટે બજારની પહોંચ 'ડાક ઘર નિકાસ કેન્દ્રો' દ્વારા મજબૂત કરવામાં આવશે, જે ગ્રામીણ સાહસો માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને નિકાસની તકોની સુવિધા આપશે.
આ સહયોગ ગ્રામીણ વિસ્તારોમાં આધાર નોંધણી અને અપડેશનની પ્રવૃત્તિઓને પણ ટેકો આપશે, જે ગ્રામીણ વિકાસ મંત્રાલયની વિવિધ યોજનાઓ માટે લાભાર્થીઓની ચકાસણીને સરળ બનાવશે. પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) અને ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (RPLI) ના પ્રચાર દ્વારા વીમા કવચનો વિસ્તાર કરવામાં આવશે, જેમાં SHG સભ્યો માટે વીમા એજન્ટ તરીકે કામ કરવાની તકોનો પણ સમાવેશ થાય છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક SHG માં મહિલાઓને બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ તરીકે જોડીને અને તાલીમ આપીને ક્ષમતા નિર્માણમાં વધુ સહાય કરશે, જે નાણાકીય સાક્ષરતામાં વધારો કરશે અને ગ્રામીણ સમુદાયોમાં ડિજિટલ સ્વીકારને વેગ આપશે તથા આજીવિકાની નવી તકો ઉભી કરશે.
આ આંતર-મંત્રાલય ભાગીદારી ટપાલ વિભાગની વિશ્વસનીય, ટેકનોલોજી-સક્ષમ અને નાગરિક-કેન્દ્રીય સંસ્થા તરીકેની વિકસતી ભૂમિકાને રેખાંકિત કરે છે, જે સર્વસમાવેશક વિકાસ, મહિલા સંચાલિત વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિમાં નિર્ણાયક યોગદાન આપે છે.
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2212213)
आगंतुक पटल : 20