ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના લોની બુદ્રુકમાં આયોજિત ગ્રામસભામાં ગ્રામીણ જનતા, શ્રમિકો અને મજૂર ભાઈ-બહેનો સાથે સંવાદ કર્યો


વિકસિત ભારત: જી રામ જી એક્ટ, 2025 અંતર્ગત ગામની જરૂરિયાતનું કોઈ પણ કામ કરાવી શકાય છે, પરંતુ આ નિર્ણય ગ્રામસભા કરશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

હવે મજૂરી એક અઠવાડિયાની અંદર આપવી અનિવાર્ય છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

જો 15 દિવસમાં ચુકવણી નહીં થાય, તો મજૂરને 0.05% વધારાની મજૂરી વ્યાજ તરીકે મળશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

આ યોજનામાં એક-તૃતીયાંશ એટલે કે 33% કામ મહિલાઓને આપવું અનિવાર્ય કરવામાં આવ્યું છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

રાજ્ય સરકારોને અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ લણણી-વાવણીના સમયે મહત્તમ 60 દિવસ સુધી મજૂરોને કૃષિ કાર્યમાં લગાવવા માટે જાહેરનામું બહાર પાડી શકે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

વહીવટી ખર્ચને 6 ટકાથી વધારીને 9 ટકા કરી દેવામાં આવ્યો છે, જેથી રોજગાર સહાયકોના પગારમાં વિલંબ અને ચુકવણી રોકાઈ જવાની સમસ્યાઓ ન થાય: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

प्रविष्टि तिथि: 01 JAN 2026 8:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના લોની બુદ્રુકમાં આયોજિત એક વિશેષ ગ્રામસભામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રીએ સરપંચો અને ગ્રામ પંચાયતના લોકોની સભાને સંબોધિત કરીને આ અધિનિયમની જોગવાઈઓ વિશે જણાવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું દેશભરમાં વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું. સામાન્ય જનતા, સ્વ-સહાય જૂથના સભ્યો, ખેડૂતો વગેરે સહિત 60,00,000થી વધુ લોકોએ 1,00,000થી વધુ સ્થળોએથી આ કાર્યક્રમ નિહાળ્યો હતો.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે જણાવ્યું કે નવું માળખું 125 દિવસના કામની ગેરંટી દ્વારા મજૂરના રોજગારના અધિકારને સુનિશ્ચિત કરે છે. યોજનાના વધારાના ફાયદાઓ પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું કે આ નવો કાયદો MGNREGA ની જોગવાઈઓને વધુ મજબૂત બનાવીને રજૂ કરવામાં આવ્યો છે, જેથી કાર્યક્રમને વધુ મજબૂત, અસરકારક અને પારદર્શક બનાવી શકાય, સાથે જ વધુ સારી મોનિટરિંગ અને જવાબદેહી સિસ્ટમ પણ હોય.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં એ પણ જણાવ્યું કે વિકસિત ભારત- જી રામ જી એક્ટ, 2025 હેઠળ 100 નહીં, પરંતુ 125 દિવસના કામની કાનૂની ગેરંટી આપવામાં આવી છે અને કામ ન મળવાની સ્થિતિમાં બેરોજગારી ભથ્થાની જોગવાઈને વધુ સશક્ત બનાવવામાં આવી છે. શ્રી ચૌહાણે આગળ જણાવ્યું કે આ કાયદા હેઠળ હવે મજૂરી એક અઠવાડિયાની અંદર આપવી અનિવાર્ય છે. સાથે જ જો 15 દિવસમાં ચુકવણી નહીં થાય, તો મજૂરને 0.05% વધારાની મજૂરી વ્યાજ તરીકે આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે પહેલા વિલંબ પર કંઈ મળતું નહોતું, હવે વિલંબ કરનારાઓએ તેની કિંમત ચૂકવવી પડશે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે વિકસિત ભારત: જી રામ જી એક્ટ, 2025 હેઠળ ગામની જરૂરિયાતનું કોઈ પણ કામ કરાવવાનો નિર્ણય હવે ગ્રામસભા દ્વારા જ લઈ શકાશે. તેમણે જણાવ્યું કે હવે ગામની જરૂરિયાતો મુજબ કામ થશે, આ જ આ યોજનાનો આત્મા છે. આ એક્ટના અમલીકરણથી ગામમાં જળ સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ તથા કુદરતી આફતોથી બચાવ વગેરેના કામો કરી શકાશે.

કેન્દ્રીય મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશ ત્યારે જ આગળ વધશે જ્યારે ગામડાઓ આગળ વધશે, કારણ કે હિન્દુસ્તાન આજે પણ ગામડાઓમાં જ વસે છે. તેમણે કહ્યું કે બાપુ કહેતા હતા, ગામડ ભારતનો આત્મા છે અને ખેતરોની પાળ પરથી જ દેશની સમૃદ્ધિનો રસ્તો નીકળે છે.

તેમણે એ પણ જણાવ્યું કે આ યોજનામાં એક-તૃતીયાંશ એટલે કે 33% કામ મહિલાઓને આપવું અનિવાર્ય કરવામાં આવ્યું છે જેથી આપણી બહેનોના હિત સુરક્ષિત રહે, આ માટે મજૂરીની સાથે સાથે અન્ય કાર્યોમાં પણ તેમના માટે પૂરતી તકો સુનિશ્ચિત કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે ખેતીની પીક સીઝનને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારોને અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ લણણી-વાવણીના સમયે મહત્તમ 60 દિવસ સુધી મજૂરોને કૃષિ કાર્યમાં લગાવવા માટે જાહેરનામું બહાર પાડી શકે, જેથી ખેડૂતોને પણ શ્રમિકોની અછતનો સામનો ન કરવો પડે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે એ પણ જણાવ્યું કે વહીવટી ખર્ચને 6 ટકાથી વધારીને 9 ટકા કરી દેવામાં આવ્યો છે, જેનાથી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે રોજગાર સહાયકોના પગારમાં વિલંબ અને ચુકવણી રોકાઈ જવાની સમસ્યાઓ ન થાય. તેમણે જણાવ્યું કે આ માટે રાજ્યો સાથે સંકલન કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2210639) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Malayalam