ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ તિરુવનંતપુરમમાં માર ઇવાનિયોસ કોલેજની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો


યુવાનો વિકસિત ભારત@2047ના ભવિષ્યને આકાર આપી રહ્યા છે: ઉપરાષ્ટ્રપતિ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતની શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન લાવી રહી છે: ઉપરાષ્ટ્રપતિ

प्रविष्टि तिथि: 30 DEC 2025 4:38PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે તિરુવનંતપુરમમાં માર ઇવાનિયોસ કોલેજની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો, જે શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં સંસ્થાના 75 વર્ષના યોગદાનને ચિહ્નિત કરે છે.

સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે માર ઇવાનિયોસ કોલેજ જેવી સંસ્થાઓ શિક્ષણની પરિવર્તનકારી શક્તિનું ઉદાહરણ આપે છે, જે માત્ર જ્ઞાન નથી આપતી પરંતુ સમાજને અજ્ઞાન અને અસમાનતામાંથી મુક્ત પણ કરે છે.

તેમણે અવલોકન કર્યું કે શૈક્ષણિક અને આધ્યાત્મિક સંસ્થાઓ જ્યારે બંધારણીય મૂલ્યો સાથે જોડાયેલી હોય ત્યારે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે ભારત ઇતિહાસની એક નિર્ણાયક ક્ષણે ઊભું છે, અને વિશ્વ નેતૃત્વ તથા નવીનતા માટે ભારત તરફ જોઈ રહ્યું છે. તેમણે યુવાનોને માત્ર તેમના બંધારણીય અધિકારો નહીં પરંતુ તેમની મૂળભૂત ફરજોનું પણ પાલન કરવા વિનંતી કરી, જેમાં વિવિધતા પ્રત્યે આદર, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરાયેલા વિકસિત ભારત @ 2047ના રાષ્ટ્રીય વિઝનનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે યુવાનો ભવિષ્યની રાહ જોઈ રહ્યા નથી પરંતુ સક્રિયપણે તેને આકાર આપી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારત માત્ર સત્તાના ગલિયારાઓમાં નહીં પરંતુ વર્ગખંડો, પ્રયોગશાળાઓ, ખેતરો, ફેક્ટરીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ગામડાઓમાં યુવા ભારતીયોની ઊર્જા અને આકાંક્ષાઓ દ્વારા નિર્મિત થશે.

આત્મનિર્ભર ભારતના વિઝનને હાંસલ કરવામાં શિક્ષણની ભૂમિકા પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ગોખણીયા જ્ઞાનથી દૂર રહીને બહુવિધ વિષયોના શિક્ષણ, ટીકાત્મક વિચારસરણી, નવીનતા અને સર્જનાત્મકતા તરફના પરિવર્તનકારી બદલાવને ચિહ્નિત કરે છે.

ભારતના ઝડપથી વિકસતી ડિજિટલ અને ઇનોવેશન ઇકોસિસ્ટમનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શૈક્ષણિક કેમ્પસોએ નવીનતા અને સાહસિકતાના કેન્દ્રો (હબ) તરીકે વિકસિત થવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને માત્ર રોજગાર શોધવા નહીં પરંતુ રોજગાર પેદા કરવા અને સામાજિક પડકારો માટે સ્વદેશી ઉકેલો વિકસાવવા માટે આકાંક્ષા રાખવા વિનંતી કરી.

યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જેવી ઉભરતી ટેકનોલોજી અપનાવવા આહવાન કરતા ઉપરાષ્ટ્રપતિએ નૈતિકતા, બંધારણીય મૂલ્યો અને સામાજિક હિતની ચિંતા દ્વારા માર્ગદર્શિત થઈને ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભારતના શૈક્ષણિક અને સાક્ષરતાના ક્ષેત્રમાં કેરળની અનુકરણીય ભૂમિકા પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાજ્યની સિદ્ધિઓ તેના લોકો અને શિક્ષણ દ્વારા યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ સંસ્થાઓના સામૂહિક પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

કેરળના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાયી વિજયન, સ્થાનિક સ્વરાજ્ય મંત્રી શ્રી એમ. બી. રાજેશ, સંસદ સભ્ય ડૉ. શશી થરૂર, તિરુવનંતપુરમ કોર્પોરેશનના મેયર શ્રી વી. વી. રાજેશ, ત્રિવેન્દ્રમના મેજર આર્કબિશપ-કેથોલિકોસ અને માર ઇવાનિયોસ કોલેજના સંરક્ષક હિઝ બીટિટ્યુડ બેસેલિયોસ કાર્ડિનલ ક્લેમિસ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2209907) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Tamil , Malayalam