વિદ્યુત મંત્રાલય
ઊર્જા મંત્રાલય માટે સાંસદોની સલાહકાર સમિતિનું આયોજન– "રોડમેપ ફોર ડેવલપમેન્ટ ઓફ ન્યુક્લિયર પાવર જનરેશન" વિષય પર થયું
શ્રી મનોહર લાલે કાકરાપાર પરમાણુ ઊર્જા પરિયોજનાની મુલાકાત લીધી
શ્રી મનોહર લાલે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે 45 મેગાવોટની સોલાર પીવી એસેમ્બલી લાઇન, સોપાલની મુલાકાત લીધી
Posted On:
29 APR 2025 4:10PM by PIB Ahmedabad
કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ 27 અને 28 એપ્રિલ, 2025ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન તેમણે પરમાણુ ઊર્જા ઉત્પાદનના વિકાસ પર ઊર્જા મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા મંત્રી શ્રી કનુ દેસાઈ સાથે બેઠકો યોજાઈ હતી.
કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલે કાકરાપાર પરમાણુ ઊર્જા પરિયોજનાની પણ મુલાકાત લીધી હતી અને પંડિત દીનદયાળ ઊર્જા વિશ્વવિદ્યાલય (પીડીઇયુ)માં સોલર પીવી એસેમ્બલી લાઇન સુવિધાની મુલાકાત લીધી હતી.
સલાહકાર સમિતિની બેઠક
28 એપ્રિલ, 2025ના રોજ કેન્દ્રીય ઊર્જા અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલની અધ્યક્ષતામાં ઊર્જા મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. ચર્ચાનો એજન્ડા, "રોડમેપ ફોર ડેવલપમેન્ટ ઓફ ન્યુક્લિયર પાવર જનરેશન" હતો.
બેઠક દરમિયાન મંત્રીએ વર્ષ 2070 સુધીમાં સ્વચ્છ શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાની ભારતની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિન-અશ્મિભૂત ઇંધણ-આધારિત વીજ ઉત્પાદનમાં હિસ્સો વધારવાનું આ વિઝનમાં કેન્દ્રસ્થાને છે. વૈશ્વિક ઊર્જા સંબંધિત ઉત્સર્જનમાં ઊર્જા ક્ષેત્રનો ફાળો 40 ટકાથી વધારે હોવાથી પરમાણુ ઊર્જા બિન-અશ્મિભૂત અને સ્થિર ઊર્જાનો સ્ત્રોત છે, જે ભારતની સ્થાયી વિકાસ યાત્રામાં વધુને વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.
ગુજરાતનાં મુખ્યમંત્રી સાથે બેઠક
ગુજરતના બે દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલે પણ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં તેમનાં સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ગુજરાતમાં ઊર્જા અને શહેરી વિકાસ ક્ષેત્રોને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ગુજરાતનાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી સાથે બેઠક
કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોનાં મંત્રી શ્રી મનોહર લાલે 28 એપ્રિલ, 2025નાં રોજ ગાંધીનગરમાં ગુજરાતનાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે બેઠક યોજી હતી. જેમાં ઊર્જા ક્ષેત્રમાં મુખ્ય પહેલોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ રાજ્યમાં ચાલી રહેલા અને આગામી પ્રોજેક્ટ્સ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને સ્વચ્છ ઊર્જા સંક્રમણને વેગ આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે વટામણ અને પીરાણા ખાતે મહત્ત્વપૂર્ણ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સને લગતા પડતર જમીન સંપાદન અને રાઇટ ઓફ વે (આરઓડબ્લ્યુ)ના મુદ્દાઓના નિરાકરણને ઝડપથી આગળ ધપાવવાની ખાતરી આપી હતી. જે આગામી પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સમાંથી વીજ સ્થળાંતરમાં સુધારો કરવા માટે જરૂરી છે. વીજ ક્ષેત્રની કાર્યક્ષમતા, પારદર્શિતા અને ગ્રાહક સેવાઓમાં વધારો થાય તે માટે ગુજરાતભરમાં સ્માર્ટ મીટરિંગ પ્રોગ્રામના અમલીકરણમાં ઝડપ લાવવા માટે પણ રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બેઠક દરમિયાન, રાજ્ય નેતૃત્વએ આરઓડબ્લ્યુ પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે વીજ મંત્રાલયની તાજેતરમાં રજૂ કરેલી માર્ગદર્શિકાઓની પ્રશંસા કરી હતી. જે ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના અમલીકરણમાં અવરોધોને સરળ બનાવશે તેવી અપેક્ષા છે. બંને પક્ષોએ યોજનાઓનાં સમયસર અમલીકરણ સુનિશ્ચિત કરવા ગાઢ સંકલન જાળવવા તથા પુનઃપ્રાપ્ય ઊર્જા અને માળખાગત લક્ષ્યાંકો હાંસલ કરવામાં ગુજરાતનાં પ્રયાસોને ટેકો આપવા સંમતિ વ્યક્ત કરી હતી.

પરમાણુ ઊર્જા પ્લાન્ટની મુલાકાતઃ
કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોનાં મંત્રી શ્રી મનોહર લાલે 28 એપ્રિલ, 2025નાં રોજ ગુજરાતમાં કાકરાપાર પરમાણુ ઊર્જા પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી.

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી
કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોનાં મંત્રી શ્રી મનોહર લાલે ગઈકાલે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પીડીઇયુ)ની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ પ્રાયોગિક શિક્ષણ અને તેના સહયોગી ઉદ્યોગ-સંચાલિત અભિગમ પર, ખાસ કરીને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ, સ્માર્ટ ગ્રીડ્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં તેના ઉત્કૃષ્ટતા કેન્દ્રો મારફતે યુનિવર્સિટી દ્વારા મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે 45 મેગાવોટની સોલાર પીવી એસેમ્બલી લાઇન સોપાલની મુલાકાત લીધી હતી. જે 32 કરોડના રોકાણ સાથે વિકસાવવામાં આવી હતી - જે વિદ્યાર્થીઓને સોલાર મેન્યુફેક્ચરિંગમાં અમૂલ્ય તાલીમ પૂરી પાડે છે. શ્રી મનોહર લાલે પીડીઇયુના નેતૃત્વ સાથે યુનિવર્સિટીની ઉપલબ્ધિઓ, ભવિષ્યનો રોડમેપ અને વ્યૂહાત્મક પહેલો પર ઊંડાણપૂર્વકની ચર્ચાઓ પણ કરી હતી.


કેન્દ્રીય મંત્રીએ પીડીઇયુના મહાનિદેશક અને પીડીઇયુના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પીડીઇયુની ઉત્પત્તિ અને તેની મુખ્ય પહેલો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
AP/IJ/GP/JD
(Release ID: 2125186)
Visitor Counter : 57