રાષ્ટ્રપતિ સચિવાલય
ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને મળ્યા
Posted On:
12 APR 2025 6:29PM by PIB Ahmedabad
ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશી બાબતોના મંત્રી મહામહિમ શ્રી એન્ટોનિયો તજાની આજે (12 એપ્રિલ, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુને મળ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં ઉપ પ્રધાનમંત્રી તજાની અને તેમના પ્રતિનિધિમંડળને આવકારતા રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, ભારત અને ઇટાલી બંનેનાં મૂળિયા પ્રાચીન સભ્યતાનાં વારસામાં રહેલાં છે, જેનો આપણી ફિલોસોફી, સાહિત્ય અને કળાઓ મારફતે દુનિયામાં પ્રદાન કરવાનો ગર્વ છે. આપણે વેપાર અને લોકો અને વિચારોના આદાનપ્રદાન મારફતે સદીઓથી એકબીજા સાથે જોડાયેલા છીએ. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે બંને દેશો ઉભરતી ટેકનોલોજી, નવીનતા અને સંરક્ષણમાં ગાઢપણે જોડાણ કરી રહ્યાં છે. અને જી-20 જેવા બહુપક્ષીય પ્લેટફોર્મ પર પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં વૃદ્ધિની મોટી સંભાવના છે. ભારતની ઝડપી આર્થિક વૃદ્ધિ અને વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'નો રોડમેપ ઔદ્યોગિક ભાગીદારી અને જોડાણ માટે અસંખ્ય તકો પ્રસ્તુત કરે છે. તેમણે ઇટાલિયન કંપનીઓ અને પીએસયુને ભારતમાં તેમની કામગીરી વિસ્તૃત કરવા આમંત્રણ આપ્યું હતું, ખાસ કરીને ઉત્પાદન અને સહ-ઉત્પાદન માટે. તેમણે ઇટાલિયન ગ્રીન ટેકનોલોજી કંપનીઓને પણ ભારતીય ઉદ્યોગ સાથે સહકાર અને ભાગીદારીની શક્યતાઓ શોધવા વિનંતી કરી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે નવેમ્બર 2024માં રિયોમાં પ્રધાનમંત્રી મેલોની અને પ્રધાનમંત્રી મોદીની બેઠક દરમિયાન જાહેર કરાયેલ સંયુક્ત વ્યૂહાત્મક એક્શન પ્લાન આગામી 5 વર્ષ માટે એક બ્લુપ્રિન્ટ છે. આ એક્શન પ્લાન આપણા સંયુક્ત પ્રયાસોને વેગ આપવા માટે એક માર્ગદર્શક માળખું બની રહેશે.
રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે ઇટાલિયન યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રો ભારતીય ભાગીદારો સાથે સહયોગની સંભાવનાઓ શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિએ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ ખોલવાની સુવિધા આપી છે. ઇટાલિયન યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ ખોલવા માટે આમંત્રિત કરી શકાય છે.
બંને નેતાઓ એ બાબતે સંમત થયા હતા કે, આવનારા સમયમાં ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારી નવી ઊંચાઈઓ સર કરશે.
AP/IJ/GP/JD
(Release ID: 2121287)
Visitor Counter : 44