આયુષ
‘હરિત યોગ’ વ્યક્તિગત અને ગ્રહ સ્વાસ્થ્ય બંનેનું પોષણ કરે છે: કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ
આ પ્રસંગે આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવો દ્વારા આજે ‘હરિત યોગ’ નામના એક મહત્વપૂર્ણ કાર્યક્રમનો શુભારંભ કરાયો
હરિત યોગનો પ્રારંભ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના 75માં કાઉન્ટડાઉન પર યોગ વ્યક્તિગત સ્વાસ્થ્યને ગ્રહના સ્વાસ્થ્ય સાથે જોડે છે
ઓડિશા યોગ કનેક્ટ: ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં 6000થી વધુ યોગ પ્રેમીઓએ યોગનો અભ્યાસ કર્યો
યોગ પ્રેમીઓમાં 5000થી વધુ ઔષધીય વનસ્પતિઓનું વિતરણ કરવામાં આવ્યું
Posted On:
07 APR 2025 11:58AM by PIB Ahmedabad
ભુવનેશ્વરમાં આજે 6000થી વધુ યોગ પ્રેમીઓએ કલિંગા સ્ટેડિયમ ખાતે કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરી ભવ્ય ઉજવણીનાં સાક્ષી બન્યા હતા. મુખ્ય કાર્યક્રમ પૈકીની એક, 'હરિત યોગ'નો શુભારંભ કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવોએ સાથે મળીને કરવા માટે ઔષધીય રોપનું વાવેતર કર્યું હતું. તમામ યોગ પ્રેમીઓને ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા માનનીય મંત્રીએ જણાવ્યું હતું કે, "છેલ્લાં 10 વર્ષમાં યોગને અભૂતપૂર્વ લોકપ્રિયતા મળી છે અને હવે તે વૈશ્વિક ઘટના બની ગઈ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 માર્ચ, 2025ના રોજ 'મન કી બાત'માં પોતાના સંબોધનમાં દૈનિક જીવનમાં ફિટનેસના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવી પહેલોની પ્રશંસા કરી હતી. વિશ્વની તંદુરસ્ત વસ્તી માટે ભારતનું વિઝન વહેંચતી વખતે પ્રધાનમંત્રીએ IDY2025ની થીમ 'યોગ ફોર વન અર્થ વન હેલ્થ'નો ઉલ્લેખ કર્યો હતો. આ થીમ સમગ્ર વિશ્વ માટે સંપૂર્ણ સ્વાસ્થ્યની ખાતરી આપે છે."
'હરિત યોગ' પહેલ વિશે બોલતા માનનીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આપણું સ્વાસ્થ્ય આપણા પ્લાનેટના સ્વાસ્થ્ય સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું છે. જેમ યોગ આપણા મન અને શરીરને પોષણ આપે છે, તેવી જ રીતે વૃક્ષારોપણ પણ પૃથ્વીને પોષણ આપે છે, જે આવનારી પેઢીઓ માટે હરિયાળું અને તંદુરસ્ત ભવિષ્ય સુનિશ્ચિત કરે છે."

આ સાથે આયુષ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે 'હરિત યોગ'ના શુભારંભની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હરિત યોગ એ IDY 2025ના 10 સિગ્નેચર ઇવેન્ટ્સનો એક ભાગ છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી જાધવે હરિત યોગના શુભારંભ પ્રસંગે અન્ય મહાનુભાવો સાથે ઔષધીય છોડનું વાવેતર કર્યું હતું.
યોગના ટકાઉપણા અને પર્યાવરણીય પાસાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ હરિત યોગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ'ના વિઝન સાથે સાંકળી લીધો હતો અને કહ્યું હતું કે, "આ પહેલ વ્યક્તિગત અને આપણાં ગ્રહના સ્વાસ્થ્ય બંનેના પોષણના પ્રતીકાત્મક કાર્ય તરીકે વ્યક્તિઓને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે."
આદરણીય મંત્રીએ 'પ્રકૃતિ પરીક્ષા અભિયાન'ની સફળતા પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનારા 1.29 કરોડથી વધુ લોકોની પ્રકૃતિ પરીક્ષા યોજવામાં આવી હતી.
ઓડિશાનાં નાયબ મુખ્યમંત્રી સુશ્રી પ્રવતી પરીદાએ યોગની શક્તિ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, "યોગ આપણને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. ચાલો આપણે યોગને આપણા રોજિંદા જીવનમાં સંકલિત કરીએ અને ભગવાન જગન્નાથની દિવ્ય ઊર્જાથી શક્તિ મેળવીએ. ઓડિશા સરકાર વતી અમે ઓડિશાને આપવા બદલ ભારત સરકાર અને આયુષ મંત્રાલયનો આભાર વ્યક્ત કરીએ છીએ તથા ભુવનેશ્વરમાં 75માં દિવસના કાઉન્ટડાઉનનું આયોજન કરવામાં આઇડીવાય 2025નો હિસ્સો બનવાની તક આપી છે."

યોગની સફળતાને વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવર તરીકે સ્વીકારતાં પુરી લોકસભાનાં સાંસદ શ્રી સંબિત પાત્રાએ કહ્યું હતું કે, "આપણાં આદરણીય પ્રધાનમંત્રીનાં વિઝનને કારણે વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવાની ભારતની દરખાસ્તને 177 દેશોએ સર્વાનુમતે સ્વીકારી હતી."
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ ઉત્સાહી હાજરીની પ્રશંસા કરી અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 11માં સંસ્કરણમાં રેકોર્ડબ્રેક વૈશ્વિક ભાગીદારી જોવા મળશે.
આ કાર્યક્રમમાં આયુષના સંયુક્ત સચિવ મોનાલિસા દાસ, ભુવનેશ્વરના મેયર સુલોચના દાસ, આયુષ મંત્રીના ઓએસડી નિશાંત મહેરા અને અન્ય ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંબોધન પછી MDNIYના ડિરેક્ટર ડૉ. કાશીનાથ સમાગંડીના નેતૃત્વમાં મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગના પ્રદર્શનકારીઓ કોમન યોગ પ્રોટોકોલનું જીવંત પ્રદર્શન કર્યું હતું. કલિંગા સ્ટેડિયમના વાતાવરણમાં 6000થી વધુ યોગ ઉત્સાહીઓએ કોમન યોગ પ્રોટોકોલનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ આયુષ મંત્રાલય, MDNIY અને અન્ય યોગ સંસ્થાઓના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.
મહોત્સવમાં કોમન યોગ પ્રોટોકોલ (CYP) ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું. CYP નિષ્ણાતોના સૂચનો સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે કારણ કે તેમાં યોગના તમામ લાભો મેળવવા માટે દૈનિક યોગ અભ્યાસનો સમાવેશ થાય છે. આ પ્રોટોકોલનો ઉદ્દેશ્ય યોગ નિદ્રા, પ્રાણાયામ, ધ્યાન વગેરે જેવી યોગ પ્રથાઓને લોકપ્રિય બનાવવાનો છે. દરેક યોગિક ચળવળ લવચીકતા, શક્તિ, સંતુલન અને સુમેળ સુધારવા માટે મહત્વપૂર્ણ છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ યોગ પોર્ટલ એ લોકોને દરરોજ યોગ અપનાવવા, તેનો અભ્યાસ કરવા અને તેનો આનંદ માણવામાં મદદ કરવા માટેનું એક પ્લેટફોર્મ છે.
હરિત યોગના શુભારંભ પ્રસંગે યોગ પ્રેમીઓમાં 5000થી વધુ ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ પર્યાવરણીય ચેતના સાથે યોગને સંકલિત કરે છે.
ભુવનેશ્વરમાં યોગ મહોત્સવ IDY-2025ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે યોગ દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય અને પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 સુધી કાર્યક્રમોને માર્ગદર્શન આપવા માટે 10 અનન્ય સિગ્નેચર ઇવેન્ટ્સ
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રવૃત્તિઓ વૈશ્વિક યોગ દિવસની 11મી આવૃત્તિને ચિહ્નિત કરવા માટે 10 અનોખા સિગ્નેચર કાર્યક્રમોની આસપાસ ફરશે, જે તેને સૌથી વ્યાપક અને સમાવિષ્ટ બનાવશે:
• યોગ સંગમ – 1,00,000 સ્થળોએ સંકલિત યોગ પ્રદર્શન, જેનો ઉદ્દેશ્ય વિશ્વ વિક્રમ બનાવવાનો છે.
• યોગ બંધન – આઇકોનિક સીમાચિહ્નો પર યોગ સત્રોનું આયોજન કરવા માટે 10 દેશો સાથે વૈશ્વિક ભાગીદારી.
• યોગ પાર્ક – લાંબા ગાળાના સામુદાયિક જોડાણ માટે 1,000 યોગ ઉદ્યાનોનો વિકાસ.
• યોગ સંવાદ – દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો, બાળકો અને વંચિત જૂથો માટે વિશેષ યોગ કાર્યક્રમો.
• યોગપ્રભાવ – જાહેર આરોગ્યમાં યોગની ભૂમિકા પર ડિકેડલ અસરનું મૂલ્યાંકન.
• યોગ કનેક્ટ – એક વર્ચ્યુઅલ ગ્લોબલ યોગ સમિટ, જેમાં પ્રસિદ્ધ યોગ નિષ્ણાતો અને હેલ્થકેર વ્યાવસાયિકો સામેલ છે.
• હરિત યોગ – યોગને વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશ સાથે જોડતી ટકાઉપણું-સંચાલિત પહેલ.
• યોગ અનપ્લગ્ડ- યુવાનોને યોગ પ્રત્યે આકર્ષવાનો એક કાર્યક્રમ
• યોગ મહા કુંભ – 10 સ્થળોએ એક અઠવાડિયા સુધી ચાલતો ઉત્સવ, જે માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં એક કેન્દ્રીય સમારોહમાં પરિણમશે.
• સંયોગ – સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે યોગને આધુનિક આરોગ્યસંભાળ સાથે સાંકળતી 100-દિવસની પહેલ.
પરિશિષ્ટ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) વૈશ્વિક સુખાકારી ચળવળ બની ગયો છે, જેણે વિવિધ દેશોમાં લાખો લોકોને સંગઠિત કર્યા છે. અહીં તેના મુખ્ય સીમાચિહ્નો પર સંક્ષિપ્તમાં એક નજર છે:
● IDY 2015 – નવી દિલ્હી: રાજપથ ખાતેની પ્રથમ IDYમાં 35,985 લોકોએ ભાગ લીધો હતો, જેણે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.
• IDY 2016 – ચંદીગઢઃ કેપિટલ કોમ્પ્લેક્સ ખાતે 30,000 થી વધુ સહભાગીઓ એકઠા થયા હતા, જેમાં 150 દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમણે પહેલી વાર યોગ પ્રોટોકોલ કર્યા હતા. પ્રધાનમંત્રીએ ડાયાબિટીસ જેવા રોગોની સારવારમાં યોગની ભૂમિકા પર ભાર મૂક્યો.
● IDY 2017 – લખનઉ: રમાબાઈ આંબેડકર મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 51,000 સહભાગીઓએ હાજરી આપી, જેમાં યોગને પરવડે તેવા 'સ્વાસ્થ્ય વીમા' તરીકે દર્શાવવામાં આવ્યું.
● IDY 2018 – દહેરાદૂન: ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 50,000થી વધુ સહભાગીઓ, જેનો વિષય "જાહેર આરોગ્ય માટે યોગ" છે. ઈસરોએ ભુવન-યોગ અને યોગ લોકેટર એપ્સ લોન્ચ કરી.
● IDY 2019 – રાંચી: 'યોગ ફોર હાર્ટ કેર' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં ઇકો-ફ્રેન્ડલી યોગ એસેસરીઝથી ખાદીના કારીગરોને લાભ થાય છે.
● IDY 2020 – વર્ચ્યુઅલ: મહામારી વચ્ચે, 12.06 કરોડ લોકો ઓનલાઇન જોડાયા. "માય લાઇફ, માય યોગા" સ્પર્ધામાં 130 દેશોમાંથી એન્ટ્રી મળી હતી.
● IDY 2021 – વર્ચ્યુઅલ: "યોગ ફોર વેલનેસ" થીમ આધારિત જે વૈશ્વિક સ્તરે 496.1 મિલિયન લોકો સુધી પહોંચે છે. ટાઇમ્સ સ્ક્વેર, એફિલ ટાવર અને ટોક્યો સ્કાય ટ્રી પર આઇકોનિક ઉજવણી કરવામાં આવી હતી.
• IDY 2022 – મૈસુર: મૈસુર પેલેસમાં 'ગાર્ડિયન રિંગ' ગ્લોબલ યોગ રિલે અને વીઆર સંચાલિત ડિજિટલ પ્રદર્શન સાથે 15,000 સહભાગીઓ.
● IDY 2023 – જબલપુર અને યુએન મુખ્યાલય, ન્યૂયોર્ક: 23.44 કરોડ સહભાગીઓ સાથે, આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જેમાં સૌથી મોટો યોગ સત્ર (સુરતમાં 1.53 લાખ સહભાગીઓ) નો સમાવેશ થાય છે. 'યોગ મહાસાગર રિંગ' એ 35,000 કિલોમીટરનું અંતર કાપ્યું.
● IDY 2024 – શ્રીનગર: શ્રીનગરના SKICC ખાતે યોજાયો, જેમાં 7,000 સહભાગીઓએ વરસાદ હોવા છતાં પણ ભાગ લીધો. ઈસરોના વૈજ્ઞાનિકોએ 'યોગા ફોર સ્પેસ' પહેલમાં પણ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જેમાં 25.93 લાખ લોકોએ યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. 24.53 કરોડ વૈશ્વિક સહભાગીઓએ તેને ઐતિહાસિક ઉજવણી તરીકે ચિહ્નિત કર્યું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2119707)
Visitor Counter : 36