યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025: SAI ગાંધીનગર પાવરલિફ્ટર્સે 10 મેડલ જીતીને પ્રભુત્વ મેળવ્યું, વિશ્વ ચેમ્પિયનશિપમાં જીતની આશા


KIPG 2025માં ચાર રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા અને તે બધા SAI ગાંધીનગરમાં NCOE કેમ્પર્સના નામ રહ્યાં

Posted On: 28 MAR 2025 1:37PM by PIB Ahmedabad

ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)ના પાવરલિફ્ટિંગ એથ્લેટ્સે બીજા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેની બીજી આવૃત્તિ (મેચ 27) ગુરુવારે દિલ્હીમાં પૂર્ણ થઈ. JLN સ્ટેડિયમ સંકુલમાં આયોજિત પેરા-પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં NCOE કેમ્પર્સે સાત ગોલ્ડ સહિત 10 મેડલ મેળવ્યા હતા.

ઝંડુ કુમાર (પુરુષોમાં 72 કિગ્રા), જસપ્રીત કૌર (મહિલાઓમાં 45 કિગ્રા), સીમા રાની (મહિલાઓમાં 61 કિગ્રા) અને મનીષ કુમાર (પુરુષોમાં 54 કિગ્રા) એ રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઝંડુ, જસપ્રીત અને મનીષની ત્રિપુટીએ એક અઠવાડિયા પહેલા નોઈડામાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બનાવેલા પોતાના જ રાષ્ટ્રીય રેકોર્ડને તોડ્યો હતો. આ નોંધપાત્ર પ્રદર્શન પર પ્રતિબિંબ પાડતા, SAI ગાંધીનગરના મુખ્ય પાવરલિફ્ટિંગ કોચ રાજિન્દર સિંહ રાહેલુ, જે 2004 સમર પેરાલિમ્પિક્સમાં 56 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ વિજેતા છે, તેમણે SAI મીડિયાને જણાવ્યું, "ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ પહેલા, અમારી પાસે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ હતી. જેમાં અમે 8 ગોલ્ડ અને 3 નેશનલ રેકોર્ડ સહિત 12 મેડલ જીત્યા હતા. આ વખતે અમે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત 10 મેડલ અને 4 નેશનલ રેકોર્ડ મેળવ્યા હતા. આશરે અમે એક અઠવાડિયામાં 7 નેશનલ રેકોર્ડ તોડ્યા હતા. KIPG આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન પૂરું પાડે છે અને હવે અમારા ખેલાડીઓ માટે સ્પર્ધાનો ડર દૂર થઈ ગયો છે. તેઓ આત્મવિશ્વાસ ધરાવે છે અને સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે."

KIPG 2025માં ટોચના પોડિયમ પર SAI ગાંધીનગર કેમ્પર્સ ગુલફામ અહેમદ (59 કિગ્રા), સંદેશા બીજી (80 કિગ્રા) અને પરમજીત કુમાર (49 કિગ્રા) સાથે રાષ્ટ્રીય રેકોર્ડ ધારકો પણ જોડાયા હતા. સેન્ટરના સિલ્વર મેડલ વિજેતાઓમાં શિવ કુમાર (49 કિગ્રા), રામુભાઈ બાબુભાઈ (72 કિગ્રા) અને રાહુલ જોગરાજિયા (88 કિગ્રા) હતા.

2019માં NCOE (નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ) તરીકે સ્થાપિત, SAI ગાંધીનગર પેરા પાવરલિફ્ટિંગ માટે ભારતની અગ્રણી તાલીમ સુવિધા તરીકે વિકસિત થયું છે. વર્ષોથી સેન્ટરની સતત પ્રગતિ પર પ્રકાશ પાડતા રાહેલુએ કહ્યું, "2016થી જ્યારે હું SAI ગાંધીનગરમાં જોડાયો, ત્યારે અમે સતત સુધારો કરી રહ્યા છીએ. 2022 સુધીમાં યુવા ખેલાડીઓ નિયમિતપણે તાલીમ માટે આવવા લાગ્યા. છેલ્લા 4-5 વર્ષમાં સેન્ટરમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલા અમારી પાસે ફક્ત એક આધુનિક ફિટનેસ સેન્ટર હતું, પરંતુ હવે અમારી પાસે એક સમર્પિત પાવરલિફ્ટિંગ હોલ છે જે વિશ્વ કક્ષાની સુવિધાઓ, એર કન્ડીશનીંગ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉપયોગમાં લેવાતા એલિકો સેટથી સજ્જ છે. અમારી રિકવરી સુવિધાઓ પણ શ્રેષ્ઠમાંની એક છે." અર્જુન પુરસ્કાર વિજેતા રાહેલુએ જણાવ્યું "આ એક સતત વિકાસ રહ્યો છે અને SAI ગાંધીનગર આંતરરાષ્ટ્રીય ધોરણોની સુવિધાઓ અને સાધનોની દ્રષ્ટિએ ભારતમાં નંબર 1 પેરા પાવરલિફ્ટિંગ સેન્ટર છે." KIPG 2025માં સફળતા સાથે, 51 વર્ષીય કોચે પોતાના શિષ્યો માટે મોટા લક્ષ્યો નક્કી કર્યા છે. "અમારું આગામી તાત્કાલિક લક્ષ્ય આ ઓક્ટોબરમાં ઇજિપ્તમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓછામાં ઓછા 3-4 મેડલ જીતવાનું છે. હાલમાં, પરમજીત કુમાર એકમાત્ર ભારતીય છે જેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો છે, અને તે પણ અમારા કેન્દ્રમાંથી છે."

રાહેલુએ SAI મીડિયાને જણાવ્યું  કે, "આવતા વર્ષે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ યોજાવાની હોવાથી, અમે સંપૂર્ણ સમર્પણ સાથે તૈયારી કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે ભવિષ્યના પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ આ સેન્ટરમાંથી બહાર આવશે, અને અમારી પાસે ઇતિહાસ રચવાની ક્ષમતા છે. અમારા ખેલાડીઓ સક્ષમ છે, અને તેઓ સારું પ્રદર્શન કરશે."

KIPG 2025 વિશે વધુ માહિતી માટે, ક્લિક કરો: Welcome | KIPG 2025

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ વિશે:

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ એ ખેલો ઇન્ડિયા મિશનનો એક ભાગ છે જે પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની રમતગમત અને સ્પર્ધાત્મક કુશળતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની પ્રથમ આવૃત્તિ, જે ડિસેમ્બર 2023માં યોજાવાની હતી. તે નવી દિલ્હીમાં ત્રણ સ્થળોએ સાત રમતગમત શાખાઓમાં યોજાઈ હતી. KIPGની બીજી આવૃત્તિ 20-27 માર્ચ, 2025 દરમિયાન રાજધાનીમાં ત્રણ સ્થળોએ યોજાઈ હતી. આ સ્પર્ધા છ રમતોમાં યોજાઈ હતી.

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2116128) Visitor Counter : 99