વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ગતિશક્તિ હેઠળ નેટવર્ક પ્લાનિંગ ગ્રૂપની 90મી બેઠકમાં મુખ્ય માળખાગત પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું


એનપીજીએ રોડ, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું

Posted On: 27 MAR 2025 7:55PM by PIB Ahmedabad

રોડ, રેલવે અને મેટ્રો સેક્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે નેટવર્ક પ્લાનિંગ ગ્રૂપ (એનપીજી)ની આજે 90મી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન (પીએમજીએસ એનએમપી) સાથે સુસંગત રીતે મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યદક્ષતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

એનપીજીએ પાંચ પ્રોજેક્ટ્સ (બે રોડ, બે રેલવે અને એક મેટ્રો)નું મૂલ્યાંકન કર્યું હતું, જે ઇન્ટિગ્રેટેડ મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક અને સામાજિક નોડ્સ સાથે છેલ્લા માઇલ સુધી કનેક્ટિવિટી અને ઇન્ટરમોડલ સંકલનના પીએમ ગતિશક્તિ સિદ્ધાંતો સાથે સુસંગત છે. આ પહેલો લોજિસ્ટિક્સ કાર્યદક્ષતાને પ્રોત્સાહન આપશે, પ્રવાસનાં સમયમાં ઘટાડો કરશે અને તમામ વિસ્તારોમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભ પ્રદાન કરશે એવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટ્સના મૂલ્યાંકન અને અપેક્ષિત અસરોની વિગત નીચે મુજબ છેઃ

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ)

આકીવેડુથી દિગામારુ સુધી એનએચ-165ની પેવ્ડ શોલ્ડરની ગોઠવણી સાથે 2/4-લેનમાં અપગ્રેડેશન

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ)એ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં આકીવેદુથી દિગામારુ સુધી એનએચ-165ને અપગ્રેડ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. પ્રોજેક્ટનો ઉદ્દેશ હાલનાં રોડને 2/4-લેન પેવ્ડ શોલ્ડર કન્ફિગરેશનમાં અપગ્રેડ કરીને ઇન્ટરકનેક્ટિવિટી વધારવાનો છે, જે એનએચ-216 અને એનએચ-65 વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો કરશે.

આ સંવર્ધિત હાઇવે વાણિજ્યિક ટ્રાફિક માટે વૈકલ્પિક કોરિડોર પ્રદાન કરીને, શહેરી ગીચતામાં ઘટાડો કરીને અને માર્ગ સલામતીમાં સુધારો કરીને હાલનાં માર્ગો પરની ગીચતાને દૂર કરશે એવી અપેક્ષા છે.

લખપતથી સાંતલપુર સુધીનાં પેવ્ડ શોલ્ડર સાથે એનએચ – 754કે સિંગલ લેન/2-લેનને 2-લેનમાં અપગ્રેડ કરવું

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ) ગુજરાતનાં કચ્છ અને પાટણ જિલ્લાઓમાં એનએચ-754કેને સિંગલ/2 લેન રોડથી 2-લેન કન્ફિગરેશનમાં અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં કનેક્ટિવિટીને ઓપ્ટિમાઇઝ કરવા માટે બ્રાઉનફિલ્ડ સુધારાઓ અને ગ્રીનફિલ્ડ બાયપાસ/રિએલાઇનમેન્ટ એમ બંને વિભાગોનો સમાવેશ થાય છે. આ સંશોધિત કોરિડોર એનએચ-341ને જોડીને પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તથા ભુજ રેલવે સ્ટેશન અને નવા ભુજ એરપોર્ટ સુધી શ્રેષ્ઠ સુલભતા ઉપલબ્ધ કરશે.

રેલવે મંત્રાલય (એમઓઆર)

જાજપુર-કેઓંઝાર રોડથી ધમારા બંદર વચ્ચે નવી બીજી રેલવે લાઇનનું નિર્માણ

રેલવે મંત્રાલયે ઇસ્ટ કોસ્ટ રેલવે મારફતે ખુર્દા ડિવિઝન હેઠળ જાજપુર-કેઓંઝાર રોડથી ધમારા પોર્ટ સુધી વાયા અરદી થઇને 101.26 કિલોમીટર લાંબી બ્રોડ ગેજ (બીજી) રેલવે લાઇનનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનો હેતુ ઓડિશાના જાજપુર અને ભદ્રક જિલ્લામાં નૂરની અવરજવર અને મુસાફરોની કનેક્ટિવિટી વધારવાનો છે. આ રેલવે લાઇન ઔદ્યોગિક ક્લસ્ટર્સ, કોલસાનાં ક્ષેત્રો અને ધમારા બંદર વચ્ચે સીધી લિન્ક પ્રદાન કરશે.

લુમડિંગ-તિનસુકિયા-ડિબ્રુગઢ ડબલિંગ પ્રોજેક્ટના સંબંધમાં ફુરકટિંગ-ન્યૂ તિનસુકિયા ડબલિંગ

રેલવે મંત્રાલયે મોટા લુમડિંગ-તિનસુકિયા-દિબ્રુગઢ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે આસામમાં 193.89 કિલોમીટરના અંતરને આવરી લેતા ફુરકટિંગ-ન્યૂ તિનસુકિયા રેલવે સેક્શનને બમણું કરવાની દરખાસ્ત રજૂ કરી છે. આ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટનો હેતુ રેલવેની ક્ષમતા વધારવાનો, નૂર અને મુસાફરોની અવરજવરમાં સુધારો કરવાનો અને ગોલાઘાટ, જોરહાટ, શિવસાગર, દિબ્રુગઢ અને તિનસુકિયા જિલ્લાઓમાં આર્થિક વિકાસને ટેકો આપવાનો છે.

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય (એમઓએચયુએ)

નોઇડા સેક્ટર 142થી બોટનિકલ ગાર્ડન (નોઇડા) સુધી મેટ્રો રેલ કોરિડોર

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (એમઓએચયુએ)એ નોઇડા મેટ્રો રેલ કોરિડોરને સેક્ટર 142થી બોટનિકલ ગાર્ડન સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે 11.56 કિલોમીટરનું અંતર કાપશે. આ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટનો ઉદ્દેશ નોઇડા અને ગ્રેટર નોઇડામાં શહેરી પરિવહન વધારવાનો, માર્ગો પરની ગીચતામાં ઘટાડો કરવાનો અને જાહેર પરિવહન સુલભતામાં સુધારો કરવાનો છે. આ કોરિડોર નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશન (એનએમઆરસી)ની એક્વા લાઇન અને બોટનિકલ ગાર્ડન ખાતે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)ની બ્લ્યુ લાઇન વચ્ચે મહત્ત્વપૂર્ણ કડી તરીકે કામ કરશે, જે પ્રવાસીઓ માટે સતત સંકલન પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે સુસંગત આ માળખાગત પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે. લોજિસ્ટિક્સમાં સુધારો કરશે અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરશે. આ બેઠકની અધ્યક્ષતા ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી)ના સંયુક્ત સચિવ શ્રી પંકજ કુમારની અધ્યક્ષતામાં થઈ હતી.

AP/IJ/GP/JD


(Release ID: 2115982) Visitor Counter : 68