માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
પર્વતમાલાઃ રાષ્ટ્રીય રોપ-વે વિકાસ કાર્યક્રમ
લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીનું રૂપાંતરણ
Posted On:
11 MAR 2025 6:41PM by PIB Ahmedabad
"દેશમાં પ્રથમ વખત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ જેવા વિસ્તારો માટે 'પર્વતમાલા યોજના' શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પર્વતો પર પરિવહન અને કનેક્ટિવિટીની આધુનિક વ્યવસ્થા ઊભી કરશે. તે આપણા દેશના સરહદી ગામોને પણ મજબૂત બનાવશે, જે વાઇબ્રન્ટ બનવાની જરૂર છે, અને જે દેશની સુરક્ષા માટે પણ જરૂરી છે."
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (CCEA)એ ઉત્તરાખંડમાં નેશનલ રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ – પર્વતમાલા પરિયોજના અંતર્ગત બે મુખ્ય રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 12.4 કિ.મી.ના ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી રોપ-વેને રૂ.2,730.13 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. જ્યારે 12.9 કિ.મી.ના સોનપ્રયાગથી કેદારનાથ રોપ-વેને રૂ.4,081.28 કરોડમાં મંજૂરી આપવામાં આવી છે. બંને પ્રોજેક્ટ્સ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ ((PPP) ફ્રેમવર્કમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) મોડલ હેઠળ અમલમાં મૂકવામાં આવશે.
પર્વતમાલા – સલામત અને કાર્યક્ષમ વૈકલ્પિક પરિવહન
ડુંગરાળ વિસ્તારોમાં કાર્યક્ષમ પરિવહન નેટવર્ક વિકસાવવું એ એક મોટો પડકાર છે. આ વિસ્તારોમાં રેલ અને હવાઈ પરિવહન નેટવર્ક મર્યાદિત છે. જ્યારે માર્ગ નેટવર્કના વિકાસમાં તકનીકી પડકારો છે. આ પૃષ્ઠભૂમિમાં રોપ-વે એક અનુકૂળ અને સલામત વૈકલ્પિક પરિવહન માધ્યમ તરીકે ઉભરી આવ્યા છે.

અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં છેવાડાનાં વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધારવા ભારત સરકારે વર્ષ 2022નાં બજેટમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ હેઠળ નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ – પર્વતમાલાની જાહેરાત કરી હતી. નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML) દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ પાંચ વર્ષની અંદર 1,200 કિલોમીટરને આવરી લેતા 250થી વધારે રોપ-વે પ્રોજેક્ટ્સ વિકસાવવાનો છે. જે પરંપરાગત માર્ગ પરિવહન માટે સ્થાયી અને અસરકારક વિકલ્પ પ્રદાન કરશે.
'મેક ઇન ઇન્ડિયા' પહેલ સાથે સંલગ્ન આ કાર્યક્રમ રોપ-વેના નિર્માણમાં ઓછામાં ઓછા 50 ટકા સ્વદેશી ઘટકોને ફરજિયાત બનાવે છે. ઓછામાં ઓછી પર્યાવરણીય અસરો સાથે રોપ-વે ભારતના પડકારજનક પ્રદેશો માટે ખર્ચ-અસરકારક, ઊર્જા-કાર્યક્ષમ અને વિશ્વસનીય પરિવહન ઉકેલ પૂરો પાડે છે.
રોપ-વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય પરિબળો
- આર્થિક – રોપ-વે માટે ઓછામાં ઓછું ગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન કરવું પડે છે. જેનાથી જમીન સંપાદનનો ખર્ચ ઘટે છે. રસ્તાઓ કરતા પ્રતિ કિ.મી.ના બાંધકામનો ખર્ચ ઊંચો હોવા છતાં, નીચા જાળવણી ખર્ચને કારણે તે એકંદરે વધુ આર્થિક બની શકે છે.
- ઝડપી - રોપ-વે સીધો હવાઈ માર્ગ પૂરો પાડે છે, જે ડુંગરાળ અને પડકારજનક પ્રદેશોને બાયપાસ કરીને તેને ઝડપી બનાવે છે.
- પર્યાવરણને અનુકૂળ - રોપ-વેમાં ધૂળનું ઉત્સર્જન ઓછું હોય છે અને પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટે મટિરિયલ કન્ટેનરની રચના કરી શકાય છે.
- લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી – રોપ-વે પ્રોજેક્ટ્સ મુસાફરોના સામૂહિક પરિવહનને સક્ષમ બનાવે છે, જે લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી સોલ્યુશનને કાર્યક્ષમ પ્રદાન કરે છે.
અવકાશ
- વ્યાપક અમલીકરણ: ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા રાજ્યોને આવરી લેવા.
- શહેરી અને ગ્રામીણ કનેક્ટિવિટીઃ ગ્રામીણ વિસ્તારોમાં દૈનિક અવરજવર અને પર્યટનના હોટસ્પોટ્સને સમર્થન આપે છે.
- ભીડમાં ઘટાડોઃ ગીચ સ્થળોએ વૈકલ્પિક પરિવહન માધ્યમ પ્રદાન કરે છે.
- રોજગારીની તકોઃ બાંધકામ, સંચાલન અને જાળવણીમાં રોજગારીનું સર્જન કરે છે.
- આર્થિક વૃદ્ધિઃ સ્થાનિક વેપાર-વાણિજ્ય અને આનુષંગિક ઉદ્યોગોને મજબૂત બનાવે છે.
રોપ-વેના ફાયદા[1]
• મુશ્કેલ/પડકારજનક/સંવેદનશીલ વિસ્તારો માટે આદર્શઃ પરિવહનનું આ માધ્યમ દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોને અવરજવર માટે સક્ષમ બનાવશે અને તેમને મુખ્ય ધારાનો ભાગ બનવામાં મદદરૂપ થશે.
• અર્થતંત્રઃ રોપ-વેમાં એકથી વધુ કાર હોય છે. જે સિંગલ પાવર-પ્લાન્ટ અને ડ્રાઈવ મિકેનિઝમ દ્વારા સંચાલિત થાય છે. તેનાથી બાંધકામ અને જાળવણી બંનેનો ખર્ચ ઘટે છે. આખા રોપ-વે માટે એક જ ઓપરેટરનો ઉપયોગ એ મજૂર ખર્ચની દ્રષ્ટિએ એક વધારાની બચત છે.
• ફ્લેક્સિબલઃ રોપ-વે વિવિધ પ્રકારના પદાર્થોના એક સાથે પરિવહનને અનુમતિ આપે છે.
• મોટા ઢોળાવને નિયંત્રિત કરવાની ક્ષમતાઃ રોપ-વે અને કેબલવે (કેબલ ક્રેન) મોટા ઢોળાવ અને ઊંચાઈના મોટા તફાવતને નિયંત્રિત કરી શકે છે. જ્યાં રોડ અથવા રેલરોડને સ્વિચબેક અથવા ટનલની જરૂર હોય છે, ત્યાં રોપ-વે સીધો જ ફોલ લાઇન ઉપર અને નીચે જાય છે.
• નાનું સ્થાનઃ સમયાંતરે માત્ર સાંકડા-આધારિત ઊભા ટેકાની જ જરૂર પડે છે, જેના કારણે બાકીની જમીન મુક્ત રહે છે, જેથી બિલ્ટ-અપ વિસ્તારોમાં અને જ્યાં જમીનના ઉપયોગ માટે તીવ્ર સ્પર્ધા હોય તેવા સ્થળોએ રોપ-વેનું નિર્માણ શક્ય બને છે.
કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ

4,081.28 કરોડના ખર્ચે નેશનલ રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ - પર્વતમાલા પરિયોજના હેઠળ સોનપ્રયાગ-કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ (12.9 કિમી) ને મંજૂરી આપવામાં આવી છે. તેને અદ્યતન ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા (3S) ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવશે. જેની ક્ષમતા પ્રતિ કલાક 1,800 પેસેન્જરની છે. રોપ-વેથી પ્રવાસનો સમય 8થી 9 કલાક ઘટીને માત્ર 36 મિનિટ થઈ જશે. જે કેદારનાથનાં યાત્રાળુઓ માટે સુરક્ષિત, ઇકો-ફ્રેન્ડલી અને તમામ ઋતુની કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટથી પર્યટનને પ્રોત્સાહન મળશે, રોજગારીનું સર્જન થશે અને હોસ્પિટાલિટી અને ટ્રાવેલ જેવા સ્થાનિક ઉદ્યોગોને ટેકો મળશે. 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથમાં દર વર્ષે આશરે 20 લાખ યાત્રાળુઓ આવે છે અને આ પ્રોજેક્ટથી આ પૂજનીય મંદિરની સુલભતામાં વધારો થશે.
હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ

ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી રોપ-વે તમામ ઋતુને કનેક્ટિવિટી પ્રદાન કરશે. જે પડકારજનક 21 કિલોમીટરની યાત્રાને આધુનિક પરિવહન વ્યવસ્થા સાથે બદલી નાખશે. તેમાં ગોવિંદઘાટથી ઘંઘારિયા (10.55 કિમી) સુધી મોનોકેબલ ડિટેચેબલ ગોંડોલા (MDG) અને ઘંઘારિયાથી હેમકુંડ સાહિબજી (1.85 કિમી)ની ક્ષમતા ધરાવતી ટ્રિપેબલ ડિટેચેબલ ગોંડોલા (3S)ની સુવિધા હશે, જે પ્રતિ કલાક 1,100 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે, જે દરરોજ 11,000 મુસાફરોનું પરિવહન કરશે. 15,000 ફૂટની ઊંચાઈએ સ્થિત હેમકુંડ સાહિબજીની મુલાકાત દર વર્ષે 1.5-2 લાખ તીર્થયાત્રીઓ લે છે અને તે વેલી ઓફ ફ્લાવર્સ (યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ)ની નજીક છે. આ પ્રોજેક્ટ પ્રવાસનને વેગ આપશે, રોજગારીનું સર્જન કરશે અને આ ક્ષેત્રના આર્થિક વિકાસને ટેકો આપશે.
પર્વતમાલા પરિયોજના અંતર્ગત રોપવેના મોટા પ્રોજેક્ટ્સ
રોપ-વે ટેકનોલોજી કનેક્ટિવિટીમાં વધારો કરે છે. પ્રવાસનને પ્રોત્સાહન આપે છે અને ખર્ચ-અસરકારક અને જમીન-કાર્યક્ષમ હોવા છતાં રોજગારીનું સર્જન કરે છે. નદીઓ, ઇમારતો, કોતરો અથવા રસ્તાઓ જેવા કુદરતી અવરોધોને બાયપાસ કરીને, રોપ-વે પરંપરાગત માળખાનો એક વ્યવહારુ વિકલ્પ પૂરો પાડે છે. પર્વતમાલા પરિયોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં 60 કિલોમીટર લાંબી પરિયોજનાઓને પુરસ્કાર આપવાની યોજના છે. જેમાં ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્ર સહિત 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રોપ-વે પ્રોજેક્ટ્સ નિર્માણાધીન:


- વારાણસી શહેરી રોપ-વે: ભીડભાડવાળા શહેરી વિસ્તારોમાં રોપ-વેને પરિવહનના વૈકલ્પિક માધ્યમ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યો છે. માર્ચ, 2023માં માનનીય પ્રધાનમંત્રી દ્વારા વારાણસીમાં ભારતના પ્રથમ શહેરી રોપ-વે પ્રોજેક્ટનું શિલારોપણ કરવામાં આવ્યું હતું. જેનું નિર્માણ વારાણસી કેન્ટથી થઈ રહ્યું છે. વારાણસીના વ્યસ્ત માર્ગો પર ભીડને હળવી કરવા માટે બનાવવામાં આવેલા આ પ્રોજેક્ટમાં 148 ગોંડોલા કેબિન્સ હશે, જે દરરોજ 96,000 મુસાફરોને પરિવહન કરવામાં સક્ષમ છે. રોપ-વે કનેક્ટિવિટી વધારશે અને મુસાફરીના સમયમાં ઘટાડો કરશે. જે શહેર માટે આધુનિક, કાર્યદક્ષ અને ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્ઝિટ સોલ્યુશન પ્રદાન કરશે. વારાણસીના પડકારજનક પરિદ્રશ્યમાં આ 3.85 કિલોમીટરના પટ્ટાનો વિકાસ એ ભારતના શહેરી માળખામાં અદ્યતન રોપ-વે ટેકનોલોજીને સંકલિત કરવાની દિશામાં એક મોટું પગલું છે.
- ગૌરીકુંડ-કેદારનાથ રોપ-વે (9.7 કિ.મી., 3,584 મીટરની ઊંચાઈ) : આ પ્રોજેક્ટનો સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે, ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા સાથે ટ્રેક મુસાફરીનો સમય હાલના 7થી 9 કલાકથી ઘટીને માત્ર 28 મિનિટનો થઈ જશે, જે પ્રતિ કલાક 3600 મુસાફરોને પ્રતિ કલાકની ઝડપે લઈ જશે.
આગામી અને પુરસ્કાર વિજેતા રોપવે પ્રોજેક્ટ્સ:
પુરસ્કાર પામેલા પ્રોજેક્ટ્સ (4.93 કિલોમીટરની લંબાઈ)
|
પસંદગીના બિડર્સની ઓળખ (3.25 કિ.મી.ની લંબાઈ)
|
7 પ્રોજેક્ટ માટે બિડ મંગાવવામાં આવી છે (કુલ 53.28 કિમી)
|
- બિજલી મહાદેવ (હિમાચલ પ્રદેશ)
- ધોસી હિલ (હરિયાણા),
- મહાકાલેશ્વર મંદિર (મધ્યપ્રદેશ).
|
- સંગમ પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ), શંકરાચાર્ય મંદિર (જમ્મુ અને કાશ્મીર).
|
- સોનપ્રયાગ - કેદારનાથ (ઉત્તરાખંડ)
- ગોવિંદઘાટ - હેમકુંડ સાહિબ (ઉત્તરાખંડ)
- કામાખ્યા મંદિર (આસામ),
- તવાંગ મઠ – પીટ ત્સો તળાવ (અરુણાચલ પ્રદેશ)
- કાઠગોદામ – હનુમાન ગઢી મંદિર (ઉત્તરાખંડ)
- રામટેક ગઢ મંદિર (મહારાષ્ટ્ર)
- બ્રહ્મગિરિ-અંજનેરી (મહારાષ્ટ્ર) .
|
નિષ્કર્ષ
પર્વતમાલા પરિયોજના ભારતના માળખાગત વિકાસમાં નોંધપાત્ર હરણફાળ ભરે છે. જે પડકારજનક વિસ્તારોમાં ટકાઉ અને કાર્યક્ષમ પરિવહનને સક્ષમ બનાવે છે. હાલમાં ચાલી રહેલા અને આગામી પ્રોજેક્ટ્સ સાથે રોપ-વે ભારતના પરિવહન નેટવર્કનો મુખ્ય હિસ્સો બની જશે. જે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે, પ્રવાસન વધારશે અને સાથે સાથે પર્યાવરણની સ્થિરતાને પ્રાથમિકતા આપીને આર્થિક વૃદ્ધિને વેગ આપશે. આ પહેલનો ઉદ્દેશ સલામત, વાજબી ખર્ચ-અસરકારક, અનુકૂળ અને વૈશ્વિક કક્ષાનું રોપ-વે માળખું સ્થાપિત કરવાનો છે. જે લોજિસ્ટિક્સ કાર્યદક્ષતા વધારવા અને દેશમાં એકંદર ગતિશીલતામાં સુધારો કરવા માટે પ્રથમ અને છેલ્લા માઇલ સુધી સાતત્યપૂર્ણ જોડાણ સુનિશ્ચિત કરવાનો છે.
સંદર્ભો
પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2110727)
Visitor Counter : 30