યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. મનસુખ માંડવિયા ઓલિમ્પિક તૈયારી અને રમતગમત શાસન પર ચિંતન શિબિરનું નેતૃત્વ કરશે


રાજ્યો, નિષ્ણાતો અને હિસ્સેદારો વૈશ્વિક રમતગમતની ઉત્કૃષ્ટતા માટે ભારતની યાત્રાની રણનીતિ ઘડશે

Posted On: 06 MAR 2025 12:05PM by PIB Ahmedabad

2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને 2036 સમર ગેમ્સનું આયોજન કરવાની ભારતની મહત્વાકાંક્ષી દાવેદારી સાથે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 7-8 માર્ચે હૈદરાબાદમાં એક ઉચ્ચ સ્તરીય ચિંતન શિબિરની અધ્યક્ષતા કરશે.

કાન્હા શાંતિ વનમ ખાતે આયોજિત બે દિવસીય વિચારમંથન સત્રમાં વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના રમતગમત મંત્રીઓ, વરિષ્ઠ રમતગમત પ્રશાસકો, મુખ્ય સરકારી અધિકારીઓ અને ડોમેન નિષ્ણાતો વિચારોનું આદાન-પ્રદાન કરશે અને ભારતના વૈશ્વિક રમતગમત પાવરહાઉસ તરીકે ઉભરી આવવા માટે રોડમેપ તૈયાર કરશે. ચર્ચા-વિચારણા રમતગમત શાસનને પ્રોત્સાહન આપવા, પાયાના સ્તરે પ્રતિભા ઓળખવા, માળખાગત વિકાસ, સમાવેશીતા અને સહયોગને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત રહેશે.

ભારતના રમતગમતના લેન્ડસ્કેપને ઉન્નત બનાવવાના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનનું નેતૃત્વ કરી રહેલા ડૉ. માંડવિયા ભારતની ઓલિમ્પિક મહત્વાકાંક્ષાઓ અને રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર હિસ્સેદારો સાથે વ્યૂહાત્મક ચર્ચામાં ભાગ લેશે. ચિંતન શિબિર દરમિયાન રાજ્યના પ્રતિનિધિઓ તેમની શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીન મોડેલો રજૂ કરશે.

ચિંતન શિબિરના મુખ્ય કેન્દ્ર ક્ષેત્રો:

  • ભારત સરકારની વિવિધ યોજનાઓનોનું અવલોકન અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન
  • રમતગમત વિકાસ અને રમતગમત માળખામાં કોર્પોરેટ સાથે ભાગીદારી
  • પ્રતિભાની શોધ અને જમીની સ્તરે પ્રતિભાઓનું સંવર્ધન
  • રમતગમતમાં સુશાસનને પ્રોત્સાહન
  • ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાના વિસ્તરણ પર ચર્ચા
  • રમતગમતમાં સમાવેશકતાને પ્રોત્સાહન
  • ખેલાડીઓ અને કોચનું કલ્યાણ

સહયોગી અને પરિણામલક્ષી અભિગમના મહત્વ પર ભાર મૂકતા, ડૉ. માંડવિયાએ ટિપ્પણી કરી હતી કે, “હાલમાં જ ઉત્તરાખંડ રાષ્ટ્રીય રમતોમાં ભારતીય રમતવીરોની સફળતા આપણી અપાર ક્ષમતાને ઉજાગર કરે છે. આપણું લક્ષ્ય સ્પષ્ટ છે, એટલે કે ઓલિમ્પિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી અને ભારતને વૈશ્વિક રમતગમત શક્તિ બનાવવાની છે. વિચારો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન કરીને, આપણે એક સંરચિત અને ટકાઉ રમતગમત માળખું સુનિશ્ચિત કરી શકીએ છીએ. ઓલિમ્પિક્સનું આયોજન એ એક રાષ્ટ્રીય મિશન છે અને આપણે સાથે મળીને આગળ વધવું જોઈએ.”

ચર્ચાનું એક મહત્વપૂર્ણ પાસું ભૂતપૂર્વ રમતવીરોની કુશળતાનો ઉપયોગ કરવાનો રહેશે. ડૉ. માંડવિયાએ રાજ્યોને એવા ટોચના ખેલાડીઓની ઓળખ કરવાનો આગ્રહ કર્યો છે કે, જેઓ કોચિંગમાં ભૂમિકાઓ ભજવી શકે, રમતગમતની ઇકોસિસ્ટમમાં અંતર દૂર કરી શકે અને પ્રતિભા વિકાસ પાઇપલાઇનને મજબૂત બનાવી શકે.

આ ચિંતન શિબિર ભારતીય રમતગમત ઇકોસિસ્ટમમાં પરિવર્તનશીલ ફેરફારો માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપશે, જે વૈશ્વિક મંચ પર લાંબા ગાળાની સફળતા માટેનો મંચ તૈયાર કરશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2108744) Visitor Counter : 91