નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના એક વર્ષમાં બદલાવ
ભારતની સૌર ક્રાંતિને ઊર્જાવાન બનાવવી
Posted On:
12 FEB 2025 12:48PM by PIB Ahmedabad
પરિચય
13 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના (PMSGMBY) તેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરશે. જે એક સસ્તી સૌર ઊર્જા સાથે ઘરોને સશક્ત બનાવવા અને સ્થાયી ભવિષ્ય તરફ ભારતના પરિવર્તનકાળને વેગ આપવા માટેના એક વર્ષની ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરી, 2024ના રોજ શરૂ કરવામાં આવેલી આ અભૂતપૂર્વ પહેલનો હેતુ રૂફટોપ સોલર પેનલ્સ લગાવવાની સુવિધા આપીને ઘરોમાં મફત વીજળી પૂરી પાડવાનો છે. વિશ્વની સૌથી મોટી સ્થાનિક રૂફટોપ સોલર પહેલ PMSGMBY માર્ચ, 2027 સુધીમાં એક કરોડ ઘરોને સૌર ઊર્જાનો પુરવઠો પૂરો પાડવાના સાહસિક વિઝન સાથે ભારતના ઊર્જા પરિદ્રશ્યને નવો આકાર આપી રહી છે.
27 જાન્યુઆરી, 2025 સુધીમાં આ યોજનાએ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન્સ દ્વારા 8.46 લાખ ઘરોને લાભ આપ્યો છે. સૌર ઊર્જાનો ઝડપી સ્વીકાર માસિક ઇન્સ્ટોલેશન રેટમાં દસ ગણો વધારો દર્શાવે છે. જે હવે દર મહિને આશરે 70,000 ઇન્સ્ટોલેશન્સ પર છે. જે નોંધપાત્ર રીતે પૂર્વ-યોજના સ્તરોને વટાવી જાય છે. આ યોજના 40 ટકા સુધીની સબસિડી આપે છે, જે નવીનીકરણીય ઊર્જાને વધુ સસ્તી અને સુલભ બનાવે છે. અત્યાર સુધીમાં 5.54 લાખ રહેણાંક ઉપભોક્તાઓને સેન્ટ્રલ ફાઇનાન્સિયલ આસિસ્ટન્સ (CFA) તરીકે ₹4,308.66 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રત્યેક ઘરદીઠ સરેરાશ ₹77,800ની સબસિડી આપવામાં આવી છે. આ ઉપરાંત અંદાજે 45 ટકા લાભાર્થીઓને હવે તેમના સૌર ઊર્જા ઉત્પાદન અને વપરાશની પેટર્નના આધારે શૂન્ય વીજ બિલ મળી રહ્યા છે.
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ સૌથી વધુ ઘરોનો લાભ મેળવનારા ટોપ 5 રાજ્યો.
મુખ્ય લાભો
પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના સહભાગી પરિવારોને કેટલાંક મહત્ત્વપૂર્ણ લાભો પ્રદાન કરે છેઃ
- ઘર માટે નિઃશુલ્ક વીજળી: આ યોજના સબસિડીવાળા રૂફટોપ સોલર પેનલની સ્થાપના દ્વારા ઘરોને મફત વીજળી પ્રદાન કરે છે, જે તેમના ઊર્જા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
- સરકાર માટે વીજળીના ખર્ચમાં ઘટાડો: સૌર ઊર્જાના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપીને, આ યોજનાથી સરકારને વીજળીના ખર્ચમાં વાર્ષિક અંદાજિત ₹75,000 કરોડની બચત થવાની ધારણા છે.
- પુનઃપ્રાપ્ય ઊર્જાનો વધતો ઉપયોગઃ આ યોજના પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સ્ત્રોતોને અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે, જે ભારતમાં વધારે સંતુલિત અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા મિશ્રણમાં પ્રદાન કરે છે.
- કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો : આ યોજના હેઠળ સૌર ઊર્જામાં પરિવર્તન થવાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મદદ મળશે, જે ભારતની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની કટિબદ્ધતાને ટેકો આપશે.
સબસિડી વિગતો
આ યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી સબસિડી ઘરના સરેરાશ માસિક વીજ વપરાશ અને તેને અનુરૂપ રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતાના આધારે બદલાય છેઃ
સરેરાશ માસિક વિદ્યુત વપરાશ (એકમો)
|
અનુકૂળ રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતા
|
સબસીડી આધાર
|
0-150
|
1-2 KW
|
₹ 30,000/- થી ₹ 60,000/-
|
150-300
|
2-3 KW
|
₹ 60,000/- થી ₹ 78,000/-
|
> 300
|
3 KW ઉપર
|
₹ 78,000/-
|
સબસિડી એપ્લિકેશન અને વેન્ડર સિલેક્શન: પરિવાર/ધારક નેશનલ પોર્ટલ દ્વારા સબસિડી માટે અરજી કરી શકે છે. જ્યાં તેઓ રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માટે યોગ્ય વિક્રેતાની પસંદગી પણ કરી શકે છે. રાષ્ટ્રીય પોર્ટલ યોગ્ય સિસ્ટમ કદ, લાભ કેલ્ક્યુલેટર, વિક્રેતાના રેટિંગ્સ અને અન્ય સંબંધિત વિગતો પર માહિતી પ્રદાન કરીને નિર્ણય લેવામાં મદદ કરશે. તમામ ઓળખપત્રોને નેશનલ પોર્ટલ પર યોગ્ય રીતે દાખલ કરવામાં આવ્યા હોવાથી, સીએફએની પ્રક્રિયામાં લાગતો સરેરાશ સમય ગ્રાહક દ્વારા કરવામાં આવેલી રિડેમ્પ્શન વિનંતીના આશરે 15 દિવસ પછીનો હોય છે.
કોલેટરલ-ફ્રી લોન્સઃ 3 કિલોવોટ સુધી રેસિડેન્શિયલ રૂફટોપ સોલર (RTS) સિસ્ટમ સ્થાપિત કરવા માટે કુટુંબોને કોલેટરલ-ફ્રી આશરે 7 ટકાના દરે ઓછા વ્યાજની લોન મળશે.
યોગ્યતા
આવેદન પ્રક્રિયા
સોલાર પેનલ ઇન્સ્ટોલેશનની સરળ અને કાર્યક્ષમ રજૂઆત અને મંજૂરીની ખાતરી કરવા માટે એપ્લિકેશન પ્રક્રિયામાં નવ વિશિષ્ટ પગલાઓને અનુસરવાનો સમાવેશ થાય છે.
અસર
પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વીજળી યોજનાનાં વ્યક્તિગત કુટુંબો અને સંપૂર્ણ રાષ્ટ્ર એમ બંને માટે દૂરગામી પરિણામો આવવાની અપેક્ષા છેઃ
- ઘરગથ્થું બચત અને આવકનું સર્જનઃ કુટુંબોને તેમનાં વીજળીનાં બિલ પર નોંધપાત્ર બચતનો લાભ મળશે. આ ઉપરાંત, તેમની રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા પેદા થતી વધારાની વીજળી ડિસ્કોમ કંપનીઓને વેચીને વધારાની આવક મેળવવાની તેમની પાસે તક હશે. દાખલા તરીકે 3-કિલોવોટની સિસ્ટમ દર મહિને સરેરાશ 300 યુનિટથી વધુનું ઉત્પાદન કરી શકે છે, જે ઊર્જા અને સંભવિત આવકનો વિશ્વસનીય સ્ત્રોત પૂરો પાડે છે.
- સૌર ક્ષમતાનું વિસ્તરણ : આ યોજના રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ ઇન્સ્ટોલેશન મારફતે 30 ગીગાવોટ સૌર ક્ષમતાનો ઉમેરો કરશે એવી ધારણા છે. જે ભારતનાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં લક્ષ્યાંકોમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરશે.
- પર્યાવરણને લગતા લાભો: આ રૂફટોપ સિસ્ટમ્સના 25 વર્ષના જીવનકાળ દરમિયાન એવો અંદાજ લગાવવામાં આવે છે કે, આ યોજના 1000 બીયુ વીજળીનું ઉત્પાદન કરશે જ્યારે કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં 720 મિલિયન ટનનો ઘટાડો કરશે. જે પર્યાવરણ પર નોંધપાત્ર હકારાત્મક અસર કરશે.
- રોજગારીનું સર્જનઃ આ યોજનાથી ઉત્પાદન, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન, વેચાણ, ઇન્સ્ટોલેશન, ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ (O&M) અને અન્ય સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં આશરે 17 લાખ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. જેથી દેશમાં રોજગારી અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.
મોડેલ સોલાર વિલેજ
આ યોજનાના "મોડલ સોલાર વિલેજ" ઘટક હેઠળ સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં એક આદર્શ સૌર ગામ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ સૌર ઊર્જાના સ્વીકારને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામ સમુદાયોને ઊર્જા સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવવાનો છે. આ ઘટક માટે ₹800 કરોડની ફાળવણી નક્કી કરવામાં આવી છે. જેમાં દરેક પસંદ કરેલા મોડેલ સોલાર વિલેજને ₹1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઉમેદવાર તરીકે લાયક ઠરવા માટે, તે 5,000થી વધુ વસ્તી (અથવા ખાસ શ્રેણીના રાજ્યોમાં 2,000)ની વસ્તી ધરાવતું મહેસૂલી ગામ હોવું આવશ્યક છે. ગામડાંઓની પસંદગી એક સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જેનું મૂલ્યાંકન જિલ્લા કક્ષાની સમિતિ (DLC) દ્વારા ઓળખાયાના છ મહિના પછી તેમની એકંદર વિતરિત પુનઃપ્રાપ્ય ઊર્જા (RE) ક્ષમતા પર કરવામાં આવે છે.
દરેક જિલ્લાના સૌથી વધુ RE ક્ષમતાવાળા ગામને કેન્દ્રીય નાણાકીય સહાયની ગ્રાન્ટ ₹1 કરોડની મળશે. DLCની દેખરેખ હેઠળ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પુનઃપ્રાપ્ય ઊર્જા વિકાસ એજન્સી તેના અમલીકરણની દેખરેખ રાખશે. જેથી આ મોડલ ગામડાઓ સૌર ઊર્જામાં સફળતાપૂર્વક પરિવર્તિત થશે અને દેશભરના અન્ય લોકો માટે એક માપદંડ સ્થાપિત થશે.
નિષ્કર્ષ
પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના લાખો ઘરોને સૌર ઊર્જાથી સશક્ત બનાવીને ભારતના ઊર્જા પરિદ્રશ્યને નોંધપાત્ર રીતે પુનઃઆકાર આપવા જઈ રહી છે. માર્ચ 2025 સુધીમાં ઇન્સ્ટોલેશન્સ 10 લાખથી વધુ થવાની ધારણા છે. જે ઓક્ટોબર 2025 સુધીમાં બમણી થઈને 20 લાખ થઈ જશે. માર્ચ 2026 સુધીમાં 40 લાખ સુધી પહોંચી જશે અને આખરે માર્ચ 2027 સુધીમાં મહત્વાકાંક્ષી એક કરોડ લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. આ પરિવર્તનકારી પહેલ સરકારને વીજળીના ખર્ચમાં વાર્ષિક રૂ. 75,000 કરોડની બચત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. જે સ્વચ્છ ઊર્જા નવીનીકરણમાં ભારતના નેતૃત્વને મજબૂત બનાવશે. નોંધપાત્ર સબસીડીઓ, સુલભ નાણાકીય વિકલ્પો અને પુનઃપ્રાપ્ય ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ પહેલ માત્ર ઘરોને નિઃશુલ્ક વીજળી પૂરી પાડશે તેટલું જ નહીં, પરંતુ સરકાર માટે નોંધપાત્ર બચતો, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને રોજગારીના સર્જનમાં પણ પ્રદાન કરશે.
મોડેલ સોલાર વિલેજ પહેલ ગ્રામીણ વિસ્તારોને ઊર્જા આત્મનિર્ભર બનવામાં વધુ સમર્થન આપે છે. જે સાતત્યપૂર્ણ વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમે ભારતને એક એવા હરિયાળા, વધારે ઊર્જા-કાર્યક્ષમ ભાવિ ભણીના માર્ગ પર ગતિમાન કર્યું છે, જે પુનઃપ્રાપ્ય ઊર્જામાં તેના નેતૃત્વને પ્રતિપાદિત કરે છે.
સંદર્ભો:
મહેરબાની કરીને PDF ફાઇલ માટે અહીં ક્લીક કરો
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2102209)
Visitor Counter : 41