વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ભારતીય કોફીની વૈશ્વિક માગ વધી રહી છે
નિકાસમાં ઉછાળો
Posted On:
20 JAN 2025 3:54PM by PIB Ahmedabad
કોફી સાથે ભારતની સફર સદીઓ પહેલા શરૂ થઈ હતી. જ્યારે સુપ્રસિદ્ધ પવિત્ર સંત બાબા બુદાન 1600નાં દાયકામાં કર્ણાટકની પહાડીઓ પર સાત મોચાનાં બીજ લાવ્યા હતા. બાબા બુદાન ગિરિમાં તેમના આશ્રમનાં પ્રાંગણમાં આ બીજ રોપવાના તેમના સરળ કાર્યએ અજાણતાં જ ભારતને વિશ્વના અગ્રણી કોફી ઉત્પાદકોમાંથી એક બનાવી દીધો. સદીઓથી, ભારતમાં કોફીની ખેતી એક સામાન્ય પ્રથાથી એક સમૃદ્ધ ઉદ્યોગ તરફ વિકસિત થઈ છે, જેમાં દેશની કોફી હવે વિશ્વભરમાં વ્યાપકપણે પસંદ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારત 1.29 અબજ ડોલરની નિકાસ સાથે વૈશ્વિક સ્તરે સાતમો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ બની ગયો છે, જે 2020-21માં 719.42 મિલિયન ડોલરની સરખામણીએ લગભગ બમણો છે.
સમૃદ્ધ અને અનન્ય સ્વાદોની વધતી વૈશ્વિક માંગને કારણે ભારતની કોફીની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. જાન્યુઆરી 2025નાં પહેલા છ માસિક ગાળામાં ભારતે ઇટાલી, બેલ્જિયમ અને રશિયા સહિતનાં ટોચનાં ખરીદદારો સાથે 9,300 ટનથી વધુ કોફીની નિકાસ કરી હતી. ભારતનાં લગભગ ત્રણ ચતુર્થાંશ કોફી ઉત્પાદનમાં અરેબિકા અને રોબસ્ટા બીન્સનો સમાવેશ થાય છે. આ મુખ્યત્વે અનરોસ્ટેડ બીન્સ તરીકે નિકાસ કરવામાં આવે છે. જો કે, રોસ્ટેડ અને ઇન્સ્ટન્ટ કોફી જેવા મૂલ્ય-વર્ધિત ઉત્પાદનોની માંગ વધી રહી છે, જે નિકાસ તેજીને વધુ વેગ આપે છે.
કાફે કલ્ચર વધતા, વધુ ખર્ચ કરવા જેટલી લોકોની યોગ્ય આવક અને ચા કરતાં કોફીની વધતી જતી પસંદગીને કારણે ભારતમાં પણ કોફીનો વપરાશ સતત વધી રહ્યો છે. આ વલણ ખાસ કરીને શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ઘરેલુ વપરાશ 2012માં 84,000 ટનથી વધીને 2023માં 91,000 ટન થયો છે. આ ઉછાળો પીવાની ટેવમાં વ્યાપક પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, કારણ કે કોફી દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ છે.
ભારતની કોફી મુખ્યત્વે ઇકોલોજીકલ સમૃદ્ધ પશ્ચિમી અને પૂર્વીય ઘાટમાં ઉગાડવામાં આવે છે, જે તેમની જૈવ વિવિધતા માટે પ્રખ્યાત વિસ્તારો છે. કર્ણાટક ઉત્પાદનમાં મોખરે છે, જેણે 2022-23માં 248,020 મેટ્રિક ટન યોગદાન આપ્યું છે, ત્યારબાદ કેરળ અને તમિલનાડુનો ક્રમ આવે છે. આ વિસ્તારોમાં છાયાવાળા બગીચાઓ આવેલા છે. જે માત્ર કોફી ઉદ્યોગને જ ટેકો આપતા નથી, પરંતુ કુદરતી પર્યાવરણને જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આ જૈવ વિવિધતા હોટસ્પોટ્સનાં ઇકોલોજીકલ સંતુલનને જાળવવામાં મદદ કરે છે.
કોફીનું ઉત્પાદન વધારવા અને વધતી જતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને પહોંચી વળવા માટે, કોફી બોર્ડ ઓફ ઇન્ડિયાએ ઘણી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. ઇન્ટિગ્રેટેડ કોફી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઇસીડીપી) મારફતે ઉપજમાં સુધારો કરવા બિનપરંપરાગત પ્રદેશોમાં ખેતીનું વિસ્તરણ કરવા અને કોફી ફાર્મિંગની સ્થિરતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પગલાં ભારતનાં કોફી ઉદ્યોગને મજબૂત કરવા, ઉત્પાદકતા વધારવા અને તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા માટેની વિસ્તૃત વ્યૂહરચનાનો એક ભાગ છે.
આની સફળતાનું મુખ્ય ઉદાહરણ અરાકુ વેલી છે, જ્યાં લગભગ 150,000 આદિવાસી પરિવારોએ કોફી બોર્ડ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ એજન્સી (આઇટીડીએ) નાં સહયોગથી કોફી ઉત્પાદનમાં 20 ટકાનો વધારો કર્યો છે. આ સિદ્ધિને ગિરિજન કો-ઓપરેટિવ કોર્પોરેશન (જીસીસી)ની લોનનું પણ સમર્થન છે. જે બતાવે છે કે કેવી રીતે કોફીની ખેતી સમુદાયોને સશક્ત બનાવે છે અને અખંડ ભારતની દ્રષ્ટિને સમર્થન આપે છે.
આ પહેલ નિકાસ પ્રોત્સાહનો અને લોજિસ્ટિક સપોર્ટ સાથે મળીને ભારતનાં કોફી ઉદ્યોગનાં વિસ્તરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. તેઓ સ્થાનિક ઉત્પાદન અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા એમ બંનેમાં સુધારો કરવામાં મદદ કરે છે. જે વૈશ્વિક કોફી બજારમાં ભારતને અગ્રણી ખેલાડી તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કરે છે.
સંદર્ભો
https://www.fas.usda.gov/data/production/commodity/0711100 (વિશ્વમાં ટોચનાં કોફી ઉત્પાદકોનું રેન્કિંગ)
NIRYAT (ભારત કુલ નિકાસ માહિતી)
શીર્ષક ઉપશીર્ષક (કોફીનું સેવન)
https://pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=151807®=3&lang=1 (અરાકુ કોફી)
કોફી બોર્ડ ઓફ ઇન્ડિયા
પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો (0.58 MB, Format: PDF)
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2094708)
Visitor Counter : 23