ભારતના લોકપાલ
azadi ka amrit mahotsav

ભારતના લોકપાલ દ્વારા તારીખ 16 જાન્યુઆરીએ પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

Posted On: 17 JAN 2025 11:56AM by PIB Ahmedabad

ભારતના લોકપાલનો સ્થાપના દિવસ સૌપ્રથમ વાર તારીખ 16 જાન્યુઆરીના રોજ માણેકશા સેન્ટર, નવી દિલ્હી ખાતે ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી જસ્ટિસ સંજીવ ખન્નાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ જ દિવસે તારીખ 16.01.2014ના રોજ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013ની કલમ 3 લાગુ થવાની સાથે જ ભારતના લોકપાલની સ્થાપના થઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને કર્ણાટકના ભૂતપૂર્વ લોકાયુક્ત જસ્ટિસ શ્રી એન.સંતોષ હેગડે; પદ્મભૂષણ શ્રી અન્ના હઝારે; ભારતના એટર્ની જનરલ શ્રી આર વેંકટરમણી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશો, ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધિશો, ઉચ્ચ અદાલતોના ન્યાયાધિશો, રાજ્યોના લોકાયુક્તો, ભારતના લોકપાલના ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન, સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશન અને દિલ્હી બાર એસોસિએશનના પદાધિકારીઓ, મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશો અને દિલ્હી ન્યાયતંત્રના વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યાં હતા.

પદ્મ ભૂષણ શ્રી અન્ના હજારે વર્ચ્યુઅલ મોડ દ્વારા ઉજવણીમાં જોડાયા હતા.

કેગ, સીબીઆઈ, સીવીસી જેવી વિવિધ સંસ્થાઓના અધિકારીઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના સીવીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભની શરૂઆત મુખ્ય અતિથિ ભારતનાં મુખ્ય ન્યાયાધિશ શ્રી જસ્ટિસ સંજીવ ખન્નાનાં સ્વાગત સાથે થઈ હતી. મુખ્ય અતિથિ મહાનુભાવો અને પ્રતિનિધિઓઓનું સ્વાગત કરતા લોકપાલ સભ્ય ન્યાયમૂર્તિ લિંગપ્પા નારાયણ સ્વામીએ પોતાના ભાષણમાં કહ્યું કે, "આ પ્રસંગ માત્ર ચિંતનના દિવસ તરીકે જ નહીં, પરંતુ આપણી સામૂહિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ તરીકે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

ભારતના લોકપાલના અધ્યક્ષ શ્રી જસ્ટિસ એ. એમ. ખાનવિલકરે તેમના વક્તવ્યમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતના લોકપાલનો ઉદભવ એ "ભ્રષ્ટાચાર સામે લડવા માટે લોકપાલની માગણી કરતી પરિવર્તનકારી સિવિલ સોસાયટીની ચળવળમાંથી જન્મેલી એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે." તેમણે કહ્યું- "આ દિવસ, 16 મી જાન્યુઆરી, માત્ર એક સ્વાયત્ત, સ્વતંત્ર અને અદ્વિતિય સંસ્થા તરીકે લોકપાલની સ્થાપનાની ઉજવણી નથી પણ આ આપણી લોકશાહીનો પાયો રચે છે અને દરેક સ્તરે ભ્રષ્ટાચારમુક્ત શાસનને ટેકો આપે છે તેવાં હાર્દરૂપ મૂલ્યો પ્રત્યે સમાન વિચારધારા ધરાવતાં તમામ લોકોની દૃઢ પ્રતિબદ્ધતાના ચિત્રણ વિશે પણ છે." જાહેર કચેરીઓમાં ભ્રષ્ટાચાર નાબૂદીના ચાલી રહેલા મિશનમાં "લોકપાલ એક મહત્વપૂર્ણ સાધન છે" એ વાત પર ભાર મૂકતાં જસ્ટિસ ખાનવિલકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે "લોકપાલ સમક્ષના પડકારો હંમેશાં વિકસી રહ્યા છે. કારણ કે ભ્રષ્ટાચારનું મોડેલ વિકસી રહ્યું છે. રાજકારણીઓ, નોકરશાહો અને ધંધાકીય હિતો વચ્ચેની સાંઠગાંઠ વધારે મજબૂત બની છે. તે સતત તકેદારી અને સમયસર અને અસરકારક ફોલોઅપ સફાઇ મિકેનિઝમની બાંહેધરી આપે છે."

લોકપાલની કામગીરી કેવી રહેશે તે અંગેના વિઝન વિશે બોલતા જસ્ટિસ ખાનવિલકરે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે લોકપાલની કામગીરીને મજબૂત બનાવવા માટે બહુઆયામી વ્યૂહરચના ઘડવામાં આવી છે. જેમ કે, ફરિયાદ નોંધવાની પ્રક્રિયાને સરળ બનાવવી અને તેને હિસ્સેદારને અનુકૂળ બનાવવી, પ્રક્રિયાઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધારવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને વ્યવસ્થાઓનું સંકલન કરવું, કાર્યક્ષમ ડેટા મેનેજમેન્ટ અને વિશ્લેષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવો, ભ્રષ્ટાચારની વધતી જતી અત્યાધુનિક પ્રકૃતિને દૂર કરવા ફોરેન્સિક એકાઉન્ટિંગ અને સાયબર તપાસ સહિત વિશિષ્ટ કુશળતા ધરાવતા કર્મચારીઓની ભરતીને પ્રાથમિકતા આપવી,  ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એક સુસંગત અને સંગઠિત મોરચો ઊભો કરવા માટે એન્ટિ-કરપ્શન બ્યુરો (સીબીઆઇ), વિજિલન્સ કમિશન્સ (સીવીસી અને સીવીઓ), અન્ય કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓ અને ન્યાયતંત્ર સાથે જોડાણ વધારવાનો પ્રચાર કરવો સામેલ છે.

જાગરુક જનતાના મહત્વને સ્વીકારતી વખતે જસ્ટિસ ખાનવિલકરે વધુમાં જણાવ્યું હતું કે "અમારું માનવું છે કે જે સમાજ તેના અધિકારોથી વાકેફ છે અને તેમની સુરક્ષા માટે બનાવવામાં આવેલી સંસ્થામાં સરળતાથી પ્રવેશ મેળવે છે તે એક એવું વાતાવરણ બનાવવાની દિશામાં એક પગલું છે જે હવે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં."

ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોવાની ખાતરી આપતા અધ્યક્ષે ખાતરી આપી હતી કે લોકપાલ તેની પહોંચ વધારવાનું ચાલુ રાખશે, પ્રક્રિયાઓમાં સુધારો કરશે અને સંસ્થામાં લોકોનો વિશ્વાસ મજબૂત કરશે.

ત્યારબાદ મુખ્ય અતિથિના હસ્તે શ્રી જસ્ટિસ એન.સંતોષ હેગડે અને શ્રી આર.વેંકટરમણીનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય અતિથિ તરફથી રાલેગાંવ સિદ્ધિ ખાતે ભારતના લોકપાલના અન્ડર સેક્રેટરી શ્રી બિનોદ કુમાર દ્વારા પદ્મભૂષણ શ્રી અન્ના હજારેનું સન્માન કરવામાં આવ્યું હતું.

પદ્મભૂષણ અન્ના હજારેએ તાજેતરના સમયમાં ભ્રષ્ટાચાર સામે સૌથી મોટી જાહેર ચળવળોમાંની એકનું નેતૃત્વ કરવાના યોગદાન પર ભાર મૂકતા, ભારતના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે લોકપાલ આપણા લોકશાહીના કેન્દ્રમાં રહેલા સિદ્ધાંતને સમર્થન આપે છે - કે સત્તાનો જવાબદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ અને સરકારે નૈતિકતા, જવાબદારી અને પારદર્શિતાને વળગી રહેવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકપાલ આપણી બંધારણીય યોજના માટે સર્વોપરી છે કારણ કે તે ભ્રષ્ટાચારના ઝેરનો મારણ પૂરું પાડે છે, આ એક એવું જોખમ છે જેણે વિશ્વભરમાં લોકશાહીઓને કનડગત કરી છે.

જનતાના વિશ્વાસ અને તેના મહત્વ પર ભાર મૂકતા મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે સરકારો ન્યાયી અને જાહેર હિતમાં કાર્ય કરશે તેવી માન્યતા લોકશાહી અને સુશાસનનો પાયો છે. તેમણે કહ્યું હતું કે વિશ્વાસ વિના કોઈ પણ સિસ્ટમ, ગમે તેટલી જટિલ અથવા સારી રીતે ડિઝાઇન કરેલી હોય તો પણ અસરકારક રીતે કાર્ય કરી શકતી નથી.

ભ્રષ્ટાચાર ફક્ત હેડિંગ બનાવવાના કૌભાંડો સુધી મર્યાદિત નથી, પરંતુ સૌથી વધુ વંચિત લોકોને અસર કરતા દૈનિક જીવનમાં વ્યાપ્ત છે. તે સંસાધનોની અયોગ્ય ફાળવણી તરફ દોરી જાય છે જે સમાનતાને નબળી પાડે છે. ભ્રષ્ટાચારના દરેક કૃત્યથી લોકોનો વિશ્વાસ ડગમગી જાય છે.

પારદર્શકતા અને જવાબદારીને જાળવી રાખનારા ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાનાં મહત્ત્વ પર પ્રકાશ પાડતા ભારતના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે,તેઓ નાગરિકો અને જાહેર વહીવટ વચ્ચે મધ્યસ્થી કરે છે.

લોકપાલ સમક્ષના પડકારોને ટાંકીને તેમણે કેન્દ્રીય તકેદારી આયોગ જેવી સંસ્થાઓ સાથે સુચારુ સંકલન આવશ્યક છે તેના પર ભાર મૂક્યો હતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે, લોકપાલની સ્વતંત્રતા, વસ્તુગતતા અને કામગીરી પર જનતાનો વિશ્વાસ આધાર રાખે છે. તેમણે નાગરિકોને ભ્રષ્ટાચારની જાણ કરવામાં સક્રિયપણે જોડાવા અને લોકોને તેમની ભૂમિકા વિશે શિક્ષિત કરવા પણ જણાવ્યું હતું.

લોકપાલના આઇટી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી લોકપાલની યાત્રા પર એક વીડિયો ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં લોકપાલની ઉત્ક્રાંતિ અને આગળનો રસ્તો દર્શાવવામાં આવ્યો હતો. તે પછી માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તૈયાર કરેલી લોકપાલની કામગીરીને રજૂ કરતી એક ટૂંકી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

લોકપાલના સભ્ય શ્રી જસ્ટિસ સંજય યાદવે આભારવિધિ કરી હતી અને સ્થાપના દિવસનો કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે પૂર્ણ થયો હતો.

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2093688) Visitor Counter : 45