સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે દિવ્ય કલા મેળો 2025નો પ્રારંભ થયો
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્યમંત્રી શ્રી બી.એલ. વર્માએ આજે સાંજે 5 વાગ્યે દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કર્યું
દસ દિવસના મેળા દરમિયાન, ભારત સરકારની રાષ્ટ્રીય સંસ્થાઓ, કોર્પોરેશનો અને NGO દ્વારા દિવ્યાંગોની સમસ્યાઓ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે
આ મેળા હેઠળ, 17 જાન્યુઆરી, 2025ના રોજ દિવ્યાંગો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે
દિવ્ય કલા મેળામાં ગુજરાતના 30 દિવ્યાંગોને 1 કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવ્યું
Posted On:
09 JAN 2025 8:05PM by PIB Ahmedabad
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્યમંત્રી શ્રી બી.એલ. વર્માએ દિવ્યાંગજનોને શક્ય તમામ મદદની ખાતરી આપતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં દિવ્યાંગજનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ લોકોને 'દિવ્યાંગ' શબ્દ આપીને સમાજના લોકોની વિચારસરણી બદલી નાખી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખાસ કરીને દિવ્યાંગજનોમાં ઉદ્યોગસાહસિકતા અને કારીગરીને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ઘડી છે. આ યોજનાઓ દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને તાલીમ, કૌશલ્ય અને નાણાં પૂરા પાડવા માટે લાગુ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે દિવ્યાંગ લોકોની શ્રેણીઓ 7 થી વધારીને 21 કરી છે. આ સાથે તેમણે કહ્યું કે સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે અનામત 3% થી વધારીને 4% કરવામાં આવી છે અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં દિવ્યાંગો માટે અનામત 3%થી વધારીને 5% કરવામાં આવી છે. સરકાર દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા માટે ઓછા વ્યાજ દરે વિવિધ યોજનાઓ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડી રહી છે.
આ પ્રસંગે, NDFDC ના CMD નવીન શાહએ જણાવ્યું હતું કે અમે દેશના દરેક મોટા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કુલ 22 રાષ્ટ્રીય મેળા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ મેળો 23મો મેળો છે. મેળાના ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના સાંસદ શ્રી ડૉ. હેમાંગ જોશી, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કલેક્ટર શ્રી વિજલ શાહ, વિકલાંગતા કમિશનર શ્રી વી.જે. રાજપૂત અને મંત્રાલયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ મેળામાં, IRCONના CSR ફંડમાંથી NDFDC દ્વારા 11 દિવ્યાંગ વ્યક્તિઓને મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલનું વિતરણ પણ કરવામાં આવશે.
NDFDCની યોજનાઓ હેઠળ, ગુજરાત રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓને રૂ. 1 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, દિવ્યાંગજનોને ટોકન તરીકે લોન મંજૂરી પત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તીકરણ વિભાગ દ્વારા 9 થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે 'દિવ્ય કલા મેળા'નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો/કારીગરોના ઉત્પાદનો અને કારીગરીનું પ્રદર્શન કરી શકાય. આ મેળામાં, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વીય રાજ્યો સહિત દેશના વિવિધ ભાગોના કારીગરો હસ્તકલા, હાથવણાટ, ભરતકામ અને પેકેજ્ડ ફૂડ વગેરે જેવા તેમના અદ્ભુત અને આકર્ષક ઉત્પાદનોનું પ્રદર્શન કરશે જે વેચાણ માટે પણ ઉપલબ્ધ રહેશે.
આ દિવ્યાંગોના આર્થિક સશક્તીકરણ તરફની એક અનોખી પહેલ છે. દિવ્ય કલા મેળો દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્પાદનો અને કૌશલ્યોનું માર્કેટિંગ અને પ્રદર્શન કરવા માટે એક વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડે છે. વડોદરામાં દિવ્ય કલા મેળો 2022થી શરૂ થતી શ્રેણીનો 23મો મેળો છે. આ મેળાનું આયોજન અગાઉ દિલ્હી, મુંબઈ, ભોપાલ, ઇન્દોર, ગુવાહાટી, જયપુર, વારાણસી, અમદાવાદ, સુરત જેવા મુખ્ય શહેરોમાં થઈ ચૂક્યું છે. આ મેળાના આયોજન માટે, દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તીકરણ વિભાગે રાષ્ટ્રીય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમને નોડલ એજન્સી તરીકે પસંદ કર્યું છે. મેળા દરમિયાન, 17 જાન્યુઆરી, 2025 ના રોજ દિવ્યાંગો માટે રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવશે.
દિવ્ય કલા મેળામાં લગભગ 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 100 દિવ્યાંગ કારીગરો/કલાકારો અને ઉદ્યોગસાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે. આ મેળો લોકોમાં 'વોકલ ફોર લોકલ' ની વિભાવના ફેલાવવા માટે એક શક્તિશાળી માધ્યમ સાબિત થઈ રહ્યો છે, જેમાં દેશભરમાં યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને દિવ્યાંગ કારીગરો દ્વારા બનાવેલા ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આ દસ દિવસીય દિવ્ય કલા મેળાનો આનંદ સવારે 11.00 થી રાત્રે 9.00 વાગ્યા સુધી માણી શકાય છે. આ ઉપરાંત, દેશના પ્રખ્યાત કલાકારો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશના વિવિધ રાજ્યોના પ્રખ્યાત ફૂડ સ્ટોલ આ મેળાના ખાસ આકર્ષણો છે. મેળામાં લોકો માટે ઘણા આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.
AP/IJ/GP/JD
(Release ID: 2091626)
Visitor Counter : 37