માહિતી અને પ્રસારણ મંત્રાલય
રાષ્ટ્રપ્રેમ સર્વોપરી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
એક ભારત, શ્રેષ્ઠ ભારત આપણે સાકાર કરવાનું છે: માનનીય મુખ્યમંત્રીશ્રી
કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
19 DEC 2024 3:23PM by PIB Ahmedabad
ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળને સંબોધતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં વિકાસમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો ફાળો છે. તેમણે દરેક વર્ગ, લોકો અને સંસ્થાઓને સાથે મળી આગળ વધવા માટે "સબકા સાથ, સબકા વિકાસ"ની કલ્પનાને સાકાર કરી છે. પ્રધાનમંત્રી સ્વચ્છતાથી સેમી કંડક્ટર સુધી દરેક ક્ષેત્રમાં વિકાસ બાબતે વિચારે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે, અમને અખબાર વગેરે દ્વારા ગુજરાતનાં વિકાસ અંગે માહિતી મળે છે. પણ અહીં રૂબરૂ તે તમામ કામગીરીને નજીકથી જોવાનો અવસર મળ્યો. સ્ટેચ્યુ ઑફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાત અને તેની જાણકારી મેળવવામાં આનંદ થયો હોવાનું પણ જણાવ્યું હતું. પત્રકારોએ આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી.

કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળનાં સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીનાં નાયબ નિયામક, ડૉ.અથિરા થમ્પીએ મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ચિન્હ ભેટ આપી હતી.
આ પ્રસંગે પીઆઈબી, ગુજરાતનાં એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી પ્રકાશ મગદુમે "Mahatma Gandhi - A Life Through Lenses" પુસ્તક તેમજ નાયબ નિયામક આરોહી પટેલે સ્મૃતિ ચિન્હ ભેટ કર્યું હતું. આ અવસરે મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર ઈન્દ્રવદનસિંહ ઝાલા, દિનેશ કલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2085996)
आगंतुक पटल : 242