પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

'મન કી બાત'ના 116મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (24.11.2024)

Posted On: 24 NOV 2024 11:44AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' એટલે દેશના સામૂહિક પ્રયાસોની વાત, દેશની ઉપલબ્ધિઓ વિશે વાત, જન-જનના સામર્થ્યની વાત, 'મન કી બાત' એટલે દેશના યુવાં સપનાંઓ અને દેશના નાગરિકોની આકાંક્ષાઓની વાત. હું આખા મહિના દરમિયાન 'મન કી બાત'ની પ્રતીક્ષા કરું છું, જેથી હું તમારી સાથે સીધો સંવાદ કરી શકું. કેટલા બધા સંદેશાઓ, કેટલા મેસેજ ! મારો પૂરો પ્રયાસ રહે છે કે વધુમાં વધુ સંદેશાઓ વાંચું, તમારાં સૂચનો પર મંથન કરું.

સાથીઓ, આજે ખૂબ જ ખાસ દિવસ છે - આજે NCC દિવસ છે. NCCનું નામ સામે આવતા જ, આપણને સ્કૂલ-કૉલેજના દિવસો યાદ આવી જાય છે. હું પોતે પણ NCCનો કેડેટ રહ્યો છું, આથી પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેનાથી મળેલો અનુભવ મારા માટે અણમોલ છે. 'NCC' યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને સેવાની ભાવના ઉત્પન્ન કરે છે. તમે પોતાની આસપાસ જોયું હશે, જ્યારે પણ ક્યાંય કોઈ આપદા આવે છે, પછી તે પૂરની સ્થિતિ હોય, ક્યાંક ભૂકંપ આવ્યો હોય, કોઈ દુર્ઘટના થઈ હોય, ત્યાં મદદ કરવા માટે NCCના કેડેટ અવશ્ય ઉપસ્થિત થઈ જાય છે. આજે દેશમાં NCCને મજબૂત કરવા માટે સતત કામ થઈ રહ્યું છે. 2014માં લગભગ 14 લાખ યુવાનો NCC સાથે જોડાયેલા હતા. હવે 2024માં 20 લાખથી વધુ યુવાનો NCC સાથે જોડાયેલા છે. પહેલાંની સરખામણીએ પાંચ હજાર અને નવી શાળાઓ-કૉલેજોમાં હવે NCCની સુવિધા થઈ ગઈ છે અને સૌથી મોટી વાત, પહેલાં NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 25% (ટકા)ની આસપાસ રહેતી હતી. હવે NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 40% (ટકા) થઈ ગઈ છે.

સીમા પર રહેનારા યુવાનોને વધુમાં વધુ NCC સાથે જોડવાનું અભિયાન પણ સતત ચાલુ છે. હું યુવાનોને આગ્રહ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં NCC સાથે જોડાવ. તમે જોશો કે તમે કોઈ પણ કારકિર્દીમાં જાવ NCCથી તમારા વ્યક્તિગત નિર્માણમાં ખૂબ જ મદદ મળશે.

સાથીઓ, વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોનો રોલ ખૂબ જ મોટો છે. યુવા મન જ્યારે એકસંપ થઈને દેશની ભવિષ્યની યાત્રા માટે મંથન કરે છે, ચિંતન કરે છે, તો નિશ્ચિત રીતે તેમાંથી નક્કર માર્ગ મળે છે. તમે જાણો છો કે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી પર દેશ 'યુવા દિવસ' મનાવે છે. આગામી વર્ષે સ્વામી વિવેકાનંદજીની 162મી જયંતી છે. આ વખતે તેને ખૂબ જ વિશેષ રીતે મનાવવામાં આવશે. આ અવસર પર 11-12 જાન્યુઆરીએ દિલ્લીના ભારત મંડપમમાં યુવા વિચારોનો મહા કુંભ આયોજિત થવા જઈ રહ્યો છે અને આ પહેલનું નામ છે 'વિકસિત ભારત Young Leaders Dialogue'. ભારતભરમાંથી કરોડો યુવાનો તેમાં ભાગ લેશે. ગામ, બ્લૉક, જિલ્લા, રાજ્ય અને ત્યાંથી નીકળીને પસંદ કરાયેલા આવા બે હજાર યુવાનો ભારત મંડપમમાં 'વિકસિત ભારત Young Leaders Dialogues' માટે એકત્ર થશે. તમને યાદ હશે, મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી એવા યુવાનોને રાજનીતિમાં આવવાનું આહ્વાન કર્યું છે, જેના પરિવારની કોઈ પણ વ્યક્તિ અને પૂરા પરિવારનું political background નથી, આવા એક લાખ યુવાનોને, નવા યુવાનોને, રાજનીતિ સાથે જોડવા માટે દેશમાં અનેક પ્રકારનાં વિશેષ અભિયાન ચલાવાશે. 'વિકસિત ભારત Young Leaders Dialogue' પણ આવો જ એક પ્રયાસ છે. તેમાં દેશ અને વિદેશથી વિશેષજ્ઞો આવશે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ રહેશે. હું પણ તેમાં વધુમાં વધુ સમય ઉપસ્થિત રહીશ. યુવાનોને સીધા અમારી સામે પોતાના ideas રાખવાનો અવસર મળશે. દેશ આ ideasને આગળ લઈને કેવી રીતે જઈ શકે છે?

કેવી રીતે એક નક્કર રોડમેપ બની શકે છે? તેની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે, તો તમે પણ તૈયાર થઈ જાવ, જે ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાના છે, જે દેશની ભાવિ પેઢી છે, તેમના માટે આ ખૂબ જ મોટો અવસર આવી રહ્યો છે. આવો મળીને દેશ બનાવીએ, દેશને વિકસિત બનાવીએ.

મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં, આપણે, ઘણી વાર એવા યુવાનોની ચર્ચા કરીએ છીએ, જે નિઃસ્વાર્થ ભાવથી સમાજ માટે કામ કરી રહ્યા છે. એવા કેટલાય યુવાનો છે જે લોકોની નાની-નાની સમસ્યાઓનું સમાધાન મેળવવામાં લાગેલા છે. આપણે આપણી આસપાસ જોઈશું તો કેટલાય એવા લોકો દેખાય છે, જેમને, કોઈ ને કોઈ પ્રકારની મદદ જોઈએ છે, કોઈ જાણકારી જોઈએ છે. મને એ જાણીને સારું લાગ્યું કે કેટલાક યુવાનોએ સમૂહ બનાવીને આ પ્રકારની વાતને પણ address કરી છે જેમ કે લખનઉના રહેવાસી વીરેન્દ્ર છે, તેઓ વૃદ્ધોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના કામમાં મદદ કરે છે. તમે જાણો છો કે નિયમો મુજબ, બધા પેન્શર્સને વર્ષમાં એક વાર લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. 2014 સુધી તેની પ્રક્રિયા એવી હતી કે તેને બૅંકોમાં જઈને વૃદ્ધે પોતે જમા કરાવવું પડતું હતું. તમે કલ્પના કરી શકો છો કે તેનાથી આપણા વૃદ્ધોને કેટલી અસુવિધા થતી હતી. હવે તે વ્યવસ્થા બદલાઈ ચૂકી છે. હવે digital life certificate આપવાથી ચીજો ખૂબ જ સરળ બની ગઈ છે, વૃદ્ધોને બૅંક નથી જવું પડતું. વૃદ્ધોને ટેક્નોલોજીના કારણે કોઈ તકલીફ ન પડે, તેમાં વીરેન્દ્ર જેવા યુવાનોની મોટી ભૂમિકા છે. તેઓ, પોતાના ક્ષેત્રના વૃદ્ધોને તેના વિશે જાગૃત કરતા રહે છે. એટલું જ નહીં, તેઓ વૃદ્ધોને tech savvy પણ બનાવી રહ્યા છે. આવા જ પ્રયાસોથી આજે digital life certificate મેળવનારાઓની સંખ્યા 80 લાખના આંકડાને પાર કરી ગઈ છે.

તેમાંથી બે લાખથી વધુ એવા વૃદ્ધો છે, જેમની વય 80થી પણ વધુ છે. સાથીઓ, અનેક શહેરોમાં યુવાનો વૃદ્ધોને digital ક્રાંતિમાં ભાગીદાર બનાવવા માટે પણ આગળ આવી રહ્યા છે. ભોપાલના મહેશે પોતાની શેરીમાં અનેક વૃદ્ધોને mobileના માધ્યમથી payment કરવાનું શીખવ્યું છે. આ વૃદ્ધો પાસે સ્માર્ટ ફોન તો હતો, પરંતુ, તેનો સાચો ઉપયોગ બતાવનાર કોઈ નહોતું. વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટના ભયથી બચાવવા માટે પણ યુવાનો આગળ આવ્યા છે. અમદાવાદના રાજીવ, લોકોને ડિજિટલ એરેસ્ટના ભયથી ચેતવે છે. મેં 'મન કી બાત'ના ગત એપિસોડમાં ડિજિટલ એરેસ્ટની ચર્ચા કરી હતી. આ પ્રકારના અપરાધના વધુમાં વધુ શિકાર વૃદ્ધો જ બને છે. આવામાં આપણી જવાબદારી છે કે આપણે તેમને જાગૃત બનાવીએ અને cyber fraudથી બચાવવામાં મદદ કરીએ. આપણે વારંવાર લોકોને સમજાવવું પડશે કે ડિજિટલ એરેસ્ટ નામથી સરકારમાં કોઈ પણ જોગવાઈ જ નથી - આ હળાહળ જૂઠાણું, લોકોને ફસાવવાનું એક ષડયંત્ર છે. મને આનંદ છે કે આપણા યુવા સાથીઓ આ કામમાં પૂરી સંવેદનશીલતાથી હિસ્સો લઈ રહ્યા છે અને બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, આજ-કાલ બાળકોના ભણતર માટે અનેક પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. પ્રયાસ એ જ છે કે આપણાં બાળકોમાં creativity વધુ વધે, પુસ્તકો માટે તેમનામાં પ્રેમ વધુ વધે - કહે પણ છે કે પુસ્તકો માનવનાં સૌથી સારા મિત્ર હોય છે, અને હવે આ મિત્રતાને મજબૂત કરવા માટે,લાઇબ્રેરીથી વધુ સારી જગ્યા બીજી કઈ હોઈ શકે? હું ચેન્નાઈનું એક ઉદાહરણ તમારી સાથે શેર કરવા માગું છું. ત્યાં બાળકો માટે એક એવી લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, જે ક્રિએટિવિટી અને લર્નિંગનું હબ બની ચૂકી છે. તેને પ્રકૃત અરિવગમ્ના નામથી ઓળખવામાં આવે છે.

લાઈબ્રેરીનો વિચાર, ટેક્નોલોજીની દુનિયા સાથે જોડાયેલા શ્રીરામ ગોપાલનની દેણ છે. વિદેશમાં પોતાના કામ દરમિયાન તેઓ લેટેસ્ટ ટેક્નોલોજીની દુનિયા સાથે જોડાયેલા રહ્યા. પરંતુ તેઓ, બાળકોમાં ભણવા અને શીખવાની ટેવ વિકસાવવા વિશે પણ વિચારતા રહ્યા. ભારત પાછા ફરીને તેમણે પ્રકૃત અરિવગમ્ને તૈયાર કર્યું. તેમાં ત્રણ હજારથી વધુ પુસ્તકો છે, જેને વાંચવા માટે બાળકોમાં હોડ લાગી રહે છે. પુસ્તકો સિવાય તે libraryમાં થનારી અનેક પ્રકારની પ્રવૃત્તિ પણ બાળકોને આકર્ષતી રહે છે. સ્ટોરી ટેલિંગ સેસશન હોય, આર્ટ વર્કશોપ હોય, મેમરી ટ્રેનિંગ ક્લાસ, રોબોટિક્સ લેસન કે પછી પબ્લિક સ્પીકિંગ હોય અહીં, દરેક માટે કંઈ ને કંઈ અવશ્ય છે, જે તેમને પસંદ આવે છે.

સાથીઓ, હૈદરાબાદમાં 'ફુડ ફોર થોટ ફાઉન્ડેશન' એ પણ અનેક શાનદાર લાઇબ્રેરી બનાવી છે. તેમનો પણ પ્રયાસ એ જ છે કે બાળકોને વધુમાં વધુ વિષયો પર મહત્ત્વની જાણકારી સાથે વાંચવા માટે પુસ્તકો મળે. બિહારમાં ગોપાલગંજની 'પ્રયોગ લાઇબ્રેરી'ની ચર્ચા તો આસપાસનાં અનેક શહેરોમાં થવા લાગી છે. આ લાઇબ્રેરીથી લગભગ 12 ગામોનાં યુવાનો પુસ્તકો વાંચવાની સુવિધા મળવા લાગી છે, સાથે જ તે, લાઇબ્રેરી ભણતરમાં મદદ કરનારી બીજી આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. કેટલીક લાઇબ્રેરી તો એવી છે, જે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વિદ્યાર્થીઓને ઘણી કામ આવે છે. સમાજને સશક્ત બનાવવામાં આજે લાઇબ્રેરીનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે તે જોવું ખરેખર ખૂબ જ સુખદ છે. તમે પણ પુસ્તકો સાથે મિત્રતા વધારો, અને જુઓ, તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે.

મારા પ્રિય દેશવાસીઓ, પરમ દિવસની રાત્રે જ હું દક્ષિણ અમેરિકાના એક દેશ ગુયાનાથી પરત આવ્યો છું. ભારતથી હજારો કિલોમીટર દૂર, ગુયાનામાં પણ એક 'મિનિ ભારત' વસે છે. આજથી લગભગ 180 વર્ષ પહેલાં, ગુયાનામાં ભારતના લોકોને, ખેતરમાં મજૂરી માટે, બીજાં કામો માટે, લઈ જવામાં આવ્યા હતા.

આજે ગુયાનામાં ભારતીય મૂળના લોકો રાજકારણ, વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં ગુયાનાનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી પણ ભારતીય મૂળના છે, જે, પોતાના ભારતીય વારસા પર ગર્વ કરે છે. જ્યારે હું ગુયાનામાં હતો, ત્યારે, મારા મનમાં એક વિચાર આવ્યો હતો, જે હું 'મન કી બાત'માં તમારી સાથે વ્યક્ત કરી રહ્યો છું. ગુયાનાની જેમ દુનિયાના ડઝનોં દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય છે. દાયકાઓ પહેલાંની 200-300 વર્ષ પહેલાંની તેમના પૂર્વજોની પોતાની વાતો છે. શું તમે એવી વાતોને શોધી શકો કે ભારતીય પ્રવાસીઓએ કેવી રીતે અલગ-અલગ દેશોમાં પોતાની ઓળખ બનાવી ! કેવી રીતે તેમણે ત્યાંની સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લીધો ! કેવી રીતે તેમણે પોતાના ભારતીય વારસાને જીવંત રાખ્યો?  હું ઇચ્છું છું કે તમે એવી સાચી વાતો શોધો, અને મારી સાથે શેર કરો તમે આ વાતોને નમો એપ પર કે MyGov પર #IndianDiasporaStoriesની સાથે પણ શેર કરી શકો છો.

સાથીઓ, તમને ઓમાનમાં ચાલી રહેલો એક એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોજેક્ટ પણ ખૂબ જ રસપ્રદ લાગશે. અનેક ભારતીય પરિવાર અનેક સદીઓથી ઓમાનમાં રહી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના ગુજરાતના કચ્છથી જઈને વસ્યા છે. આ લોકોએ વેપારમાં મહત્ત્વપૂર્ણ link તૈયાર કરી હતી. આજે પણ તેમની પાસે ઓમાની નાગરિકતા છે, પરંતુ ભારતીયતા તેમની રગેરગમાં વસેલી છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ અને નેશનલ આર્ચિવ્સ ઓફ ઈન્ડિયાના સહયોગથી એક ટીમએ આ પરિવારોની ઈતિહાસને પ્રિઝવ કરવાનું કામ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં હજારો ડૉક્યુમેન્ટ્સ એકત્ર કરવામાં આવ્યા છે.

તેમાં ડાયરી, એકાઉન્ટ બુક, લેજર્સ, લેટર્સ અને ટેલિગ્રામ પણ સમાવિષ્ટ છે. તેમાંથી કેટલાક દસ્તાવેજ તો ઈ. સ. 1838ના પણ છે. આ દસ્તાવેજો, ભાવનાઓથી ભરેલા છે. વર્ષો પહેલાં, જ્યારે તેઓ ઓમાન પહોંચ્યા હતા, તો તેમણે કયા પ્રકારનું જીવન જીવ્યું, કેવી રીતે સુખ-દુ:ખનો સામનો કર્યો, અને, ઓમાનના લોકો સાથે તેમના સંબંધો કેવી રીતે આગળ વધ્યા- આ સર્વ, આ દસ્તાવેજોનો હિસ્સો છે. 'ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ' પણ આ મિશનનો એક મહત્ત્વપૂર્ણ આધાર છે. તે મિશનમાં ત્યાંના વરિષ્ઠ લોકોએ પોતાના અનુભવને વહેંચ્યો છે. લોકોએ ત્યાં પોતાની રહેણીકરણી સાથે જોડાયેલી વાતોને વિસ્તારથી જણાવી છે.

સાથીઓ, આવો જ એક 'ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ' ભારતમાં પણ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇતિહાસપ્રેમી દેશના વિભાજનના કાળખંડમાં પીડિતોના અનુભવોનો સંગ્રહ કરી રહ્યા છે. હવે દેશમાં એવા લોકોની સંખ્યા બહુ ઓછી બચી છે, જેમણે, વિભાજનની વિભીષિકાને જોઈ છે. આવામાં આ પ્રયાસ ઓર વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.

સાથીઓ, જે દેશ, જે સ્થાન, પોતાના ઇતિહાસને સાચવીને રાખે છે, તેનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે. આ વિચાર સાથે એક પ્રયાસ થયો છે જેમાં ગામોના ઇતિહાસને સાચવીને રાખનારી એક ડિરેક્ટરી બનાવવામાં આવી છે. સમુદ્રી યાત્રાના ભારતના પુરાતન સામર્થ્ય સાથે જોડાયેલા પ્રમાણોને સાચવીને રાખવાનું પણ અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં, લોથલમાં, એક બહુ મોટું મ્યૂઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે, તેના સિવાય, તમારા ધ્યાનમાં કોઈ મનુ સ્ક્રિપ્ટ હોય, કોઈ ઐતિહાસિક દસ્તાવેજ હોય, કોઈ હસ્તલિખિત પ્રતિ હોય તો તેને પણ તમે નેશનલ આર્ચિવ્સ ઓફ ઈન્ડિયાની મદદથી સાચવી શકો છો.

સાથીઓ, મને સ્લોવાકિયામાં થઈ રહેલા આવા જ એક પ્રયાસ વિશે ખબર પડી છે જે આપણી સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને તેને આગળ વધારવા સાથે જોડાયેલો છે. ત્યાં પહેલી વાર સ્લોવાકિયા ભાષામાં આપણાં ઉપનિષદોનો અનુવાદ કરાયો છે. આ પ્રયાસોથી ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવની પણ ખબર પડે છે. આપણા બધા માટે એ ગર્વની વાત છે કે દુનિયાભરમાં એવા કરોડો લોકો છે, જેમના હૃદયમાં, ભારત વસે છે.

મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે દેશની એક એવી ઉપલબ્ધિ વહેંચવા માગું છું જેને સાંભળીને તમને પ્રસન્નતા પણ થશે અને ગૌરવ પણ થશે, અને જો તમે તે નથી કર્યું, તો કદાચ પસ્તાવો પણ થશે. કેટલાક મહિના પહેલાં, આપણે 'એક પેડ માં કે નામ' અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં દેશભરના લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ અભિયાને સો કરોડ વૃક્ષ રોપવાનો મહત્વનો પડાવ પાર કરી લીધો છે. સો કરોડ વૃક્ષ, તે પણ માત્ર પાંચ મહિનાઓમાં - આ આપણા દેશવાસીઓના અથક પ્રયાસોથી જ સંભવ થયું છે. તેની સાથે જોડાયેલી એક બીજી વાત જાણીને તમને ગર્વ થશે. 'એક પેડ માં કે નામ' અભિયાન હવે દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાઈ રહ્યું છે. જ્યારે હું ગુયાનામાં હતો, તો ત્યાં પણ, આ અભિયાનનો સાક્ષી બન્યો. ત્યાં મારી સાથે ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી, તેમની પત્નીનાં માતાજી, અને પરિવારના બાકી સભ્યો, 'એક પેડ માં કે નામ' અભિયાનમાં સમ્મિલિત થયાં.

સાથીઓ, દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ અભિયાન સતત ચાલી રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ, વૃક્ષ લગાવવાનો વિક્રમ થયો છે - અહીં 24 કલાકમાં 12 લાખથી વધુ વૃક્ષ રોપવામાં આવ્યા.

આ અભિયાનના કારણે ઇંદોરના રેવતી હિલ્સનોનો ઉજ્જડ વિસ્તાર, હવે, ગ્રીન ઝોનમાં ફેરવાઈ જશે. રાજસ્થાનના જેસલમેરમાં આ અભિયાન દ્વારા એક અનોખો વિક્રમ બન્યો - અહીં મહિલાઓની એક ટીમે એક કલાકમાં 25 હજાર વૃક્ષો લગાવ્યાં. માતાઓએ માના નામે વૃક્ષ લગાવ્યું અને બીજાઓને પણ પ્રેરિત કર્યા. અહીં એક જ જગ્યા પર પાંચ હજારથી વધુ લોકોએ મળીને વૃક્ષો લગાવ્યાં - તે પણ પોતાની રીતે એક વિક્રમ છે. 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ અનેક સામાજિક સંસ્થાઓ સ્થાનિક આવશ્યકતાઓના હિસાબથી વૃક્ષ લગાવી રહી છે. તેમનો પ્રયાસ છે કે જ્યાં વૃક્ષો રોપવામાં આવે ત્યાં પર્યાવરણને અનુકૂળ પૂરી ઈકો સિસ્ટમ ડેવલપ થાય. તેથી આ સંસ્થાઓ ક્યાંક ઔષધીય છોડ રોપી રહી છે, તો ક્યાંક, પક્ષીઓનો માળો બનાવવા માટે વૃક્ષ લગાવી રહી છે. બિહારમાં 'જીવિકા સેલ્ફ હેલ્પ ગ્રુપ'ની મહિલાઓ 75 લાખ વૃક્ષો લગાવવાનું અભિયાન ચલાવી રહી છે. આ મહિલાઓનું focus ફળવાળાં વૃક્ષો પર છે, જેનાથી આવનારા સમયમાં આવક પણ મેળવી શકાશે.

સાથીઓ, આ અભિયાન સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ પોતાની માતાના નામે વૃક્ષ રોપી શકે છે. જો માતા જીવિત હોય તો તેમને સાથે લઈ જઈને તમે વૃક્ષ રોપી શકો છો, નહીં તો તેમની તસવીર સાથમાં લઈને તમે આ અભિયાનનો હિસ્સો બની શકો છો. વૃક્ષ સાથે તમે તમારી સેલ્ફી પણ mygov.in પર પૉસ્ટ કરી શકો છો. માતા, આપણા બધા માટે જે કરે છે, તેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ, પરંતુ  એક વૃક્ષ માના નામે લગાવીને આપણે તેમની ઉપસ્થિતિને હંમેશ માટે જીવિત કરી શકીએ છીએ.

મારા પ્રિય દેશવાસીઓ, તમે બધા લોકોએ બાળપણમાં ચકલી કે ચકલીને પોતાના ઘરની છત પર, વૃક્ષ પર ચીં ચીં કરતાં અવશ્ય જોઈ હશે.

ચકલીને તમિલ અને મળયાળમમાં કુરુવી, તેલુગુમાં પિચ્ચુકા અને કન્નડમાં ગુબ્બીના નામે ઓળખવામાં આવે છે. દરેક ભાષા, સંસ્કૃતિમાં ચકલી અંગે કિસ્સા-વાર્તાઓ સંભળાવવામાં આવે છે.

આપણી આસપાસ Biodiversity ને જાળવી રાખવામાં ચકલીનું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે, પરંતુ આજે શહેરોમાં જવલ્લે જ ચકલી જોવામાં આવે છે. વધતા શહેરીકરણના કારણે ચકલી આપણાથી દૂર ચાલી ગઈ છે. આજની પેઢીનાં ઘણાં એવાં બાળકો છે, જેમણે ચકલીને માત્ર તસવીરો કે વિડિયોમાં જોઈ છે. આવાં બાળકોના જીવનમાં આવા પ્રિય પક્ષીના પુનરાગમન માટે કેટલાક અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચેન્નાઈના કુડુગલ ટ્રસ્ટે ચકલીની સંખ્યા વધારવા માટે સ્કૂલનાં બાળકોને પોતાના અભિયાનમાં સમાવિષ્ટ કર્યા છે. સંસ્થાના લોકો સ્કૂલમાં જઈને બાળકોને સમજાવે છે કે ચકલી રોજિંદા જીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ છે. આ સંસ્થાઓ બાળકોને ચકલીઓનો માળો બનાવવાની training આપે છે. તેના માટે સંસ્થાના લોકોએ બાળકોને લાકડાનું એક નાનું ઘર બનાવવાનું શીખવ્યું. તેમાં ચકલીના રહેવા, ખાવાની વ્યવસ્થા કરી. તે એવાં ઘર હોય છે, જેને કોઈ પણ ઈમારતની બહારની દીવાલ પર કે વૃક્ષ પર લગાવી શકાય છે. બાળકોએ આ અભિયાનમાં ઉત્સાહ સાથે હિસ્સો લીધો અને ચકલી માટે મોટી સંખ્યામાં માળા બનાવવાનું શરૂ કરી દીધું. છેલ્લાં ચાર વર્ષમાં સંસ્થાએ ચકલી માટે એવા દસ હજાર માળા તૈયાર કર્યા છે. કૂડુગલ ટ્રસ્ટની આ પહેલથી આસપાસના વિસ્તારોમાં ચકલીની વસતિ વધવાની શરૂ થઈ ગઈ છે. તમે પણ તમારી આસપાસ આવા પ્રયાસ કરશો તો નિશ્ચિત રીતે ચકલી ફરીથી આપણા જીવનનો હિસ્સો બની જશે.

સાથીઓ, કર્ણાટકના મૈસુરૂની એક સંસ્થાએ બાળકો માટે 'Early Bird' નામનું અભિયાન શરૂ કર્યું છે. આ સંસ્થા બાળકોને પક્ષીઓ વિશે જણાવવા માટે ખાસ પ્રકારની library ચલાવે છે. એટલું જ નહીં, બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનો ભાવ ઉત્પન્ન કરવા માટે 'નેચર એજ્યુકેશન કિટ' તૈયાર કરવામાં આવી છે. આવી Kitમાં બાળકો માટે સ્ટોરી બુક, ગેમ્સ, એક્ટિવિટી શીટ્સ અને જિગ-શૉ પઝલ છે. આ સંસ્થા શહેરનાં બાળકોને ગામડાંઓમાં લઈને જાય છે અને તેમને પક્ષીઓ વિશે માહિતી આપે છે. આ સંસ્થાના પ્રયાસોના કારણે બાળકો પક્ષીઓની અનેક પ્રજાતિઓને ઓળખવા લાગ્યાં છે. 'મન કી બાત'ના શ્રોતા પણ આ પ્રકારના પ્રયાસથી બાળકોમાં પોતાની આસપાસની પ્રકૃતિને જોવા, સમજવાનો અલગ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે છે.

મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે, જેવું કોઈ કહે છે કે 'સરકારી કાર્યાલય' તો તમારા મનમાં ફાઇલોના ઢગલાની તસવીર બની જાય છે. તમે ફિલ્મોમાં આવું જ કંઈક જોયું હશે. સરકારી કાર્યાલયોમાં આ ફાઇલોના ઢગલા પર કેટલીય મજાકો બનતી રહે છે, અનેક વાર્તાઓ પણ લખાઈ ચૂકી છે. વર્ષોના વર્ષો સુધી આ ફાઇલો ઓફિસમાં પડી રહેવાથી તેમાં ધૂળ ભરાઈ જતી હતી, ત્યાં ગંદકી થવા લાગતી હતી - આવી દાયકાઓ જૂની ફાઇલો અને સ્ક્રેપને હટાવવા માટે એક વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. તમને એ જાણીને આનંદ થશે કે સરકારી વિભાગોમાં આ અભિયાનનાં અદ્ભુત પરિણામ સામે આવ્યાં છે. સાફ-સફાઈથી કાર્યાલયોમાં ઘણી જગ્યા ખાલી થઈ ગઈ છે. તેનાથી કાર્યાલયમાં કામ કરનારાઓમાં એક ઓનરશિપનો ભાવ પણ આવ્યો છે. પોતાની કામ કરવાની જગ્યાને સ્વચ્છ રાખવાની ગંભીરતા પણ તેમનામાં આવી છે.

સાથીઓ, તમે ઘણી વાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. આપણે ત્યાં 'કચરાથી કંચન'નો વિચાર ખૂબ જ જૂનો છે. દેશના અનેક હિસ્સામાં 'યુવાનો' બેકાર સમજવામાં આવતી ચીજોને લઈને કચરામાંથી કંચન બનાવી રહ્યા છે. અનેક પ્રકારનાં ઇનોવેશન કરી રહ્યાં છે. તેમાંથી તેઓ પૈસા કમાઈ રહ્યા છે, રોજગારનાં સાધનો વિકસિત કરી રહ્યા છે. આ યુવાનો પોતાના પ્રયાસોથી ટકાઉ જીવનશૈલીને પણ ઉત્તેજન આપી રહ્યા છે. મુંબઈની બે દીકરીઓનો આ પ્રયાસ ખરેખર ખૂબ જ પ્રેરક છે. અક્ષરા અને પ્રકૃતિ નામની આ બે દીકરીઓ, કતરણથી ફેશનનો સામાન બનાવી રહી છે. તમે પણ જાણો છો કે કાપડના કતરણ-સિલાઈ દરમિયાન જે કાપડ બચે છે તેને બેકાર સમજીને ફેંકી દેવામાં આવે છે. અક્ષરા અને પ્રકૃતિની ટીમ તે જ કાપડના કચરાને ફેશન પ્રોડક્ટમાં બદલી નાખે છે. કતરણથી બનેલી ટોપીઓ, બેગ ચપોચપ વેચાઈ પણ રહી છે.

સાથીઓ, સાફ-સફાઈથી લઈને ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ સારી પહેલ થઈ રહી છે. અહીં કેટલાક લોકો રોજ સવારે મોર્નિંગ વોક પર નીકળે છે અને ગંગાના ઘાટો પર ફેલાયેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાને ઉપાડી લે છે. તેને સમૂહને 'કાનપુર પ્લોગર્સ ગ્રુપ' નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત કેટલાક મિત્રોએ મળીને કરી હતી. ધીરેધીરે તે જન ભાગીદારીનું મોટું અભિયાન બની ગયું. શહેરના અનેક લોકો તેની સાથે જોડાઈ ગયા છે. તેના સભ્યો, હવે, દુકાનો અને ઘરોમાંથી પણ કચરો ઉઠાવવા લાગ્યા છે. આ કચરામાંથી રિસાયકલ પ્લાન્ટમાં ટ્રી ગાર્ડ તૈયાર કરવામાં આવે છે, એટલે કે આ ગ્રુપના લોકો કચરામાંથી બનેલા ટ્રી ગાર્ડની મદદથી છોડની સુરક્ષા પણ કરે છે.

સાથીઓ, નાના-નાના પ્રયાસોથી કેવી મોટી સફળતા મળે છે, તેનું એક ઉદાહરણ આસામની ઇતિશા પણ છે. ઇતિશાનો અભ્યાસ દિલ્લી અને પૂણેમાં થયો છે. ઇતિશા કોર્પોરેટ દુનિયાની ચમકદમકને છોડીને અરુણાચલની સાંગતી ઘાટીને સાફ બનાવવામાં લાગી છે. પર્યટકોના કારણે ત્યાં ઘણો પ્લાસ્ટિક વેસ્ટ જમા થવા લાગ્યો હતો. ત્યાંની નદી જે ક્યારેક સ્વચ્છ હતી, તે પ્લાસ્ટિક વેસ્ટના કારણે પ્રદૂષિત થઈ ગઈ હતી. તેને સ્વચ્છ કરવા માટે ઇતિશા સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહી છે. તેના ગ્રુપના લોકો, ત્યાં આવનાર ટુરિસ્ટને જાગૃત કરે છે અને પ્લાસ્ટિક વેસ્ટને એકઠો કરવા માટે પૂરી ખીણમાં વાંસથી બનેલી કચરાપેટીઓ લગાવે છે.

સાથીઓ, આવા પ્રયાસોથી ભારતના સ્વચ્છતા અભિયાનને ગતિ મળે છે. આ નિરંતર ચાલનારું અભિયાન છે. તમારી આસપાસ પણ આવું જરૂર થતું જ હશે. તમે મને આવા પ્રયાસો વિશે જરૂર લખતા રહો.

સાથીઓ, 'મન કી બાત'ના આ એપિસોડમાં અત્યારે આટલું જ. મને તો આખો મહિનો, તમારી પ્રતિક્રિયાઓ, પત્રો અને સૂચનોની ખૂબ જ પ્રતીક્ષા રહે છે. દર મહિને આવતા તમારા સંદેશા મને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. આગામી મહિને આપણે ફરી મળીશું, 'મન કી બાત'ના એક વધુ અંકમાં - દેશ અને દેશવાસીઓની નવી ઉપલબ્ધિઓ સાથે, ત્યાં સુધી, તમને બધા દેશવાસીઓને મારી ખૂબ બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2076528) Visitor Counter : 29