પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું
રોજગાર મેળામાં 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટેના નિમણૂક પત્રો સોંપ્યા તે ખૂબ જ આનંદની વાત છે, રાષ્ટ્ર નિર્માણ તરફ પગલું ભરતા તમામ યુવાનોને શુભકામનાઓ: પ્રધાનમંત્રી
દેશના યુવાનોને મહત્તમ રોજગાર મળે તે અમારી પ્રતિબદ્ધતા છે: પ્રધાનમંત્રી
આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે: પ્રધાનમંત્રી
અમે દરેક નવી ટેકનોલોજીમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપ્યું છે, અમે આત્મનિર્ભર ભારત પર કામ કર્યું છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના હેઠળ ભારતની ટોચની 500 કંપનીઓમાં પેઇડ ઇન્ટર્નશિપની જોગવાઈ કરવામાં આવી છેઃ પ્રધાનમંત્રી
Posted On:
29 OCT 2024 11:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને તેમને સશક્ત બનાવશે.
આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ ધનતેરસના શુભ પ્રસંગની નોંધ લીધી હતી અને આ પ્રસંગે તેમની શુભકામનાઓ પાઠવી હતી. આ વર્ષની દિવાળી વિશેષ હશે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા પછી આ પ્રથમ દિવાળી છે. તેમણે કહ્યું હતું કે, કેટલીક પેઢીઓએ આ દિવાળીની પ્રતીક્ષા કરી છે, ત્યારે ઘણી પેઢીઓએ આ દિવાળી માટે પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે અથવા પ્રતિકૂળતાઓનો સામનો કર્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન પેઢી આ પ્રકારની ઉજવણીનાં સાક્ષી બનવાનું અને તેનો હિસ્સો બનવા બદલ અત્યંત ભાગ્યશાળી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઉત્સવના વાતાવરણમાં 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે ભરતી પત્ર આપવામાં આવી રહ્યા છે. તેમણે નવા ભરતી થયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, લાખો યુવાનોને કાયમી સરકારી નોકરીની ઓફર કરવી એ એક વારસો છે, જે સતત ચાલી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે ભાજપ અને એનડીએના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં પણ લાખો યુવાનોને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હરિયાણામાં નવી રચાયેલી સરકાર દ્વારા 26,000 યુવાનોને રોજગારી મળવાની સાથે ઉત્સવનું વાતાવરણ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હરિયાણામાં તેમની સરકાર કોઈ પણ પ્રકારનાં ખર્ચ કે ભલામણ વિના નોકરી આપવાની વિશેષ ઓળખ ધરાવે છે. તેમણે હરિયાણાના 26,000 યુવાનોને શુભેચ્છા પાઠવી હતી, જેમને આજે તેમના નિમણૂક પત્રો સોંપવામાં આવશે, ઉપરાંત આજના રોજગાર મેળામાં 51,000 નોકરીઓ આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો કે, દેશનાં યુવાનોને મહત્તમ રોજગારી મળવી જોઈએ. સરકારની નીતિઓ અને નિર્ણયોની રોજગારીના સર્જન પર સીધી અસર પડે છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ એક્સપ્રેસવે, હાઇવે, રોડ, રેલ, બંદર, એરપોર્ટ, ફાઇબર કેબલ પાથરવા, મોબાઇલ ટાવરની સ્થાપના અને દેશના તમામ ભાગોમાં નવા ઉદ્યોગોના વિસ્તરણના વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. જળ અને ગેસ પાઇપલાઇન નાંખવા, નવી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓની સ્થાપના તથા માળખાગત સુવિધા પર ખર્ચ કરીને માલપરિવહનનો ખર્ચ ઘટાડવાનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, તેનાથી નાગરિકોને લાભ થવાની સાથે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે.
ગઈકાલે ગુજરાતમાં વડોદરાની પોતાની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ સંરક્ષણ ક્ષેત્ર માટે એરક્રાફ્ટ ઉત્પાદન સુવિધાના ઉદઘાટનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હજારો નાગરિકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જ્યારે એમએસએમઇ ઉદ્યોગોને સ્પેરપાર્ટ્સ અને અન્ય ઉપકરણોનાં ઉત્પાદનથી મોટો લાભ થશે, જે પુરવઠા શ્રુંખલાઓનું મોટું નેટવર્ક ઊભું કરશે. એક જ એરક્રાફ્ટમાં 15,000થી 25,000 પાર્ટ્સનો સમાવેશ થાય છે તેની નોંધ લઈને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હજારો નાની ફેક્ટરીઓ મેગા ફેક્ટરીની માગ પૂર્ણ કરવામાં સક્રિય ભૂમિકા ભજવશે, જેથી ભારતના એમએસએમઇને લાભ થશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે પણ કોઈ યોજના શરૂ કરવામાં આવે છે, ત્યારે તેનું ધ્યાન માત્ર નાગરિકોને મળતા લાભ પર જ કેન્દ્રિત નથી થતું, પણ રોજગારીના સર્જનની સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવા પર પણ કેન્દ્રિત હોય છે, જેનો વ્યાપક ક્ષેત્રમાં વિચાર કરીને એક માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, છેલ્લા 6 મહિનામાં લગભગ 2 કરોડ ગ્રાહકોએ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, 9,000થી વધુ વિક્રેતાઓ આ યોજના સાથે જોડાયેલા છે, 5 લાખથી વધુ ઘરોમાં સોલર પેનલ લગાવવામાં આવી ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં આ યોજના હેઠળ 800 સોલર વિલેજને મોડલ બનાવવાની યોજના છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે 30,000 લોકોએ રૂફ-ટોપ સોલર ઇન્સ્ટોલેશન માટેની તાલીમ પણ લીધી હતી. તેમણે ઉમેર્યું હતું કે, એટલે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની આ એક યોજનાએ દેશભરમાં ઉત્પાદકો, વિક્રેતાઓ, એસેમ્બલર્સ અને રિપેરર્સ માટે રોજગારીની અનેક તકો ઊભી કરી છે.
છેલ્લાં 10 વર્ષમાં સરકારની નીતિઓથી ભારતનાં ખાદી ઉદ્યોગની કાયાપલટ થઈ છે અને ગામડાંઓમાં લોકો પર તેની અસર થઈ છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખાદી ગ્રામ ઉદ્યોગનો વ્યવસાય આજે 1.5 લાખ કરોડને વટાવી ગયો છે. 10 વર્ષ અગાઉની સરખામણીએ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ખાદીનું વેચાણ 400 ટકા સુધી વધ્યું છે, જેનાથી કલાકારો, વણકરો અને વ્યવસાયોને લાભ થશે અને રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે. શ્રી મોદીએ લખપતિ દીદી યોજના વિશે પણ વાત કરી હતી, જેમાં ગ્રામીણ મહિલાઓને નવી રોજગારી અને સ્વરોજગારીની તકો પ્રદાન કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, "છેલ્લાં દાયકામાં 10 કરોડથી વધારે મહિલાઓ સ્વસહાય જૂથોમાં સામેલ થઈ છે." તેમણે જણાવ્યું હતું કે, અત્યારે 10 કરોડ મહિલાઓ આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેમણે દરેક પગલામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા સમર્થનને શ્રેય આપ્યો અને ૩ કરોડ લખપતિ દીદી બનાવવાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેમણે ઉમેર્યું હતું કે, "અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધારે મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે, જે તેમની વાર્ષિક આવક રૂ. 1 લાખથી વધારે છે."
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. દેશની પ્રગતિ પર પ્રકાશ પાડતા, તેમણે ભારતના યુવાનો દ્વારા કરવામાં આવેલી પૂછપરછની નોંધ લીધી હતી, જેઓ ઘણીવાર પૂછે છે કે શા માટે દેશે આ ગતિ અગાઉ પ્રાપ્ત કરી ન હતી. અગાઉની સરકારોમાં સ્પષ્ટ નીતિઓ અને ઇરાદાના અભાવમાં જ આનો જવાબ છુપાયેલો છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ભારત કેટલાંક ક્ષેત્રોમાં, ખાસ કરીને ટેકનોલોજીમાં પાછળ રહી ગયું છે. તેમણે યાદ અપાવ્યું કે ભારત વિશ્વભરમાંથી નવી ટેકનોલોજી માટે રાહ જોતું હતું અને પશ્ચિમમાં જેને જૂનું માનવામાં આવતું હતું તે આખરે રાષ્ટ્ર સુધી પહોંચશે. તેમણે લાંબા સમયથી ચાલી આવતી માન્યતા તરફ ધ્યાન દોર્યું હતું કે આધુનિક ટેક્નોલૉજી ભારતમાં વિકસાવી શકાતી નથી, જેણે ભારતને વિકાસની દ્રષ્ટિએ પાછું ખેંચી લીધું છે એટલું જ નહીં, પરંતુ દેશને રોજગારીની મહત્ત્વપૂર્ણ તકોથી પણ વંચિત રાખ્યો છે.
દેશને આ જૂની વિચારસરણીમાંથી મુક્ત કરવા માટે લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપીને અંતરિક્ષ, સેમીકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં આ જૂની માનસિકતામાંથી મુક્ત થવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ટેકનોલોજીકલ પ્રગતિ અને રોકાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે, પીએલઆઈ યોજના ભારતમાં નવી ટેકનોલોજી અને વિદેશી સીધાં રોકાણને લાવવા માટે શરૂ કરવામાં આવી હતી, જેણે મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે જોડાણ કરતાં રોજગારીનાં સર્જનને વેગ આપ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, દરેક ક્ષેત્રને હવે પ્રોત્સાહન મળી રહ્યું છે, જે વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે તકો પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, "અત્યારે ભારતમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે અને વિક્રમી તકોનું સર્જન થઈ રહ્યું છે." તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં 1.5 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યાં છે, જેણે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ક્ષેત્રો આપણા યુવાનોને વૃદ્ધિ અને રોજગારી મેળવવાની તક આપી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારતનાં યુવાનોની ક્ષમતા વધારવા માટે સરકાર અત્યારે કૌશલ્ય વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.એટલે સરકારે સ્કિલ ઇન્ડિયા જેવા અભિયાનો શરૂ કર્યા છે અને યુવાનોને ઘણાં કૌશલ્ય વિકાસ કેન્દ્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ભારતનાં યુવાનોને અનુભવ અને તક માટે ભટકવું ન પડે એ સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાને ટાંકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતની ટોચની 500 કંપનીઓમાં પેઇડ ઇન્ટર્નશિપ માટે જોગવાઈ કરવામાં આવી છે, જેમાં દરેક ઇન્ટર્નને એક વર્ષ માટે દર મહિને રૂ. 5,000 આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારનો લક્ષ્યાંક આગામી 5 વર્ષમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો મળે એ સુનિશ્ચિત કરવાનો છે, તેનાથી યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં વાસ્તવિક જીવનનાં વ્યાવસાયિક વાતાવરણ સાથે જોડાવાની તક મળશે અને તેમની કારકિર્દીમાં લાભદાયક અનુભવનો ઉમેરો થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકાર ભારતીય યુવાનોને વિદેશમાં રોજગારી મેળવવાનું સરળ બનાવવા માટે નવી તકોનું સર્જન કરી રહી છે. તાજેતરમાં જાહેર થયેલી જર્મનીની ભારત માટે સ્કિલ્ડ લેબર સ્ટ્રેટેજીનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જાણકારી આપી હતી કે, જર્મની દર વર્ષે કુશળ ભારતીય યુવાનોને અપાતા વિઝાની સંખ્યા 20 હજારથી વધારીને 90,000 કરી દે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી ભારતની યુવા પેઢીને ઘણો લાભ થશે. શ્રી મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, ભારતે તાજેતરનાં વર્ષોમાં 21 દેશો સાથે સ્થળાંતર અને રોજગારી સાથે સંબંધિત સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ખાડીનાં દેશો ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, મોરેશિયસ, ઇઝરાયલ, યુકે અને ઇટાલી જેવા દેશો સામેલ છે. તેમણે નોંધ્યું હતું કે દર વર્ષે 3 હજાર ભારતીયોને યુકેમાં કામ કરવા અને અભ્યાસ કરવા માટે 2 વર્ષના વિઝા મળી શકે છે જ્યારે 3 હજાર ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની તક મળશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભારતની પ્રતિભા માત્ર ભારતની પ્રગતિને જ નહીં, પણ વિશ્વની પ્રગતિને પણ દિશા આપશે." તેમણે ઉમેર્યું હતું કે, ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે.
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે સરકારની ભૂમિકા આધુનિક વ્યવસ્થા ઊભી કરવાની છે, જ્યાં દરેક યુવાનને તક મળે અને તેઓ તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે. આથી તેમણે વિવિધ હોદ્દા પર નવનિયુક્ત યુવાનોને અનુરોધ કર્યો હતો કે, તેમનું લક્ષ્ય ભારતના યુવાનો અને નાગરિકોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનું હોવું જોઈએ.
પ્રધાનમંત્રીએ સરકારી નોકરીઓ સુનિશ્ચિત કરવામાં કરદાતાઓ અને નાગરિકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો તથા જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોનાં કારણે અસ્તિત્વ ધરાવે છે અને તેમની સેવા કરવા માટે તેમની નિમણૂક કરવામાં આવે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, રાષ્ટ્રની સેવા કરવાની પ્રાથમિક ફરજ છે, પછી તે પોસ્ટમેન હોય કે પ્રોફેસર. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે દેશ વિકસિત થવાનો સંકલ્પ ધરાવે છે, ત્યારે નવી ભરતીઓ સરકારમાં સામેલ થઈ છે. તેથી, પ્રધાનમંત્રીએ કહ્યું, આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, આપણે દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવો પડશે અને સંપૂર્ણ યોગદાન આપવું પડશે. તેમણે નવી ભરતીઓને માત્ર સારું પ્રદર્શન કરવા જ નહીં પરંતુ શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહે તેવો આગ્રહ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આપણા દેશમાં સરકારી કર્મચારીઓએ વિશ્વભરમાં જાણીતું ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ." રાષ્ટ્રને તેમની પાસેથી ઊંચી અપેક્ષાઓ છે અને તેમણે કહ્યું હતું કે, કટિબદ્ધતાઓ પૂર્ણ કરવા માટે આ અપેક્ષાઓ પૂર્ણ થવી જોઈએ.
પ્રધાનમંત્રીએ હોદ્દેદારો તેમના હોદ્દા સાથે આગળ વધી રહ્યા છે તે નવી સફર પર જણાવતા કર્યું કે, તેમને હંમેશા નમ્ર રહેવા અને તેમની સમગ્ર સફર દરમિયાન શીખવાની ટેવ જાળવવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે આઇજીઓટી કર્મયોગી પ્લેટફોર્મ પર સરકારી કર્મચારીઓ માટે વિવિધ અભ્યાસક્રમોની ઉપલબ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને તેમને તેમની અનુકૂળતાએ આ ડિજિટલ તાલીમ મોડ્યુલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "ફરી એક વખત, હું આજે ઉમેદવારોને તેમના નિમણૂક પત્રો પ્રાપ્ત થવા બદલ અભિનંદન આપું છું."
પાશ્વ ભાગ
દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જેવા વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કેન્દ્ર સરકારમાં નવી ભરતીઓ જોડાઈ રહી છે.
નવનિયુક્ત ભરતી થયેલા લોકોને આઇજીઓટી કર્મયોગી પોર્ટલ પર ઉપલબ્ધ ઓનલાઇન મોડ્યુલ 'કર્મયોગી પ્રારંભ' મારફતે પાયાની તાલીમ લેવાની તક મળશે. 1400થી વધુ ઇ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, જે ભરતી થયેલા લોકોને તેમની ભૂમિકાઓમાં અસરકારક રીતે સેવા આપવા માટે આવશ્યક કૌશલ્યોથી સજ્જ કરશે અને વિકસિત ભારતનું નિર્માણ કરવાની દિશામાં કામ કરશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2069115)
Visitor Counter : 90
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam