પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 44મા પ્રગતિ સંવાદની અધ્યક્ષતા કરી


પીએમએ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ₹76,500 કરોડ કરતાં વધુના મૂલ્યના સાત મુખ્ય પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

પ્રોજેક્ટ્સમાં વિલંબ માત્ર ખર્ચમાં વધારો તરફ દોરી જતો નથી પરંતુ લોકોને પ્રોજેક્ટના ઉદ્દેશ્ય લાભોથી પણ વંચિત કરે છે: પીએમ

પીએમએ કહ્યું કે “એક પેડ મા કે નામ” અભિયાન પ્રોજેક્ટ ડેવલપમેન્ટ હાથ ધરતી વખતે પર્યાવરણને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે

પીએમએ AMRUT 2.0ની સમીક્ષા કરી અને મુખ્ય સચિવોને યોજના હેઠળના કામો પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખવાની સલાહ આપી

પીએમએ કહ્યું કે રાજ્યોએ શહેરોની વિકાસની સંભાવના અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવી જોઈએ

પીએમએ જલ જીવન મિશન સંબંધિત જાહેર ફરિયાદોની સમીક્ષા કરી અને મિશન અમૃત સરોવર પર કામ ચાલુ રાખવા વિશે પણ ચર્ચા કરી

Posted On: 28 AUG 2024 6:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 44મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સામેલ છે. ત્રીજી ટર્મમાં આ પહેલી બેઠક હતી.

આ બેઠકમાં સાત મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત બે પ્રોજેક્ટ, બે રેલ પ્રોજેક્ટ્સ અને કોલસા, વીજળી અને જળ સંસાધન ક્ષેત્રોની એક-એક યોજના સામેલ હતી. આ યોજનાઓનો કુલ ખર્ચ રૂ. 76,500 કરોડથી વધારે હતો અને તે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત છે, જેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ અને દિલ્હીનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ એ હકીકત પર ભાર મૂક્યો હતો કે, કેન્દ્ર કે રાજ્ય સ્તરે સરકારનાં દરેક અધિકારીને એ હકીકત પ્રત્યે જાણકારી હોવી જોઈએ કે પ્રોજેક્ટમાં વિલંબ થવાથી ખર્ચમાં વધારો થવાની સાથે-સાથે આ પ્રોજેક્ટનાં ઇચ્છિત લાભથી પણ લોકોને વંચિત રાખવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એક પેડ મા કે નામ" અભિયાન પ્રોજેક્ટનાં વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ અમૃત 2.0 અને જલ જીવન મિશન સાથે સંબંધિત લોકોની ફરિયાદોની સમીક્ષા પણ કરી હતી. આ પ્રોજેક્ટ્સ સાથે મળીને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓનું સમાધાન કરે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાણી એ મૂળભૂત માનવીય જરૂરિયાત છે અને રાજ્ય સરકારોએ જિલ્લા સ્તરે તેમજ રાજ્ય સ્તરે ફરિયાદોનો ગુણવત્તાયુક્ત નિકાલ સુનિશ્ચિત કરવો જોઈએ. જલ જીવન પરિયોજનાઓનું પર્યાપ્ત સંચાલન અને જાળવણી તંત્ર તેની સફળતા માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, જ્યાં શક્ય હોય ત્યાં મહિલા સ્વસહાય જૂથોને સામેલ કરવા તથા કામગીરી અને જાળવણીનાં કાર્યોમાં યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવા. પ્રધાનમંત્રીએ જિલ્લા સ્તરે જળ સંસાધન સર્વેક્ષણ હાથ ધરવાની પુનઃપુષ્ટિ કરી હતી અને સ્ત્રોતોની સ્થિરતા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોને અમૃત 2.0 હેઠળની કામગીરી પર વ્યક્તિગત રીતે નજર રાખવાની સલાહ આપી હતી અને રાજ્યોએ શહેરોની વૃદ્ધિની સંભવિતતા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવી જોઈએ. તેમણે કહ્યું કે શહેરો માટે પીવાના પાણીની યોજનાઓ બનાવતી વખતે, પેરી-અર્બન વિસ્તારોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ કારણ કે સમય જતાં આ વિસ્તારો પણ શહેરની હદમાં સમાવિષ્ટ થઈ જાય છે. દેશમાં ઝડપી શહેરીકરણને જોતાં શહેરી વહીવટમાં સુધારાઓ, વ્યાપક શહેરી આયોજન, શહેરી પરિવહન આયોજન અને મ્યુનિસિપલ ફાઇનાન્સ એ સમયની કટોકટીભરી જરૂરિયાતો છે. તેમણે ઉમેર્યું હતું કે, શહેરોની વધતી ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વ્યક્તિએ પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત બિજલી યોજના જેવી પહેલોનો લાભ લેવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી હતી કે, મુખ્ય સચિવોની પરિષદમાં શહેરીકરણ અને પીવાનાં પાણીનાં આવાં ઘણાં પાસાંઓની ચર્ચા થઈ હતી અને તેમણે આપેલી કટિબદ્ધતાની સમીક્ષા મુખ્ય સચિવોએ પોતે જ કરવી જોઈએ.

પ્રધાનમંત્રીએ ભારત સરકારના મુખ્ય સચિવો અને સચિવોને મિશન અમૃત સરોવર કાર્યક્રમ પર કામ કરવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમૃત સરોવરના પાણીના કેચમેન્ટ એરિયાને સ્વચ્છ રાખવો જોઈએ અને ગ્રામ સમિતિની સંડોવણી સાથે આ જળાશયોને ડિસિલ્ટિંગ જરૂરિયાત મુજબ હાથ ધરવું જોઈએ.

પ્રગતિની બેઠકોનાં 44મા સંસ્કરણ સુધી 18.12 લાખ કરોડ રૂપિયાનો કુલ ખર્ચ ધરાવતી 355 પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી છે.

AP/GP/JD




(Release ID: 2049551) Visitor Counter : 102