સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પોસ્ટ વિભાગ દ્વારા 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓમાં કર્યું ધ્વજવંદન
"સ્વતંત્રતા દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ આદર અને સન્માનનું પ્રતીક છે"- પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટ વિભાગ દ્વારા દરેક પોસ્ટ ઓફીસમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની સાથે 'ડાક ચોપાલ'નું આયોજન કરવામાં આવ્યું
Posted On:
15 AUG 2024 1:30PM by PIB Ahmedabad
પોસ્ટ વિભાગ દ્વારા 78મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. અમદાવાદ જનરલ પોસ્ટ ઓફીસમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ધ્વજારોહણ કર્યું અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરવા માટે ડાકકર્મીઓનું સન્માન કર્યું. ઉત્તર ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો અને આ અવસરે 'ડાક ચોપાલ'નું આયોજન કરીને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તેમના સંબોધનમાં જણાવ્યું કે સ્વતંત્રતા દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ આદર અને સન્માનનું પ્રતીક છે. રાષ્ટ્ર ધ્વજ રાષ્ટ્રીય અખંડતાનું પ્રતિનિધિત્વ કરે છે અને દરેક ભારતીયની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ, ડાક વિભાગે ઘરે-ઘરે રાષ્ટ્રધ્વજ પહોંચાડી દેશભક્તિનો પ્રસાર વધાર્યો છે. દરેક વ્યક્તિ પોત પોતાના ક્ષેત્રમાં ઈમાનદારીથી કાર્ય કરીને અને લોકોને મદદ કરીને દેશની પ્રગતિમાં યોગદાન આપી શકે છે. વધુમાં શ્રી યાદવે જણાવ્યું કે સ્વતંત્રતા દિવસ આપણને આઝાદીને નવા દૃષ્ટિબિંદુથી અનુભવવાની અને અધિકારો સાથે કર્તવ્યોના પ્રત્યે પણ જાગૃત થવાની તક આપે છે. સ્વતંત્રતાના મૂલ્યોને જાણવા અને દેશ માટે બલિદાન આપનારા મહાપુરુષોને યાદ કરવા તેમજ નવી પેઢીને આ કાર્ય માં જોડવા પણ મહત્વપૂર્ણ છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક ચોપાલનું શુભારંભ કર્યું અને જણાવ્યું કે પોસ્ટ ઓફિસો સરકાર અને સામાન્ય જનતા વચ્ચે સેવાઓ પ્રદાન કરવાની એક મહત્વપૂર્ણ કડી તરીકે ઉભરી આવી છે. ભારત સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ પોસ્ટ ઓફિસો દ્વારા અમલમાં આવે છે. આ સેવાઓને સમાજના તમામ લોકોને પહોંચાડી, આપણે લોકોના અધિકારોને સુનિશ્ચિત કરી શકીએ છીએ અને આપણી ફરજોને પૂરી કરી શકીએ છીએ અને આ જ સ્વતંત્રતા દિવસની સાચી મહત્વતા હશે. તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના અને મહિલા સન્માન બચત પત્ર ના લાભાર્થીઓને પાસબુક વિતરીત કરીને સશક્ત નારી-સમૃદ્ધ સમાજ માટે આહ્વાહન આપ્યું.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગ પત્ર-પાર્સલ ઉપરાંત બચત બેંક, ડાક જીવન વીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ડાકઘર પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને સુધારણાઓ, સામાન્ય સેવા કેન્દ્ર, ડાકઘર નિર્યાત કેન્દ્ર જેવા અનેક જન-મુખી કાર્ય કરી રહ્યું છે. આઇ.પી.પી.બી. દ્વારા, પોસ્ટમેન હવે એક હરતી ફરતી બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. સી.ઈ.એલ.સિ. હેઠળ ઘરે બેઠા બાળકોના આધાર બનાવવાનું, મોબાઇલ નંબર અપડેટ કરવાનું, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, ડી.બી.ટી., બિલ ચૂકવણી, એ.ઇ. પી.એસ. દ્વારા બેંક ખાતાથી ચુકવણી, વાહનોના વીમા, આરોગ્ય વીમા, દુર્ઘટના વીમા, અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના જેવી અનેક સેવાઓ આઇ.પી.પી. ના માધ્યમ થી પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
78મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપતા, ડિરેક્ટર ઓફ પોસ્ટલ સર્વિસિસ, સુશ્રી એમ.કે. શાહે સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા. તેમણે તેમના સંબોધનમાં સ્વતંત્ર ભારતમાં ડાક સેવાઓએ જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તે પર ભાર મુક્યો, અને દેશના વિકાસ અને જોડાણમાં આ સેવાઓના મહત્વપૂર્ણ યોગદાનને રેખાંકિત કર્યું.
આ અવસરે, ડિરેક્ટર પોસ્ટલ સર્વિસિસ સુશ્રી એમ કે શાહ, મેનેજર એમ.એમ.એસ શ્રી ધરમ વીર સિંહ, ચીફ પોસ્ટ માસ્તર શ્રી ગોવિંદ શર્મા, ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્ટર શ્રી રીતુલ ગાંધી, આસીસ્ટન્ટ ડિરેક્ટર સુશ્રી એમ એ પટેલ, હિસાબી અધિકારી શ્રી પંકજ સ્નેહી, મદદનીશ હિસાબી અધિકારી શ્રી ચેતન સૈન, મદદનીશ અધિક્ષક શ્રી ધવલ બાવીસી, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, કુ. પાયલ પટેલ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, શ્રી વિપુલ ચડોતરા, અને ઘણા અન્ય અધિકારી, કર્મચારી અને તેમના પરિવારજનો હાજર રહ્યા અને સ્વતંત્રતા દિવસને આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2045581)
Visitor Counter : 141