પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી ભરતી થયેલા લોકોને 1 લાખથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું


નવી દિલ્હી ખાતે ઇન્ટિગ્રેટેડ કોમ્પ્લેક્સ "કર્મયોગી ભવન"ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કર્યો

"રોજગાર મેળાઓ રાષ્ટ્રનિર્માણમાં આપણી યુવા શક્તિનું પ્રદાન વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે"

"ભારત સરકારમાં ભરતી પ્રક્રિયા હવે સંપૂર્ણપણે પારદર્શક બની ગઈ છે"

"અમારો પ્રયાસ યુવાનોને ભારત સરકાર સાથે જોડવાનો અને રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બનાવવાનો છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ દાયકાના અંત સુધીમાં ભારતીય રેલવે સંપૂર્ણપણે બદલાઈ જશે"

"સારી કનેક્ટિવિટીની સીધી અસર દેશના વિકાસ પર પડે છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અર્ધલશ્કરી દળોની પસંદગી પ્રક્રિયામાં સુધારાથી દરેક ક્ષેત્રના યુવાનોને સમાન તક મળશે"

Posted On: 12 FEB 2024 11:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને 1 લાખથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. તેમણે નવી દિલ્હીમાં ઇન્ટિગ્રેટેડ કોમ્પ્લેક્સ "કર્મયોગી ભવન"ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સમન્વયને પ્રોત્સાહન આપશે.

જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે 1 લાખથી વધારે ભરતી થયેલા લોકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં છે તથા તેમને અને તેમનાં પરિવારજનોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકારમાં યુવાનોને રોજગારીની તકો પ્રદાન કરવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. નોકરીના નોટિફિકેશન અને નિમણૂંક પત્રો આપવા વચ્ચે લાંબો સમય પસાર થવાથી લાંચ-રુશ્વતમાં વધારો થયો હોવાનું જણાવીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે નિર્ધારિત સમય હેઠળ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની સાથે સાથે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવી છે. તેમણે કહ્યું હતું કે, તેનાથી દરેક યુવાનો માટે તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવામાં સમાન તકો ઊભી થઈ છે. "આજે, દરેક યુવાન માને છે કે તેઓ સખત મહેનત અને કુશળતા સાથે તેમની નોકરીની સ્થિતિને મજબૂત કરી શકે છે." પીએમ મોદીએ જણાવ્યું હતું કે, સરકાર યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનાવવા માટે પ્રયત્નશીલ છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લા 10 વર્ષમાં વર્તમાન સરકારે અગાઉની સરકારો કરતાં 1.5 ગણી વધારે નોકરીઓ યુવાનોને આપી છે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સંકલિત સંકુલ 'કર્મયોગી ભવન'નાં પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કરવા વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, એનાથી ક્ષમતા નિર્માણની દિશામાં સરકારની પહેલ મજબૂત થશે.

સરકારના પ્રયત્નોને કારણે નવા ક્ષેત્રો ખોલવા અને યુવાનો માટે રોજગાર અને સ્વરોજગારની તકો ઉભી કરવા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ બજેટમાં 1 કરોડ રૂફટોપ સોલાર પ્લાન્ટની જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી પરિવારોના વીજ બિલમાં ઘટાડો થશે અને તેઓ ગ્રિડને વીજળી પૂરી પાડીને કમાણી કરી શકશે. તેમણે કહ્યું હતું કે, આ યોજનાથી લાખો નવી રોજગારીનું સર્જન પણ થશે.

આશરે 1.25 લાખ સ્ટાર્ટઅપ્સ સાથે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તેનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે આમાંના ઘણા સ્ટાર્ટઅપ્સ ટિયર 2 અથવા ટિયર 3 શહેરોના છે. આ સ્ટાર્ટઅપ્સ રોજગારીની નવી તકો સર્જી રહ્યા હોવાથી તાજેતરના બજેટમાં સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સમાં છૂટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં જાહેર કરવામાં આવેલા 1 લાખ કરોડનાં ભંડોળનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રોજગાર મેળા મારફતે આજે રેલવેમાં પણ ભરતી થઈ રહી છે એ વિશે માહિતી આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે મુસાફરીની વાત આવે છે, ત્યારે રેલવે સામાન્ય લોકોની પ્રથમ પસંદગી છે. શ્રી મોદીએ એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે, ભારતમાં રેલવેમાં મોટા પાયે પરિવર્તન થઈ રહ્યું છે અને આગામી દાયકામાં આ ક્ષેત્રનું સંપૂર્ણ નવનિર્માણ થશે. તેમણે યાદ કર્યું હતું કે, વર્ષ 2014 અગાઉ રેલવે પર વધારે ધ્યાન આપવામાં આવ્યું ન હતું તથા તેમણે રેલવે લાઇનોનાં વીજળીકરણ અને ડબલિંગનો ઉલ્લેખ કર્યો હતો તેમજ નવી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી અને પ્રવાસીઓ માટે સુવિધાઓ વધારવાનો ઉલ્લેખ કર્યો હતો. પણ વર્ષ 2014 પછી પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, રેલવેનાં આધુનિકીકરણ અને અપગ્રેડેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રેનની મુસાફરીનાં સંપૂર્ણ અનુભવને પુનઃસંશોધિત કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે વંદે ભારત એક્સપ્રેસ જેવી 40,000 આધુનિક બોગીઓ તૈયાર કરવામાં આવશે અને આ વર્ષના બજેટ હેઠળ સામાન્ય ટ્રેનોમાં ઉમેરવામાં આવશે, જેથી મુસાફરોને સુવિધા અને સવલતોમાં વધારો થશે.

કનેક્ટિવિટીની દૂરોગામી અસરનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નવા બજારો, પ્રવાસન વિસ્તરણ, નવા વ્યવસાયો અને કનેક્ટિવિટીમાં સુધારો થવાને કારણે લાખો રોજગારીના સર્જનનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિકાસને વેગ આપવા માટે માળખાગત સુવિધામાં રોકાણને વેગ આપવા માટે વધારવામાં આવી રહ્યું છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તાજેતરનાં બજેટમાં માળખાગત સુવિધામાં રોકાણ માટે રૂ. 11 લાખ કરોડ અંકિત કરવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, નવી રેલવે, રોડ, એરપોર્ટ અને જળમાર્ગોની પરિયોજનાઓ રોજગારીની નવી તકોનું સર્જન કરશે.

નવી નિમણૂકોમાંની ઘણી અર્ધસૈનિક દળોમાં છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ અર્ધલશ્કરી દળોની પસંદગી પ્રક્રિયામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને માહિતી આપી હતી કે આ જાન્યુઆરીથી પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સિવાય 13 ભારતીય ભાષાઓમાં લેવામાં આવશે. આ દરેકને લાખો ઉમેદવારોને સમાન તક આપશે. તેમણે સરહદ અને ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓ માટે ક્વોટામાં વધારા વિશે પણ માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ વિકસિત ભારતની સફરમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે 1 લાખથી વધારે કર્મયોગીઓ જોડાઈ રહ્યાં છે, તેઓ આ યાત્રાને નવી ઊર્જા અને ગતિ પ્રદાન કરશે." તેમણે દરેક દિવસ રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કરવા જણાવ્યું હતું. તેમણે તેમને કર્મયોગી ભારત પોર્ટલ વિશે જણાવ્યું હતું, જેમાં 800થી વધારે અભ્યાસક્રમો છે અને 30 લાખ વપરાશકર્તાઓ છે અને તેમણે તેમનો સંપૂર્ણ લાભ લેવા જણાવ્યું હતું.

પાશ્વ ભાગ

દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળો યોજાયો હતો. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિભાગો અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહી છે, જે આ પહેલને ટેકો આપે છે. આ ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે, જેમ કે, મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, પરમાણુ ઊર્જા વિભાગ, સંરક્ષણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આદિજાતિ બાબતોનું મંત્રાલય અને રેલવે મંત્રાલય વિવિધ હોદ્દા પર છે.

રોજગાર મેળો એ દેશમાં રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. રોજગાર મેળાથી રોજગારીનાં વધુ સર્જનનો લાભ મળશે અને યુવાનોને તેમનાં સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં પ્રત્યક્ષ ભાગીદારી માટે લાભદાયક તકો પ્રદાન થશે એવી અપેક્ષા છે.

નવા સામેલ થયેલા હોદ્દેદારોને આઇજીઓટી કર્મયોગી પોર્ટલના ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા તાલીમ આપવાની તક પણ મળશે, જેમાં 'ગમે ત્યાં કોઈ પણ ઉપકરણ' શીખવાના ફોર્મેટ માટે 880 થી વધુ ઇ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

 

AP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2005176) Visitor Counter : 88