પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઓડિશાના સંબલપુરમાં પ્રધાનમંત્રીએ વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ વખતે આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 03 FEB 2024 4:03PM by PIB Ahmedabad

ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસજી, મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રીમાન નવીન પટનાયકજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, બિશ્વેશ્વર ટુડુ, સંસદમાં મારા સાથી નીતિશ ગંગા દેબજી, IIM સંબલપુરના નિદેશક પ્રોફેસર મહાદેવ જયસ્વાલ અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો!

આજનો દિવસ ઓડિશાની વિકાસ યાત્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. હું ઓડિશાના લોકોને મળેલી લગભગ 70 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની આ વિકાસ પરિયોજનાઓ બદલ સૌને અભિનંદન પાઠવું છું. આમાં શિક્ષણ, રેલ, માર્ગ, વીજળી, પેટ્રોલિયમ સાથે સંબંધિત અનેક પરિયોજનાઓ સામેલ છે. ગરીબો, શ્રમિકો, કર્મચારીઓ, દુકાનદારો, વેપારીઓ, ખેડૂતો, એટલે કે ઓડિશાના સમાજના તમામ વર્ગોને આ પરિયોજનાઓનો લાભ મળવાનો છે. આ પરિયોજનાઓ ઓડિશામાં સુવિધાઓ લાવવાની સાથે સાથે, અહીંના યુવાનો માટે નવી રોજગારીની હજારો તકો પણ લાવવા જઇ રહી છે.

સાથીઓ,

આજે દેશે તેના એક મહાન સપૂત એવા ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન સન્માન આપવાનો નિર્ણય પણ લીધો છે. ભારતના નાયબ પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે અને દાયકાઓ સુધી એક નિષ્ઠાવાન, જાગૃત સાંસદ તરીકે, અડવાણીજીએ દેશ માટે જે સેવા કરી છે તે અજોડ છે. અડવાણીજીનું આ સન્માન એ વાતનું પ્રતિક છે કે, જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે તેમને દેશ ક્યારેય ભૂલતો નથી. મારા માટે સૌભાગ્યની વાત છે કે મને લાલકૃષ્ણ અડવાણીજીનો પ્રેમ અને માર્ગદર્શન નિરંતર મળી રહ્યાં છે. હું આદરણીય અડવાણીજીના દીર્ઘાયુ માટે ઇચ્છા રાખું છું અને ઓડિશાની આ મહાન ભૂમિ પરથી તમામ દેશવાસીઓ વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

અમે ઓડિશાને શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવા માટે એકધારા પ્રયાસો કર્યા છે. પાછલા દાયકામાં ઓડિશાને જે આધુનિક સંસ્થાઓ આપવામાં આવી છે અને શૈક્ષણિક સંસ્થાઓ તેને મળી છે તેનાથી અહીંના યુવાનોનું ભાગ્ય બદલાઇ રહ્યું છે. આઇસર બ્રહ્મપુર હોય કે પછી ભુવનેશ્વરમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી હોય, આવી તો ઘણી સંસ્થાઓની અહીં સ્થાપના કરવામાં આવી છે. હવે IIM સંબલપુર પણ મેનેજમેન્ટની આધુનિક સંસ્થા તરીકે ઓડિશાની ભૂમિકાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. મને યાદ છે કે, 3 વર્ષ પહેલાં કોરોનાના સમયગાળા દરમિયાન મને IIMના આ સંકુલનો શિલાન્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અનેક અવરોધો છતાં આ ભવ્ય સંકુલ હવે તૈયાર થઇ ગયું છે. અને તમારા તરફથી મને જે ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા મને લાગે છે કે આ સંકુલ તમને કેટલું સારું લાગે છે. હું તેના નિર્માણ સાથે જોડાયેલા તમામ સાથીઓની પ્રશંસા કરું છું.

સાથીઓ,

વિકસિત ભારતનું લક્ષ્ય આપણે ત્યારે જ પ્રાપ્ત કરી શકીશું જ્યારે આપણા ભારતનું દરેક રાજ્ય વિકસિત થઇ જાય. તેથી, વિતેલા વર્ષોમાં અમે દરેક ક્ષેત્રમાં ઓડિશાને વધુમાં વધુ સમર્થન આપ્યું છે. કેન્દ્ર સરકારના પ્રયાસોના પરિણામ સ્વરૂપે ઓડિશા આજે પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં નવી ઊંચાઇઓ હાંસલ કરી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં ઓડિશામાં પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂપિયા 1.25 લાખ કરોડ કરતાં વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં અગાઉની સરખામણીએ રેલવેના વિકાસ માટે ઓડિશાને 12 ગણું વધારે બજેટ આપવામાં આવ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ ઓડિશાનાં વિવિધ ગામડાઓમાં લગભગ 50 હજાર કિલોમીટરના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 4 હજાર કિલોમીટર કરતાં વધુ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ બનાવવામાં આવ્યા છે. આજે પણ અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગો સંબંધિત ત્રણ મોટી પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પરિયોજનાઓથી ઝારખંડ અને ઓડિશા વચ્ચે આંતર-રાજ્ય જોડાણમાં વૃદ્ધિ થશે અને મુસાફરીનું અંતર પણ ઓછુ થઇ જશે. આ પ્રદેશ ખાણકામ, વીજળી અને સ્ટીલ ઉદ્યોગોમાં તેની સંભાવનાઓ માટે જાણીતો છે. આ નવી કનેક્ટિવિટી સમગ્ર પ્રદેશમાં નવા ઉદ્યોગો માટે સંભાવનાઓ ઊભી કરશે, હજારો નવી રોજગારીની તકો ઊભી કરશે. આજે સંબલપુર-તાલચેર રેલ સેક્શનના ડબલિંગ, ઝાર-તરભાથી સોનપુર સેક્શન સુધીની નવી રેલ લાઇનનો પણ શુભારંભ કરવામાં આવી રહ્યો છે. પુરી-સોનપુર એક્સપ્રેસથી સુબર્નપુર જિલ્લો એટલે કે આપણો સોનપુર જિલ્લો રેલ કનેક્ટિવિટીથી જોડાઇ રહ્યો છે. જેનાથી શ્રદ્ધાળુઓને ભગવાન જગન્નાથના દર્શન કરવામાં વધુ સરળતા રહેશે. ઓડિશાના દરેક પરિવારને પૂરતી માત્રામાં અને સસ્તા દરે વીજળી મળે તે માટે અમે એકધારા પ્રયાસો કરી રહ્યા છીએ. આજે અહીં જે સુપર ક્રિટિકલ અને અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનું લક્ષ્ય પણ આવું જ છે.

ભાઇઓ અને બહેનો,

છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા જે પણ નીતિઓ બનાવવામાં આવી છે તેનાથી ઓડિશાને ઘણો ફાયદો થયો છે. અમે ખાણકામ ક્ષેત્રમાં કરેલા નવા સુધારાઓથી ઓડિશાને ઘણો ફાયદો થયો છે. ખાણકામ નીતિમાં ફેરફાર કર્યા બાદ ઓડિશાની આવકમાં 10 ગણો વધારો થયો છે. અગાઉ, ખનીજ ઉત્પાદનનો લાભ જ્યાંથી ખાણકામ થતું હોય તે વિસ્તારો અને રાજ્યોને મળી શકતો નહોતો. અમે આ નીતિમાં પણ ફેરફાર કર્યો છે. કેન્દ્રની ભાજપ સરકારે જિલ્લા ખનીજ ફાઉન્ડેશનની રચના કરી છે. આનાથી સુનિશ્ચિત થાય છે કે ખનીજમાંથી થતી આવકનો એક ભાગ તે જ વિસ્તારમાં વિકાસ કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. તેમાંથી ઓડિશાને અત્યાર સુધીમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ મળી ગઇ છે. આ નાણાંનો ઉપયોગ જે વિસ્તારોમાં ખાણકામ કરવામાં આવી રહ્યું છે તે વિસ્તારના લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે. હું ઓડિશાના લોકોને ખાતરી આપું છું કે, કેન્દ્ર સરકાર એ જ સમર્પિત ભાવના સાથે ઓડિશાના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

સાથીઓ,

મારે અહીંથી એક ખૂબ જ મોટા કાર્યક્રમમાં જવાનું છે, ખુલ્લા મેદાનમાં જવાનું છે, એટલે ત્યાંનો મિજાજ પણ કંઇક જુદો હોય છે. તેથી હું અહીં તમારો વધુ સમય નહીં લઉં. પરંતુ ત્યાં હું થોડો વધુ સમય લઇશ અને ઘણી વાતો કરીશ અને 15 મિનિટ પછી તે કાર્યક્રમમાં પહોંચીશ. ફરી એકવાર, આપ સૌને વિકાસ કાર્યો બદલ હું અભિનંદન પાઠવું છું. અને મારા યુવા સાથીઓને ખાસ અભિનંદન પાઠવું છું.

ખૂબ ખૂબ આભાર!

CB/JD


(Release ID: 2002247) Visitor Counter : 144