પ્રવાસન મંત્રાલય

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા જણાવ્યું કે, ભારતમાં હેરિટેજ ટૂરિઝમ પ્રત્યે વિશ્વનો રસ વધી રહ્યો છે


"પ્રાણ પ્રતિષ્ઠા"ના 5 દિવસમાં 13 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા ધામના દર્શન કરી ચૂક્યા છે

છેલ્લા એક વર્ષમાં 8.5 કરોડ લોકોએ કાશીના દર્શન કર્યા

5 કરોડથી વધુ લોકો મહાકાલની મુલાકાત લઈ ચૂક્યા છે

19 લાખથી વધુ લોકો કેદાર ધામની મુલાકાતે આવ્યા છે

પૂર્વોત્તરમાં વિક્રમી પ્રવાસીઓનું આગમન થઈ રહ્યું છે; આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ વિશે ઉત્સાહ વધી રહ્યો છે: રાષ્ટ્રપતિ

Posted On: 31 JAN 2024 3:01PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે અહીં સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સમગ્ર દેશમાં પર્યટન ક્ષેત્ર, તીર્થસ્થાનો અને ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે છેલ્લા 10 વર્ષ દરમિયાન ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઉપલબ્ધિઓ અને વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો હતો.

પોતાનાં સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, "પ્રવાસન એક મોટું ક્ષેત્ર છે, જે યુવાનોને રોજગારી પ્રદાન કરે છે. છેલ્લા 10 વર્ષમાં મારી સરકારે પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે. ભારતમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યાની સાથે સાથે ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે."

રાષ્ટ્રપતિએ કહ્યું, "પર્યટન ક્ષેત્રમાં વૃદ્ધિનું કારણ ભારતના વધતા કદને આભારી છે. આજે વિશ્વ ભારતને શોધવા અને જાણવા માંગે છે. આ ઉપરાંત ઉત્તમ કનેક્ટિવિટીને કારણે પર્યટનનો વ્યાપ પણ વધ્યો છે. વિવિધ સ્થળોએ હવાઈમથકોનું નિર્માણ પણ ફાયદાકારક છે. અત્યારે પૂર્વોત્તરમાં વિક્રમી પ્રવાસીઓનું આગમન થઈ રહ્યું છે. હવે આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ વિશે ઉત્તેજના વધી ગઈ છે."

"સરકારે દેશભરમાં તીર્થસ્થાનો અને ઐતિહાસિક સ્થળોના વિકાસ પર ભાર મૂક્યો છે. આને કારણે હવે ભારતમાં તીર્થયાત્રા સરળ બની છે. સાથે જ ભારતમાં હેરિટેજ ટૂરિઝમ પ્રત્યે વિશ્વમાં રસ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં 8.5 કરોડ લોકો કાશીના દર્શન કરી ચૂક્યા છે. 5 કરોડથી વધુ લોકો મહાકાલના દર્શન કરી ચૂક્યા છે. 19 લાખથી વધુ લોકો કેદાર ધામની મુલાકાત લઈ ચૂક્યા છે. "પ્રાણ પ્રતિષ્ઠા"ના 5 દિવસમાં 13 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા ધામમાં જ દર્શન કરી ચૂક્યા છે. ભારતના દરેક ભાગમાં પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણમાં યાત્રાધામોમાં સુવિધાઓનું અભૂતપૂર્વ વિસ્તરણ કરવામાં આવ્યું છે.", એમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ કહ્યું, "સરકાર પણ ભારતને બેઠકો અને પ્રદર્શનો સંબંધિત ક્ષેત્રો માટે અગ્રણી સ્થળ બનાવવા માંગે છે. આ માટે ભારત મંડપમ, યશોભૂમિ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં પ્રવાસન રોજગારીનો મુખ્ય સ્ત્રોત બની જશે."

CB/GP/JD



(Release ID: 2000835) Visitor Counter : 85