માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે પ્રજાસત્તાક દિને 450થી વધારે વિશેષ આમંત્રિતોનું સન્માન કર્યું
Posted On:
26 JAN 2024 8:30PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં 450થી વધારે વિશેષ આમંત્રિતોને કર્તવ્ય પથ પર 75મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મળ્યાં હતાં. દેશના ખૂણે ખૂણેથી આવેલા આ આમંત્રિતોને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં શ્રી ઠાકુરે રાષ્ટ્રનિર્માણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત પણ કર્યા હતા.
પદ્મ પુરસ્કાર વિજેતાઓ સહિત આમંત્રિતોએ પર્યાવરણ, પરંપરાગત કલા સ્વરૂપો અને સંસ્કૃતિનું જતન, સમાજના નીચલા વર્ગના ઉત્થાન વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આમંત્રિતો વિશે બોલતાં શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, આમાંથી કેટલાંક લોકો ક્યારેય દિલ્હીની મુલાકાત પણ લઈ શક્યાં નહોતાં, પણ આજે તેમને પ્રધાનમંત્રીનાં વિશેષ અતિથિઓ તરીકે આમંત્રણ મળ્યું છે. શ્રી ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, આ આમંત્રિતોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 'મન કી બાત'માં ઉલ્લેખિત થવાનું ગૌરવ મળ્યું હતું અને તેમને આ આમંત્રણનું વિસ્તરણ એ સરકારની વિચારસરણીને મજબૂત કરતી વિવિધ વિચારપ્રક્રિયાનું પ્રદર્શન છે.
મહેમાનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમનું કાર્ય અને તેમનું યોગદાન જ આજે તેમની ઓળખ બની ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે કોઈ પુરસ્કાર મેળવવાનું કામ કર્યું નહોતું, પણ તેના બદલે તેમણે ભારતને આગળ વધારવામાં યોગદાન આપ્યું હતું. મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આ માન્યતાથી આ લોકોને તેમનાં ક્ષેત્રોમાં વધુ સુધારો કરવા માટે પ્રોત્સાહન મળશે.
શ્રી ભૂપેન્દ્ર યાદવે આ સન્માનમાં પોતાનો અવાજ ઉમેરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ દેશનાં ઘડતરમાં ભારતનાં સામાન્ય લોકોનાં પ્રદાનને અને રાષ્ટ્રનિર્માણમાં તેમનાં પ્રદાનને બિરદાવ્યું છે.
(Release ID: 1999953)
Visitor Counter : 111