રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ અગ્રણી મહિલા સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્ન સાથે વાતચીત કરી


તમે માત્ર એક બિઝનેસ લીડર જ નથી; તમે પરિવર્તનના અગ્રદૂત છો: રાષ્ટ્રપતિ મુર્મુ

Posted On: 18 JAN 2024 2:17PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (18 જાન્યુઆરી, 2024) રાષ્ટ્રપતિ ભવનમાં અગ્રણી સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્નના સ્થાપકો અને સહ-સ્થાપક મહિલાઓનાં જૂથ સાથે વાતચીત કરી હતી. આ બેઠક "ધ પ્રેસિડેન્ટ વિથ ધ પીપલ" પહેલ હેઠળ યોજાઈ હતી, જેનો હેતુ લોકો સાથે ઊંડો સંપર્ક સ્થાપિત કરવાનો અને તેમના યોગદાનને માન્યતા આપવાનો છે.

મહિલા ઉદ્યમીઓ સાથે વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મહિલા ઉદ્યમીઓએ ભારતીય વ્યાવસાયિક વાતાવરણને બદલી નાખ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'સ્ટાર્ટ-અપ ઇન્ડિયા' કાર્યક્રમની શરૂઆત આપણાં યુવાનોની સંભવિતતાનો ઉપયોગ કરવા અને દેશમાં ઉદ્યોગસાહસિકતાનાં વાતાવરણને મજબૂત કરવાનાં ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. તેમણે આ કાર્યક્રમનાં ઉદ્દેશને પ્રાપ્ત કરવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમનાં જેવા યુવાનોનાં નવતર પ્રયાસોને કારણે અત્યારે ભારત દુનિયામાં ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ધરાવે છે, જેમાં આશરે 1,17,000 સ્ટાર્ટ-અપ અને 100થી વધારે યુનિકોર્ન છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ઉદ્યોગસાહસિક તરીકેની તેમની યાત્રા અને સિદ્ધિઓ લોકો, ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ટેક સ્ટાર્ટ-અપ્સથી માંડીને સામાજિક સાહસો સુધી, તેમનું કાર્ય ઉદ્યોગસાહસિકતાની દુનિયામાં ભારતીય મહિલાઓની ક્ષમતાઓના વિવિધ પાસાઓની પ્રભાવશાળી સમજ આપે છે. તેમણે કહ્યું કે તેમનું યોગદાન આર્થિક વિકાસ સુધી મર્યાદિત નથી. તેઓએ પરંપરાગત અવરોધોને તોડી નાખ્યા છે અને ભાવિ પેઢીઓને સશક્તિકરણનો માર્ગ બતાવ્યો છે. તેઓ સમાવેશી આર્થિક ભાવિના ઘડવૈયા છે, જેમાં પ્રગતિનો માર્ગ લિંગના આધારે નહીં પરંતુ પ્રતિભા અને મહત્ત્વાકાંક્ષાના આધારે મોકળો થાય છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તેઓ માત્ર બિઝનેસ-લીડર્સ જ નથી; તેઓ પરિવર્તનના અગ્રદૂત છે. તેઓ લાખો યુવતીઓ માટે આદર્શ છે જે તેમની પ્રગતિ અને વિકાસના સપના જોવાની હિંમત કરે છે.

રાષ્ટ્રપતિએ મહિલા ઉદ્યમીઓને વિનંતી કરી કે તેઓ અન્ય સાહસિક મહિલાઓને ઓળખે અને સશક્તિકરણની તેમની યાત્રામાં તેમને ટેકો આપવા માટે નવી રીતો વિશે વિચારે. તેમણે કહ્યું કે ઘણી મહિલાઓ એવી છે જે આર્થિક રીતે સ્વતંત્ર થવાનું સપનું જુએ છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેમણે કયો રસ્તો અપનાવવો જોઈએ. તેમણે કહ્યું કે તેમની સફળતાએ એક લહેરની અસર જેવી હોવી જોઈએ જેથી આપણે દેશના તમામ ભાગોમાંથી આવી સફળતાની વાર્તાઓ સાંભળી શકીએ. તેમણે કહ્યું હતું કે, આપણે સંકલ્પ લેવો જોઈએ કે આપણે એક એવા ભારતનું નિર્માણ કરવા માટે સાથે મળીને કામ કરીએ, જ્યાં દરેક મહિલા સશક્ત હોય અને દરેક યુવતી પોતાના સપનાઓને પૂરા કરવા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1997292) Visitor Counter : 85