પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું


મુખ્ય સરકારી યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા માટે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો શુભારંભ કર્યો

રૂ. 24, 000 કરોડનાં બજેટ સાથે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન-પીએમ-જનમનનો શુભારંભ કર્યો

પીએમ-કિસાન હેઠળ આશરે રૂ. 18,000 કરોડના 15મા હપ્તાની રકમ જારી કરી

ઝારખંડમાં આશરે 7,200 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો

વિકસિત ભારત સંકલ્પની પ્રતિજ્ઞાનું નેતૃત્વ કર્યું

“ભગવાન બિરસા મુંડાનાં સંઘર્ષો અને બલિદાન અગણિત ભારતીયોને પ્રેરણા આપે છે”

“બે ઐતિહાસિક પહેલ-'વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અને ‘પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન’ આજે ઝારખંડથી શરૂ થઈ રહી છે”

"ભારતમાં વિકાસનું સ્તર અમૃત કાળના ચાર સ્તંભો-મહિલા શક્તિ, યુવા શક્તિ, કૃષિ શક્તિ અને આપણા ગરીબ અને મધ્યમ વર્ગની શક્તિને મજબૂત કરવાની ક્ષમતા પર નિર્ભર કરે છે"

“મોદીએ વંચિત લોકોને પોતાની પ્રાથમિકતા બનાવી છે”

"હું ભગવાન બિરસા મુંડાની આ ભૂમિ પર વંચિતોનું મારું ઋણ ચૂકવવા આવ્યો છું"

"સાચી બિનસાંપ્રદાયિકતા ત્યારે જ આવે છે જ્યારે દેશના કોઈ પણ નાગરિક સામેના ભેદભાવની તમામ શક્યતાઓ નાબૂદ થાય છે"

"'વિકસીત ભારત સંકલ્પ યાત્રા' જે ભગવાન બિરસા મુંડાની જયંતીથી આજથી શરૂ થઈને આવતા વર્ષે 26 જાન્યુઆરી સુધી ચાલશે”

Posted On: 15 NOV 2023 2:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં ખૂંટીમાં જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અને પ્રધાનમંત્રી ખાસ કરીને વંચિત આદિવાસી જૂથોના વિકાસ અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમણે પીએમ-કિસાનનો 15મો હપ્તો પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ ઝારખંડમાં રેલવે, માર્ગ, શિક્ષણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવાં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 7200 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની વોકથ્રુ મુલાકાત પણ લીધી હતી.

આ પ્રસંગે ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનો વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પની પ્રતિજ્ઞાનું પણ નેતૃત્વ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે ભગવાન બિરસા મુંડાનાં જન્મસ્થળ ઉલીહાતુ ગામ તેમજ રાંચીમાં બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયની તેમની મુલાકાતને યાદ કરીને તેમનાં સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે બે વર્ષ પહેલાં આ દિવસે સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનાં ઉદ્‌ઘાટનનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે દરેક નાગરિકને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. તેમણે ઝારખંડના સ્થાપના દિવસના પ્રસંગે પણ શુભેચ્છા પાઠવી હતી અને તેની રચનામાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનાં યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઝારખંડના લોકોને રેલવે, માર્ગ, શિક્ષણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસનાં વિવિધ ક્ષેત્રોમાં આજના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે અભિનંદન પણ આપ્યાં હતાં. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે, ઝારખંડ હવે રાજ્યમાં 100 ટકા વિદ્યુતીકૃત રેલવે માર્ગો ધરાવે છે.

આદિવાસી ગૌરવ માટે ભગવાન બિરસા મુંડાના પ્રેરણાદાયી સંઘર્ષનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ અસંખ્ય આદિવાસી નાયકો સાથે ઝારખંડની ભૂમિનાં જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તિલકા માંઝી, સિદ્ધુ કાન્હૂ, ચાંદ ભૈરવ, ફુલો ઝાનો, નીલાંબર, પીતાંબર, જાત્રા તાના ભગત અને આલ્બર્ટ એક્કા જેવા ઘણા નાયકોએ આ ભૂમિનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આદિવાસી યોદ્ધાઓએ દેશના દરેક ખૂણામાં આઝાદીની લડતમાં ભાગ લીધો હતો તથા તેમણે માનગઢ ધામના ગોવિંદ ગુરુ, મધ્ય પ્રદેશના તાંત્યા ભીલ, છત્તીસગઢનાં ભીમા નાયક, શહીદ વીર નારાયણ સિંહ, મણિપુરના વીર ગુંડાધૂર, રાણી ગાઈદિન્લ્યુ, તેલંગાણાનાં વીર રામજી ગોંડ, આંધ્ર પ્રદેશનાં અલુરી સીતારામ રાજુ, ગોંડ પ્રદેશની રાણી દુર્ગાવતીનો ઉલ્લેખ કર્યો હતો.  . આ પ્રકારની હસ્તીઓની ઉપેક્ષા પર સંતાપ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ અમૃત મહોત્સવ દરમિયાન આ વીરોને યાદ કરવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

ઝારખંડ સાથે પોતાનાં વ્યક્તિગત જોડાણ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, આયુષ્માન યોજના ઝારખંડથી શરૂ થઈ હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ઝારખંડમાંથી બે ઐતિહાસિક પહેલનો શુભારંભ થયો છે. પ્રથમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જે સરકાર અને પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાનનાં સંતૃપ્તિ લક્ષ્યોનું માધ્યમ બનશે, આ અભિયાન લુપ્ત થવાના આરે આવેલી જનજાતિઓનું રક્ષણ કરશે અને તેમનું સંવર્ધન કરશે.

શ્રી મોદીએ વિકસિત ભારતના ચાર 'અમૃત સ્તંભો' એટલે કે મહિલા શક્તિ અથવા નારી શક્તિ, ભારતના ખાદ્ય ઉત્પાદકો, દેશના યુવાનો અને અંતે ભારતના નવ-મધ્યમ વર્ગ અને ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં વિકાસનું પ્રમાણ વિકાસના આ સ્તંભોને મજબૂત કરવાની આપણી ક્ષમતા પર નિર્ભર કરે છે. પ્રધાનમંત્રીએ વર્તમાન સરકારનાં છેલ્લાં 9 વર્ષમાં ચાર સ્તંભોને મજબૂત કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો અને કાર્યો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ 13 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં સરકારની મહત્વપૂર્ણ સિદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો. દેશની મોટી વસ્તી મૂળભૂત સુવિધાઓથી વંચિત હતી તે તરફ ધ્યાન દોરતા તેમણે કહ્યું હતું કે, "2014માં અમારી સરકાર સત્તામાં આવી ત્યારે અમારા સેવા કાળની શરૂઆત થઈ હતી". તેમણે કહ્યું હતું કે, તત્કાલીન સરકારોના બેદરકારીભર્યા અભિગમને કારણે ગરીબોએ તમામ આશા ગુમાવી દીધી હતી. "વર્તમાન સરકારે સેવાની ભાવના સાથે કામ કરવાનું શરૂ કર્યું", તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબો અને વંચિત લોકો તેમનાં ઘર સુધી સુવિધાઓ પહોંચાડીને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બની ગયા છે. તેમણે આ પરિવર્તન માટે સરકારના અભિગમને શ્રેય આપ્યો હતો. વર્ષ 2014 પહેલાં, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ગામડાંઓમાં સ્વચ્છતાનો વ્યાપ માત્ર 40 ટકા હતો, જ્યારે આજે રાષ્ટ્ર સંપૂર્ણતાનું લક્ષ્ય ધરાવે છે. વર્ષ 2014 પછીની અન્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ગામડાઓમાં એલ.પી.જી. જોડાણોની સંખ્યા 50-55 ટકાથી વધીને આજે આશરે 100 ટકા થઈ ગઈ છે, અગાઉ 55 ટકાથી હવે 100 ટકા બાળકોને જીવ બચાવતી રસીઓ આપવામાં આવી રહી છે, આઝાદી પછીના દસ દાયકામાં 17 ટકા જ્યારે હવે 70 ટકા ઘરોમાં નળ દ્વારા પાણીનાં જોડાણો આપવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, "મોદીએ વંચિતોને તેમની પ્રાથમિકતા આપી છે." પ્રધાનમંત્રીએ ગરીબી અને વંચિતતા સાથેના તેમના વ્યક્તિગત અનુભવને કારણે વંચિત લોકો પ્રત્યેનો તેમનો લગાવ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ સરકારની પ્રાથમિકતા બની ગયા છે. તેમણે કહ્યું કે, "હું ભગવાન બિરસા મુંડાની આ ભૂમિ પર વંચિતો તરફ જે મારું ઋણ છે, તેની ભરપાઈ કરવા માટે આવ્યો છું."

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકારે નીચાં લટકતાં ફળો ખાવાની લાલચનો પ્રતિકાર કર્યો છે અને લાંબા સમયથી વિલંબિત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. તેમણે 18,000 ગામડાંઓનાં વિદ્યુતીકરણનું ઉદાહરણ આપ્યું હતું, જેમને અંધકારયુગમાં જીવવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો. લાલ કિલ્લાની પ્રાચીર પરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ સમયબદ્ધ રીતે વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું. પછાત તરીકે ઓળખાતા 110 જિલ્લાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતાના મુખ્ય માપદંડો વધારવામાં આવ્યા હતા. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી આ જિલ્લાઓમાં પરિવર્તનકારી પરિવર્તન આવ્યું. તેમણે માહિતી આપી હતી કે, આ જિલ્લાઓમાં સૌથી વધુ આદિવાસી વસ્તી છે. તેમણે જણાવ્યું હતું કે, "આકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમ મારફતે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સફળતાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે."

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, "સાચી બિનસાંપ્રદાયિકતા ત્યારે જ મળે છે જ્યારે દેશના કોઈ પણ નાગરિક સાથે ભેદભાવની તમામ શક્યતાઓ નાબૂદ થાય છે." તેમણે ઉમેર્યું હતું કે, સામાજિક ન્યાય ત્યારે જ સુનિશ્ચિત થાય છે, જ્યારે સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ માપદંડ સાથે દરેક વ્યક્તિ સુધી પહોંચે. 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' પાછળની આ ભાવના છે, જે ભગવાન બિરસા મુંડાની જયંતિ પર આજથી શરૂ થઈને આવતા વર્ષે 26 જાન્યુઆરી સુધી ચાલશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ સફરમાં સરકાર દેશનાં દરેક ગામમાં મિશન મોડમાં જશે અને દરેક ગરીબ અને વંચિત વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભાર્થી બનાવશે."

પ્રધાનમંત્રીએ વર્ષ 2018માં ગ્રામ સ્વરાજ અભિયાનનાં આયોજનને યાદ કર્યું હતું, જેમાં એક હજાર સરકારી અધિકારીઓને ગામડાંઓમાં સરકારની સાત મુખ્ય યોજનાઓ વિશે જાગૃતિ લાવવા માટે મોકલવામાં આવ્યા હતા અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ એટલી જ સફળ થશે. "હું તે દિવસની રાહ જોઉં છું જ્યારે દરેક ગરીબ પાસે મફત રાશન માટે રેશનકાર્ડ, ઉજ્જવલા યોજનામાંથી ગેસનું જોડાણ, ઘરોમાં વીજળીનો પુરવઠો, નળ દ્વારા પાણીનું જોડાણ, આયુષ્માન કાર્ડ અને પાકું ઘર હશે". પ્રધાનમંત્રીએ વધુમાં દરેક ખેડૂત અને મજૂરને પેન્શન યોજનાઓમાં જોડાવા અને યુવાનોને તેમનાં સપનાને સાકાર કરવા માટે મુદ્રા યોજનાનો લાભ લેવાનાં તેમનાં વિઝન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું, "વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ભારતના ગરીબો, વંચિત, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે મોદીની ગૅરંટી છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકસિત ભારત માટે સંકલ્પનો મુખ્ય પાયો પીએમ જનમન કે પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન છે. તેમણે નોંધ્યું હતું કે, અટલજીની સરકારે જ આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની રચના કરી હતી અને અલગ બજેટ ફાળવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, આદિવાસી કલ્યાણ માટેનાં બજેટમાં અગાઉની સરખામણીએ 6 ગણો વધારો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી જનમન અંતર્ગત પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર આદિવાસી જૂથો અને આદિમ જનજાતિઓ સુધી પહોંચશે, જેમાંનાં મોટાં ભાગનાં લોકો હજુ પણ જંગલોમાં વસે છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે આવા 75 આદિવાસી સમુદાયો અને આદિમ જનજાતિઓની ઓળખ કરી છે, જેમની વસ્તી લાખોની છે, જેઓ દેશનાં 22 હજારથી વધુ ગામોમાં રહે છે. "પહેલાની સરકારો આંકડાઓને જોડવાનું કામ કરતી હતી, પરંતુ હું જીવનને જોડવા માગું છું, આંકડાને નહીં. આ લક્ષ્યાંક સાથે પ્રધાનમંત્રી જનમનની શરૂઆત આજે થઈ છે." તેમણે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર આ મહાઅભિયાન પાછળ 24,000 કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે.

પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાયોના વિકાસ માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની દ્રઢ પ્રતિબદ્ધતા માટે તેમનો આભાર માન્યો હતો. તેમણે તેમને મહિલા સંચાલિત વિકાસનું પ્રેરક પ્રતીક ગણાવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ તાજેતરનાં વર્ષોમાં મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલાં પગલાંની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમારી સરકારે મહિલાઓ માટે તેમનાં જીવનના દરેક તબક્કાને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી છે." તેમણે જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓ, શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલયો, પ્રધાનમંત્રી આવાસ યોજના, સૈનિક સ્કૂલ અને સંરક્ષણ અકાદમી ખોલવી, 70 ટકા મુદ્રા લાભાર્થીઓ મહિલાઓ છે, સ્વ-સહાય જૂથોને વિક્રમી સહાય અને નારીશક્તિ વંદન અધિનિયમ જેવી પહેલ જીવનની કાયાપલટ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે. આ ભાઈ દેશની તમામ બહેનોને ખાતરી આપે છે કે અમારી સરકાર અમારી બહેનોના વિકાસમાં આવતા દરેક અવરોધને દૂર કરતી રહેશે. નારી શક્તિનો અમૃત સ્તંભ વિકસિત ભારતનાં નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે," એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સૂચવે છે કે, કેન્દ્ર સરકાર વિકસિત ભારતની સફરમાં દરેક વ્યક્તિની સંભવિતતાનો ઉપયોગ કરવા કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના વિશ્વકર્મા મિત્રોને આધુનિક તાલીમ અને સાધનો પ્રદાન કરશે. તેમણે માહિતી આપી હતી કે, "આ યોજના પર રૂ. 13,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે."

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનાં 15મા હપ્તા વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, અત્યાર સુધીમાં ખેડૂતોનાં ખાતામાં રૂ. 2,75,000 કરોડથી વધારે હસ્તાંતરિત થઈ ગયા છે. તેમણે પશુપાલકો અને માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ, પશુધનનાં મફત રસીકરણ પાછળ રૂ.15,000 કરોડનો સરકારી ખર્ચ, મત્સ્ય સંપદા યોજના હેઠળ દેશમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદન સંઘોની રચનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના પગલે બજારને વધુ સુલભ બનાવીને ખેડૂતો માટે ખર્ચમાં ઘટાડો થયો છે. પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવામાં આવે છે અને શ્રી અન્નને વિદેશી બજારોમાં લઈ જવાના સરકારના પ્રયાસોની પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ રાજ્યમાં નક્સલવાદી હિંસામાં ઘટાડા માટે ઝારખંડના સંપૂર્ણ વિકાસને શ્રેય આપ્યો હતો. રાજ્યની રચનાને ટૂંક સમયમાં 25 વર્ષ પૂર્ણ થશે, એમ જણાવતાં પ્રધાનમંત્રીએ ઝારખંડમાં 25 યોજનાઓની સંતૃપ્તિના લક્ષ્યાંક તરફ કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેનાથી રાજ્યના વિકાસને નવી ગતિ મળશે અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતા વધશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "સરકાર શિક્ષણનો વિસ્તાર કરવા અને યુવાનોને તકો પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે." તેમણે આધુનિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પ્રકાશ પાડ્યો હતો, જે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં મેડિસિન અને એન્જિનીયરિંગનો અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં દેશભરમાં 300થી વધુ યુનિવર્સિટીઓ અને 5,500 નવી કૉલેજોની સ્થાપના કરવામાં આવી છે. તેમણે ડિજિટલ ઇન્ડિયા અભિયાન વિશે પણ વાત કરી હતી અને ભારત એક લાખથી વધારે સ્ટાર્ટ-અપ સાથે દુનિયામાં ત્રીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ બની રહ્યું છે. પીએમ મોદીએ રાંચીનાં આઈઆઈએમ કૅમ્પસ અને આઈઆઈટી-આઈએસએમ, ધનબાદમાં નવી હૉસ્ટેલનાં ઉદ્‌ઘાટનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમૃત કાલના ચાર અમૃત સ્તંભ એટલે કે ભારતની મહિલા શક્તિ, યુવા શક્તિ, કૃષિ શક્તિ અને આપણા ગરીબ અને મધ્યમ વર્ગની શક્તિ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને ભારતને વિકસિત ભારત બનાવશે.

આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણન, ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન અને કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી અર્જુન મુંડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરીને સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનો પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે. યોજનાઓની સંતૃપ્તિના આ ઉદ્દેશને પ્રાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પ્રધાનમંત્રીએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો શુભારંભ કરાવ્યો હતો.

આ યાત્રામાં લોકો સુધી પહોંચવા, જાગૃતિ લાવવા અને સ્વચ્છતાની સુવિધાઓ, આવશ્યક નાણાકીય સેવાઓ, વીજળીનાં જોડાણો, એલપીજી સિલિન્ડરની સુલભતા, ગરીબો માટે આવાસ, ખાદ્ય સુરક્ષા, યોગ્ય પોષણ, વિશ્વસનીય હેલ્થકેર, પીવાનું સ્વચ્છ પાણી વગેરે જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સંભવિત લાભાર્થીઓની નોંધણી યાત્રા દરમિયાન ચકાસાયેલ વિગતો દ્વારા કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ઝારખંડનાં ખૂંટીમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નાં શુભારંભનાં પ્રતીક સ્વરૂપે આઇઇસી (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન) વાનને લીલી ઝંડી આપી હતી. આ યાત્રા શરૂઆતમાં નોંધપાત્ર આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓથી શરૂ થશે અને 25 જાન્યુઆરી 2024 સુધીમાં દેશભરના તમામ જિલ્લાઓને આવરી લેશે.

પીએમ પીવીટીજી મિશન

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આ પ્રકારની પ્રથમ પહેલ – 'પ્રધાનમંત્રી ખાસ કરીને નબળાં આદિવાસી જૂથો (પીએમ પીવીટીજી) વિકાસ મિશન'નો પણ શુભારંભ કરાવ્યો હતો. 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 22,544 ગામો (220 જિલ્લાઓ)માં 75 પીવીટીજી (PVTGs) રહે છે જેમની આશરે 28 લાખની વસતિ છે.

આ જનજાતિઓ છૂટાછવાયાં, અંતરિયાળ અને દુર્ગમ રહેઠાણોમાં રહે છે, ઘણીવાર વન વિસ્તારોમાં રહે છે અને તેથી આશરે રૂ. 24,000 કરોડનાં બજેટ સાથેનું મિશન પીવીટીજી પરિવારો અને રહેઠાણોને માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી, વીજળી, સલામત આવાસ, પીવાનું ચોખ્ખું પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ અને ટકાઉ આજીવિકાની તકો જેવી મૂળભૂત સુવિધાઓ સાથે સંતૃપ્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પીએમજેએવાય, સિકલ સેલ રોગ નાબૂદી, ટીબી નાબૂદી, 100 ટકા રસીકરણ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પ્રધાનમંત્રી પોષણ, પ્રધાનમંત્રી જન ધન યોજના વગેરે માટે અલગથી સંતૃપ્તિ સુનિશ્ચિત કરવામાં આવશે.

પીએમ-કિસાન નો 15મો હપ્તો અને અન્ય વિકાસલક્ષી પહેલ

ખેડૂતોનાં કલ્યાણ માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ પ્રદર્શિત કરતું એક પગલું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 18,000 કરોડના 15મા હપ્તાની રકમ 8 કરોડથી વધારે લાભાર્થીઓને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ મારફતે આપવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 14 હપ્તાઓમાં 2.62 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ રેલવે, માર્ગ, શિક્ષણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવાં વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 7200 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જે પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો, તેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 133ના મહાગામા-હાંસડીહા સેક્શનના 52 કિલોમીટરના પટ્ટાને ચાર માર્ગીય બનાવવાનો; એનએચ 114 એના બાસુકીનાથ- દેવઘર સેક્શનના 45 કિમીના પટ્ટાને ફોર લેનિંગ; કેડીએચ-પૂર્ણાદિહ કોલસાનું સંચાલન પ્લાન્ટ; આઈ.આઈ.આઈ.ટી. રાંચીનું નવું શૈક્ષણિક અને વહીવટી ભવનનો સમાવેશ થાય છે.

જે પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે તેમાં આઈઆઈએમ રાંચીનું નવું પરિસર; આઈઆઈટી આઈએસએમ ધનબાદની નવી હૉસ્ટેલ; બોકારોમાં પેટ્રોલિયમ ઓઇલ એન્ડ લ્યુબ્રિ્ાકન્ટ્સ (પીઓએલ) ડેપો; હાથિયા-પકારા સેક્શન, તલગરિયા-બોકારો સેક્શન અને જરાંગડીહ-પતરાતુ સેક્શનને બમણું કરવા જેવી કેટલીક રેલવે યોજનાઓ સામેલ છે. ઉપરાંત પ્રધાનમંત્રીએ ઝારખંડ રાજ્યમાં 100 ટકા રેલવે ઇલેક્ટ્રિફિકેશનની સિદ્ધિ પણ દેશને સમર્પિત કરી હતી.

CB/GP/JD


(Release ID: 1977115) Visitor Counter : 352