આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે લદ્દાખમાં 13 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ગ્રીન એનર્જી કોરિડોર (જીઇસી) ફેઝ-2 – ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (આઇએસટીએસ)ને મંજૂરી આપી

Posted On: 18 OCT 2023 3:27PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે લદ્દાખમાં 13 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ગ્રીન એનર્જી કોરિડોર (જીઇસી) ફેઝ-2 – ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (આઇએસટીએસ) પરના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

પ્રોજેક્ટનો લક્ષ્યાંક નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં સ્થાપિત કરવાનો છે, જેનો કુલ અંદાજીત ખર્ચ રૂ. 20,773.70 કરોડ અને કેન્દ્રીય નાણાકીય સહાયતા (સીએફએ) પ્રોજેક્ટનાં ખર્ચનાં 40 ટકા એટલે કે રૂ. 8,309.48 કરોડ છે.

લદ્દાખ વિસ્તારની જટિલ ભૂપ્રદેશ, પ્રતિકૂળ આબોહવાની સ્થિતિ અને સંરક્ષણ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ માટે પાવર ગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (પાવરગ્રીડ) અમલીકરણ એજન્સી હશે. અત્યાધુનિક વોલ્ટેજ સોર્સ કન્વર્ટર (વીએસસી) આધારિત હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ (એચવીડીસી) સિસ્ટમ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ઓલ્ટરનેટિંગ કરન્ટ (ઈએચવીએસી) સિસ્ટમ તૈનાત કરવામાં આવશે.

આ વીજળીને ઈવેક્યુએટ કરવા માટે ટ્રાન્સમિશન લાઇન હિમાચલ પ્રદેશ અને પંજાબમાંથી પસાર થઇને હરિયાણાના કૈથલ સુધી જશે, જ્યાં તેને નેશનલ ગ્રિડ સાથે જોડવામાં આવશે. લેહમાં આ પ્રોજેક્ટથી હાલના લદ્દાખ ગ્રીડ સુધી ઇન્ટરકનેક્શનની પણ યોજના છે જેથી લદ્દાખને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરી શકાય. જમ્મુ અને કાશ્મીરને વીજળી પ્રદાન કરવા માટે તેને લેહ-અલસ્ટેંગ-શ્રીનગર લાઇન સાથે પણ જોડવામાં આવશે. આ પરિયોજનાથી પાંગ (લદ્દાખ) અને કૈથલ (હરિયાણા)માં 713 કિલોમીટર ટ્રાન્સમિશન લાઈન (જેમાં 480 કિમી એચવીડીસી લાઈન સામેલ છે) અને એચવીડીસી ટર્મિનલની 5 ગીગાવોટ ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી 500 ગીગાવોટ સ્થાપિત વીજળી ક્ષમતાનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ દેશની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા વિકસાવવામાં પણ મદદ કરશે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડીને પારિસ્થિતિક રીતે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપશે. એનાથી વીજળી અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં, ખાસ કરીને લદ્દાખ ક્ષેત્રમાં, કુશળ અને અકુશળ એમ બંને પ્રકારના કર્મચારીઓ માટે મોટી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકોનું સર્જન થશે.

આ પ્રોજેક્ટ ઇન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ-2 (આઇએનએસટીએસ જીઇસી-II) ઉપરાંતનો છે, જે ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશ રાજ્યોમાં અંદાજે 20 ગીગાવોટ આરઇ પાવરના ગ્રિડ ઇન્ટિગ્રેશન અને પાવર ઇવેક્યુએશન માટે અમલમાં છે અને વર્ષ 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. INSTS જીઇસી-II યોજનામાં 10753 કિલો કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન અને સબસ્ટેશનની 27546 એમવીએ ક્ષમતાનો ઉમેરો કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 12,031.33 કરોડ અને સીએફએ @33 ટકા એટલે કે રૂ. 3970.34 કરોડ છે.

પાર્શ્વભાગ:

પ્રધાનમંત્રીએ 15.08.2020ના રોજ સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન લદ્દાખમાં 7.5 ગીગાવોટ સોલર પાર્ક સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. વિસ્તૃત ફિલ્ડ સર્વે પછી, નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયે (એમએનઆરઇ) લદ્દાખના પાંગમાં 12 ગીગાવોટ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ) સાથે 13 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા (આરઇ) ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાની યોજના તૈયાર કરી હતી. વીજળીના આ વિશાળ જથ્થાને બહાર કાઢવા માટે, આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જરૂરી બનશે.

CB/GP/JD



(Release ID: 1968749) Visitor Counter : 140