પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ મારફતે કૌશલ દિક્ષાંત સમારંભ 2023ને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કૌશલ દિક્ષાંત સમારંભ આજના ભારતની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે."

"દેશ મજબૂત યુવા શક્તિ સાથે વધુ વિકસિત થાય છે, જેથી રાષ્ટ્રના સંસાધનોને ન્યાય મળે છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે આખી દુનિયાને વિશ્વાસ છે કે આ સદી ભારતની સદી બનવા જઈ રહી છે."

"અમારી સરકારે કૌશલ્યનું મહત્વ સમજીને તેના માટે એક અલગ મંત્રાલય બનાવ્યું, અલગ બજેટ ફાળવ્યું"

"ઉદ્યોગ, સંશોધન અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ માટે વર્તમાન સમય સાથે સુસંગત રહેવું મહત્વપૂર્ણ છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતમાં કૌશલ્ય વિકાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ માત્ર મિકેનિક્સ, એન્જિનિયર્સ, ટેકનોલોજી કે અન્ય કોઈ સેવા પૂરતી મર્યાદિત નથી."

"ભારતમાં બેરોજગારીનો દર 6 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આઇએમએફને વિશ્વાસ છે કે, આગામી 3-4 વર્ષમાં ભારત દુનિયાની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવશે"

Posted On: 12 OCT 2023 1:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે કૌશલ દિક્ષાંત સમારંભને સંબોધન કર્યું હતું.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કૌશલ્ય વિકાસનું આ પર્વ પોતાનામાં જ વિશિષ્ટ છે અને આજે દેશભરમાં કૌશલ્ય વિકાસ સંસ્થાઓનાં સંયુક્ત પદવીદાન સમારંભનો કાર્યક્રમ અતિ પ્રશંસનીય પહેલ છે. તેમણે કહ્યું હતું કે, કૌશલ્ય દિક્ષાંત સમારંભ આજના ભારતની પ્રાથમિકતાઓનું પ્રતિબિંબ છે. ટેકનોલોજીનાં માધ્યમથી આ ઇવેન્ટ સાથે સંકળાયેલા હજારો યુવાનોની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ તમામ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કોઈ પણ દેશની કુદરતી કે ખનિજ સંસાધનો અથવા તેના લાંબા દરિયાકિનારા જેવી શક્તિઓનો ઉપયોગ કરવા માટે યુવાનોની શક્તિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, દેશનો વિકાસ યુવાશક્તિને વધુ મજબૂત બનાવવા સાથે થાય છે, જેથી દેશનાં સંસાધનોને ન્યાય મળે છે. આજે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવી જ વિચારસરણી ભારતનાં યુવાનોને સશક્ત બનાવી રહી છે, જે સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં અભૂતપૂર્વ સુધારો કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આમાં દેશનો અભિગમ દ્વિઆયામી છે." તેમણે સમજાવ્યું હતું કે, ભારત પોતાનાં યુવાનોને કૌશલ્ય અને શિક્ષણ મારફતે નવી તકોનો લાભ લેવા માટે તૈયાર કરી રહ્યું છે, કારણ કે તેમણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પ્રકાશ પાડ્યો હતો, જેની સ્થાપના આશરે 4 દાયકા પછી થઈ છે. પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, સરકાર મોટી સંખ્યામાં નવી મેડિકલ કોલેજો અને આઇઆઇટી, આઇઆઇએમ કે આઇટીઆઇ જેવી કૌશલ્ય વિકાસ સંસ્થાઓની સ્થાપના કરી રહી છે તથા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ તાલીમ પામેલા કરોડો યુવાનોનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રોજગારી પૂરી પાડતા પરંપરાગત ક્ષેત્રોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે, ત્યારે રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા નવા ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભારત દ્વારા ચીજવસ્તુઓની નિકાસ, મોબાઇલ નિકાસ, ઇલેક્ટ્રોનિક નિકાસ, સેવાઓની નિકાસ, સંરક્ષણ નિકાસ અને ઉત્પાદનમાં નવા વિક્રમો બનાવવાનો ઉલ્લેખ પણ કર્યો હતો તથા સાથે સાથે સ્પેસ, સ્ટાર્ટઅપ, ડ્રોન, એનિમેશન, ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં યુવાનો માટે મોટી સંખ્યામાં નવી તકો ઊભી કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે સમગ્ર વિશ્વ એવું માને છે કે આ સદી ભારતની સદી બનવાની છે." તેમણે આ માટે ભારતની યુવા વસતિને શ્રેય આપ્યો હતો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે દુનિયાનાં ઘણાં દેશોમાં વયોવૃદ્ધ લોકોની સંખ્યા વધી રહી છે, ત્યારે ભારત દરેક પસાર થતા દિવસની સાથે યુવાન થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ભારતને આ મોટો ફાયદો છે." તેમણે નોંધ્યું હતું કે, વિશ્વ તેના કુશળ યુવાનો માટે ભારત તરફ જોઈ રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, ગ્લોબલ સ્કિલ મેપિંગ સાથે સંબંધિત ભારતની દરખાસ્તને તાજેતરમાં જી-20 સમિટમાં સ્વીકારવામાં આવી છે, જે આગામી સમયમાં યુવાનો માટે શ્રેષ્ઠ તકો ઊભી કરવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ ઊભી થયેલી કોઈ પણ તકનો વ્યય ન કરવાનું સૂચન કર્યું હતું અને ખાતરી આપી હતી કે, સરકાર આ ઉદ્દેશને ટેકો આપવા તૈયાર છે. શ્રી મોદીએ અગાઉની સરકારોમાં કૌશલ્ય વિકાસ પ્રત્યેની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, "અમારી સરકારે કૌશલ્યનું મહત્ત્વ સમજીને તેના માટે અલગ મંત્રાલયની રચના કરી હતી અને અલગ બજેટ ફાળવ્યું હતું." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અગાઉ ક્યારેય નહોતું થયું તેટલું વધારે રોકાણ પોતાનાં યુવાનોનાં કૌશલ્યમાં વધારે રોકાણ કરી રહ્યું છે તથા તેમણે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાનું ઉદાહરણ આપ્યું હતું, જેણે જમીની સ્તરે યુવાનોને મજબૂત કર્યા છે. આ યોજના હેઠળ પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, અત્યાર સુધીમાં આશરે 1.5 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઔદ્યોગિક ક્લસ્ટરોની નજીક નવાં કૌશલ્ય કેન્દ્રો પણ સ્થાપિત થઈ રહ્યાં છે, જે ઉદ્યોગને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ સાથે તેની જરૂરિયાતો વહેંચવા સક્ષમ બનાવશે, જેથી રોજગારીની વધારે સારી તકો માટે યુવાનોમાં જરૂરી કૌશલ્યનો વિકાસ થશે.

કૌશલ્ય, કુશળતા વધારવા અને પુનઃકુશળતાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ઝડપથી બદલાતી જતી માગ અને નોકરીઓનાં સ્વરૂપની નોંધ લીધી હતી તથા તે મુજબ કૌશલ્ય વધારવા પર ભાર મૂક્યો હતો. એટલે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉદ્યોગ, સંશોધન અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ માટે વર્તમાન સમય સાથે તાલમેળ જાળવવો અતિ મહત્ત્વપૂર્ણ છે. કૌશલ્ય પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં દેશમાં આશરે 5,000 નવી આઇટીઆઇ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં આઇટીઆઇની 4 લાખથી વધારે નવી બેઠકો સામેલ થઈ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ પદ્ધતિઓની સાથે-સાથે કાર્યક્ષમ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ પ્રદાન કરવાનાં ઉદ્દેશ સાથે સંસ્થાઓને મોડલ આઇટીઆઇ સ્વરૂપે અપગ્રેડ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતમાં કૌશલ્ય વિકાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. આપણે માત્ર મિકેનિક્સ, એન્જિનીયર્સ, ટેકનોલોજી કે અન્ય કોઈ સેવા પૂરતી મર્યાદિત નથી." તેમણે ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન ટેકનોલોજી માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આપણા રોજિંદા જીવનમાં વિશ્વકર્માના મહત્વ પર ભાર મૂકતા શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો કે, જે વિશ્વકર્મા યોજનાને આધુનિક ટેકનોલોજી અને સાધનો સાથે તેમના પરંપરાગત કૌશલ્યોને જોડવા સક્ષમ બનાવે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે ભારતનું અર્થતંત્ર વિસ્તરી રહ્યું છે, ત્યારે યુવાનો માટે નવી-નવી શક્યતાઓ ઊભી થઈ રહી છે. તેમણે કહ્યું કે, ભારતમાં રોજગાર નિર્માણ એક નવી ઉંચાઈ પર પહોંચ્યું છે અને તાજેતરના એક સર્વે અનુસાર ભારતમાં બેરોજગારીનો દર 6 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર છે. ભારતનાં ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં બેરોજગારી ઝડપથી ઘટી રહી છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસનાં લાભો ગામડાં અને શહેરો બંને સુધી સમાન રીતે પહોંચી રહ્યાં છે અને તેના પરિણામે ગામડાં અને શહેરો બંનેમાં નવી તકો સમાન રીતે વધી રહી છે. તેમણે ભારતના કાર્યબળમાં મહિલાઓની ભાગીદારીમાં થયેલા અભૂતપૂર્વ વધારા તરફ પણ ધ્યાન દોર્યું હતું અને મહિલા સશક્તિકરણના સંબંધમાં પાછલા વર્ષોમાં ભારતમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ અને અભિયાનોની અસરને શ્રેય આપ્યો હતો.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બની રહેશે. તેમણે ભારતને વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવાના પોતાના સંકલ્પને પણ યાદ કર્યો હતો અને કહ્યું હતું કે, આઇએમએફને આગામી 3-4 વર્ષમાં ભારત દુનિયાની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓ બનવા પર પણ વિશ્વાસ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી દેશમાં રોજગારી અને સ્વરોજગારી માટે નવી તકોનું સર્જન થશે.

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારતને દુનિયામાં કુશળ માનવશક્તિનું સૌથી મોટું કેન્દ્ર બનાવવા પર ભાર મૂક્યો હતો, જેથી સ્માર્ટ અને કુશળ માનવશક્તિ સોલ્યુશન્સ પ્રદાન કરી શકાય. "શીખવાની, શીખવવાની અને આગળ વધવાની પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ. તમે જીવનના દરેક પગલા પર સફળ થાઓ એવી શુભેચ્છા."

PM @narendramodi’s remarks at the Kaushal Deekshant Samaroh. https://t.co/3UFW8IpabG

— PMO India (@PMOIndia) October 12, 2023

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1966972) Visitor Counter : 135