પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું


16 અટલ આવાસીય વિદ્યાલયોનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કાશી સંસદ સંસ્કૃતિ મહોત્સવ જેવા પ્રયાસો આ પ્રાચીન નગરીની સાંસ્કૃતિક જીવંતતાને મજબૂત કરે છે"

મહાદેવના આશીર્વાદથી કાશી વિકાસના અભૂતપૂર્વ આયામોની પટકથા લખી રહ્યું છે"

"કાશી અને સંસ્કૃતિ એક જ ઊર્જાનાં બે નામો છે"

"કાશીના દરેક ખૂણામાં સંગીત વહે છે, છેવટે તો આ જ તો નટરાજની નગરી છે”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે હું 2014માં અહીં આવ્યો હતો, ત્યારે મેં કલ્પના કરી હતી એવા કાશીના વિકાસ અને વારસાનું સપનું હવે ધીરે ધીરે સાકાર થઈ રહ્યું છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વારાણસી તેની સર્વસમાવેશક ભાવનાને કારણે સદીઓથી શિક્ષણનું કેન્દ્ર રહ્યું છે"

"હું ઇચ્છું છું કે કાશીમાં પર્યટક માર્ગદર્શિકાઓની સંસ્કૃતિ વિકસે અને કાશીના ટૂરિસ્ટ ગાઇડ્સને વિશ્વમાં સૌથી વધુ માન આપવામાં આવે"

Posted On: 23 SEP 2023 5:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રુદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને કન્વેન્શન સેન્ટરમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સમગ્ર ઉત્તરપ્રદેશમાં આશરે રૂ. 1115 કરોડનાં ખર્ચે નિર્મિત 16 અટલ આવાસીય વિદ્યાલયોનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ કાશી સંસદ ખેલ પ્રતિયોગિતાના રજિસ્ટ્રેશન માટે પોર્ટલ પણ લોંચ કર્યું હતું. તેમણે કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવના વિજેતાઓને ઇનામો પણ એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ અગાઉ અટલ અવસિયા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી.

અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન મહાદેવનાં આશીર્વાદથી કાશી માટે સન્માનમાં સતત વધારો થયો છે અને શહેર માટેની નીતિઓ નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. પ્રધાનમંત્રીએ જી-20 સમિટની સફળતામાં કાશીના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, જે લોકોએ આ શહેરની મુલાકાત લીધી હતી, તેમણે પોતાની સાથે કાશીની સેવા, સ્વાદ, સંસ્કૃતિ અને સંગીતને પાછું લઈ લીધું છે. તેમણે જણાવ્યું હતું કે, જી-20 સમિટની સફળતા ભગવાન મહાદેવના આશીર્વાદને આભારી છે.

તેમણે કહ્યું હતું કે, મહાદેવનાં આશીર્વાદથી કાશી વિકાસનાં અભૂતપૂર્વ આયામો સર કરી રહ્યું છે. આજે તેમણે વારાણસીમાં જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો અને 16 અટલ નિવાસી શાળાઓના લોકાર્પણ વિશે વાત કરતાં પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં કાશીનાં લોકોને અને શ્રામિકોનાં પરિવારજનોને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014થી આ મતવિસ્તારનાં સાંસદ તરીકે કાશીનાં વિકાસ માટે તેમનું વિઝન આખરે વાસ્તવિક બની રહ્યું છે. તેમણે કાશી સાંસ્કૃતિક મહોત્સવમાં વિશાળ ભાગીદારીને બિરદાવી હતી અને આ ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓ સાથે જોડાવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ મહોત્સવની માત્ર પ્રથમ આવૃત્તિ હતી, જેમાં આશરે 40,000 કલાકારોએ ભાગ લીધો હતો અને લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આ મહોત્સવનાં સાક્ષી બન્યાં હતાં. કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ લોકોના સહયોગથી આવનારા સમયમાં પોતાની એક નવી ઓળખ ઉભી કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાશી દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કાશી અને સંસ્કૃતિ એક જ ઊર્જાનાં બે નામો છે અને કાશીને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું કે સ્વાભાવિક છે કે શહેરના ખૂણે ખૂણે સંગીત વહે છે, આખરે આ જ નટરાજની નગરી છે. મહાદેવને તમામ પ્રકારની કળાઓના સ્ત્રોત તરીકે સ્વીકારતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કળાને ભારત મુનિ જેવા પ્રાચીન ઋષિમુનિઓએ વિકસાવી હતી અને વ્યવસ્થામાં મૂકી હતી. સ્થાનિક તહેવારો અને ઉજવણીઓને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાશીમાં દરેક વસ્તુ સંગીત અને કળામાં ડૂબેલી છે.

પ્રધાનમંત્રીએ શહેરની ગૌરવશાળી શાસ્ત્રીય સંગીત સંસ્કૃતિ અને પ્રાદેશિક ગીતો પર પ્રકાશ પાડ્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, આ શહેર તબલા, શહેનાઈ, સિતાર, સારંગી અને વીણા જેવા સંગીતનાં વાદ્યોનું મિશ્રણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વારાણસીએ ખયાલ, ઠુમરી, દાદરા, ચૈતી અને કજરીની સંગીતમય શૈલીઓને સદીઓથી જાળવી રાખી છે તથા ગુરુ-શિષ્ય પરંપરા પણ જાળવી રાખી છે, જેણે ભારતની મધુર આત્માને પેઢીઓથી જીવંત રાખી છે. પ્રધાનમંત્રીએ તેલિયા ઘરાના, પિયારી ઘરાના અને રામપુરા કબીરચૌરા મુહલાના સંગીતકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, વારાણસીએ સંગીતમાં અનેક મહાન કલાકારોનું નિર્માણ કર્યું છે, જેણે વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડી છે. પ્રધાનમંત્રીએ વારાણસીનાં કેટલાંક મહાન સંગીતકારો સાથે આદાનપ્રદાન કરવાની તક મળવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

આજે શરૂ કરવામાં આવેલા કાશી સાંસદ ખેલ પ્રતિયોગિતાના પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ખેલ પક્ષયોગિતા હોય કે કાશી સંસદ સંસ્કૃતિ મહોત્સવ, આ કાશીમાં નવી પરંપરાઓની માત્ર શરૂઆત છે. તેમણે જાહેરાત કરી હતી કે, હવે કાશી સંસદ જ્ઞાન પ્રતિયોગિતાનું પણ આયોજન હવે કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, "કાશીની સંસ્કૃતિ, રાંધણકળા અને કળા વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે." "કાશીના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિવિધ સ્તરે કાશી સંસદ જ્ઞાન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નગરનાં લોકો કાશી વિશે સૌથી વધુ જાણકારી ધરાવતાં લોકો છે અને દરેક નિવાસી કાશીનાં સાચાં બ્રાન્ડ એમ્બેસેડર છે. આ જ્ઞાનનો યોગ્ય રીતે સંચાર કરવા માટે તેમને સજ્જ કરવા માટે પ્રધાનમંત્રીએ શહેરનું યોગ્ય રીતે વર્ણન કરી શકે તેવા ગુણવત્તાસભર ટૂરિસ્ટ ગાઇડ્સની વ્યવસ્થાને મજબૂત કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ માટે તેમણે કહ્યું હતું કે, કાશી સાંસદ ટૂરિસ્ટ ગાઈડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. "હું આ એટલા માટે કરવા માગું છું કારણ કે હું ઇચ્છું છું કે દુનિયા મારા કાશી વિશે જાણે. હું ઇચ્છું છું કે કાશીના ટૂરિસ્ટ ગાઇડ્સને વિશ્વમાં સૌથી વધુ માન આપવામાં આવે."

સમગ્ર વિશ્વમાંથી અનેક વિદ્વાનો સંસ્કૃત શીખવા માટે કાશીની મુલાકાત લે છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માન્યતાને ધ્યાનમાં રાખીને આજે અટલ આવસિયા વિદ્યાલયોનું ઉદઘાટન રૂ. 1100 કરોડનાં ખર્ચે કરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રમિક સહિત સમાજના નબળા વર્ગના લોકોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આ શાળાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કોવિડ રોગચાળા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારાઓનાં બાળકોને આ શાળાઓમાં શૂન્ય ફી સાથે પ્રવેશ આપવામાં આવશે." તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય અભ્યાસક્રમો ઉપરાંત સંગીત, કળા, હસ્તકલા, ટેકનોલોજી અને રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમાજ માટે 1 લાખ એકલવ્ય નિવાસી શાળાઓના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. "નવી શૈક્ષણિક નીતિ સાથે, સરકારે વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખી છે. શાળાઓ આધુનિક બની રહી છે અને વર્ગો સ્માર્ટ બની રહ્યા છે." શ્રી મોદીએ આધુનિક ટેકનોલોજીની મદદથી દેશમાં હજારો શાળાઓને આધુનિક બનાવવાનાં પ્રધાનમંત્રી શ્રી અભિયાન વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ શહેર માટે તેમનાં તમામ પ્રયાસોમાં કાહસીનાં લોકોનાં સંપૂર્ણ સાથસહકારનો સ્વીકાર કર્યો હતો.

સ્થળાંતરિત શ્રમિકોનાં બાળકોની સારસંભાળ માટે તમામ રાજ્યો માટે ઉપલબ્ધ બજેટનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, ઘણાં રાજ્યોએ આ ભંડોળનો ઉપયોગ ચૂંટણીમાં તકવાદી ઉદ્દેશો માટે કર્યો છે, ત્યારે ઉત્તરપ્રદેશે મુખ્યમંત્રી યોગીજીનાં નેતૃત્વમાં આ ભંડોળનો ઉપયોગ સમાજનાં ગરીબ વર્ગનાં બાળકોનાં ભવિષ્ય માટે કર્યો છે. પ્રધાનમંત્રીએ નિવાસી શાળાનાં વિદ્યાર્થીઓનાં આત્મવિશ્વાસ બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે અંતમાં કહ્યું હતું કે, "મારા શબ્દો યાદ રાખજો, આગામી 10 વર્ષમાં તમને આ શાળાઓમાંથી કાશીનો મહિમા જોવા મળશે."

આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરપ્રદેશ સરકારનાં મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વ ભાગ

કાશીની સાંસ્કૃતિક જીવંતતાને મજબૂત કરવાના પ્રધાનમંત્રીના વિઝનને કારણે કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવની કલ્પના થઈ છે. મહોત્સવમાં ૧૭ શાખાઓના ૩૭,૦૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમણે ગાયન, વાદ્ય વગાડવા, નુક્કડ નાટક, નૃત્ય વગેરેમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. રૂદ્રાક્ષ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કાર્યક્રમ દરમિયાન પ્રતિભાશાળી સહભાગીઓને તેમની સાંસ્કૃતિક કુશળતા પ્રદર્શિત કરવાની તક મળશે.

ગુણવત્તાયુક્ત શિક્ષણની સુલભતાને વધુ વિસ્તૃત કરવાના હેતુથી, સમગ્ર ઉત્તર પ્રદેશમાં આશરે 1115 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી 16 અટલ અવસિયા વિદ્યાલયને કોવિડ -19 રોગચાળાને કારણે અસરગ્રસ્ત મજૂરો, બાંધકામ કામદારો અને અનાથ બાળકોના બાળકો માટે જ શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો અને બાળકોના સર્વાંગી વિકાસમાં મદદ કરવાનો છે. દરેક શાળાનું નિર્માણ 10-15 એકર વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેમાં વર્ગખંડો, રમતગમતનું મેદાન, મનોરંજક વિસ્તારો, એક મિની ઓડિટોરિયમ, હોસ્ટેલ સંકુલ, મેસ અને સ્ટાફ માટે રહેણાંકના ફ્લેટ્સ છે. આ નિવાસી શાળાઓ આખરે પ્રત્યેકમાં ૧,૦૦૦ વિદ્યાર્થીઓને સમાવવાનો ઇરાદો ધરાવે છે.

CB/GP/JD



(Release ID: 1959933) Visitor Counter : 124