પ્રધાનમંત્રીનું કાર્યાલય

ચંદ્રયાન-3 અભિયાનની સફળતા માટે ટીમ ઇસરોને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 26 AUG 2023 11:13AM by PIB Ahmedabad

નમસ્કાર મિત્રો,

આપ સૌની સમક્ષ આવીને આજે એક અલગ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. કદાચ આ પ્રકારની ખુશી અત્યંત વિરલ પ્રસંગે જ થતી હોય છે. જ્યારે તન અને મન ખુશીઓથી ભરાઈ ગયું હોય અને વ્યક્તિના જીવનમાં ઘણી વાર એવા પ્રસંગ બનતા હોય છે કે તેની ઉપર આતુરતા છવાઈ જતી હોય છે. આ વખતે મારી સાથે પણ આમ જ બન્યું હતું. એટલી બધી આતુરતા. હું સાઉથ આફ્રિકામાં હતો તેમ છતાં પછી ગ્રીસનો કાર્યક્રમ હતો તો ત્યાં ચાલ્યો ગયો પરંતુ મારું મન સતત આપની સાથે જ લાગેલું રહ્યું હતું. પરંતુ ક્યારેક કયારેક લાગે છે કે હું આપ સૌની સાથે અન્યાય કરી દઉં છું. આતુરતા મારી અને મુશ્કેલી આપની. આટલા વહેલા આપ તમામને અને આટલો સમય પણ મન કહી રહ્યું હતું કે ત્યાં જાઉં અને આપને નમન કરું. આપને તકલીફ પડી હશે પરંતુ હું ભારતમાં આવતાની સાથે જ વહેલી તકે આપના દર્શન કરવા માગતો હતો. આપ સૌને સલામ કરવા માગતો હતો. સલામ આપના પરિશ્રમને, સલામ આપની ધીરજશક્તિને, સલામ આપની ધગશને, સલામ આપની જીવંતતાને, સલામ આપના ઉત્સાહ અને જુસ્સાને. આપ દેશને જે ઉંચાઈ પર લઈ ગયા છો તે કોઈ અસાધારણ સફળતા નથી. આ અનંત અંતરિક્ષમાં ભારતના વૌજ્ઞાનિક સામર્થ્યનો શંખનાદ છે.


ભારત હવે ચંદ્ર પર છે. આપણે આપણું રાષ્ટ્ર ગૌરવ ચંદ્ર પર મૂક્યું છે. આપણે ત્યાં પહોંચ્યા છીએ જ્યાં કોઈ પહોંચ્યું ન હતું. આપણે એ કર્યું જે અગાઉ ક્યારેય કોઇએ કર્યું ન હતું. આ આજનું ભારત છે, નિર્ભિક ભારત, સાહસી ભારત. આ એ ભારત છે જે નવું વિચારે છે, નવી રીતથી વિચારે છે. જે ડાર્ક ઝોનમાં જઈને પણ દુનિયામાં રોશનીનું કિરણ ફેલાવી દે છે. 21મી સદીમાં આ જ ભારત દુનિયાની મોટી મોટી સમસ્યાઓનો ઉકેલ લાવશે. મારી નજર સમક્ષ 23મી ઓગસ્ટનો એ દિવસ,  તે એક એક સેકન્ડ, વારંવાર ઘુમરાયા કરે છે. જ્યારે ચંદ્ર પરનો સંપર્ક સુનિશ્ચિત થયો તો જે રીતે આપણા ઇસરો કેન્દ્રમાં, સમગ્ર દેશમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા તે દૃશ્ય કોણ ભૂલી શકે છે. કેટલીક સ્મૃતિઓ અમર થઈ જાય છે. તે ક્ષણ અમર થઈ ગઈ, તે પળ સદીની સૌથી પ્રેરણાદાયક ક્ષણ પૈકીની એક છે. પ્રત્યેક ભારતીયને લાગી રહ્યું છે કે આ વિજય તેમનો પોતાનો છે. તે જાતે જ અનુભવી રહ્યો હતો. પ્રત્યેક ભારતીયને લાગી રહ્યું હતું કે જાણે તે ખુદ જ એક મોટી પરીક્ષામાંથી પાસ થઈ ગયો છે. આજે પણ અભિનંદન આપવામાં આવી રહ્યા છે. સંદેશા મોકલાઈ રહ્યા છે અને આ તમામ બાબત શક્ય બનાવી છે આપ સૌએ, આપે. દેશના મારા વૈજ્ઞાનિકોએ આ શક્ય કરી દેખાડ્યું છે. હું આપ સૌની જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે. હું આપ સૌના જેટલા ગુણગાન કરું તેટલા ઓછા છે.


સાથીઓ,
મે એ તસવીર નિહાળી જેમાં આપણું મૂન લેન્ડર અંગદની માફક ચંદ્રમા પર મજબૂતીથી પોતાનો પગ જમાવી રહ્યો છે. એક તરફ વિક્રમનો વિશ્વાસ છે અને બીજી તરફ પ્રજ્ઞાનનું પરાક્રમ. આપણું પ્રજ્ઞાન ચંદ્ર પર સતત પોતાના પદ ચિહ્ન છોડી રહ્યું છે. અલગ અલગ કેમેરાથી લેવામાં આવેલી જે તસવિરો હમણા જારી થઈ છે અને મને જોવાનું સૌભાગ્ય સાંપડયું છે તે અદભૂત છે. માનવ સભ્યતામાં પહેલી વાર ધરતીના લાખો વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એ સ્થળની તસવીર માનવી પોતાની આંખોથી નિહાળી રહ્યો છે. અને, આ તસવીર દુનિયાને દેખાડવાનું કાર્ય ભારતે કર્યું છે. આપ તમામ વૈજ્ઞાનિકોએ કર્યું છે. આજે સમગ્ર દુનિયા ભારતની સાયન્ટિફિક સ્પિરિટને, આપણી ટેકનોલોજીને, આપણા સાયન્ટિફિક ટેમ્પરામેન્ટની તાકાતને માની ચૂકી છે. ચંદ્રયાન મહાઅભિયાન માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર માનવતાની સફળતા છે. આપણું મિશન જે ક્ષેત્રને એક્સપ્લોર કરશે તેનાથી તમામ દેશોનો મન મિશન્સના માર્ગ ખૂલી જશે. તે ચંદ્રના રહસ્યોને તો ખોલશે જ પરંતુ સાથે સાથે ધરતીના પડકારોનો ઉકેલ લાવવામાં પણ મદદ કરશે. આપની આ સફળતા માટે હું ફરી એક વાર તમામ વૈજ્ઞાનિકોને, ટેકનિશિયન્સને, એન્જિનિયર્સને તથઆ ચંદ્રયાન મહાઅભિયાન સાથે સંકળાયેલા તમામ સદસ્યોને અભિનંદન પાઠવું છું.


મારા પરિવારજનો,

આપ જાણો છો કે સ્પેશ મિશન્સના ટચડાઉન (સંપર્ક સ્થળ)ને એક નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. ચંદ્રમાના જે હિસ્સામાં આપણું ચંદ્રયાન ઉતર્યું છે, ભારતે એ સ્થળનું નામકરણ કરવાનો નિર્ણય લીધો છે. જે સ્થાન પર ચંદ્રયાન-3નું મૂન લેન્ડર ઉતર્યું હતું, હવે તે પોઇન્ટને શિવશક્તિના નામથી ઓળખવામાં આવશે. શિવમાં માનવતાના કલ્યાણના સંકલ્પ સમાહિત છે અને શક્તિથી આપણને એ સંકલ્પો પૂરા કરવાનું સામર્થ્ય સાંપડે છે. ચંદ્રમાનું શિવશક્તિ પોઇન્ટ, હિમાલયના કન્યાકુમારી સાથે સકળાવાનો બોધ કરે છે. આપણા ઋષિઓએ કહ્યું છે – યેન કર્મણ્યપસો મનીષિઓ યજ્ઞે કૃણ્વન્તિ વિદથેષુ ધીરાઃ યદપૂર્વ યક્ષમન્તઃ પ્રજાનાં તન્મે મનઃ શિવ-સંકલ્પ-મસ્તુ.  એટલે કે જે મનથી આપણે કર્તવ્ય કર્મ કરીએ છીએ, વિચાર અને વિજ્ઞાનને ગતિ આપીએ છીએ અને જે સૌની ભીતરમાં હાજર છે તે મન શુભ અને ક્લ્યાણકારી સંકલ્પો સાથે જોડાય.  મનના આ શુભ સંકલ્પોને પૂર્ણ કરવા માટે શક્તિના આશીર્વાદ અનિવાર્ય છે. અને આ શક્તિ આપણી નારિ શક્તિ છે. આપણી માતાઓ અને બહેનો છે. આપણે ત્યાં કહેવાય છે કે સૃષ્ટિ સ્થિતિ વિનાશાનં. શક્તિ ભૂતે સનાતનિ. એટલે કે નિર્માણથી પ્રલય સુધી, સમગ્ર સૃષ્ટિનો આધાર નારિશક્તિ જ છે. આપ સૌને જોયું છે ચંદ્રયાન-3માં દેશે આપણી મહિલા વૈજ્ઞાનિકોએ, દેશની નારિ શક્તિએ કેટલી મોટી ભૂમિકા ભજવી છે. ચંદ્રમાનો શિવશક્તિ પોઇન્ટ, આવનારી પેઢીઓને પ્રેરણા આપશે કે આપણે વિજ્ઞાનનો ઉપયોગ, માનવતાના કલ્યાણ માટે જ કરવો જોઇએ. માનવતાનું કલ્યાણ એ જ આપણી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.

સાથીઓ,
અન્ય એક નામકરણ ઘણા સમયથી વિલંબિત છે. ચાર વર્ષ અગાઉ સુધી ચંદ્રયાન-2 ચંદ્રમાની નજીક સુધી પહોંચ્યું હતું જ્યાં તેના પદ ચિહ્ન પડ્યા હતા ત્યારે એવો પ્રસ્તાવ હતો કે એ સ્થળનું નામ નક્કી કરવામાં આવે. પરંતુ તે પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાની જગ્યાએ આપણે પ્રણ લીધું હતું કે જ્યારે ચદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર પહોંચશે ત્યારે આપણે બંને પોઇન્ટના નામ એક સાથે કરીશું. અને આજે મને લાગે છે કે જ્યારે દરેક ઘરે તિરંગો છે, જ્યારે દરેક મન તિરંગો છે અને ચંદ્ર પર પણ તિરંગો છે તો તિરંગા સિવાય ચંદ્રયાન-2 સાથે સંકળાયેલા સ્થળને બીજું શું નામ આપી શકાય
? તેથી જ ચંદ્રમાના જે સ્થાન પર ચંદ્રયાન-2એ પોતાના પદ ચિહ્ન છોડ્યા છે તે પોઇન્ટ હવે  તિરંગાના નામે ઓળખાશે. આ તિરંગો પોઇન્ટ ભારતના પ્રત્યેક પ્રયાસની પ્રેરણા બનશે. આ તિરંગો પોઇન્ટ આપણને શીખવશે કે કોઈ પણ નિષ્ફળતા અંતિમ હોતી નથી, જો દૃઢ ઇચ્છાશક્તિ હોય તો સફળતા મળે જ છે. એટલે હું ફરીથી પુનરોચ્ચાર કરું છું. ચંદ્રયાન-2ના પદ ચિહ્ન જ્યાં છે તે સ્થાન આજથી તિરંગો તરીકે ઓળખાશે અને જ્યાં ચંદ્રયાન-3નું મૂન લેન્ડર પહોંચ્યું છે તે સ્થળ આજથી શિવ શક્તિ પોઇન્ટ તરીકે ઓળખાશે.


સાથીઓ,
આજે ભારત દુનિયાનો ચોથો એવો દેશ બની ચૂક્યો છે જેણે ચંદ્રમાની સપાટીને સ્પર્શ કર્યો છે. આ સફળતા ત્યારે ઘણી મોટી થઈ જાય છે જ્યારે આપણે એ જોઇએ છીએ કે ભારતે તેનો પ્રવાસ ક્યાંથી આરંભ કર્યો હતો. એક સમય હતો ભારત પાસે જરૂરી ટેકનિક ન હતી, સહયોગ પણ ન હતો. આપણી ગણતરી ત્રીજા વિશ્વ એટલે કે ત્રીજી હરોળમાં ઉભેલા દેશોમાં થતી હતી. ત્યાંથી આગળ વધીને આજે ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બને છે. આજે ટ્રેડથી લઈને ટેકનોલોજી સુધી ભારતની ગણના પ્રથમ હરોળ એટલે કે
ફર્સ્ટ રોમાં ઉભેલા દેશોમાં થાય છે.એટલે કે ત્રીજી હરોળથી પ્રથમ હરોળ સુધીની આ યાત્રામાં આપણા ઇસરો જેવા સંસ્થાનોની એક મોટી ભૂમિકા રહી છે. આપે આજે મેઇક ઇન ઇન્ડિયાને ચંદ્ર સુધી પહોંચાડી દીધું છે.


મારા પરિવારજનો,


હું આજે તમારી વચ્ચે આવીને ખાસ કરીને દેશવાસીઓને તમારી મહેનત અંગે જણાવવા ઈચ્છું છું. હું જે વાતો કહેવા જઈ રહ્યો છું તે તમારા માટે નવી નથી. પરંતુ તમે જે કર્યું છે, જે સાધના કરી છે તે દેશવાસીઓને પણ ખબર હોવી જોઈએ. ભારતના દક્ષિણ છેડાથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી ચંદ્રયાનની યાત્રા સરળ ન હતી. મૂન લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે આપણે વૈજ્ઞાનિકોએ ઈસરોની રિસર્ચ ફેસિલિટીમાં કૃત્રિમ ચંદ્ર પણ બનાવ્યો હતો. આ કૃત્રિમ ચંદ્ર પર વિક્રમ લેન્ડરને અલગ-અલગ રીતે સરફેસ પર ઉતારીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હવે આટલી બધી પરીક્ષા આપીને આપણું મૂન લેન્ડર ત્યાં ગયું છે તો તેને સફળતા તો મળવાની જ હતી.

સાથીઓ,
આજે જ્યારે હું જોઉં છું કે ભારતની યુવાન પેઢી, વિજ્ઞાનને લઈને, સ્પેસને લઈને, ઈનોવેશનને લઈને, આટલી એનર્જીથી ભરેલી છે તો તેમની પાછળ આપણા આવા જ સ્પેસ મિશનની સફળતા છે. મંગળયાનની સફળતાએ, ચંદ્રયાનની સફળતાએ, ગગનયાનની તૈયારીએ, દેશની યુવાન પેઢીને એક નવો જ મિજાજ આપ્યો છે. આજે ભારતના નાના-નાના બાળકોની જીભ પર ચંદ્રયાનનું નામ છે. ચંદ્ર પર તિરંગો લહેરાયો છે. પરંતુ તમે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ એ છે કે ભારતની સમગ્ર પેઢીને જાગૃત કરવાની, તેને નવી ઉર્જા આપવાની. તમે એક આખી પેઢી પર પોતાની આ સફળતાની છાપ છોડી છે. આજથી કોઈ પણ બાળક રાત્રે જ્યારે ચંદ્રમાને જોશે, તો તેને વિશ્વાસ હશે કે જે ઈરાદાથી મારો દેશ ચંદ્ર પર પહોંચ્યો છે, તે જ ઈરાદા, તે જ ઝનૂન, તે બાળકની અંદર પણ છે, તે યુવાનની અંદર પણ છે. આજે તમે ભારતના બાળકોમાં આકાંક્ષાઓના જે બીજ રોપ્યા છે, કાલે તે વટવૃક્ષ બનશે અને વિકસીત ભારતનો પાયો નાંખશે.


આપણી યુવાન પેઠીને સાતત્યતાની પ્રેરણા મળતી રહે, તેના માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. 23મી ઓગસ્ટે જ્યારે ભારતે ચંદ્ર પર તિરંગો લહેરાવ્યો, તે દિવસને હવે ભારત નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવશે. હવે દર વર્ષે દેશ નેશનલ સ્પેસ ડે સાયન્સ, ટેક્નોલોજી અને ઈનોવેશનની સ્પિરિટની ઉજવણી કરશે, તો તે આપણને હંમેશા હંમેશા માટે પ્રેરિત કરતો રહેશે.


મારા પરિવારજનો,


તમે પણ જાણો છો કે સ્પેસ સેક્ટરનું જે સામર્થ્ય છે, તે સેટેલાઈટ લોન્ચ કરવા કે અંતરિક્ષની શોધથી વધારે મોટું છે. સ્પેસ સેક્ટરની એક મોટી તાકાત છે, જે હું જોઇ શકું છું, તે એ છે જીવનને સરળ બનાવવાની અને ગવર્નન્સને સરળ બનાવવાની. આજે દેશમાં સ્પેસ એપ્લિકેશનને, ગવર્નન્સના પ્રત્યેક પાસા સાથે જોડવાની દિશામા ઘણું મોટું કામ થયું છે. તમે લોકોએ જ્યારે મને પ્રધાનમંત્રીના રૂપમાં કાર્ય કરવાની જવાબદારી સોંપી તો પ્રધાનમંત્રી બન્યા બાદ મેં ભારત સરકારના જોઈન્ટ સેક્રેટરી સ્તરના ઓફિસર્સની, સ્પેસ વૈજ્ઞાનિકોની સાથે એક વર્કશોપ કરાવ્યો હતો. અને તેનો હેતુ હતો કે ગવર્નન્સમાં, શાસન વ્યવસ્થામાં પારદર્શકતા લાવવામાં, સ્પેસ સેક્ટરની તાકાતનો વધારેમાં વધારે ઉપયોગ કેવી રીતે કરવામાં આવે. ત્યારે કિરણજી કદાચ અમારા લોકો સાથે કામ કરતા હતા. તેનું પરિણામ હતું, જ્યારે દેશે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું, શૌચાલયનું નિર્માણ શરૂ કર્યું, કરોડો ઘરો બનાવવાનું અભિયાન ચલાવ્યું, તો આ બધાના મોનિટરિંગ માટે, તેમની પ્રગતિ માટે સ્પેસ સાયન્સે ઘણી મદદ કરી. આજે દેશના અંતરિયાળ વિસ્તારોમાં એજ્યુકેશન, કમ્યુનિકેશન અને હેલ્થ સર્વિસ પહોંચાડવામાં સ્પેસ સેક્ટરની ઘણી મોટી ભૂમિકા છે. હાલના દિવસો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જે જિલ્લા જિલ્લામાં અમૃત સરોવર બની રહ્યા છે. તેનું પણ ટેગિંગ, તેનું પણ મોનિટરિંગ સ્પેસ દ્વારા જ થઈ રહ્યું છે. સ્પેસ ટેક્નોલોજી વગર આપણે ટેલી-મેડિસિન અને ટેલી-એજ્યુકેશનની કલ્પના પણ કરી શકીએ નહીં. સ્પેસ સાયન્સે દેશના રિસોર્સિસના મહત્તમ ઉપયોગમાં પણ મદદ કરી છે. આપણા દેશના એગ્રિકલ્ચર સેક્ટરને તાકાત આપવામાં, હવામાનનું અનુમાન લગાવવામાં સ્પેસ સેક્ટર જે મદદ કરે છે, તે દેશનો પ્રત્યેક ખેડૂત જાણે છે. આજે તે જોઈ લે છે પોતાના મોબાઈલ પર કે આગામી સપ્તાહે હવામાન કેવું રહેશે. દેશના કરોડો માછીમારોને આજે 'નાવિક' સિસ્ટમથી જે સચોટ જાણકારી મળી રહી છે તે પણ તમારી દેન છે. આજે જ્યારે દેશમાં પૂર આવે છે, કોઈ કુદરતી આફત આવે છે, ભૂકંપ આવે છે, તો પરિસ્થિતિની ગંભીરતાની જાણકારી મેળવવામાં તમે સૌથી આગળ હો છો. જ્યારે વાવાઝોડા આવે છે, તો આપણા સેટેલાઈટ્સ તેનો સમગ્ર રૂટ જણાવે છે, ટાઈમિંગ ગણાવે છે, અને લોકોના જીવ પણ બચે છે, સંપત્તિ પણ બચી જાય છે અને ફક્ત વાવાઝોડાને કારણે જે સંપત્તિ બચે છે તેને જો જોડી દેવામાં આવે તો, આજે સ્પેસનો જે ખર્ચો છે તે તેનાથી વધારે થઈ જતો હતો. અમારા પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો આધાર પણ સ્પેસ ટેક્નોલોજી જ છે. અને, આજે દુનિયા ભારતના આ ગતિશક્તિ પ્લેટફોર્મનો અભ્યાસ કરી રહ્યું છે કે પ્લાનિંગ અને મેનેજમેન્ટમાં આ પ્લેટફોર્મ કેટલું ઉપયોગી થઈ શકે છે. તેનાથી પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ, અમલીકરણ અને મોનિટરિંગમાં ઘણી મદદ મળી રહી છે. સમય સાથે વધતી સ્પેસ એપ્લિકેશનની સીમા આપણા યુવાનો માટે તકો પણ વધારી રહી છે. અને તેથી આજે હું એક સૂચન પણ કરવા ઈચ્છું છું. અને હું ઈચ્છું છું કે તમારે ત્યાંથી જે નિવૃત્ત લોકો છે તેઓ તેમાં ઘણી મદદ કરી શકે છે. હવે એમ ન કહેતા કે આટલી વહેલી સવારે મોદીજી અહીં આવી ગયા અને કંઈ કામ પણ આપીને જઈ રહ્યા છે.


સાથીઓ,
હું ઈચ્છીશ કે ઈસરો, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય અને રાજ્ય સરકારો સાથે મળીને 'ગવર્નન્સમાં સ્પેસ ટેક્નોલોજી' પર એક નેશનલ હેકાથોનનું આયોજન કરે. આ હેકાથોનમાં વધારેમાં વધારે યુવાનો, વધારેમાં વધારે યુવા શક્તિ, વધારેમાં વધારે નવયુવાનો સામેલ થાય અને તેની સાથે જોડાય. મને વિશ્વાસ છે કે આ નેશનલ હેકાથોન, આપણી ગવર્નન્સને વધારે અસરકારક બનાવશે, દેશવાસીઓને મોર્ડન સોલ્યુશન્સ આપશે.


અને સાથીઓ,

તમારા સિવાય, હું આપણી યુવા પેઢીને અલગથી વધુ એક કાર્ય આપવા માંગું છું. અને બાળકોને હોમવર્ક વિના કામ કરવાની મજા આવતી નથી. તમે બધા જાણો છો કે ભારત તે દેશ છે, જેણે હજારો વર્ષ પહેલા પૃથ્વીની બહાર અનંત અંતરિક્ષમાં જોવાનું શરૂ કર્યું હતું. આપણી પાસે સદીઓ પહેલા અનુસંધાન પરંપરાના આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર અને ભાસ્કરાચાર્ય જેવા ઋષિઓ હતા. જ્યારે પૃથ્વીના આકાર વિશે મૂંઝવણ હતી, ત્યારે આર્યભટ્ટે તેમના મહાન ગ્રંથ આર્યભટીયમાં પૃથ્વીના ગોળાકાર વિશે વિગતવાર લખ્યું હતું. તેમણે ધરી પર પૃથ્વીનું પરિભ્રમણ અને તેના પરિઘની ગણતરી પણ લખી હતી. તેવી જ રીતે, તે સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે - સર્વત્રૈવ મહિગોલે, સ્વસ્થાનમ્ ઉપરી સ્થિતમ્. મન્યન્તે ખે યતો ગોલસ, તસ્ય ક્વ ઉર્ધ્વમ ક્વ વાધ. એટલે કે, પૃથ્વી પરના કેટલાક લોકો તેમના સ્થાનને ટોચ પર માને છે. પરંતુ, આ ગોળાકાર પૃથ્વી આકાશમાં સ્થિત છે, તેની ઉપર અને નીચે શું હોઈ શકે?


આવું તે સમયે લખવામાં આવ્યું હતું. મેં ફક્ત એક જ શ્લોકનો ઉલ્લેખ કર્યો છે. આવી અસંખ્ય રચનાઓ આપણા પૂર્વજોએ લખી છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એકબીજાની વચ્ચે આવવાને કારણે ગ્રહણ વિશેની માહિતી આપણા ઘણા ગ્રંથોમાં લખેલી જોવા મળે છે. પૃથ્વી ઉપરાંત અન્ય ગ્રહોના કદની ગણતરી, તેમની ગતિવિધિઓ સંબંધિત માહિતી પણ આપણા પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. આપણે ગ્રહો અને ઉપગ્રહોની ગતિને લગતી એવી ચોક્કસ ગણતરી કરવાની ક્ષમતા હાંસલ કરી લીધી હતી કે આપણે ત્યાં સેંકડો વર્ષો પહેલા પંચાંગ, એટલે કે કેલેન્ડર બનાવવામાં આવ્યા હતા. તેથી જ હું આને લગતું એક કાર્ય આપણી નવી પેઢી, શાળા-કોલેજના બાળકોને આપવા માંગુ છું.
હું ઈચ્છું છું કે નવી પેઢી ભારતના શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્રના સૂત્રોને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે આગળ આવે, તેનો નવેસરથી અભ્યાસ કરે. તે આપણા વારસા માટે પણ મહત્વપૂર્ણ છે અને વિજ્ઞાન માટે પણ મહત્વપૂર્ણ છે. આજે જેઓ શાળા, કોલેજ, યુનિવર્સિટી, સંશોધકોના વિદ્યાર્થીઓ છે, તેમના પર તો આ એક રીતે બેવડી જવાબદારી છે. ભારત પાસે જે વૈજ્ઞાનિક જ્ઞાનનો ખજાનો છે, તે ગુલામીના લાંબા ગાળા દરમિયાન છુપાયેલો છે. આઝાદીના આ અમૃત મહોત્સવમાં આપણે આ ખજાનાને પણ શોધવો પડશે, તેના પર સંશોધન પણ કરવું પડશે અને વિશ્વને જણાવવું પડશે. બીજી જવાબદારી એ છે કે આપણી યુવાન પેઢીને આજના આધુનિક વિજ્ઞાન, આધુનિક ટેક્નોલોજીને નવી ઊંચાઈએ જાય, સમુદ્રની ઉંડાઈથી લઈને આકાશની ઊંચાઈ સુધી, આકાશની ઊંચાઈથી લઈને અવકાશની ઊંડાઈ સુધી ઘણું બધું છે. તમારા માટે કરવા માટે. તમે ડીપ અર્થ પણ જૂઓ અને ડીપ સી પણ જૂઓ. તમે નેક્સ્ટ જનરેશન કમ્પ્યુટર બનાવો અને જિનેટિક એન્જિનિયરિંગમાં પણ તમારો ડંકો વગાડો. ભારતમાં તમારા માટે નવી તકો સતત ખૂલી રહી છે. 21મી સદીના આ સમયગાળામાં જે દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આગળ વધશે, તે દેશ આગળ વધશે.


સાથીઓ,
આજે મોટા નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી કેટલાક વર્ષોમાં ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રી આઠ બિલિયન ડોલરથી વધીને 16 બિલિયન ડોલર થઈ જશે. આ બાબતની ગંભીરતાને સમજીને સરકાર સ્પેસ સેક્ટરમાં સતત સુધારાઓ કરી રહી છે. આપણા યુવાનો પણ તૈયારી કરી રહ્યા છે. તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે કે છેલ્લા ચાર વર્ષમાં સ્પેસ સેક્ટરમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સની સંખ્યા ચાર થી વધીને લગભગ 150 થઈ ગઈ છે. અમે અવિરત આકાશમાં ભારતની રાહ જોઈ રહેલી અનંત શક્યતાઓની કલ્પના કરી શકીએ છીએ. થોડા દિવસો પછી, પહેલી સપ્ટેમ્બરથી MyGov અમારા ચંદ્રયાન મિશન પર એક વિશાળ ક્વિઝ સ્પર્ધા શરૂ કરવા જઈ રહ્યું છે. આપણા દેશના વિદ્યાર્થીઓ પણ આમાંથી શરૂઆત કરી શકે છે. હું દેશભરના વિદ્યાર્થીઓને તેમાં મોટી સંખ્યામાં જોડાવા વિનંતી કરીશ.



મારા પરિવારજનો,

દેશની ભાવિ પેઢી માટે તમારું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. તમે ઘણા મહત્વપૂર્ણ મિશન પર કામ કરી રહ્યા છો, આવનારી પેઢી જ તેમને આગળ લઈ જશે. તમે તે બધા માટે રોલ મોડેલ છો. તમારા સંશોધન અને તમારી વર્ષોની તપસ્યા અને મહેનતે સાબિત કરી દીધું છે કે તમે જે નક્કી કરો છો, તે તમે કરીને દેખાડો છો. દેશની જનતાને તમારામાં વિશ્વાસ છે અને વિશ્વાસ મેળવવો એ નાની વાત નથી મિત્રો. તમે તમારી તપસ્યાથી આ વિશ્વાસ મેળવ્યો છે. દેશની જનતાના આશીર્વાદ તમારા પર છે. આ આશીર્વાદની શક્તિથી, દેશ પ્રત્યેના આ સમર્પણ સાથે, ભારત વિજ્ઞાન અને તકનીકમાં વૈશ્વિક અગ્રેસર બનશે. અને હું તમને ખૂબ વિશ્વાસ સાથે કહું છું. નવીનતાની આપણી સમાન ભાવના 2047માં વિકસીત ભારતનું સ્વપ્ન સાકાર કરશે. આ વિશ્વાસ સાથે હું ફરી એક વાર તમારા બધાના દર્શન કરીને પવિત્ર થયો છું. દેશવાસીઓ ગર્વથી ભરેલા છે. સપનાઓ ઝડપથી સંકલ્પો બની રહ્યા છે અને તમારી મહેનત એ સંકલ્પોને સાકાર કરવા માટે એક મહાન પ્રેરણા બની રહી છે. હું તમને જેટલા અભિનંદન આપું તેટલા ઓછા છે. મારા તરફથી, કરોડો દેશવાસીઓ વતી અને વિશ્વભરના વૈજ્ઞાનિક સમુદાય વતી ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ.


ભારત માતા કી જય

ભારત માતા કી જય

ભારત માતા કી જય

આભાર!

CB/GP/JD



(Release ID: 1952467) Visitor Counter : 214