વહાણવટા મંત્રાલય

સરકાર ટૂંક સમયમાં બંદર સુરક્ષા બ્યુરોની સ્થાપના કરશેઃ શ્રી સર્વાનંદ સોનોવાલ


શ્રી સોનોવાલે વર્ષ 2047 સુધીમાં 10,000 એમટીપીએ પોર્ટની ક્ષમતાને પાર કરવાની વિસ્તૃત યોજનાની જાહેરાત કરી

મોટાં રોકાણ અને ખાનગી ક્ષેત્રના વધારાની જાહેરાત: 10 લાખ કરોડથી વધુ રોકાણની તકો ઓળખી કાઢવામાં આવી છે; વર્ષ 2047 સુધીમાં રાષ્ટ્રીય જળમાર્ગો પર કાર્ગો મૂવમેન્ટ

500 એમટીપીએ હાંસલ કરશે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં તમામ બંદરો હાઇડ્રોજન હબ્સ સ્થાપવાનું અન્વેષણ કરશે

Posted On: 19 AUG 2023 5:38PM by PIB Ahmedabad

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે ભારતનાં દરિયાઈ ક્ષેત્ર માટે વિઝનનું અનાવરણ કર્યું હતું, જેમાં ગુજરાતનાં કેવડિયામાં આજે 19મી મેરિટાઇમ સ્ટેટ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં પરિવર્તનકારી અસરનું વચન આપતી મુખ્ય પહેલની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002M816.jpg

શ્રી સોનોવાલે એ બાબત પર ભાર મૂક્યો હતો કે, દેશનાં તમામ બંદરો પર સુરક્ષા વધારવા માટે સરકાર ટૂંક સમયમાં જ બ્યુરો ઑફ પોર્ટ સિક્યુરિટીને કાર્યરત કરશે. તેમણે સ્થાયી વિકાસ પર સરકારનાં ધ્યાન પર ભાર મૂક્યો હતો તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં બંદરો પર હાઇડ્રોજન કેન્દ્રો વિકસાવવા મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી યોજના વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં તમામ બંદરો હાઇડ્રોજન કેન્દ્રો ઊભાં કરવાની સંભવિતતા ચકાસશે." તેમણે ઉમેર્યું કે દીનદયાળ પોર્ટ ઑથોરિટીએ આ સાહસ માટે રૂ. 1.68 લાખ કરોડના એમઓયુને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UHA3.jpg

આ ઉપરાંત શ્રી સોનોવાલે જાહેરાત કરી હતી અને બંદરો માટે અમૃત કાલ વિઝન હેઠળ બંદર ક્ષમતાને ચાર ગણી કરવાની દેશની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ મુખ્ય બંદરોએ વર્ષ 2047 માટે તેમના પોર્ટ માસ્ટર પ્લાન્સ તૈયાર કરી દીધા છે અને રાજ્યો પણ 2047 માટે તેમના પોર્ટ માસ્ટર પ્લાન્સ તૈયાર કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, "દેશની કુલ બંદર ક્ષમતા હાલની આશરે 2,600 એમટીપીએથી વધીને વર્ષ 2047માં 10,000 એમટીપીએથી વધારે થઈ જશે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0047UT0.jpg

મુખ્ય અને સૂચિત બંદરો, સ્ટેટ મેરીટાઇમ બોર્ડ, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે વધુ સારાં સંકલનને વધારવાં માટે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાતના કેવડિયા ખાતે આયોજિત બે દિવસીય 19મી મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક આજે સંપન્ન થઈ હતી. એમએસડીસી એ એક સર્વોચ્ચ સલાહકાર સંસ્થા છે જેની રચના મે 1997માં દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ મુખ્ય અને અન્ય સૂચિત બંદરોના સંકલિત વિકાસને સુનિશ્ચિત કરવાનો છે.

શ્રી સોનોવાલે ઉમેર્યું હતું કે, "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગો મંત્રાલય નવી ઉપલબ્ધિઓ નોંધાવે છે. તેઓ હંમેશા વધુ સારા સહકારમાં માને છે અને મેરિટાઇમ સ્ટેટ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ સહકારની મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા તરીકે ઉભરી આવે છે અને આપણા દેશનાં દરિયાઇ ક્ષેત્રના માર્ગને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે."

મંત્રીશ્રીએ ભારતનાં વધતાં જતાં દરિયાઈ કદ અને આગામી ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023નો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી હતી કે તમામ દરિયાઇ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જીએમઆઇએસ 2023માં ભાગ લેશે, જે તેને દેશની સૌથી મોટી સમિટમાંની એક બનાવશે. ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું આયોજન ભારત મંડપમ્‌, નવી દિલ્હી ખાતે 17 થી 19 ઑક્ટોબર 2023 દરમિયાન થવાનું છે. જીએમઆઇએસ 2023 એ એક અગ્રણી દરિયાઇ ક્ષેત્ર-કેન્દ્રિત ઇવેન્ટ છે, જે તકોનું અન્વેષણ કરવા, પડકારોને સમજવા અને ભારતનાં દરિયાઇ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગના મુખ્ય વ્યક્તિઓને એકસાથે લાવવા માટે છે. વર્ષ 2016 અને 2021ની તેની અગાઉની આવૃત્તિઓના વારસા પર આગળ વધતા આ સમિટની ત્રીજી આવૃત્તિનો ઉદ્દેશ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ હિતધારકો અને રોકાણકારો માટે વ્યાપક સંભાવનાઓનું અનાવરણ કરવાનો છે. આ સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ દરિયાઇ ક્ષેત્રના વિવિધ ક્ષેત્રોના પ્રદર્શકો અને રોકાણકારો સાથે ભાગ લે તેવી અપેક્ષા છે.

આ ઉપરાંત મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે દેશનું દરિયાઈ ક્ષેત્ર નોંધપાત્ર વૃદ્ધિ માટે સજ્જ છે, જેમાં રોકાણની તકો 10 લાખ કરોડથી વધારે હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વધતી જતી નાણાકીય સંભાવના આર્થિક તેજી કરતાં વધારે છે; જે દેશમાં 15 લાખથી વધારે યુવાનો માટે રોજગારીનું સર્જન કરવાની તકનું પ્રતીક છે, જે આર્થિક પ્રગતિને સામાજિક સશક્તીકરણ સાથે જોડે છે. આ વિઝન સાથે જોડાણમાં ખાનગી કંપનીઓની ભૂમિકામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) ટર્મિનલ્સ હાલમાં મુખ્ય બંદરો પર આશરે 50 ટકા કાર્ગોનું સંચાલન કરે છે અને આગામી દાયકાઓમાં તેમનો હિસ્સો આશરે 85 ટકા સુધી વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખાનગીકરણ તરફનાં આ વ્યૂહાત્મક પગલાંથી કાર્યક્ષમતામાં વધારો થવાની અને કામગીરીના સ્કેલિંગને સરળ બનાવવાની અપેક્ષા છે. તદુપરાંત, ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો પર કાર્ગોની અવરજવર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ગયાં નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે 16 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2047 સુધીમાં 500 એમટીપીએનું નોંધપાત્ર પ્રમાણ હાંસલ કરવા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યાં છે, જે વિસ્તૃત રાષ્ટ્રીય વૃદ્ધિ માટે ઉત્પ્રેરક તરીકે દરિયાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની સરકારની કટિબદ્ધતા પર ભાર મૂકે છે.

શ્રી સોનોવાલે સાગરમાલા કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં નોંધ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં સાગરમાલા કાર્યક્રમની વ્યૂહાત્મક પહેલે બંદરની ક્ષમતા, કનેક્ટિવિટી અને કાર્યકારી કાર્યદક્ષતામાં નોંધપાત્ર વધારો કર્યો છે, ખર્ચમાં ઘટાડો કર્યો છે, જહાજોના ટર્નએરાઉન્ડ ટાઇમમાં ઘટાડો કર્યો છે, મોટાં જહાજોને સમાવવાં અને દક્ષિણ એશિયાના વિસ્તારમાં ભારતીય બંદરોની વ્યૂહાત્મક પ્રાસંગિકતાને વધારી છે. શ્રી સોનોવાલે તમામ દરિયાકિનારાનાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને બંદરો, શિપિંગ અને જળમાર્ગો મંત્રાલય,  માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા રેલવે મંત્રાલયને આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા સતત સાથસહકાર આપવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ નાઈકે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં કહ્યું હતું કે, "નવા યુગની ટેક્નૉલોજીને અપનાવવા, સ્થાયી જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણીય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર સતત ભાર મૂકવો જોઈએ. આ ચાવીરૂપ પાસાંઓને ખંતપૂર્વક હાથ ધરીને આપણે આપણા દરિયાકિનારાની વસતિના સંપૂર્ણ સુધારણામાં સામૂહિક રીતે પ્રદાન કરી શકીએ તેમ છીએ."

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુરે જણાવ્યું હતું કે, "ભારતીય દરિયાઈ ક્ષેત્ર આપણા દેશનાં અર્થતંત્ર, સુરક્ષા અને વ્યૂહાત્મક પ્રગતિના પાયાના પથ્થર તરીકે અપ્રતિમ મહત્વ ધરાવે છે. તદુપરાંત, આપણા વિશાળ દરિયાકિનારાને કારણે, આ ક્ષેત્ર દરિયાકાંઠાની આજીવિકાને ટેકો આપે છે અને ટકાઉ વિકાસને પોષે છે. તેનું સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટતા તરફની સફરને આગળ વધારવામાં બહુમુખી મહત્વ ધરાવે છે."

ગુજરાત સરકારનાં કૃષિ મંત્રાલયના રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં, દરિયાઇ ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા નવીનતા અને સમૃદ્ધિને વેગ આપે છે, જે ભારત માટે જીવંત દરિયાઇ ભવિષ્ય તરફ દોરી જાય છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ચાલો, આપણે ભારતની દરિયાઈ ક્ષમતાને નવી ક્ષિતિજો સુધી લઈ જઈએ, સંતુલિત અને સમૃદ્ધ દરિયાઈ ક્ષેત્ર તરફ સાથે મળીને આગળ વધીએ."

કર્ણાટકનાં મત્સ્યપાલન, બંદરો અને આંતરિક જળ પરિવહન રાજ્ય મંત્રી શ્રી માંકલ વૈદ્યએ બેઠક દરમિયાન કર્ણાટકનાં દરિયાઈ ક્ષેત્રને વિકસાવવા સહિયારા પ્રયાસોનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, "હું મુખ્ય પ્રોજેક્ટ્સની મંજૂરી માટે આભાર વ્યક્ત કરું છું અને રાજ્યમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા અને દરિયાઇ વિકાસને વેગ આપવા માટે બાકી રહેલી પહેલ માટે ઝડપી મંજૂરીઓ માટે વિનંતી કરું છું."

તમિલનાડુના જાહેર બાંધકામ મંત્રી થિરુ ઇવી વેલુએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "એમએસડીસીની 19મી બેઠકમાં તમિલનાડુનું વિશિષ્ટ દરિયાકિનારાનું વિઝન ચમકી રહ્યું છે. અમે સમર્થન માટે આભારી છીએ અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફેરી સર્વિસ, શ્રીલંકા સાથેના ઇતિહાસ અને વેપારને આગળ ધપાવવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. દરિયાઈ આયોજન, તટીય પ્રવાસન અને કુડ્ડાલોર ગ્રીનફિલ્ડ બંદર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દરિયાઈ વૃદ્ધિ પ્રત્યેની અમારી કટિબદ્ધતા પર ભાર મૂકે છે."

બીજા દિવસે સાગરમાલા કાર્યક્રમનાં અમલીકરણ; નેશનલ મેરિટાઇમ હૅરિટેજ કૉમ્પ્લેક્સ (એનએમએએચસી), લોથલ, ગુજરાતનો વિકાસ; રાષ્ટ્રીય જળમાર્ગોનો વિકાસ; રોપેક્સ/ફેરીને પ્રોત્સાહન આપવા પડકારો અને તકો; શહેરી પેસેન્જર જળમાર્ગોનું પરિવહન; માર્ગ અને રેલવે બંદર જોડાણ; દરિયાકિનારાનાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સફળતાની ગાથાઓ તથા રાજ્ય દરિયાઈ બોર્ડ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ/પડકારો/ પડકારોની સફળતાની ગાથાઓ સાથે સંબંધિત વિવિધ વિકાસ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી.

CB/GP/JD

 

 



(Release ID: 1950441) Visitor Counter : 164