માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ભારતના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી શ્રી લોરેન્સ વોંગે સિંગાપોર- ઇન્ડિયા હેકેથોનની ત્રીજી આવૃત્તિના વિજેતાઓને સન્માનિત કર્યા
નાણાકીય છેતરપિંડી શોધવાના અને નાણાકીય સાક્ષરતા પહોંચાડવા માટેના વ્યાપક ઉકેલો તૃતીય સિંગાપોર-ભારત હેકેથોન 2023માં ટોચનું સન્માન મેળવે છે
જ્ઞાન, સંશોધન અને નવીનીકરણની શક્તિથી પ્રેરિત થઈને ભારત અને સિંગાપોર બંને ભવિષ્ય માટે વધુ સારી તૈયારી કરવા, પારસ્પરિક સમૃદ્ધિ હાંસલ કરવા અને વૈશ્વિક હિતને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે - શ્રી ધર્મેન્દ્ર પ્રધાન
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી લોરેન્સ વોંગે 'સ્કૂલ્સથી માંડીને સ્કિલ્સ' સુધીનાં તમામ ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવા પર સાર્થક વાતચીત કરી હતી
Posted On:
16 JUL 2023 7:47PM by PIB Ahmedabad
ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સિંગાપોરનાં નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી શ્રી લોરેન્સ વોંગે આજે ગુજરાતનાં ગાંધીનગરમાં સિંગાપોર - ઇન્ડિયા હેકેથોનની ત્રીજી આવૃત્તિના વિજેતાઓનું સન્માન કર્યું હતું.
નાન્યાંગ ટેક્નૉલોજીકલ યુનિવર્સિટી, એમિટી યુનિવર્સિટી અને દ્વારકાદાસ કોલેજ ઑફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સર્જવામાં આવેલા ઇન્સાઇડર ટ્રેડિંગના સંભવિત શકમંદોને શોધી કાઢવામાં નિયમનકારોને મદદ કરવાનાં એક ટૂલ-સાધનને ભારતનાં શિક્ષણ મંત્રાલયની ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) અને નાન્યાંગ ટેક્નૉજીકલ યુનિવર્સિટી, સિંગાપોર (એનટીયુ સિંગાપોર)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત સિંગાપોર-ઇન્ડિયા હેકેથોનની ત્રીજી આવૃત્તિમાં ટોચનું વિદ્યાર્થી ઇનામ મળ્યું હતું. સ્ટાર્ટઅપ કૅટેગરીમાં ટોચના વિજેતા, હૅકદર્શકે 2.8 મિલિયન ભારતીયોને સરકારી કલ્યાણ સેવાઓમાં લગભગ 700 મિલિયન એસજીડી અનલોક કરવા માટે સક્ષમ બનાવવા બદલ જીત મેળવી હતી. ગુજરાતના આઈઆઈટી ગાંધીનગરમાં જી20 પ્રમુખપદ હેઠળ યોજાયેલી આ હેકેથોનના ફિનાલેમાં ભારત અને સિંગાપોરનાં શ્રેષ્ઠ સ્ટાર્ટ-અપ્સ અને વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા. તેમાં 600થી વધુ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો, નીતિ ઘડવૈયાઓ, કોર્પોરેટ્સ અને શિક્ષણવિદોએ ભાગ લીધો હતો.
તેમણે વિદ્યાર્થી અને સ્ટાર્ટ-અપ કૅટેગરીની વિજેતા ટીમોને ઇનામો એનાયત કર્યા હતા. ટોચની ત્રણ વિદ્યાર્થી ટીમો, ટીમ ફોક્સટ્રોટ, ટીમ ચાર્લી અને ટીમ લીમાએ અનુક્રમે 15,000 ડૉલર/ રૂ. 9 લાખ, 10,000 ડૉલર/રૂ. 6 લાખ, અને $ 7,000/INR 4 લાખ જીત્યા હતા. ટોચનાં ત્રણ સ્ટાર્ટ-અપ્સ, હૅકદર્શક, પાવ્ઝિબલ ફૂડ અને પિન્ટ્સે અનુક્રમે 20,000 ડૉલર/રૂ. 12 લાખ, 15,000 ડૉલર/રૂ. 9 લાખ અને $10,000/INR 6 લાખ જીત્યા હતા.
સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી શ્રી લોરેન્સ વોંગે જણાવ્યું હતું કે, "સિંગાપોર-ઇન્ડિયા હેકેથોન વિશિષ્ટ અને કિંમતી છે. તેને બંને દેશોના નેતાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે અને તેની કલ્પના [પીએમ] મોદીનાં વિઝનથી કરવામાં આવી છે. મહામારી પછી [કોવિડ -19] પ્રથમ વખત ફિનાલે ઇવેન્ટ માટે ગાંધીનગર આવીને હું ખૂબ જ ખુશ છું. હેકેથોન વૈશ્વિક પડકારોને એકસાથે ઉકેલવા માટે આપણા શ્રેષ્ઠ યુવાનો અને દિમાગને લાવે છે."
આ ટીમોએ છ સમસ્યાનાં વર્ણનો – ફાઇનાન્સિયલ ફ્રોડ ડિટેક્શન, ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન અને ક્રેડિટ ઓફરિંગ, સી-લેવલ રાઇઝ એન્ડ કોસ્ટલ ફ્લડિંગ, ઓપ્ટિમાઇઝિંગ ફૂડ રિસાયક્લિંગ, મોનિટરિંગ કાર્બન ફૂટપ્રિન્ટ અને સિંગાપોર-ઇન્ડિયા ટ્રેડ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ઉકેલો દર્શાવવા સ્પર્ધા કરી હતી.
આ પ્રસંગે શ્રી પ્રધાને કહ્યું હતું કે, જ્ઞાન એ શક્તિ છે. એસઆઈએચ જેવી પહેલ જ્ઞાનનાં આદાન-પ્રદાનને સુલભ બનાવવા અને આપણા બંને દેશોના યુવાનોની નવીનતાની સંભવિતતાને મુક્ત કરવાનો એક અદ્ભૂત માર્ગ છે. આગળ જતા આપણે સામાન્ય સામાજિક પડકારોના ઉકેલો શોધવા માટે સ્ટેમનાં ક્ષેત્રથી આગળ હેકેથોન સંસ્કૃતિને આગળ વધારવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, જ્ઞાન, સંશોધન અને નવીનતાની શક્તિથી પ્રેરિત થઈને ભારત અને સિંગાપોર બંને ભવિષ્ય માટે વધારે સારી રીતે તૈયારી કરવા, પારસ્પરિક સમૃદ્ધિ હાંસલ કરવા અને વૈશ્વિક હિતને આગળ વધારવા કટિબદ્ધ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આધુનિક સમયનો વિકાસ ત્રણ ધરી પર આધારિત છેઃ જ્ઞાન, સંશોધન અને નવીનતા. સિંગાપોર જ્ઞાન આધારિત અર્થતંત્ર છે. તેણે છેલ્લાં 30-40 વર્ષોમાં શિક્ષણમાં જ્ઞાન અને ઉત્કૃષ્ટતા દ્વારા પોતાને પરિવર્તિત કર્યું છે. એનઇપી 2020 મારફતે ભારતે જ્ઞાન આધારિત સમાજ બનવામાં હરણફાળ ભરી છે. અમૃત કાલનાં આગામી 25 વર્ષ ભારત માટે આશાઓ અને સંભવિતતાથી ભરેલાં છે અને સિંગાપોર-ઇન્ડિયા હેકેથોન જેવી પહેલ મારફતે ગાઢ જોડાણ આપણા બંને દેશો વચ્ચે જ્ઞાનનાં હસ્તાંતરણમાં મદદ કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે સિંગાપોર-ઇન્ડિયા હેકેથોને એનટીયુ સિંગાપોર અને આઇઆઇટી ગાંધીનગર જેવી સંશોધનલક્ષી શૈક્ષણિક સંસ્થાઓને જ નહીં, પણ બંને દેશોના અગ્રણી કોર્પોરેટ્સ અને જાહેર ક્ષેત્રને પણ એકમંચ પર લાવીને સ્ટાર્ટ-અપ્સનું નિર્માણ કરવા ઇચ્છુક ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું, જે વિશ્વના કેટલાક સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક પડકારોને અસર કરે છે.
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી લોરેન્સ વોંગે 'સ્કૂલ્સથી માંડીને સ્કિલ્સ' સુધીનાં તમામ ક્ષેત્રોમાં આપણા સંબંધોને ગાઢ બનાવવા પર સાર્થક વાતચીત કરી હતી. મંત્રીઓએ શાળાઓમાં રોજગારલક્ષી શિક્ષણનાં એકીકરણ, યુવાનોને નિર્ણાયક કૌશલ્યો સાથે સશક્ત બનાવવા, ભવિષ્યના કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓની ક્ષમતાનું નિર્માણ, શિક્ષકો અને પ્રશિક્ષકો, સંશોધન અને નવીનતા સહયોગ ભારતની પ્રાથમિકતાઓ વિશે ચર્ચા કરી હતી.
તેમણે શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં સહકાર માટે જી-ટુ-જી એમઓયુને અંતિમ સ્વરૂપ આપવા અને તેના પર હસ્તાક્ષર કરવાનો તથા એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓને સામેલ કરવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવાનો તથા આપણી ભવિષ્યની પેઢીઓ માટે જ્ઞાન અને કૌશલ્યની ભાગીદારીની સંપૂર્ણ સંભવિતતાને સમજવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવાનો સંકલ્પ કર્યો હતો.
ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં સિંગાપોરની સત્તાવાર મુલાકાત દરમિયાન સૌપ્રથમ સિંગાપોર-ઇન્ડિયા હેકેથોનની શરૂઆત કરી હતી, જેમાં છેલ્લાં બે કાર્યક્રમોનું આયોજન વર્ષ 2018માં સિંગાપોરમાં અને ભારતમાં વર્ષ 2019માં આઇઆઇટી મદ્રાસમાં થયું હતું.
ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક લેખિત સંદેશ પાઠવ્યો હતો કે, "એનટીયુ સિંગાપોર- ઇન્ડિયા હેકેથોન 2023 વિશે જાણીને મને આનંદ થયો છે. આ હેકેથોનનું સંગઠન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે જી-20નું પ્રમુખપદ સંભાળ્યું છે. જી20 પ્રેસિડેન્સીનો મંત્ર, 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય' એ વસુધૈવ કુટુમ્બકમ્ની પ્રાચીન ભારતીય વિભાવનાની અભિવ્યક્તિ છે, જેનો અર્થ છે કે વિશ્વ એક પરિવાર છે. આ દ્રષ્ટિનો સાર એ છે કે સહિયારાં ભવિષ્યનું નિર્માણ કરવા માટે એકસાથે આવવું. સિંગાપોર-ઇન્ડિયા હેકેથોન એક એવી પહેલ છે જે આ ઉમદા વિચારને સમાવી લે છે."
એનટીયુના વાઇસ પ્રેસિડેન્ટ (ઉદ્યોગ) અને હેકેથોન પેટ્રન પ્રોફેસર લામ ખિન યોંગે જણાવ્યું હતું કે, "એનટીયુએ આ વર્ષે ડેરો વિસ્તૃત કર્યો હતો અને શિક્ષણ, ઉદ્યોગ અને જાહેર એજન્સીઓ સાથે સંકળાયેલા અમારા ટ્રિપલ હેલિક્સ પાર્ટનરશિપ મૉડલમાં સિંગાપોર અને ભારતમાં ખાનગી અને જાહેર ક્ષેત્રના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત ભાગીદારોને એકસાથે લાવ્યા હતા. આ વૈવિધ્યસભર હિતધારકો બજારની કસોટી પર ખરા ઉતરી શકે તેવા અસરકારક ઉકેલોનાં સર્જનમાં અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સને ટેકો આપી શકે છે."
વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે ભાગીદારીનું નિર્માણ
સિંગાપોર-ભારત હેકેથોનને સર્વોચ્ચ સ્તરેથી ટેકો આપવો એ બંને દેશો વચ્ચે વધી રહેલા સંબંધોનું પ્રતીક છે. અત્યારે સિંગાપોર ભારતમાં સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણકાર દેશ છે, જેણે 137 અબજ અમેરિકન ડૉલરનું રોકાણ કર્યું છે, જે તેનાં પ્રત્યક્ષ વિદેશી રોકાણના કુલ પ્રવાહનો આશરે 25 ટકા હિસ્સો ધરાવે છે. સિંગાપોરમાં 10,000થી વધુ ભારતીય કંપનીઓ રજિસ્ટર્ડ છે, જેના કારણે ભારત સિંગાપોરમાં વિદેશી કંપનીઓનો નંબર વન સ્ત્રોત બની ગયું છે.
વૃદ્ધિ માટે ભારતીય સ્ટાર્ટ અપ્સને મદદ પણ કરીને વધારે બિઝનેસ અને રોકાણકાર તરફી બનવાના ભારતના સતત વધી રહેલા પ્રયાસોનાં પડઘા એઆઈસીટીઈના વાઈસ ચેરમેન અને સિંગાપોર-ઈન્ડિયા હેકેથોનના પેટ્રન ડૉ. અભય જેરેએ પણ પાડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "વર્ષ 2014 પછી નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના આપણા વ્યવસ્થિત પ્રયાસોને કારણે ભારત અત્યારે દુનિયાનો સ્ટાર્ટ-અપ દેશ બની ગયો છે. વર્ષ 2016માં એઆઇસીટીઇએ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની કલ્પના કરી હતી, જે હવે વિશ્વની સૌથી મોટી હેકેથોન તરીકે ઉભરી આવી છે અને આપણા વાઇબ્રન્ટ યુવાનો પાસેથી ક્રાઉડસોર્સ સોલ્યુશન્સ મેળવવા માટેનાં વિશાળ ઓપન-ઇનોવેશન મૉડલ્સમાંની એક છે. અમારા યુવાનોને વૈશ્વિક મંચ પ્રદાન કરવા માટે એનટીયુ સિંગાપોર સાથે ભાગીદારી કરવાની અમને ખુશી છે."
સમસ્યાના સમાધાન દ્વારા વિદ્યાર્થીઓની ભાગીદારીની રચના કરવી
સિંગાપોર-ઇન્ડિયા હેકેથોન 2023ની ફિનાલેમાં તીવ્ર ફાઇનલ રાઉન્ડ જોવા મળ્યો હતો જેમાં આઇઆઇટી ગાંધીનગર ખાતે 14-15 જુલાઇએ 36 કલાકની હેકેથોનમાં બે ભારતીય અને બે સિંગાપોરના વિદ્યાર્થીઓની 12 ટીમોએ ભાગ લીધો હતો. ભારત અને સિંગાપોરની 24 સ્ટાર્ટ-અપ કંપનીઓએ પણ તેમના ઉત્કૃષ્ટ ઉપાયો પ્રદર્શિત કર્યા હતા.
કોલેજ ઑફ એન્જિનિયરિંગના ડીન અને હેકેથોન પેટ્રન, એનટીયુના વાઇસ પ્રેસિડેન્ટ (ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ) પ્રોફેસર લુઇસ ફીએ જણાવ્યું હતું કે, "હેકેથોન સિંગાપોર અને ભારતના મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને શીખવા, વિચારોનું આદાનપ્રદાન કરવા અને પરિવર્તનકારી અભ્યાસની અમૂલ્ય તકો પ્રદાન કરે છે જે તેમની ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પોષે છે અને તેમને આવતીકાલના પડકારો માટે અસરકારક ઉકેલો બનાવવા માટે સશક્ત બનાવે છે."
સિંગાપોર ઇન્ડિયા હેકેથોન 2023ના પ્રાયોજકો અને સમર્થકોમાં મોનેટરી ઓથોરિટી ઑફ સિંગાપોર, ડીબીએસ બૅન્ક, કેપીએમજી, ટાટા એઆઇએ લાઇફ ઇન્શ્યુરન્સ, કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, નવી દિલ્હીમાં સિંગાપોરનું હાઇ કમિશન, મુંબઇમાં સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલ, એન્ટરપ્રાઇઝ સિંગાપોર, ઇન્ડિયન સ્કોલર્સ એસોસિએશન, એનટ્યુટિવ- NTUitive, એસજીઇનોવેટ, સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલ, આઇઆઇટી ગાંધીનગર અને TiE સિંગાપોરનો સમાવેશ થાય છે.
મોનેટરી ઓથોરિટી ઑફ સિંગાપોરના ચીફ ફિનટેક ઓફિસર શ્રી સોપેન્દુ મોહંતીએ સમજાવ્યું હતું કે, કેવી રીતે સિંગાપોર-ઇન્ડિયા હેકેથોન સ્ટાર્ટ-અપ્સ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પ્રદાન કરે છે: "ભારત પાસે પ્રતિભાની પુષ્કળ ક્ષમતા અને સામર્થ્ય છે તથા સિંગાપોર પાસે પુષ્કળ મૂડી છે. જ્યારે તમે આ ત્રણને ભેગા કરો છો, ત્યારે તમારી પાસે શ્રેષ્ઠ પ્રતિભાને પૂરતી મૂડી સાથે જોડીને એક વિજેતા ફોર્મ્યુલા હોય છે, જે સમાજને સફળ અને હકારાત્મક અસર કરી શકે તેવી કંપનીઓનું નિર્માણ કરી શકે છે."
પ્રાયોજકોએ ઉદાર રોકડ પુરસ્કારો, ઉદ્યોગના ટોચના નેતાઓ દ્વારા માર્ગદર્શન, ફાસ્ટ-ટ્રેક જૉબ અને ઇન્ટર્નશિપ પ્લેસમેન્ટ અને સ્ટાઈપેન્ડ્સ વડે ટેકો પૂરો પાડ્યો હતો. આ વિજેતા સ્ટાર્ટ-અપને આઇકોનિક સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલ હેકેથોનમાં ઓટોમેટિક પ્રવેશની પણ ખાતરી આપવામાં આવી છે, સાથે જ 50,000 ડૉલર જીતવાની તક પણ છે.
ડીબીએસ ઇન્ડિયાના સીઇઓ અને સ્પોન્સર શ્રી સુરોજિત શોમેએ જણાવ્યું હતું કે: "અમને એનટીયુ સાથે ભાગીદારી કરવામાં અને સિંગાપોર ઇન્ડિયા હેકેથોન 2023નો ભાગ બનવા બદલ ગર્વ છે. ડીબીએસ બૅન્કે હેકેથોનમાં બે વિશિષ્ટ પડકારોને પ્રાયોજિત કર્યા છે, એક એસએમઇ માટે સરહદ પારના વેપારને સરળ બનાવવા પર અને બીજો શૂન્ય ખાદ્ય બગાડને સાતત્યપૂર્ણ રીતે હાંસલ કરવા માટેના ઉપાયો પર. ચાલુ વર્ષે જી-20માં ભારતનાં પ્રમુખપદ સાથે સુસંગત આ જોડાણ સિંગાપોર અને ભારત વચ્ચે સહયોગ વધારવાની ડીબીએસ બૅન્કની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે."
અન્ય એક પ્રાયોજક, ટાટા એઆઇએ લાઇફ ઇન્શ્યુરન્સના પ્રેસિડન્ટ અને ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર અને સ્પોન્સર શ્રી વેન્કી ઐય્યરે જણાવ્યું હતું કે: "અમે સિંગાપોર-ઇન્ડિયા હેકેથોનનો ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ, જેનો ઉદ્દેશ પર્યાવરણ, નાણાકીય સર્વસમાવેશકતા અને ટકાઉપણાના વૈશ્વિક અને સ્થાનિક રીતે સંબંધિત મુદ્દાઓના નવીન ઉકેલો શોધવાનો છે. ટાટા અને એઆઇએ ગ્રૂપની નૈતિકતાથી પ્રેરિત થઈને અમે ભારત અને સિંગાપોર વચ્ચે આ મહત્ત્વપૂર્ણ સહિયારા પ્રયાસોમાં પ્રદાન કરવા કટિબદ્ધ છીએ."
YP/GP/JD
(Release ID: 1940040)
Visitor Counter : 1598