આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav g20-india-2023

ખેડૂતો માટે અનોખા પેકેજની જાહેરાત


ખેડૂતોની સુખાકારી વધારવા, જમીનની ઉત્પાદકતાને ફરી સજીવન કરવા અને ખાદ્ય સુરક્ષા તેમજ પર્યાવરણીય ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરવા માટે CCEA દ્વારા યોજના સમૂહને મંજૂરી આપવામાં આવી

CCEA એ યુરિયા સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી; 3 વર્ષ (2022-23 થી 2024-25) સુધી યુરિયા સબસિડી માટે રૂ. 3,68,676.7 કરોડની પ્રતિબદ્ધતા બતાવી

વેલ્થ ફ્રોમ વેસ્ટના મોડેલનું દૃષ્ટાંત પૂરું પાડવા માટે બજાર વિકાસ સહાય (MDA) યોજના માટે રૂ. 1451 કરોડ મંજૂર; જમીનને સમૃદ્ધ બનાવવા અને પર્યાવરણને સુરક્ષિત તેમજ સ્વચ્છ રાખવા માટે ગોબરધન પ્લાન્ટમાંથી પરાળી અને જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવશે

સલ્ફર કોટેડ યુરિયા (યુરિયા ગોલ્ડ)નો પ્રારંભ; જમીનમાં સલ્ફરની ઉણપને દૂર કરવા અને ખેડૂતોનો ઇનપુટ ખર્ચ ઓછો કરવા માટે આ શરૂઆત કરી

Posted On: 28 JUN 2023 3:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) દ્વારા આજે કુલ રૂ. 3,70,128.7 કરોડના ખર્ચ સાથે ખેડૂતો માટે આવિષ્કારી યોજનાઓના અનન્ય પેકેજને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના સમૂહ ટકાઉક્ષમ કૃષિને પ્રોત્સાહન આપીને ખેડૂતોની એકંદર સુખાકારી અને આર્થિક સુધારણા પર કેન્દ્રિત છે. આ પહેલ ખેડૂતોની આવકમાં વેગ લાવશે, કુદરતી/જૈવિક ખેતીને મજબૂત બનાવશે, જમીનની ઉત્પાદકતાને પુનર્જીવિત કરશે અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે.

CCEA એ ખેડૂતોને યુરિયાની નિરંતર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કર અને નીમ કોટિંગના ચાર્જને બાદ કરતા ખેડૂતોને રૂ. 242/ 45 કિલોની થેલીની સમાન કિંમતે યુરિયા મળે તે માટે યુરિયા સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ઉપરોક્ત મંજૂર કરવામાં આવેલા પેકેજમાંથી, ત્રણ વર્ષ (2022-23 થી 2024-25) સુધી યુરિયા સબસિડી માટે રૂ. 3,68,676.7 કરોડ આપવાની પ્રતિબદ્ધતા બતાવી છે. આ રકમ 2023-24 માટે ખરીફ મોસમ માટે તાજેતરમાં મંજૂર કરવામાં આવેલા રૂ. 38,000 કરોડની પોષકતત્વો આધારિત સબસિડી સિવાયની છે. ખેડૂતોને યુરિયાની ખરીદી માટે વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી અને આનાથી તેમના ઇનપુટ ખર્ચને હળવો કરવામાં મદદ મળશે. હાલમાં, યુરિયાની MRP 45 કિલોની થેલી દીઠ રૂ. 242 છે (નીમ કોટિંગ અને લાગુ પડતા કર સિવાય), જ્યારે થેલીની વાસ્તવિક કિંમત રૂ. 2200ની આસપાસ આવે છે. આ યોજના માટે સંપૂર્ણ રીતે ભારત સરકાર દ્વારા અંદાજપત્રીય સહાય મારફતે ધિરાણ કરવામાં આવે છે. યુરિયા સબસિડી યોજના ચાલુ રાખવાથી આત્મનિર્ભરતાના સ્તરે પહોંચવા માટે યુરિયાનું સ્વદેશી સ્તરે ઉત્પાદનમાં પણ મહત્તમ પ્રમાણમાં થઇ શકશે.

સતત બદલાઇ રહેલી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને કાચા માલમાં ભાવ વૃદ્ધિને કારણે, વિતેલા વર્ષોમાં ખાતરની કિંમતોમાં વૈશ્વિક સ્તરે અનેકગણો વધારો થઇ રહ્યો છે. પરંતુ ભારત સરકારે ખાતરની સબસિડી વધારીને તેના ખેડૂતોને ખાતરના ભાવ વધારાથી બચાવ્યા છે. ભારત સરકારે દેશના ખેડૂતોને સુરક્ષિત કરવાના તેના પ્રયાસમાં, ખાતર પરની સબસિડી 2014-15માં રૂ. 73,067 કરોડ હતી તે વધારીને 2022-23માં રૂ. 2,54,799 કરોડ કરી છે.

નેનો યુરિયા ઇકો સિસ્ટમ મજબૂત થઇ

2025-26 સુધીમાં, પરંપરાગત યુરિયાના 195 LMT જથ્થાની સમકક્ષ 44 કરોડ બોટલનું ઉત્પાદન થઇ શકે તેવી ક્ષમતા ધરાવતા આઠ નેનો યુરિયા પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે. નેનો ખાતરમાંથી નિયંત્રિત રીતે પોષક તત્વો મુક્ત થાય છે જે પોષક તત્વોના ઉપયોગની ઉચ્ચ કાર્યક્ષમતામાં યોગદાન આપે છે અને ખેડૂતોને ખર્ચ ઓછો થાય છે. નેનો યુરિયાનો ઉપયોગ કરવાથી પાકની ઉપજમાં વધારો થયો હોવાનું જોવા મળ્યું છે.

દેશ 2025-26 સુધીમાં યુરિયા બાબતે આત્મનિર્ભર બનવાના માર્ગે છે

રાજસ્થાનના કોટામાં આવેલા ચંબલ ફર્ટી લિમિટેડ, પશ્ચિમ બંગાળના પનગઢ, તેલંગાણાના રામગુંદમ, ઉત્તરપ્રદેશના ગોરખપુર, ઝારખંડના સિંદરી અને બિહારના બરુહાની ખાતે આવેલ મેટિક્સ લિમિટેડ 2018થી યુરિયાના ઉત્પાદન અને ઉપલબ્ધતાના સંદર્ભમાં દેશને આત્મનિર્ભર બનવામાં મદદ કરી રહ્યા છે. યુરિયાનું સ્વદેશી ધોરણે ઉત્પાદન 2014-15 દરમિયાન 225 LMTના સ્તરે હતું જે વધીને 2021-22 દરમિયાન 250 LMT થઇ ગયું છે. 2022-23માં ઉત્પાદન ક્ષમતા વધીને 284 LMT થઇ ગઇ છે. આ નેનો યુરિયા પ્લાન્ટ્સની મદદથી યુરિયામાં આપણી વર્તમાન આયાત નિર્ભરતા ઓછી થશે અને છેવટે 2025-26 સુધીમાં આપણે આત્મનિર્ભર બની શકીશું.

ધરતી માતાના પુનઃસ્થાપન, જાગૃતિ લાવવા, પોષણ અને સુધારણા માટે પીએમ કાર્યક્રમ (PMPRANAM)

ધરતી માતાએ હંમેશા માનવજાતને ભરણપોષણના પુષ્કળ સ્રોતો પૂરા પાડ્યા છે. ખેતીની વધુ કુદરતી રીતો તરફ પાછા ફરવામાં આવે અને રાસાયણિક ખાતરોના સંતુલિત/ટકાઉક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે એ હાલના સમયની માંગ છે. કુદરતી/જૈવિક ખેતી, વૈકલ્પિક ખાતર, નેનો ફર્ટિલાઇઝર્સ અને બાયો-ફર્ટિલાઇઝર્સ જેવા આવિષ્કારોને પ્રોત્સાહન આપવાથી આપણી ધરતી માતાની ફળદ્રુપતા ફરીથી સ્થાપિત કરવામાં મદદ મળી શકે છે. આમ, અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવી હતી કે, વૈકલ્પિક ખાતરો અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ધરતી માતાના પુનઃસ્થાપન, જાગૃતિ લાવવા, પોષણ અને સુધારણા માટે પીએમ કાર્યક્રમ (PMPRANAM)” શરૂ કરવામાં આવશે.

ગોબરધન પ્લાન્ટ્સમાંથી મળતા જૈવિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે બજાર વિકાસ સહાય (MDA) પેટે રૂ. 1451.84 કરોડ મંજૂર કરવામાં આવ્યા

આજે મંજૂર કરવામાં આવેલા પેકેજમાં ધરતી માતાના પુનઃસ્થાપન, પોષણ અને સુધારણા માટે આવિષ્કારી પ્રોત્સાહન વ્યવસ્થાતંત્રનો પણ સમાવેશ થાય છે. ગોરબધન પહેલના છત્ર હેઠળ ઉભા કરવામાં આવેલા બાયો-ગેસ પ્લાન્ટ/ કોમ્પ્રેસ્ટ બાયોગેસ (CBG) પ્લાન્ટમાંથી ઉપનીપજ તરીકે ઉત્પન્ન થયેલા જૈવિક ખાતરો એટલે કે, ફર્મેન્ટેડ જૈવિક ખાતરો (FOM)/પ્રવાહી FOM/ ફોસ્ફેટથી સમૃદ્ધ જૈવિક ખાતરો (PROM)ના માર્કેટિંગમાં સહાય કરવા માટે રૂ. 1500 પ્રતિ MT તરીકે બજાક વિકાસ સહાય (MDA) યોજના છે.

આવા જૈવિક ખાતરોને ભારત બ્રાન્ડ FOM, LFOM અને PROM નામથી બ્રાન્ડેડ કરવામાં આવશે. આનાથી એક તરફ, પાકના અવશેષોના વ્યવસ્થાપનના પડકાર અને પરાળી સળગાવવાની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરશે, પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરશે અને સાથે જ ખેડૂતો માટે આવકનો વધારાનો સ્રોત પણ પૂરો પાડી શકાશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવે જૈવિક ખાતરો (FOM/LFOM/PROM) મળી રહેશે.

આ પહેલની મદદથી આવા BG/CBG પ્લાન્ટ્સની કાર્યક્ષમતા વધારીને, ગોબરધન યોજના હેઠળ વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે 500 નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ્સ સ્થાપવા અંગે અંદાત્રપત્રમાં કરવામાં આવેલી જાહેરાતનો અમલ કરવાનું પણ સરળ થઇ જશે.

ટકાઉક્ષમ કૃષિ પ્રથા તરીકે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાથી જમીનનું સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત થઇ રહ્યું છે અને ખેડૂતોના ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. 425 KVK (કૃષિ વિજ્ઞાન કેન્દ્રો) દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું નિદર્શન કરવામાં આવ્યું છે અને 6.80 લાખ ખેડૂતોને સામેલ કરતા 6,777 જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સત્ર જુલાઇ-ઓગસ્ટ 2023થી અમલમાં આવનારા BSc તેમજ MSc પ્રોગ્રામ માટે પ્રાકૃતિક ખેતી માટેનો અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

સલ્ફર કોટેડ યુરિયા (યુરિયા ગોલ્ડ)નો પ્રારંભ; જમીનમાં સલ્ફરની ઉણપને દૂર કરવા અને ખેડૂતોનો ઇનપુટ ખર્ચ બચાવવા માટે આ શરૂઆત કરી

પેકેજમાં હાથ ધરવામાં આવેલી અન્ય એક પહેલ એ છે કે, દેશમાં પ્રથમ વખત સલ્ફર કોટેડ યુરિયા (યુરિયા ગોલ્ડ)નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ઉપયોગમાં લેવાતા નીમ કોટેડ યુરિયાની સરખામણીએ તે આર્થિક રીતે વધુ સસ્તું અને કાર્યક્ષમ છે. તેનાથી દેશમાં જમીનમાં સલ્ફરની ઉણપ દૂર થશે. તેનાથી ખેડૂતોના ઇનપુટ ખર્ચ પણ ઘટાડો થશે અને ઉન્નત ઉત્પાદન તેમજ ઉત્પાદકતા મળવાથી ખેડૂતોની આવકમાં વધારો પણ થશે.

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK)ની સંખ્યા એક લાખના આંકડાને સ્પર્શી

દેશમાં લગભગ એક લાખ પ્રધાન કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSKs) પહેલેથી જ બની ચૂક્યા છે. ખેડૂતોની સુવિધા માટે, ખેડૂતોની તમામ જરૂરિયાતો માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે ફાર્મ ઇનપુટ્સ પૂરાં પાડવામાં આવે છે.

લાભો:

મંજૂર કરવામાં આવેલી યોજનાઓથી રાસાયણિક ખાતરોનો ન્યાયપૂર્ણ ઉપયોગ કરવામાં મદદ મળશે, જેનાથી ખેડૂતોને ખેતીના થતા ખર્ચમાં ઘટાડો થશે. કુદરતી/જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાથી, નેનો ફર્ટિલાઇઝર્સ અને જૈવિક ખાતરો જેવા આવિષ્કારી અને વૈકલ્પિક ખાતરોની મદદથી આપણી ધરતી માતાની ફળદ્રુપતાને પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે.

    1. જમીન અને જળના પ્રદૂષણમાં ઘટાડો થવાથી જમીનના આરોગ્યમાં સુધારો આવે છે જેના કારણે પોષક તત્વોની કાર્યક્ષમતા અને સુરક્ષિત વાતાવરણમાં વધારો થાય છે. સલામત અને સ્વચ્છ વાતાવરણ માણસોના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે.
    2. પાક લીધા પછી નીકળતા પરાળી જેવા અવશેષોનો વધુ સારી રીતે ઉપયોગ કરવાતી વાયુ પ્રદૂષણની સમસ્યાને ઉકેલવામાં તેમજ સ્વચ્છતા અને જીવંત વાતાવરણમાં સુધારો કરવામાં મદદ મળશે અને કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં પણ મદદ મળશે.
    3. ખેડૂતોને વધુ લાભ મળશે - તેમણે યુરિયા માટે કોઇપણ વધારાની કિંમત ચૂકવવાની જરૂર નથી કારણ કે હાલની પોષણક્ષમ કાનૂની કિંમતે જ તે ઉપલબ્ધ રહેશે. જૈવિક ખાતરો (FOM/ PROM) પણ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. ઓછા ખર્ચાળ નેનો યુરિયા અને રાસાયણિક ખાતરોના ઓછા ઉપયોગ તેમજ જૈવિક ખાતરોનો ઉપયોગમાં વૃદ્ધિ થવાથી ખેડૂતોના ઇનપુટ ખર્ચમાં ઘટાડો થશે. જમીન અને પાણી સ્વસ્થ રહેવાથી સાથે જ ઓછો ઇનપુટ ખર્ચ થવાથી પાકના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થશે. ખેડૂતોને તેમના ઉત્પાદનનું સારું વળતર મળશે.

YP/GP/JD(Release ID: 1935954) Visitor Counter : 308