પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ પશુ મહામારીની પૂર્વતૈયારી પહેલ અને વિશ્વ બેંકના ભંડોળ સાથેની ‘એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ’નો પ્રારંભ કર્યો


આનાથી વન હેલ્થ અભિગમને અનુરૂપ, સંભવિત પશુ મહામારી માટે ભારતની સજ્જતા અને પ્રતિભાવમાં વધારો થશે

પશુ મહામારીની પૂર્વતૈયારી પહેલ અને વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલો પ્રોજેક્ટ "એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ" પશુ મહામારીનો સર્વાંગી રીતે સામનો કરવાના વ્યાપક પ્રયાસો છે : FAHD મંત્રી

Posted On: 14 APR 2023 2:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આજે પશુ મહામારીની પૂર્વતૈયારી પહેલ અને વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા પ્રોજેક્ટ એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ’નો પ્રારંભ કર્યો હતો. સંભવિત પશુ મહામારી સામે ભારતની સજ્જતા અને પ્રતિભાવ વધારવા માટે વન હેલ્થ અભિગમને અનુરૂપ આ શરૂઆત કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ પ્રાણીઓ અને માણસોના સ્વાસ્થ્ય બંને માટે જોખમી એવા ઝૂનોટિક રોગો પર ધ્યાન કેન્દ્રિત કરીને પશુ મહામારી માટે ભારતની સજ્જતા અને પ્રતિભાવમાં વૃદ્ધિ કરવાનો છે. આ પહેલ પશુચિકિત્સા સેવાઓ અને માળખાકીય સુવિધાઓ, રોગ પર દેખરેખની ક્ષમતાઓ, વહેલા નિદાન અને પ્રતિસાદ, પશુ આરોગ્ય વ્યાવસાયિકોની ક્ષમતાના નિર્માણ અને સમુદાય સુધીના લોકસંપર્ક દ્વારા ખેડૂતોમાં તે અંગેની જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001X4YV.jpg

આ કાર્યક્રમમાં વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ "એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ (AHSSOH)"નો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વન હેલ્થ અભિગમનો ઉપયોગ કરીને ભારતમાં પાંચ (05) રાજ્યોને આવરી લઇને બહેતર પશુ આરોગ્ય વ્યવસ્થાપન સિસ્ટમ માટે ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PQBO.jpg

 

આ પ્રસંગે બોલતા મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, “ભારત, વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓનું ઘર છે અને પશુધન ક્ષેત્ર દેશના અર્થતંત્ર તેમજ ખાદ્ય સુરક્ષામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો કે, આપણે ઉભરતા અને ઝૂનોટિક રોગો દ્વારા ઉભા થતા જોખમો માટે પણ સંવેદનશીલ છીએ. પશુ મહામારીની પૂર્વતૈયારી પહેલ એ આપણા પશુધનનું રક્ષણ કરવા માટે અને આપણા લોકોની સલામતી તેમજ સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે લીધેલું એક સક્રિય પગલું છે. પશુ મહામારીની પૂર્વતૈયારી પહેલ અને વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થએ પશુ મહામારીનો સર્વાંગી રીતે સામનો કરવા માટે હાથ ધરાયેલા વ્યાપક પ્રયાસો છે. આપણી પશુ આરોગ્ય વ્યવસ્થાઓને મજબૂત બનાવીને તેમજ વન હેલ્થ અભિગમને અમલમાં મૂકીને, આપણે ઝૂનોટિક રોગોને વધુ સારી રીતે અટકાવી અને નિયંત્રિત કરી શકીએ છીએ, જે આપણા પ્રાણીઓના સ્વાસ્થ્ય અને કલ્યાણને અસર કરવાની સાથે સાથે નોંધપાત્ર પ્રમાણમાં આર્થિક અસર અને માનવ સ્વાસ્થ્યની ચિંતાઓને પણ અસર કરે છે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0031GHU.jpg

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન કરતા માનનીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું હતું કે પશુ મહામારીની પૂર્વતૈયારી પહેલ (APPI) અને એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ (AHSSOH) પ્રોજેક્ટનો પ્રારંભ એ ભવિષ્યમાં પશુ મહામારીની સમસ્યાનો સામનો કરવા અને કોઇપણ અજાણ્યા સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટેની પૂર્વતૈયારીની દિશામાં એક પગલું છે. વન હેલ્થ પહેલને અમલમાં મૂકવા માટે સાથે મળીને કામ કરીને, આપણે ટકાઉક્ષમ અને તંદુરસ્ત મત્સ્યઉછેરને પ્રોત્સાહન આપી શકીએ છીએ જેનાથી લોકો અને પર્યાવરણ બંનેને લાભ મળે છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા પશુપાલન અને ડેરી વિભાગના સચિવ શ્રી રાજેશ કુમારસિંહે જણાવ્યું હતું કે કોઈપણ મહામારી જેવી તાકીદની સ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થા તૈયાર કરવા તરફ આગળ વધવા માટે, બીમારી પર દેખરેખની વ્યવસ્થાને મજબૂત બનાવીને, રોગની પૂર્વ ચેતવણી માટે મોડેલ તૈયાર કરીને, R&D ઇકોસિસ્ટમ અને નિદાનાત્મક ક્ષમતાઓમાં સુધારો કરીને, નિયમનકારી ઇકોસિસ્ટમને સુવ્યવસ્થિત કરીને, ક્ષેત્રમાં વધુ સારા પ્રતિભાવો પ્રદાન કરી અને સંસાધનોને એકત્ર કરીને વિવિધ ક્રિયાઓનું સંકલન કરવું પડશે. દેશમાં પશુધન પ્રણાલી અને કાર્યક્રમોમાં સુધારો કરવા માટે DAHD એ મહત્વપૂર્ણ ફેરફારો શરૂ કર્યા છે. પશુ મહામારીની પૂર્વતૈયારી પહેલ અથવા APPI એ રોગ નિવારણ, નિયંત્રણ અને મહામારી સામે સજ્જતાના તમામ પરિબળોને વ્યાપકપણે આવરી લેવા માટેની એક પહેલ છે. તેના મુખ્ય ઘટકોમાં સંકલિત રીતે રોગ પર દેખરેખ અને નિરીક્ષણ, વહેલી ચેતવણી અને પ્રતિભાવ, રસી/નિદાન, R&D અને ઉત્પાદન, તેમજ ભંડોળ અને નિયમનકારી માળખું સક્ષમ કરનારાઓ દ્વારા ઇકોસિસ્ટમના સંકલનનો સમાવેશ થાય છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004Y5QI.jpg

 

આ કાર્યક્રમમાં વન હેલ્થ સપોર્ટ યુનિટના બુલેટિન/પ્રકાશનનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ APPI અને AHSSOH વીડિયો લોન્ચ કરવામાં આવ્યા હતા.

ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. અજય કુમાર સૂદ, MoH&FWના આરોગ્ય સેવાઓના મહાનિદેશક પ્રો. (ડૉ.) અતુલ ગોયલ, વિશ્વ બેંકના કૃષિ અને ખાદ્ય વૈશ્વિક પ્રથાઓના વડા શ્રી ઓલિવર બ્રેડટ, DAHDના પશુપાલન કમિશનર ડૉ. અભિજિત મિત્રા સહિત અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (WHO, WB, FAO, WOAH, UNEP), સંબંધિત મંત્રાલયો, ICAR અને ICMRની સંશોધન સંસ્થાઓના પશુ આરોગ્ય નિષ્ણાતો અને અન્ય સરકારી હિતધારકો સહિત વિવિધ એકબીજા ક્ષેત્રના લગભગ 200 મુખ્ય હિતધારકોની સહભાગીતા જોવા મળી હતી.

ભારત સરકારનો પશુપાલન અને ડેરી વિભાગ, (DAHD) પશુ મહામારીની પૂર્વતૈયારી પહેલ’ અને વર્લ્ડ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા પ્રોજેક્ટ એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ’ના સફળ અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે અને તમામ હિતધારકો સાથે મળીને આ મહત્વપૂર્ણ લક્ષ્ય તરફ કામ કરવા માટે તત્પર છે.

YP/GP/JD



(Release ID: 1916657) Visitor Counter : 229