પ્રધાનમંત્રીનું કાર્યાલય
ચિક્કાબલ્લાપુરમાં શ્રી મધુસુદન સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Posted On:
25 MAR 2023 2:22PM by PIB Ahmedabad
કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇજી, સદ્ગુરુ શ્રી મધુસુદન સાઈજી, મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
કર્નાટકા દા એલ્લા સહોદરા સહોદરિયારિગે નન્ના નમસ્કારાગલુ!
આપ સૌ આટલા ઉમંગ અને ઉત્સાહ સાથે, પોતાનાં સપના લઈને, નવા સંકલ્પો સાથે સેવાની આ મહાન પ્રવૃત્તિમાં સામેલ છો. આપના દર્શન કરવા એ પણ મારા માટે સૌભાગ્યની વાત છે. હું તમારો ખૂબ ખૂબ આભારી છું. ચિક્કાબલ્લાપુરા એ આધુનિક ભારતના આર્કિટેક્ટ્સમાંના એક સર એમ. વિશ્વેશ્વરાયનું જન્મસ્થળ છે. હમણાં જ મને સર વિશ્વેશ્વરાયની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો અને તેમનાં સંગ્રહાલયની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. હું આ પવિત્ર ભૂમિને મસ્તક નમાવીને નમન કરું છું. આ પવિત્ર ભૂમિમાંથી પ્રેરણા લઈને જ, તેમણે ખેડૂતો અને સામાન્ય લોકો માટે નવાં સંશોધનો કર્યાં, ઉત્તમ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ બનાવ્યા.
સાથીઓ,
આ ભૂમિએ સત્ય સાઈ ગ્રામનાં રૂપમાં પણ દેશને સેવાનું એક અદ્ભૂત મૉડલ આપ્યું છે. શિક્ષણ અને આરોગ્ય દ્વારા અહીં જે રીતે માનવ સેવાનું મિશન ચાલી રહ્યું છે તે ખરેખર અદ્ભૂત છે. આજે જે આ મેડિકલ કૉલેજ શરૂ થઈ રહી છે, એનાથી આ મિશન વધુ સશક્ત બન્યું છે. શ્રી મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, દર વર્ષે ઘણા નવા પ્રતિભાશાળી ડૉક્ટરો દેશના કરોડો લોકોની સેવામાં રાષ્ટ્રને સમર્પિત કરશે. હું સંસ્થાને અને ચિક્કાબલ્લાપુરના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
ભાઇઓ અને બહેનો,
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશે વિકસિત બનવાનો સંકલ્પ કર્યો છે. ઘણી વખત લોકો પૂછે છે કે ભારત આટલા ઓછા સમયમાં, કેમ કે મેં કહ્યું 2047 જ્યારે આઝાદીનાં 100 વર્ષ થશે, તો લોકો પૂછે છે કે આટલા ઓછા સમયમાં ભારત વિકસિત કેવી રીતે બનશે? આટલા પડકારો છે, આટલું કામ છે, તે આટલા ઓછા સમયમાં કેવી રીતે પૂર્ણ થશે? આ પ્રશ્નનો એક જ જવાબ છે, એક સશક્ત જવાબ છે, સંકલ્પથી ભરેલો જવાબ છે, સિદ્ધિઓ હાંસલ કરવાની તાકાત સાથેનો જવાબ છે અને તે જવાબ છે સબકા પ્રયાસ. દરેક દેશવાસીના સંયુક્ત પ્રયાસોથી આ શક્ય બનીને જ રહેશે. તેથી જ ભાજપ સરકાર સૌની ભાગીદારી પર સતત ભાર આપી રહી છે. વિકસિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવામાં આપણી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા પણ મોટી છે. કર્ણાટકમાં તો સંતો, આશ્રમો અને મઠની મોટી પરંપરા રહી છે. આ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આસ્થા અને આધ્યાત્મિકતા સાથે ગરીબો, દલિતો, પછાત, આદિવાસીઓને સશક્ત કરતી રહી છે. તમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલું સામાજિક કાર્ય પણ સબકા પ્રયાસની ભાવનાને સશક્ત બનાવે છે.
સાથીઓ,
હું જોઈ રહ્યો હતો કે, શ્રી સત્ય સાઈ યુનિવર્સિટીનું સૂત્ર છે- "યોગ: કર્મસુ કૌશલમ્". એટલે કે કર્મોમાં કુશળતા એ જ યોગ છે. છેલ્લાં 9 વર્ષમાં, ભારતમાં પણ, આરોગ્ય સેવાઓને લઈને ખૂબ જ નિષ્ઠાપૂર્વક, ખૂબ જ કુશળતાથી કામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. દેશમાં તબીબી શિક્ષણને લગતા ઘણા સુધારા કરવામાં આવ્યા છે. તેનાથી સરકારની સાથે સાથે અન્ય જે સંગઠનો છે, એમના માટે પણ હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજો ખોલવાનું હવે સરળ બની ગયું છે. પછી તે સરકાર હોય. , ખાનગી ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, દરેકના પ્રયત્નોનું પરિણામ આજે દેખાય રહ્યું છે. વર્ષ 2014માં, આપણા દેશમાં 380થી ઓછી મેડિકલ કૉલેજો હતી. આજે દેશમાં મેડિકલ કૉલેજોની સંખ્યા વધીને 650થી પણ વધુ થઈ ગઈ છે. આમાંથી 40 મેડિકલ કૉલેજો આકાંક્ષી જિલ્લાઓમાં સ્થાપવામાં આવી છે, જે જિલ્લાઓ વિકાસનાં દરેક પાસામાં પાછળ હતા, ત્યાં મેડિકલ કૉલેજો સ્થાપવામાં આવી છે.
સાથીઓ,
છેલ્લાં 9 વર્ષમાં દેશમાં મેડિકલ સીટોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આઝાદીનાં 75 વર્ષમાં દેશમાં જેટલા ડૉક્ટરો બન્યા હતા તેટલા જ ડૉક્ટરો આગામી 10 વર્ષમાં બનવાના છે. દેશમાં આ જે કામ થઈ રહ્યું છે એનો લાભ કર્ણાટકને પણ મળી રહ્યો છે. આજે કર્ણાટકમાં લગભગ 70 મેડિકલ કૉલેજો છે. ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી ગત વર્ષોમાં જે મેડિકલ કૉલેજો બની છે તે પૈકીની એક અહીં ચિક્ક-બલ્લાપુરમાં પણ બની છે. આ વર્ષનાં કેન્દ્ર સરકારનાં બજેટમાં તો અમે 150 નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની પણ જાહેરાત કરી છે. જેનાં કારણે યુવાનો માટે નર્સિંગ ક્ષેત્રે પણ ઘણી તકો ઊભી થવા જઈ રહી છે.
સાથીઓ,
આજે, જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, ત્યારે હું ભારતના તબીબી વ્યવસાય સામે રહેલા એક પડકારનો પણ ઉલ્લેખ ચોક્કસ કરવા માગું છું. આ પડકારને કારણે ગામના, ગરીબ, પછાત સમાજના યુવાનો માટે ડૉક્ટર બનવું ખૂબ જ મુશ્કેલ હતું. પોતાના રાજકીય સ્વાર્થ માટે, વોટ બૅન્ક માટે કેટલાક પક્ષોએ ભાષાની રમત રમી. પણ ખરેખર અર્થમાં ભાષાને મજબૂત કરવા જેટલું થવું જોઈતું હતું તે થયું નહીં. કન્નડ તો આટલી સમૃદ્ધ ભાષા છે, તે એક એવી ભાષા છે જે દેશનું ગૌરવ વધારે છે. અગાઉની સરકારોએ કન્નડમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી શિક્ષણ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધાં ન હતાં. આ રાજકીય પક્ષો ઇચ્છતા ન હતા કે ગામડાં, ગરીબ, દલિત અને પછાત પરિવારોનાં દીકરા-દીકરીઓ પણ ડૉક્ટર અને એન્જિનિયર બની શકે. ગરીબોનાં હિતમાં કામ કરતી અમારી સરકારે કન્નડ સહિત તમામ ભારતીય ભાષાઓમાં મેડિકલ અભ્યાસનો વિકલ્પ આપ્યો છે.
ભાઇઓ અને બહેનો,
દેશમાં લાંબા સમય સુધી આવી રાજનીતિ ચાલી છે, જ્યાં ગરીબોને માત્ર વોટબૅન્ક ગણવામાં આવ્યા. જ્યારે ભાજપ સરકારે ગરીબોની સેવા કરવી એ પોતાની સર્વોચ્ચ ફરજ માની છે. અમે ગરીબ અને મધ્યમ વર્ગનાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે. અમે દેશમાં સસ્તી દવાઓની દુકાનો, જન ઔષધિ કેન્દ્રો ખોલ્યાં છે. આજે, દેશભરમાં લગભગ 10,000 જન ઔષધિ કેન્દ્રો છે, જેમાંથી એક હજારથી વધુ આપણે ત્યાં કર્ણાટકમાં જ છે. આ કેન્દ્રોનાં કારણે કર્ણાટકના ગરીબોના હજારો કરોડ રૂપિયા દવાઓ પર ખર્ચ થવાથી બચી ગયા છે.
સાથીઓ,
હું તમને એ જૂના દિવસો યાદ કરવાનું પણ કહીશ જ્યારે ગરીબો સારવાર માટે હૉસ્પિટલમાં જવાની હિંમત કરી શકતા ન હતા. ભાજપ સરકારે ગરીબોની આ ચિંતા સમજી અને તેનું નિરાકરણ કર્યું. આજે આયુષ્માન ભારત યોજનાએ ગરીબ પરિવારો માટે સારી હૉસ્પિટલોના દરવાજા ખોલ્યા છે. ભાજપ સરકારે ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની ખાતરી આપી છે. કર્ણાટકમાં પણ લાખો લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે.
સાથીઓ,
અગાઉ હાર્ટ સર્જરી હોય, ઘૂંટણ બદલવા હોય, ડાયાલિસિસ હોય, આ બધું પણ ખૂબ ખર્ચાળ-મોંઘું રહેતું હતું. ગરીબોની સરકારે, ભાજપ સરકારે તેને પણ સસ્તું કરી દીધું છે. મફત ડાયાલિસિસની સુવિધાએ પણ ગરીબોના હજારો કરોડો રૂપિયા ખર્ચ થવાથી બચાવ્યા છે.
સાથીઓ,
અમે સ્વાસ્થ્ય સંબંધિત નીતિઓમાં માતાઓ અને બહેનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. જ્યારે માતાનું સ્વાસ્થ્ય, માતાનું પોષણ સારું હોય છે ત્યારે આખી પેઢીનું સ્વાસ્થ્ય સુધરે છે. તેથી, તે શૌચાલય બનાવવાની યોજના હોય, મફત ગેસ કનેક્શન આપવાની યોજના હોય, દરેક ઘરમાં નળનું પાણી પૂરું પાડવાની યોજના હોય, મફત સેનેટરી પેડ્સ આપવાની યોજના હોય કે પછી પૌષ્ટિક ખોરાક માટે સીધા બૅન્કમાં પૈસા મોકલવાના હોય, આ બધું માતાઓ- બહેનોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. ભાજપ સરકાર ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અંગે પણ સતર્ક છે. હવે ગામડાઓમાં જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખોલવામાં આવી રહ્યાં છે, તેમાં આવા રોગોની તપાસ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હેતુ એ જ છે કે પ્રારંભિક તબક્કામાં જ બીમારીઓની ઓળખ થઈ શકે. આનાથી, અમે માતાઓ અને બહેનોનાં જીવન પરના મોટા સંકટને રોકવામાં સફળ થઈ રહ્યા છીએ. હું બોમ્મઇજી અને તેમની ટીમને અભિનંદન આપવા માગું છું કે કર્ણાટકમાં પણ 9,000થી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યાં છે. અમારી સરકાર દીકરીઓને એવું જીવન આપવામાં વ્યસ્ત છે, જેથી તેઓ પોતે પણ સ્વસ્થ રહે અને ભવિષ્યમાં તેમનાં બાળકો પણ સ્વસ્થ રહે.
ભાઇઓ અને બહેનો,
આજે હું વધુ એક કારણસર કર્ણાટક સરકારના વખાણ કરીશ. પાછલાં વર્ષોમાં, ભાજપ સરકારે ANM અને આશા બહેનોને વધુ સશક્ત કર્યાં છે. તેમને આધુનિક ટેક્નૉલોજી સાથેનાં ગેજેટ્સ આપવામાં આવ્યાં છે, તેમનું કામ સરળ બનાવવામાં આવ્યું છે. કર્ણાટકમાં આજે લગભગ 50,000 આશા અને ANM કાર્યકરો છે, લગભગ એક લાખ નોંધાયેલ નર્સો અને અન્ય આરોગ્ય કાર્યકરો છે. ડબલ એન્જિન સરકાર આ તમામ સાથીઓને શક્ય તમામ સુવિધાઓ આપી જીવન સરળ બનાવવા માટે પ્રયાસરત છે.
સાથીઓ,
આરોગ્યની સાથે સાથે ડબલ એન્જિન સરકાર માતાઓ, બહેનો અને દીકરીઓનાં આર્થિક સશક્તીકરણ પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. આ ભૂમિ તો મિલ્ક અને સિલ્ક- દૂધ અને રેશમની ભૂમિ છે. આ અમારી જ સરકાર છે જેણે પશુપાલકો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સુનિશ્ચિત કરી છે. પશુઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે અમારી સરકારે માટે સૌથી મોટું મફત રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું છે. આ અભિયાન પર 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ડબલ એન્જિન સરકારનો એ પણ પ્રયાસ છે કે ડેરી સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વધુ વધે. ગામડાઓમાં મહિલાઓનાં જે સ્વ-સહાય જૂથો છે એમને પણ સશક્ત કરવામાં આવી રહ્યાં છે.
સાથીઓ,
જ્યારે દેશ સ્વસ્થ રહેશે, જ્યારે વિકાસ માટે સબકા પ્રયાસો થશે, ત્યારે આપણે વિકસિત ભારતનું લક્ષ્ય વધુ ઝડપથી પ્રાપ્ત કરી શકીશું. ફરી એકવાર, હું માનવ સેવાના આ મહાન પ્રયાસ માટે શ્રી મધુસૂદન સાઈ સંસ્થા સાથે સંકળાયેલા તમામ સાથીદારોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
ભગવાન સાઈ બાબા સાથે મારો ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો અને અમારા શ્રીનિવાસજી સાથે પણ ઘણો સંબંધ રહ્યો જૂનો, આ સંબંધને લગભગ 40 વર્ષ થઈ ગયાં છે અને તેથી જ હું અહીં ન તો અતિથિ છું, ન તો હું મહેમાન છું, હું તો આપને ત્યાં જ આ ધરતીનું સંતાન છું. અને જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું ત્યારે સંબંધ તાજા થાય છે, જૂની યાદો તાજી થાય છે અને મને વધુ મજબૂત રીતે જોડવાનું મન થાય છે.
મને અહીં આમંત્રિત કરવા બદલ હું ફરીથી તમારો ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ખૂબ આભાર.
GP/JD
(Release ID: 1910737)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam