પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું
"આ ભારતની ક્ષણ છે"
"21મી સદીના આ દાયકામાં ભારત સમક્ષ જે સમયગાળો છે, તે અભૂતપૂર્વ છે"
"વર્ષ 2023ના પ્રથમ 75 દિવસની સફળતાઓ ઇન્ડિયા મૉમન્ટનું પ્રતિબિંબ છે"
"વિશ્વ ભારતીય સંસ્કૃતિ અને સૉફ્ટ પાવર માટે અભૂતપૂર્વ આકર્ષણ ધરાવે છે"
"જો દેશને આગળ વધવું હોય, તો તેનામાં હંમેશા ગતિશીલતા હોવી જોઈએ અને સાહસિક નિર્ણયો લેવાની શક્તિ હોવી જોઈએ"
"આજે દેશવાસીઓમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે સરકાર તેમની કાળજી લે છે"
"અમે શાસનને માનવીય સ્પર્શ આપ્યો છે"
"ભારત આજે જે કંઈ પણ પ્રાપ્ત કરી રહ્યું છે, તે આપણી લોકશાહીની શક્તિ, આપણી સંસ્થાઓની શક્તિને કારણે છે"
"આપણે 'સબ કા પ્રયાસ'થી ભારતની પળને મજબૂત કરવી જોઈએ અને આઝાદી કા અમૃત મહોત્સવમાં વિકસિત ભારતની યાત્રાને સશક્ત બનાવવી જોઈએ”
Posted On:
18 MAR 2023 10:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આ સંમેલન માટે પસંદ કરવામાં આવેલી થીમ 'ધ ઇન્ડિયા મૉમન્ટ' પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો અને ચિંતકો એ અવાજનો પડઘો પાડે છે કે, આ ખરેખર ભારતની ક્ષણ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ઇન્ડિયા ટુડે ગ્રૂપ પણ એવો જ આશાવાદ દર્શાવે છે, જે તેને વધુ વિશેષ બનાવે છે. પ્રધાનમંત્રીએ 20 મહિના અગાઉ લાલ કિલ્લા પરથી પોતાનાં સંબોધનને યાદ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, "આ જ સમય છે અને આ યોગ્ય સમય છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ભારતની ક્ષણ છે.
કોઈ પણ દેશની વિકાસયાત્રામાં આડે આવતા વિવિધ પડકારો અને તબક્કાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીના આ દાયકાનો સમયગાળો ભારત માટે વિશેષ મહત્વ ધરાવે છે. ઘણા દાયકાઓ અગાઉ વિકસિત થયેલા દેશોના માર્ગમાં આડે આવેલા સંજોગોનાં તફાવત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેમની સફળતાનું કારણ એ હતું કે, તેઓ એવી દુનિયામાં પોતાની જાત સાથે સ્પર્ધા કરી રહ્યાં છે, જ્યાં વૈશ્વિક સ્પર્ધાનો અભાવ હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે, અત્યારે ભારત જે સંજોગોનો સામનો કરી રહ્યું છે, તે સંપૂર્ણપણે અલગ છે, જ્યાં વૈશ્વિક પડકારો વ્યાપક પ્રકૃતિના છે અને ઘણાં સ્વરૂપે આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર વિશ્વમાં જે 'ઇન્ડિયા મૉમન્ટ'ની ચર્ચા થઈ રહી છે, તે સામાન્ય નથી, ખાસ કરીને જ્યારે 100 વર્ષમાં એકાદ વાર આવતી સૌથી મોટી મહામારી બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સાથે સાથે વિશ્વમાં ત્રાટકે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એક નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે અને આપણે બધાં સાથે મળીને તેના સાક્ષી બની રહ્યા છીએ." તેમણે કહ્યું હતું કે, દુનિયા ભારત પર પોતાનો વિશ્વાસ પ્રદર્શિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે ભારતની સિદ્ધિઓની યાદી આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, સ્માર્ટફોન ડેટા વપરાશમાં વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવે છે, વૈશ્વિક ફિનટેક એડોપ્શન રેટમાં ટોચનું સ્થાન ધરાવે છે, દુનિયામાં બીજા ક્રમનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક છે અને અન્ય વિવિધ બાબતોની સાથે વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે.
વર્ષ 2023ના પહેલા 75 દિવસમાં દેશની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારતનું ઐતિહાસિક ગ્રીન બજેટ લૉન્ચ કરવામાં આવ્યું છે, કર્ણાટકના શિવમોગામાં એક નવાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, મુંબઈ મેટ્રોના આગામી તબક્કાની શરૂઆત કરવામાં આવી છે, વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝે તેની સફર પૂર્ણ કરી છે, બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થયું છે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના એક ભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, મુંબઈથી વિશાખાપટ્ટનમ જતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી, આઈઆઈટી દરવાર્ડ કૅમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને દેશે આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 ટાપુઓ 21 પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ હાંસલ કર્યા બાદ ઇ-20 ઇંધણ લૉન્ચ કર્યું, તુમકુરુમાં એશિયાની સૌથી આધુનિક હૅલિકોપ્ટર ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું અને એર ઇન્ડિયાએ અત્યાર સુધીનો સૌથી વધુ ઉડ્ડયન ઓર્ડર આપ્યો. છેલ્લા 75 દિવસમાં, પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ભારતમાં ઇ-સંજીવની એપ મારફતે 10 કરોડ ટેલિકન્સલ્ટેશનનું સિમાચિહ્ન પ્રાપ્ત થયું, 8 કરોડ નવાં નળનાં પાણીનાં જોડાણો પૂરાં પાડવામાં આવ્યાં, રેલવે નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ હાંસલ થયું, 12 ચિત્તાનો નવો બેચ કુનો નેશનલ પાર્કમાં પહોંચી ગયો, ભારતની મહિલા અંડર-19 ટીમે U19 T20 વર્લ્ડ કપ જીત્યો, અને દેશને બે ઓસ્કર જીતવાનો આનંદ અનુભવાયો. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, છેલ્લા 75 દિવસમાં જી-20ની 28 મહત્ત્વપૂર્ણ બેઠકો, ઊર્જા શિખર સંમેલન અને ગ્લોબલ મિલેટ્સ કૉન્ફરન્સ યોજાઈ તથા બેંગલુરુમાં એરો ઇન્ડિયા સમિટમાં 100થી વધારે દેશોએ ભાગ લીધો. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, સિંગાપોર સાથે યુપીઆઈ જોડાણ થયું છે, ભારતે તુર્કીની મદદ માટે 'ઓપરેશન દોસ્ત' શરૂ કર્યું અને અગાઉ સાંજે ભારત-બાંગ્લાદેશ ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ તમામ બાબતો ભારતની ક્ષણનું પ્રતિબિંબ છે."
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે એક તરફ ભારત માર્ગો, રેલવે, બંદર અને એરપોર્ટ્સ જેવી ભૌતિક માળખાગત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ દુનિયામાં ભારતીય સંસ્કૃતિ અને સૉફ્ટ પાવર માટે અભૂતપૂર્વ આકર્ષણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે યોગ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયો છે. આજે આયુર્વેદ માટે ઉત્સાહ છે અને ભારતની ખાણી-પીણી વિશે ઉત્સાહ છે." તેમણે નોંધ્યું હતું કે, ભારતીય ફિલ્મો અને સંગીત તેમની નવી ઊર્જાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ એ બાબતની પણ નોંધ લીધી હતી કે, ભારતની બાજરી – શ્રી અન્ન પણ સમગ્ર વિશ્વ સુધી પહોંચી રહી છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, 'ગ્લોબલ ગુડ' પ્રત્યે ભારતના વિચારો અને સંભવિતતાને વિશ્વ માન્યતા આપી રહી છે, પછી તે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન હોય કે પછી આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ગઠબંધન હોય. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એટલે જ આજે દુનિયા કહે છે કે, આ ભારતની ક્ષણ છે." તેમણે કહ્યું હતું કે, આ તમામ બાબતો બહુગુણી અસર ધરાવે છે અને તેમણે જાણકારી આપી હતી કે, મોટા ભાગના દેશો પોતે જ ભારતની પ્રાચીન મૂર્તિઓને પરત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઇન્ડિયા મૉમન્ટની સૌથી ખાસ બાબત એ છે કે, વચન કામગીરી સાથે જોડાયેલું છે." સમાચારોને બનાવનારી અગાઉના જમાનાની હેડલાઇન્સની તુલના કરતાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, સામાન્ય રીતે વિવિધ ક્ષેત્રોમાં લાખો કરોડનાં કૌભાંડોનો પર્દાફાશ થાય અને જનતા વિરોધમાં રસ્તા પર ઊતરી આવે, પરંતુ આજની હેડલાઇન્સ, પ્રધાનમંત્રીએ ઉદ્ગાર કર્યો, ભ્રષ્ટાચારના કેસોમાં પગલાં લેવાને કારણે ભ્રષ્ટાચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા એવી હોય છે. હળવી નોંધ પર, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે મીડિયાએ ભૂતકાળમાં કૌભાંડોને કવર કરીને ઘણી ટીઆરપી મેળવી છે અને એવું સૂચન પણ કર્યું હતું કે હવે તેમની પાસે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીના સમાચારોને કવર કરવાની અને તેમની ટીઆરપી વધારવાની તક છે.
પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, અગાઉ શહેરોમાં બૉમ્બ વિસ્ફોટો અને નક્સલવાદી ઘટનાઓની હેડલાઇન્સ બનતી હતી, જ્યારે અત્યારે શાંતિ અને સમૃદ્ધિના સમાચાર છે. તેમણે એમ પણ યાદ કર્યું હતું કે, અગાઉ પર્યાવરણનાં નામે મોટા માળખાગત પ્રોજેક્ટ્સ બંધ થવાના સમાચાર આવતા હતા, ત્યારે આજે નવા હાઇવે અને એક્સપ્રેસવેનાં નિર્માણની સાથે પર્યાવરણ સાથે સંબંધિત સકારાત્મક સમાચાર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દુ:ખદ ટ્રેન અકસ્માતોના સમાચારો જે અગાઉ સામાન્ય હતા તે હવે સમાચાર બને છે કે આધુનિક ટ્રેનોની રજૂઆતને કારણે ઘટી ગયા છે. તેમણે એર ઇન્ડિયાના કૌભાંડો અને ગરીબીની વાતોને પણ સ્પર્શી હતી જ્યારે આજે વિશ્વના સૌથી મોટા વિમાન સોદાના સમાચાર હેડલાઇન્સ બનાવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "વચન અને કામગીરીનું આ જ પરિવર્તન ઇન્ડિયા મૉમન્ટ લાવ્યું છે."
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, જ્યારે દેશ આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પથી ભરેલો છે અને વિદેશી દેશો પણ ભારત માટે આશાવાદી છે ત્યારે ભારતને અપમાનિત કરવા અને ભારતનું મનોબળ તોડવાની નિરાશાવાદી વાતો થઈ રહી છે.
ગુલામીના યુગને કારણે ભારતે લાંબા ગાળાની ગરીબી જોઈ છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતનો ગરીબ શક્ય તેટલી વહેલી તકે ગરીબીમાંથી બહાર નીકળવા ઇચ્છે છે. તે ઇચ્છે છે કે તેની આવનારી પેઢીઓનાં જીવનની સાથે સાથે તેનું જીવન પણ બદલાય." પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તમામ સરકારોના પ્રયાસોનાં પરિણામો તેમની ક્ષમતા અને સમજણ પર આધારિત હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર નવાં પરિણામો ઇચ્છે છે, એટલે ઝડપ અને વ્યાપમાં વધારો કર્યો છે. તેમણે વિક્રમી ગતિએ 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ કરવાનાં, 48 કરોડ લોકોને બૅન્કિંગ વ્યવસ્થામાં સામેલ કરવા અને પાકાં મકાનો માટેનાં નાણાં એ લાભાર્થીઓનાં બૅન્ક ખાતામાં સીધાં મોકલવાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘર બનાવવાની સમગ્ર પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવે છે, અને મકાનને પણ જીઓ ટેગ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં 3 કરોડથી વધારે ઘરોનું નિર્માણ થયું છે અને ગરીબોને સુપરત કરવામાં આવ્યાં છે. તેમણે ઉજાગર કર્યું કે આ ઘરોમાં મહિલાઓના પણ માલિકીના અધિકારો છે અને કહ્યું હતું કે, જ્યારે ગરીબ મહિલાઓ પોતાને સશક્ત અનુભવે છે ત્યારે ભારતની એ ક્ષણ આવે જ છે.
સમગ્ર વિશ્વમાં મિલકતના હક્કોના પડકારોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ વર્લ્ડ બૅન્કના એક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, વિશ્વની માત્ર 30 ટકા વસતિ પાસે કાયદેસર રીતે તેમની સંપત્તિના રજિસ્ટર્ડ ટાઇટલ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે વૈશ્વિક વિકાસની સામે સંપત્તિના અધિકારોના અભાવને એક મોટો અવરોધ માનવામાં આવે છે અને અઢી વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી ભારતની પીએમ-સ્વામિત્વ યોજના પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં ડ્રોન તકનીકની મદદથી લેન્ડ મૅપિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં ભારતનાં બે લાખ ચોત્રીસ હજાર ગામડાંઓમાં ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને એક કરોડ બાવીસ લાખ પ્રોપર્ટી કાર્ડ્સ પણ આપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે ભારતમાં આ પ્રકારની ઘણી મૂક ક્રાંતિઓ થઈ રહી છે અને તે ઇન્ડિયા મૉમન્ટનો પાયો બની રહી છે." તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આશરે અઢી લાખ કરોડ રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાંથી ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં સીધા મોકલવામાં આવ્યાં છે, જેનો લાભ ભારતના 11 કરોડ નાના ખેડૂતોને મળ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "નીતિગત નિર્ણયોમાં સ્થગિતતા અને યથાસ્થિતિ એ કોઈ પણ દેશની પ્રગતિમાં મોટો અવરોધ છે." તેમણે જૂની વિચારસરણી અને અભિગમ અને અમુક પરિવારોની મર્યાદાઓને કારણે ભારતમાં લાંબા સમય સુધી સ્થગિત રહેવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, જો દેશને આગળ વધવું હોય તો તેમાં હંમેશાં ગતિશીલતા અને સાહસિક નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો દેશે પ્રગતિ કરવી હોય તો તેમાં નવીનતાને સ્વીકારવાની ક્ષમતા હોવી જોઈએ અને પ્રાયોગિક માનસિકતા હોવી જોઈએ, તેને તેના દેશવાસીઓની ક્ષમતાઓ અને પ્રતિભામાં વિશ્વાસ હોવો જોઈએ અને આ બધાથી ઉપર, લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં લોકોના આશીર્વાદ અને ભાગીદારી હોવી જોઈએ. તેમણે નોંધ્યું હતું કે, માત્ર સરકાર અને સત્તાનાં માધ્યમથી સમસ્યાઓનું સમાધાન શોધવાથી બહુ મર્યાદિત પરિણામો મળે છે, પણ જ્યારે 130 કરોડ દેશવાસીઓની તાકાત એકઠી કરવામાં આવે છે, જ્યારે દરેકનાં પ્રયાસો શરૂ થાય, ત્યારે કોઈ પણ સમસ્યા દેશની સામે ઊભી નહીં થઈ શકે. તેમણે દેશની જનતાની સરકારમાં વિશ્વાસનાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને સંતોષ વ્યક્ત કર્યો હતો કે, આજે નાગરિકોમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે, સરકાર તેમની ચિંતા કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સુશાસનમાં માનવીય સ્પર્શ અને સંવેદનશીલતા છે. અમે શાસનને માનવીય સ્પર્શ આપ્યો છે, અને ત્યારે જ કોઈ પણ વ્યક્તિ આટલી મોટી અસર જોઈ શકે છે. તેમણે વાઇબ્રન્ટ વિલેજ યોજનાનું ઉદાહરણ આપ્યું હતું, જે દેશનાં પ્રથમ ગામ હોવાનો આત્મવિશ્વાસ જગાવે છે અને આ ક્ષેત્રમાં વિકાસને પ્રાધાન્ય આપે છે. તેમણે નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારના મંત્રીઓ નિયમિતપણે પૂર્વોત્તરની મુલાકાત લે છે અને શાસનને માનવીય સ્પર્શ સાથે જોડે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેઓ 50 વખત ઉત્તરપૂર્વની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સંવેદનશીલતાએ ન માત્ર પૂર્વોત્તરનું અંતર ઘટાડ્યું છે, પરંતુ ત્યાં શાંતિ સ્થાપિત કરવામાં પણ ઘણી મદદ કરી છે.
યુક્રેન કટોકટી દરમિયાન સરકારની કાર્યશૈલી પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે આશરે 14,000 પરિવારો સાથે જોડાણ કર્યું અને દરેક ઘરમાં સરકારનાં પ્રતિનિધિને મોકલ્યા. તેમણે કહ્યું હતું કે, "અમે મુશ્કેલ સમયમાં તેમને ખાતરી આપી કે, સરકાર તેમની સાથે છે." તેમણે કહ્યું હતું કે, "ઇન્ડિયા મૉમન્ટને માનવીય સંવેદનાઓથી ભરેલાં આ પ્રકારનાં શાસનમાંથી ઊર્જા મળે છે." તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, જો આ માનવીય સ્પર્શ શાસનકાળમાંથી ગાયબ હોત તો દેશ કોરોના સામેની આટલી મોટી લડાઈ જીતી શક્યો ન હોત.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "અત્યારે ભારત જે કંઈ પણ હાંસલ કરી રહ્યું છે, તે આપણી લોકશાહીની શક્તિ, આપણી સંસ્થાઓની શક્તિને આભારી છે." તેમણે કહ્યું હતું કે, ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર નિર્ણાયક નિર્ણયો લે છે, એ દુનિયા જોઈ રહી છે. તેમણે માહિતી આપી હતી કે, ભારતે છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણી નવી સંસ્થાઓનું સર્જન કર્યું છે તથા તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે નીતિ આયોગ ભવિષ્યનો રોડમેપ નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે, નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ દેશમાં કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ભારતમાં આધુનિક કરવેરા વ્યવસ્થા ઊભી કરવામાં જીએસટી કાઉન્સિલની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. તેમણે એમ પણ નોંધ્યું હતું કે કોરોના વચ્ચે દેશમાં ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજાઇ હતી. વૈશ્વિક સંકટ વચ્ચે આજે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે, બૅન્કિંગ વ્યવસ્થા મજબૂત છે. આ આપણી સંસ્થાઓની તાકાત છે." તેમણે માહિતી આપી કે સરકારે અત્યાર સુધીમાં કોરોના રસીના 220 કરોડ ડૉઝ આપ્યા છે. "મને લાગે છે કે આનાં કારણે આપણી લોકશાહી અને આપણી લોકશાહી સંસ્થાઓ પર સૌથી વધુ હુમલો થઈ રહ્યો છે. પરંતુ મને ખાતરી છે કે, આ હુમલાઓ વચ્ચે પણ ભારત ઝડપથી તેના લક્ષ્યાંકો તરફ આગળ વધશે અને તેના લક્ષ્યાંકો હાંસલ કરશે," એમ તેમણે ઉમેર્યું હતું.
સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે ભારતીય મીડિયાની ભૂમિકાને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, "આપણે 'સબ કા પ્રયાસ' સાથે ઇન્ડિયા મૉમન્ટને મજબૂત બનાવવી પડશે અને આઝાદી કા અમૃત મહોત્સવમાં વિકસિત ભારતની યાત્રાને સશક્ત બનાવવી પડશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1908493)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam