પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ‘પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન’ વિષય પર બજેટ પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું

"પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ્ય કારીગરો અને નાના વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો માટે પ્રગતિનો માર્ગ તૈયાર કરવાનો છે"


“આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે”


"સ્થાનિક હસ્તકળાના ઉત્પાદનમાં નાના કારીગરો ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પીએમ વિશ્વકર્મા યોજનામાં તેમને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે”


"પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારોના વિકાસની સાથે સાથે તેમની સમૃદ્ધ પરંપરાઓને જાળવી રાખવાનો પણ છે"


"કૌશલ્યવાન કારીગરો આત્મનિર્ભર ભારતની સાચી ભાવનાના પ્રતિક છે અને અમારી સરકાર આવા લોકોને નવા ભારતના વિશ્વકર્મા માને છે"


"ભારતની વિકાસ યાત્રા માટે ગામડાના દરેક વર્ગને તેમના વિકાસ માટે સશક્ત બનાવવો જરૂરી છે"


"રાષ્ટ્રના વિશ્વકર્માઓની જરૂરિયાતો અનુસાર આપણી કૌશલ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાને આપણે ફરીથી સુવ્યવસ્થિત કરવાની જરૂર છે"


"આજના વિશ્વકર્મા આવતીકાલના ઉદ્યોગસાહસિક બની શકે છે"


"કારીગરો અને હસ્તકલાક

Posted On: 11 MAR 2023 11:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન' વિષય પર યોજવામાં આવેલા બજેટ પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરવામાં આવેલી વિવિધ પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા બજેટ પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ છેલ્લો અને અંતિમ વેબિનાર યોજાયો હતો.

આ વેબિનારમાં ભાગ લેનારાઓને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી હિતધારકો સાથે બજેટ પછીના સંવાદની પરંપરા ઉભરી આવી છે. તેમણે એ વાતની ખુશી વ્યક્ત કરી કે તમામ હિતધારકોએ આ ચર્ચાઓમાં ઉત્પાદક રીતે ભાગ લીધો છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે, બજેટ તૈયાર કરવા અંગે ચર્ચા કરવાને બદલે, હિતધારકોએ બજેટની જોગવાઇઓને અમલમાં મૂકવા માટેની શ્રેષ્ઠ સંભવિત રીતો અંગે ચર્ચા કરી છે. પ્રધાનમંત્રીએ એવી પણ ટિપ્પણી કરી હતી કે બજેટ પછીના વેબિનારોની આ શ્રેણી એ એક નવો અધ્યાય છે જ્યાં સંસદની અંદર સાંસદો દ્વારા કરવામાં આવતી ચર્ચાઓ તમામ હિતધારકો દ્વારા કરવામાં આવે છે, જ્યાં તેમના તરફથી મૂલ્યવાન સૂચનો મેળવવાથી ખૂબ જ ઉપયોગી પ્રથા તૈયાર થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે યોજવામાં આવેલો આ વેબિનાર કરોડો ભારતીયોની કૌશલ્ય અને નિપુણતાને સમર્પિત છે. કૌશલ્ય ભારત મિશન અને કૌશલ રોજગાર કેન્દ્ર દ્વારા કરોડો યુવાનોને કૌશલ્યવાન બનાવવા આવ્યા છે અને તેમના માટે રોજગારીની તકોનું સર્જન કરવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ચોક્કસ અને લક્ષિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અથવા પીએમ વિશ્વકર્મા યોજના, આ વિચારધારાના પરિણામ સ્વરૂપે જ તૈયાર થઇ છે. પ્રધાનમંત્રીએ આ યોજનાની જરૂરિયાત અને વિશ્વકર્માનામના તર્કને સમજાવતા કહ્યું હતું કે, ભારતના લોકતંત્રમાં ભગવાન વિશ્વકર્માના ઉચ્ચ દરજ્જા અને ઓજારોની મદદથી હાથ વડે કામ કરનારાઓ માટે આદરની સમૃદ્ધ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે..

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે જ્યારે અમુક ક્ષેત્રોના થોડાક કારીગરો પર થોડું ધ્યાન આપવામાં આવતું હતું, ત્યારે કારીગરોનો ઘણો વર્ગ જેમ કે સુથાર, લોખંડ, શિલ્પકાર, ચણતર કરનારાઓ અને અન્ય ઘણા લોકો કે જેઓ ખરેખરમાં સમાજનો અભિન્ન હિસ્સો છે તેઓ સમાજની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય તેના માટે બદલાતા સમય સાથે અનુકૂલન કરી રહ્યા છે પરંતુ તેમની અવગણના કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "સ્થાનિક હસ્તકળાના ઉત્પાદનમાં નાના કારીગરો ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પીએમ વિશ્વકર્મા યોજના તેમને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.  તેમણે આગળ માહિતી આપી હતી કે, કૌશલ્યવાન કારીગરો પ્રાચીન ભારતમાં નિકાસમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા હતા. તેમણે એ વાતનો અફસોસ વ્યક્ત કર્યો કે, આ કૌશલ્યવાન કર્મચારીઓની લાંબા સમયથી અવગણના કરવામાં આવી હતી અને વર્ષો સુધીના ગુલામીના કાળ દરમિયાન તેમના કાર્યને બિન-મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું. પ્રધાનમંત્રીએ એ વાતે ધ્યાન દોર્યું હતું કે, ભારતની આઝાદી પછી પણ, તેમની સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં કામ કરવા માટે સરકાર તરફથી કોઇ હસ્તક્ષેપ કરવામાં આવ્યા ન હતા અને તેના પરિણામે, ઘણા કુટુંબો દ્વારા કૌશલ્ય અને કારીગરીની ઘણી પરંપરાગત રીતો ત્યજી દેવામાં આવી હતી, જેથી કરીને તેઓ અન્યત્ર જીવન નિર્વાહ કરી શકે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે, આ શ્રમજીવી વર્ગે સદીઓથી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવાની તેમની કારીગરીનું જતન કરીને તેને જાળવી રાખી છે અને તેઓ તેમના અસાધારણ કૌશલ્ય અને અનન્ય રચનાઓ દ્વારા એક વિશિષ્ટ છાપ બનાવી રહ્યા છે. પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ખાસ કરીને તેમના માટે શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય ધ્યાન ગામડાઓ અને શહેરોના એવા કૌશલ્યવાન કારીગરો પર રાખવામાં આવે કે જેઓ પોતાના હાથે કામ કરીને જીવન નિર્વાહ કરે છે તેમ જણાવીને તેમણે આગળ સમજાવ્યું હતું કે, "કૌશલ્યવાન કારીગરો આત્મનિર્ભર ભારતની સાચી ભાવનાના પ્રતિક છે અને અમારી સરકાર આવા લોકોને નવા ભારતના વિશ્વકર્મા માને છે."

પ્રધાનમંત્રીએ માનવીના સામાજિક સ્વભાવ પર ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું હતું કે, સામાજિક જીવનના એવા પ્રવાહો હોય છે જે સમાજના અસ્તિત્વ અને વિકાસ માટે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યો, ટેકનોલોજીનો પ્રભાવ વધી રહ્યો હોવા છતાં, આવા પ્રવાહો સાથે સુસંગત રહે છે. પીએમ વિશ્વકર્મા યોજના આવા છૂટાછવાયા કારીગરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પ્રધાનમંત્રીએ ગાંધીજીની ગ્રામ સ્વરાજની વિભાવનાનો ઉલ્લેખ કરીને કૃષિની સાથે ગ્રામ્ય જીવનમાં આ વ્યવસાયોની ભૂમિકા કેવી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ભારતની વિકાસ યાત્રા માટે ગામના દરેક વર્ગને તેમના વિકાસ માટે તેમને સશક્ત બનાવવો જરૂરી છે". પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજના દ્વારા શેરી પરના ફેરિયાઓને મળી રહેલા લાભોની જેમ જ પીએમ વિશ્વકર્મા યોજનાથી પણ કારીગરોને ઘણો ફાયદો થશે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના વિશ્વકર્માઓની જરૂરિયાતો અનુસાર દેશની કૌશલ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાને ફરીથી સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે મુદ્રા યોજનાનું ઉદાહરણ આપ્યું હતું જેમાં સરકાર કોઇપણ પ્રકારની બેંક ગેરંટી માંગ્યા વગર કરોડો રૂપિયાની લોન આપે છે. તેમણે એવો નિર્દેશ કર્યો હતો કે, આ યોજનાએ આપણા વિશ્વકર્માને મહત્તમ લાભ આપવો જ જોઇએ અને વિશ્વકર્મા સાથીઓને અગ્રતા પર ડિજિટલ સાક્ષરતા અભિયાનની જરૂરિયાત હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

હાથ બનાવટના ઉત્પાદનોનું આકર્ષણ સતત જળવાઇ રહ્યું હોવાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દેશના દરેક વિશ્વકર્માને સર્વગ્રાહી સંસ્થાકીય સહકાર આપશે. આના કારણે સરળતાથી લોનની પ્રાપ્તિ, કૌશલ્ય, ટેકનિકલ સમર્થન, ડિજિટલ સશક્તિકરણ, બ્રાન્ડ પ્રમોશન, માર્કેટિંગ અને કાચા માલની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઇ શકશે. તેમણે આગળ કહ્યું હતું કે, "આ યોજનાનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારોનો વિકાસ કરવાનો કરવાનો છે અને તેમની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખવાનો છે".

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય એ છે કે આજના વિશ્વકર્મા આવતીકાલના ઉદ્યોગસાહસિક બની શકે. આના માટે, તેમના વ્યવસાય મોડેલમાં ટકાઉપણું હોય તે આવશ્યક બાબત છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગ્રાહકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે કારણ કે સરકાર માત્ર સ્થાનિક બજાર પર જ નહીં પરંતુ વૈશ્વિક બજારને પણ લક્ષ્ય બનાવી રહી છે. તેમણે તમામ હિતધારકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ વિશ્વકર્માના સાથીદારોનો હાથ પકડીને તેમની જાગૃતિમાં વધારો કરે અને આ પ્રકારે તેમને આગળ વધવામાં મદદ કરે. તેમને કહ્યું હતું કે આના માટે તમારે પાયાના સ્તર પર આવવું પડશે, તમારે આ વિશ્વકર્માના સાથીઓની વચ્ચે જવું પડશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કારીગરો અને હસ્તકલાકારો જ્યારે મૂલ્ય શૃંખલાનો ભાગ બની જાય છે ત્યારે તેમનું મજબૂતીકરણ કરવાનું શક્ય બને છે અને એવો નિર્દેશ કર્યો હતો કે, તેમનામાંથી ઘણા તો આપણા MSME ક્ષેત્ર માટે પુરવઠાકાર અને ઉત્પાદક બની શકે છે. સાધનો અને ટેક્નોલોજીની મદદથી તેમને અર્થવ્યવસ્થાનો મહત્વનો હિસ્સો બનાવી શકાય છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગજગત આ લોકોને તેમની જરૂરિયાતો સાથે જોડીને ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકે છે જ્યાં કૌશલ્ય અને ગુણવત્તાયુક્ત તાલીમ આપી શકાય છે. પ્રધાનમંત્રીએ સરકારો વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કારણ કે તેનાથી બેંકો દ્વારા પ્રોજેક્ટને આપવામાં આવતા ધિરાણમાં મદદ મળી રહેશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સ્થિતિ દરેક હિતધારક માટે બંને પક્ષે લાભની સ્થિતિ હોઇ શકે છે. કોર્પોરેટ કંપનીઓને સ્પર્ધાત્મક ભાવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળશે. બેંકોના નાણાંનું રોકાણ એવી યોજનાઓમાં કરવામાં આવશે જેના પર ભરોસો મૂકી શકાય તેમ હોય. અને આનાથી સરકારની યોજનાઓની વ્યાપક અસર જોવા મળશે. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, સ્ટાર્ટઅપ્સ ઇ-કોમર્સ મોડલ દ્વારા ક્રાફ્ટ પ્રોડક્ટ્સ માટે વધુ સારી ટેક્નોલોજી, ડિઝાઇન, પેકેજિંગ અને ફાઇનાન્સિંગમાં મદદ કરવા ઉપરાંત એક વિશાળ બજાર પણ બનાવી શકાય તેમ છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પીએમ વિશ્વકર્મા દ્વારા ખાનગી ક્ષેત્ર સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં આવશે જેથી કરીને ખાનગી ક્ષેત્રની ઇનોવેશનની શક્તિ અને વ્યાપાર કૌશલ્યને મહત્તમ બનાવી શકાય.

પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપન વખતે તમામ હિતધારકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ એક મજબૂત બ્લુ પ્રિન્ટ તૈયાર કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર દેશના અંતરિયાળ અને દૂરસ્થ વિસ્તારોમાં લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને તેમાંથી ઘણા લોકો તો એવા છે જેમને પહેલી વખત જ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. મોટાભાગના કારીગરો દલિત, આદિવાસી, પછાત સમુદાયના છે અથવા તો મહિલાઓ છે અને તેમના સુધી પહોંચવા અને તેમને લાભ આપવા માટે વ્યવહારુ વ્યૂહરચના તૈયાર કરવાની જરૂર પડશે. પ્રધાનમંત્રીએ અંતે કહ્યું હતું કે, "આના માટે, આપણે નિર્ધારિત સમય મર્યાદામાં મિશન મોડમાં કામ કરવું પડશે".

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1905858) Visitor Counter : 640