પ્રધાનમંત્રીનું કાર્યાલય
જર્મનીના ચાન્સેલરની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રેસમાં આપેલા નિવેદનનો ગુજરાતી અનુવાદ
Posted On:
25 FEB 2023 2:24PM by PIB Ahmedabad
મહામહિમ, ચાન્સેલર સ્કોલ્ઝ
બંને દેશોના પ્રતિનિધિઓ,
મીડિયાના સહભાગીઓ,
ગુટાન ટેગ!
શુભેચ્છાઓ!
હું મારા મિત્ર ચાન્સેલર સ્કોલ્ઝ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરું છું. ચાન્સેલર સ્કોલ્ઝ ઘણા વર્ષ પછી ભારતની મુલાકાતે આવ્યા છે. 2012માં ભારતની તેમની મુલાકાત હેમ્બર્ગના કોઇપણ મેયર દ્વારા ભારતની પ્રથમ વખત થયેલી મુલાકાત હતી. એક વાત સ્પષ્ટ છે કે તેઓ ભારતીય-જર્મન સંબંધોની સંભાવનાને ઘણા સમય પહેલાં પારખી ગયા હતા.
ગયા વર્ષે અમે ત્રણ બેઠકો કરી હતી. અને દરેક વખતે, તેમની દૂરંદેશી અને દીર્ઘદૃષ્ટિએ આપણા દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ અને ઊર્જા આપી છે. આજની બેઠકમાં પણ અમે તમામ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી છે.
મિત્રો,
ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને એકબીજાના હિતોની ઊંડી સમજણ પર આધારિત છે. બંને દેશો તેમની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક આદાનપ્રદાનનો સહિયારો લાંબો ઇતિહાસ પણ ધરાવે છે. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વધી રહેલો સહયોગ બંને દેશોના લોકો માટે માત્ર ફાયદાકારક જ નથી, પરંતુ આજના તણાવગ્રસ્ત વિશ્વમાં એક સકારાત્મક સંદેશ પણ આપે છે.
જર્મની, યુરોપમાં અમારું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર હોવાની સાથે સાથે ભારતમાં રોકાણનો એક મહત્વપૂર્ણ સ્રોત પણ છે. આજે, "મેક ઇન ઇન્ડિયા" અને "આત્મનિર્ભર ભારત" અભિયાનને કારણે, ભારતમાં તમામ ક્ષેત્રોમાં નવી તકોના દ્વાર ખુલી રહ્યા છે. જર્મનીએ આ તકોમાં જે રસ દાખવ્યો છે તે અમારા માટે ખૂબ જ પ્રોત્સાહક છે.
ચાન્સેલર સ્કોલ્ઝ સાથે આવેલા બિઝનેસ પ્રતિનિધિમંડળ અને ભારતીય વ્યાવસાયિક અગ્રણીઓ વચ્ચે આજે સફળ મુલાકાત થઇ હતી અને કેટલાક સારા તેમજ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. અમને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ફિનટેક, IT, ટેલિકોમ અને પુરવઠા સાંકળનું વૈવિધ્ય જેવા વિષયો પર બંને દેશોના ઉદ્યોગજગતના અગ્રણીઓ પાસેથી ઉપયોગી વિચારો અને સૂચનો પણ જાણવા મળ્યા છે.
મિત્રો,
ભારત અને જર્મની ત્રીજા દેશોના વિકાસ માટે ત્રિકોણીય વિકાસ સહકાર હેઠળ પારસ્પરિક સહયોગ વધારી રહ્યા છે. છેલ્લાં કેટલાક વર્ષમાં અમારી વચ્ચે લોકોથી લોકો વચ્ચેના સંબંધોમાં પણ મજબૂતી આવા છે. અને ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલા માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપ કરારથી આ સંબંધ વધુ ગાઢ બનશે.
બદલાતા સમયની જરૂરિયાતો અનુસાર, અમે અમારા સંબંધોમાં નવા અને આધુનિક પાસાઓનો પણ ઉમેરો કરી રહ્યા છીએ. ગયા વર્ષે મારી જર્મનીની મુલાકાત દરમિયાન, અમે હરિત અને દીર્ઘકાલિન વિકાસ ભાગીદારીની જાહેરાત કરી હતી. આના દ્વારા અમે ક્લાઇમેટ એક્શન અને દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યોના ક્ષેત્રોમાં સહયોગનું વિસ્તરણ કરી રહ્યા છીએ. અમે અક્ષય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને જૈવ-ઇંધણ જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનું પણ નક્કી કર્યું છે.
મિત્રો,
સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ એ અમારી વ્યૂહાત્મક ભાગીદારીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે. અમે સાથે મળીને આ ક્ષેત્રમાં અમારી અત્યાર સુધી ઉપયોગમાં ન લેવાયેલી ક્ષમતાને સંપૂર્ણ રીતે સાકાર કરવા માટે પ્રયાસો કરવાનું ચાલુ રાખીશું. આતંકવાદ અને અલગતાવાદ સામેની લડાઇમાં ભારત અને જર્મની વચ્ચે સક્રિય સહયોગ રહ્યો છે. બંને દેશો એ વાત પર પણ સંમત છે કે, સરહદ પારના આતંકવાદને ખતમ કરવા માટે સંયુક્ત કાર્યવાહી કરવી જરૂરી છે.
મિત્રો,
કોવિડ મહામારી અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષની અસર સમગ્ર દુનિયામાં અનુભવાઇ છે. વિકાસશીલ દેશો પર ખાસ કરીને આની નકારાત્મક અસર પડી છે. અમે આ અંગે અમારી સહિયારી ચિંતા વ્યક્ત કરી છે. અમે એ બાબતે સંમત છીએ કે, આ સમસ્યાઓ ફક્ત સંયુક્ત પ્રયાસો દ્વારા જ ઉકેલી શકાય છે. ભારતની G20ની અધ્યક્ષતા દરમિયાન પણ અમે આના પર ભાર આપી રહ્યા છીએ.
યુક્રેનમાં જે સ્થિતિ ઉભી થઇ તેની શરૂઆતના તબક્કેથી જ, ભારતે આ વિવાદને વાટાઘાટો અને કૂટનીતિ દ્વારા ઉકેલવાનો આગ્રહ કર્યો છે. ભારત કોઇપણ શાંતિ પ્રક્રિયામાં સહયોગ આપવા માટે તૈયાર છે. અમે એ બાબતે પણ સંમત થયા છીએ કે, વૈશ્વિક વાસ્તવિકતાઓને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે બહુ-પક્ષીય સંસ્થાઓમાં સુધારા કરવા જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા માટે G4ની અંદર અમારી સક્રિય ભાગીદારીથી આ બાબત સ્પષ્ટ થાય છે.
મહામહિમ,
હું, તમામ દેશવાસીઓ વતી ફરી એકવાર આપનું અને આપના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરું છું. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં યોજાનારી G20 શિખર મંત્રણા માટે અમને ફરીથી આપનું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થશે. આપની ભારતની મુલાકાત અને આજે આપણી વચ્ચે થયેલી ઉપયોગી ચર્ચા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
અસ્વીકરણ - આ પ્રધાનમંત્રીની ટિપ્પણીનો અંદાજિત અનુવાદ છે. મૂળ ટિપ્પણીઓ હિન્દીમાં આપવામાં આવી હતી.
YP/GP/JD
(Release ID: 1902439)
Visitor Counter : 198
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam