પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવી દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 17 FEB 2023 9:58PM by PIB Ahmedabad

ટાઈમ્સ ગ્રૂપના શ્રી સમીર જૈનજી, શ્રી વિનીત જૈનજી, ગ્લોબલ બિઝનેસ સમિટમાં પધારેલા તમામ મહાનુભાવો, ઉદ્યોગના સાથીદારો, સીઈઓ, શિક્ષણવિદો, મીડિયા જગતના લોકો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો,

હું મારી વાત પર આવું તે પહેલા હું શિવ ભક્તિ અને લક્ષ્મી પૂજા તરફ જરા, તમે ઇન્કમ ટેક્સ વધારવા માટે સૂચન કર્યું હતું, ખબર નથી આ લોકો પછી શું કરશે, પણ તમારી જાણ માટે, આ વખતે બજેટમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને મહિલાઓ ખાસ કરીને જો તેઓ બૅન્ક ડિપોઝિટ કરે છે અને બે વર્ષનો સમય નક્કી કર્યો છે, તો તેમને એસ્યોર્ડ એક વિશિષ્ટ પ્રકારનું વ્યાજ આપવામાં આવશે અને મને લાગે છે કે તમે જે કહી રહ્યા છો તેનું એક સારું પગલું અને કદાચ તમને તે ગમશે. હવે એ તમારા તંત્રી વિભાગનું કામ છે, એ બધી બાબતો શોધી કાઢ્યા પછી જો તમને યોગ્ય લાગે તો તેને સ્થાન આપો. હું દેશ અને દુનિયામાંથી આવેલા બિઝનેસ લીડર્સનું અભિનંદન આપું છું, સ્વાગત કરું છું.

અગાઉ, મને 6 માર્ચ, 2020ના રોજ ET ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવાની તક મળી હતી. આમ તો ત્રણ વર્ષનો સમય બહુ લાંબો નથી હોતો, પરંતુ ત્રણ વર્ષનો આ ચોક્કસ સમયગાળો જોઈએ તો લાગે છે કે સમગ્ર વિશ્વએ એક બહુ લાંબી મજલ કાપી છે. જ્યારે આપણે છેલ્લે મળ્યા હતા, ત્યારે માસ્ક રોજિંદાં જીવનનો ભાગ ન હતા. લોકો માનતા હતા કે રસી તો બાળકો માટે જરૂરી છે અથવા જો કોઈ ગંભીર રોગ હોય તો દર્દીઓ માટે જરૂરી છે. ઉનાળાની રજાઓમાં અનેક લોકોએ પ્રવાસની તૈયારીઓ પણ કરી લીધી હતી. ઘણા લોકોએ હૉટેલ બુક કરાવી હશે. પરંતુ 2020ની તે ET સમિટના બરાબર 5 દિવસ પછી, WHOએ કોવિડને મહામારી જાહેર કરી દીધી. અને પછી આપણે જોયું કે થોડા જ સમયમાં આખી દુનિયા બદલાઈ ગઈ. આ ત્રણ વર્ષમાં આખી દુનિયા બદલાઈ ગઈ છે, વૈશ્વિક વ્યવસ્થાઓ બદલાઈ ગઈ છે અને ભારત પણ બદલાઈ ગયું છે. તાજેતરના ભૂતકાળમાં, આપણે બધાએ 'એન્ટિ-ફ્રૅજાઇલ'ના રસપ્રદ ખ્યાલ પર ઘણી ચર્ચાઓ સાંભળી છે. તમે બિઝનેસ જગતના વૈશ્વિક અગ્રણીઓ છો. તમે 'એન્ટિ-ફ્રૅજાઇલ'ના અર્થ અને તેની ભાવનાને સારી રીતે સમજો છો. એક એવી સિસ્ટમ કે જે માત્ર પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો જ નહીં કરે, પરંતુ તે પરિસ્થિતિઓનો જ ઉપયોગ કરીને વધારે મજબૂત બની જાય, વિકસિત બની જાય.

જ્યારે મેં 'એન્ટિ-ફ્રૅજાઇલ'ના કોન્સેપ્ટ વિશે સાંભળ્યું, ત્યારે મારાં મનમાં 140 કરોડ ભારતીયોની સામૂહિક સંકલ્પશક્તિની છબી ઊભરી હતી. વીતેલાં ત્રણ વર્ષમાં જ્યારે વિશ્વ ક્યારેક કોરોના, ક્યારેક યુદ્ધ, ક્યારેક કુદરતી આફતના પડકારોમાંથી પસાર થઈ રહ્યું હતું, તે જ સમયે ભારતે અને ભારતના લોકોએ એક અભૂતપૂર્વ શક્તિનું પ્રદર્શન કર્યું. ભારતે દુનિયાને બતાવી દીધું કે 'એન્ટિ-ફ્રૅજાઇલ' હોવાનો અસલી મતલબ શું હોય છે. તમે વિચારો, જ્યાં પહેલા ફ્રૅજાઇલ ફાઈવની વાત થતી હતી, ત્યાં હવે ભારતની ઓળખ 'એન્ટિ-ફ્રૅજાઇલ' તરીકે થઈ રહી છે. ભારતે દુનિયાને પૂરા વિશ્વાસથી બતાવ્યું કે આફતને અવસરોમાં કેવી રીતે બદલવામાં આવે છે. 100 વર્ષમાં આવેલ સૌથી મોટાં સંકટ દરમિયાન ભારતે જે સામર્થ્ય બતાવ્યું, એનો અભ્યાસ કરીને માનવતા પણ 100 વર્ષ પછી પોતાના પર ગર્વ અનુભવશે. આજે, આ સામર્થ્ય પર વિશ્વાસ રાખીને, ભારતે 21મી સદીના ત્રીજા દાયકાનો પાયો નાખ્યો છે અને વર્ષ 2023માં પ્રવેશ કર્યો છે. ભારતનાં આ સામર્થ્યનો પડઘો આજે ET ગ્લોબલ સમિટમાં પણ સંભળાઈ રહ્યો છે.

સાથીઓ,

તમે આ વર્ષની ET ગ્લોબલ બિઝનેસ સમિટની થીમ 'રિઈમૅજિન બિઝનેસ, રિઇમૅજિન ધ વર્લ્ડ' રાખી છે. જો કે, મને ખબર નથી કે આ રિઈમૅજિન થીમ માત્ર અન્ય લોકો માટે જ છે કે ઓપિનિયન મેકર્સ માટે પણ છે, તેઓ પણ શું લાગુ કરશે? આપણે ત્યાં તો, મોટાભાગના ઓપિનિયન મેકર્સ (અભિપ્રાય નિર્માતાઓ) દર છ મહિને એક જ ઉત્પાદનને રિ-લૉન્ચ, રિ-લૉન્ચ એમાં વ્યસ્ત રહે છે. અને આ રિલૉન્ચમાં પણ તેઓ રિ-ઈમૅજિનેશન કરતા નથી. ખેર, અહીં ખૂબ જ સમજદાર લોકો બેઠા છે, જે હોય તે, પરંતુ આ આજના સમય માટે તે ખૂબ જ સુસંગત થીમ- વિષય છે. કારણ કે જ્યારે દેશે અમને સેવા કરવાની તક આપી, ત્યારે સૌથી પહેલું કામ અમે એ જ કર્યું, જરા ભાઇ રિઈમૅજિન કરીએ. 2014માં સ્થિતિ એવી હતી કે લાખો કરોડનાં કૌભાંડોને કારણે દેશની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. ભ્રષ્ટાચારનાં કારણે ગરીબો પોતાના હકની વસ્તુઓ માટે તરસતા હતા. યુવાનોની આકાંક્ષાઓ પરિવારવાદ અને ભાઇ-ભતીજાવાદની બલિ ચઢી રહી હતી. પોલિસી પેરાલિસિસને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વર્ષોથી વિલંબ થઈ રહ્યો હતો. આવી સોચ અને એપ્રોચ સાથે દેશ માટે ઝડપથી આગળ વધવું મુશ્કેલ હતું. તેથી જ અમે નક્કી કર્યું કે શાસનનાં દરેક તત્વની રિ-ઇમેજિન (પુનઃકલ્પના), કરીશું, રિ-ઇન્વેટ (પુનઃશોધ) કરીશું. ગરીબોને સશક્ત બનાવવા માટે સરકારે કલ્યાણ વિતરણમાં કેવી રીતે સુધારો કરવો જોઈએ તેને અમે રિ-ઈમૅજિન કર્યું. સરકાર કેવી રીતે વધુ કાર્યક્ષમ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકે, અમે તે રિઈમૅજિન કર્યું. દેશના નાગરિકો સાથે સરકારનો કેવો સંબંધ હોવો જોઈએ તે અમે રિ-ઇમૅજિન કર્યું. હું તમને કલ્યાણ વિતરણ સંબંધિત રિ‌ઈમૅજિનેશન (પુનઃકલ્પના) પર જરા વિગતવાર જણાવવા માગું છું.

ગરીબો પાસે પણ બૅન્ક ખાતું હોય, ગરીબોને પણ બૅન્કમાંથી લોન મળે, ગરીબોને તેમનાં મકાન અને મિલકતનો હક્ક મળે, તેમને શૌચાલય, વીજળી અને સ્વચ્છ રસોઈ ઈંધણ કે ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળે, એની પહેલા એટલી જરૂરિયાત જ સમજવામાં આવતી ન હતી. આ વિચારને બદલવો, રિ‌ઇમૅજિન કરવામાં આવે એ ખૂબ જ જરૂરી હતું. કેટલાક લોકો ગરીબી હટાવોની વાતો ભલે કરતા હતા, પરંતુ સત્ય એ હતું કે પહેલા ગરીબોને દેશ પર બોજ માનવામાં આવતા હતા. તેથી તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા હતા. જ્યારે અમારું ધ્યાન ગરીબોનાં સશક્તીકરણ પર છે, જેથી તેઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે દેશના ઝડપી વિકાસમાં યોગદાન આપી શકે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનું ઉદાહરણ આપની નજર એના પર સારી રીતે ગઈ હશે. તમે જાણો છો કે આપણે ત્યાં સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર, લીકેજ અને વચેટિયા, આ વસ્તુઓ સામાન્ય રીતે સામાન્ય હતી અને સમાજે પણ તેનો સ્વાભાવિક રીતે સ્વીકાર કરી દીધો હતો. સરકારોનું બજેટ, સરકારોનો ખર્ચ વધ્યો પણ ગરીબી પણ વધતી ગઈ. ચાર દાયકા પહેલા તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહ્યું હતું કે જો દિલ્હીથી કલ્યાણ માટે એક રૂપિયો મોકલવામાં આવે તો તે લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. તે કયો પંજો ઘસતો હતો, મને ખબર નથી. અમારી સરકારે અત્યાર સુધીમાં DBT કલ્યાણ યોજનાઓ અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ 28 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે તમે વિચારો કે રાજીવ ગાંધીએ જે કહ્યું હતું, જો હું એ જ વાતને આજની સાથે જોડું તો એક રૂપિયામાંથી 15 પૈસા પહોંચવાવાળી વાતને પકડું તો 85 ટકા એટલે કે 24 લાખ કરોડ રૂપિયા, આ રકમ કોઈના ખિસ્સામાં ચાલી ગઈ હોત, કોઇએ લૂંટી લીધી હોત, રફેદફે થઈ ગઈ હોત. અને માત્ર રૂ. 4 લાખ કરોડ ગરીબો સુધી પહોંચી શક્યા હોત, પરંતુ કેમ કે મેં રિ‌ઇમેજિન કર્યું ફરીથી કલ્પના કરી, ડીબીટી સિસ્ટમને પ્રાધાન્ય આપ્યું. આજે દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે છે, 100માંથી 100 પૈસા ત્યાં પહોંચી જાય છે. આ છે રિઈમૅજિન.

સાથીઓ,

એક સમયે નેહરુજીએ કહ્યું હતું કે જે દિવસે દરેક ભારતીય પાસે શૌચાલયની સુવિધા હશે, તે દિવસે આપણે જાણીશું કે દેશ વિકાસની એક નવી ઊંચાઈ પર છે. હું આ પંડિત નેહરુજીની વાત કરી રહ્યો છું. તમે અનુમાન કરી શકો છો કે તે કેટલાં વર્ષો પહેલાની હશે. મતલબ કે નહેરુજી પણ સમસ્યા વિશે જાણતા હતા, પરંતુ તેના ઉકેલની તૈયારી દેખાઈ ન હતી અને તેનાં કારણે દેશનો એક બહુ મોટો હિસ્સો લાંબા સમય સુધી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહ્યો.

2014માં, જ્યારે અમને સેવા કરવાની તક મળી, ત્યારે દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા કવરેજ 40% કરતા પણ ઓછું હતું. અમે આટલા ઓછા સમયમાં 10 કરોડથી વધુ શૌચાલય બનાવ્યા, સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું. આજે દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા કવરેજ 100 ટકા સુધી પહોંચી ગયું છે.

હું તમને આકાંક્ષી જિલ્લાઓનું પણ એક ઉદાહરણ આપવા માગું છું. રિઈમૅજિનવળો વિષય આપે મૂક્યો છે તો હું મારી જાતને એ જ ક્ષેત્રમાં રાખવા માંગુ છું. સ્થિતિ એવી હતી કે વર્ષ 2014માં દેશમાં આવા 100થી વધુ જિલ્લા હતા, જે ખૂબ જ પછાત ગણાતા હતા. આ જિલ્લાઓની ઓળખ હતી ગરીબી, પછાતપણું, રસ્તા, પાણી, શાળા, વીજળી,  હૉસ્પિટલ, શિક્ષણ, રોજગાર. અને આપણા દેશનાં મોટાભાગનાં આદિવાસી ભાઈ-બહેનો આ વિસ્તારોમાં રહેતા હતા. અમે પછાતની આ વિભાવનાની રિ-ઇમૅજિન- પુનઃકલ્પના કરી અને આ જિલ્લાઓને આકાંક્ષી જિલ્લા બનાવ્યા. અગાઉ, અધિકારીઓને આ જિલ્લાઓમાં સજાનાં પોસ્ટિંગ તરીકે મોકલવામાં આવતા હતા. આજે શ્રેષ્ઠ અને યુવા અધિકારીઓ ત્યાં તૈનાત કરવામાં આવે છે.

આજે કેન્દ્ર સરકાર, PSUs, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્ર, બધાં મળીને આ જિલ્લાઓની ફેરબદલ માટે ખંતપૂર્વક કામ કરી રહ્યાં છે. આનાં કારણે આપણને સારાં પરિણામો પણ મળવા લાગ્યાં છે અને તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ પણ થઈ રહ્યું છે, ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. હવે, જેમ કે યુપીના આકાંક્ષી જિલ્લા ફતેહપુરમાં, સંસ્થાકીય પ્રસૂતિ હવે 47% થી વધીને 91% થઈ ગઈ છે અને તેનાં કારણે માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરમાં મોટો ઘટાડો થયો છે. મધ્ય પ્રદેશના આકાંક્ષી જિલ્લા બરવાનીમાં, સંપૂર્ણ રસીકરણવાળાં બાળકોની સંખ્યા 40 ટકાથી વધીને 90 ટકા થઈ ગઈ છે, બાળકોનાં જીવનની ચિંતા થઈ. મહારાષ્ટ્રના આકાંક્ષી જિલ્લા વાસીમમાં, ટીબીની સારવારનો સફળતા દર 40 ટકા રહેતો હતો, તે વધીને લગભગ નેવું ટકા થયો છે. કર્ણાટકના આકાંક્ષી જિલ્લા યાદગિરમાં, હવે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ધરાવતી ગ્રામ પંચાયતોની સંખ્યા 20 ટકાથી વધીને 80 ટકા થઈ ગઈ છે. આવા ઘણા માપદંડો છે, જેમાં એક સમયે પછાત જિલ્લા કહીને અસ્પૃશ્ય બનાવી દેવાયા હતા, એવા આકાંક્ષી જિલ્લાઓનું કવરેજ સમગ્ર દેશની સરેરાશ કરતા પણ વધુ સારું થઈ રહ્યું છે. આ છે રિઈમેજિનેશન.

હું તમને સ્વચ્છ પાણી પુરવઠાનું ઉદાહરણ પણ આપીશ. આઝાદીના 7 દાયકા પછી પણ આપણા દેશમાં માત્ર 30 મિલિયન એટલે કે 3 કરોડ ગ્રામીણ પરિવારો પાસે જ નળ જોડાણ હતું. 160 મિલિયન ગ્રામીણ પરિવારો એટલે કે 16 કરોડ પરિવારો તેનાથી વંચિત હતા. મોટી મોટી વાતો કરવાને બદલે અમે માત્ર 3.5 વર્ષમાં 80 મિલિયન એટલે કે 8 કરોડ નવાં નળ કનેક્શન આપ્યાં છે. આ છે રિઈમૅજિનેશનની કમાલ.

સાથીઓ,

આ સમિટમાં સામેલ નિષ્ણાતો પણ એ વાત માનશે કે ભારતના ઝડપી વિકાસ માટે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. પરંતુ દેશમાં પહેલાં શું સ્થિતિ હતી? અને જે સ્થિતિ હતી, એ કેમ હતી? ઇટીમાં પણ આના પર મોટા મોટા એડિટોરિયલ્સ છપાયા છે, લોકોએ તેમનાં મંતવ્યો આપ્યાં છે. અને તેમાં જે બાબત મુખ્ય રહી છે તે એ છે કે આપણે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત નિર્ણયોમાં દેશની જરૂરિયાતને ઓછી જોવામાં આવતી હતી અને રાજકીય મહત્વાકાંક્ષાને પ્રાથમિકતા આપવામાં આવતી હતી. એનું જે પરિણામ આવ્યું, સમગ્ર દેશ તેનો ભોગ બન્યો છે. જો ક્યાંક રસ્તાઓ પણ બનાવવાના હોય તો અગાઉ એ જોવામાં આવતું હતું કે રોડ બન્યા પછી મત મળશે કે નહીં. ટ્રેન ક્યાં ઉભી રહેશે, ક્યાં દોડશે, એ પણ રાજકીય નફા-નુકસાન જોઈને નક્કી કરવામાં આવ્યું હતું. એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાત પહેલા ક્યારેય સમજાઈ જ ન હતી. આપણી પાસે અને તમને આ બાબતો ચોંકાવનારી લાગશે, ETવાળા લોકોએ લખ્યું નહીં હોય, કમનસીબ છે ભાઇ, આપણે ત્યાં ડેમ બાંધવામાં આવતા હતા, પરંતુ નહેરોનું નેટવર્ક બનતું ન હતું. તમે વિચારી શકો છો કે 6 માળનું ઘર બને, અને ત્યાં કોઈ લિફ્ટ પણ ન હોય, દાદર પણ ન હોય, તમે આવું વિચારી શકો છો? ડેમ બને અને કેનાલ ન હોય, પરંતુ કદાચ તે સમયે ETને જોવું યોગ્ય ન લાગ્યું હશે.

અમારી પાસે ખાણો હતી, પરંતુ ખનીજોનાં પરિવહન માટે કનેક્ટિવિટી ક્યારેય નહોતી. આપણી પાસે બંદરો હતા, પરંતુ રેલવે અને રોડ કનેક્ટિવિટીની સમસ્યા વિપુલ પ્રમાણમાં હતી. આપણી પાસે પાવર પ્લાન્ટ્સ હતા, પરંતુ ટ્રાન્સમિશન લાઇન પૂરતી ન હતી, જે હતી તે પણ ખરાબ હાલતમાં હતી.

સાથીઓ,

અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સિલોસમાં (વાડાબંધીમાં) જોવાની પ્રથા બંધ કરી દીધી અને એક ભવ્ય વ્યૂહરચના તરીકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની ફરી કલ્પના કરી (રિઈમૅજિન કર્યું). આજે ભારતમાં દરરોજ 38 કિમીની ઝડપે હાઈવે બનાવવામાં આવી રહ્યા છે અને દરરોજ 5 કિમીથી વધુ રેલ લાઈનો નાખવામાં આવી રહી છે. આગામી 2 વર્ષમાં આપણી પોર્ટ ક્ષમતા 3000 MTPA સુધી પહોંચવાની છે. 2014ની સરખામણીમાં, ઓપરેશનલ એરપોર્ટ્સની સંખ્યા 74થી વધીને 147 થઈ ગઈ છે. આ 9 વર્ષમાં લગભગ 3.5 લાખ કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. લગભગ 80 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બન્યા છે, હું તમને આ બધો 9 વર્ષનો હિસાબ આપી રહ્યો છું. આ યાદ અપાવવું પડે છે કારણ કે અહીં ઘણા લોકો બેઠા છે જેઓ તેને બ્લેકઆઉટ કરે છે. આ જ 9 વર્ષમાં 3 કરોડ ગરીબ પરિવારોને પાકાં ઘર બનાવીને આપવામાં આવ્યાં છે અને 3 કરોડનો આ આંકડો એટલો મોટો છે કે દુનિયાના ઘણાય દેશોમાં એટલી વસ્તી પણ નથી, જેટલાં ઘર બનાવીને અમે 9 વર્ષમાં ભારતના ગરીબોને આપ્યાં છે.

સાથીઓ,

ભારતમાં પ્રથમ મેટ્રો 1984માં કોલકાતામાં શરૂ થઈ હતી. મતલબ કે આપણી પાસે ટેક્નોલોજી આવી ગઈ, કુશળતા આવી ગઈ, પણ પછી શું થયું? દેશનાં મોટાભાગનાં શહેરો મેટ્રોથી વંચિત રહ્યાં. 2014 સુધી એટલે કે તમે મને સેવા કરવાનો મોકો આપ્યો તે પહેલાં, 2014 સુધી, દર મહિને માત્ર અડધા કિલોમીટર આસપાસ જ નવી મેટ્રો લાઇન બનતી હતી. 2014 પછી મેટ્રો નેટવર્ક નાખવાની સરેરાશ વધીને દર મહિને લગભગ 6 કિલોમીટર થઈ ગઈ છે. અત્યારે મેટ્રો રૂટની લંબાઈના મામલે ભારત વિશ્વમાં 5મા નંબરે પહોંચી ગયું છે. આવનારા થોડા મહિનામાં આપણે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી જવાના છીએ.

સાથીઓ,

આજે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં નિર્માણને ગતિ તો આપી જ રહ્યું છે, અને વિનીતજીએ કહ્યું તેમ, અમે ગતિ અને શક્તિ બંનેને જોડી દીધા છે. એટલે કે, આ આખો કોન્સેપ્ટ કેવી રીતે ગતિ આપી રહ્યો છે અને તેનું પરિણામ શું છે, તે માત્ર રેલ રોડ પૂરતું સીમિત નથી, જ્યારે આપણે ગતિ શક્તિ વિશે વિચારીએ છીએ ત્યારે તેમાં વિસ્તારના વિકાસનો ખ્યાલ પણ છે અને ત્યાંના લોકોના વિકાસ એમ એક ત્રિવેણી જેવી વ્યવસ્થા એમાં જોડવામાં આવી છે. ગતિ શક્તિ પ્લેટફોર્મ પર તમારામાંથી જેઓ ટેકનોલોજીમાં રસ ધરાવતા હશે તેમના માટે આ માહિતી કદાચ ખૂબ જ રસપ્રદ હશે. આજે, ગતિ શક્તિનું આપણું જે પ્લેટફોર્મ છે તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેપિંગનાં 1600થી વધુ ડેટા લેયર્સ છે. અને કોઈ પણ દરખાસ્ત એઆઇ- કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી 1600 સ્તરોમાંથી પસાર થઈને નિર્ણય લે છે. આપણો એક્સપ્રેસ વે હોય કે અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આજે તે સૌથી ટૂંકા અને સૌથી કાર્યક્ષમ રૂટ નક્કી કરવા માટે તેને AI સાથે પણ જોડવામાં આવ્યું છે. પીએમ ગતિશક્તિથી વિસ્તાર અને લોકોનો વિકાસ કેવી રીતે થાય છે તેનું એક ઉદાહરણ હું તમને આપું. આની મદદથી આપણે 1600 માપદંડોના આધારે કોઈપણ એક વિસ્તારમાં વસ્તીની ગીચતા અને શાળાઓની ઉપલબ્ધતાને મૅપ કરી શકીએ છીએ. અને માત્ર માગણી કે રાજકીય વિચારણાના આધારે શાળાઓ ફાળવવાને બદલે જ્યાં જરૂર હોય ત્યાં શાળાઓ બનાવી શકીએ. એટલે કે, ગતિશક્તિ પ્લેટફોર્મ એટલે કે મોબાઇલ ટાવર ક્યાં લગાવવો ઉપયોગી હશે, એ પણ નક્કી કરી શકીએ છીએ. આ પોતાની રીતે અનોખી વ્યવસ્થા અમે ઊભી કરી છે.

સાથીઓ,

અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેવી રીતે રિઈમૅજિન કરી રહ્યા છીએ તેનું વધુ એક ઉદાહરણ આપણું ઉડ્ડયન ક્ષેત્ર છે. અહીં હાજર બહુ ઓછા લોકો જાણતા હશે કે આપણે ત્યાં વર્ષોથી સંરક્ષણ માટે વિશાળ એરસ્પેસ પ્રતિબંધિત રહી છે. આ કારણે વિમાનોને ભારતમાં ક્યાંય પણ આવવા-જવામાં વધુ સમય લાગતો હતો, કારણ કે જો તે ડિફેન્સ એરસ્પેસ હોય તો તે ત્યાં જઈ શકતાં ન હતાં, તમારે ફરીને જવું પડતું હતું. આ સમસ્યાના ઉકેલ માટે અમે સશસ્ત્ર દળો સાથે વાત કરી. આજે 128 હવાઈ માર્ગો નાગરિકોની અવરજવર માટે પણ ખોલવામાં આવ્યા છે. આ કારણે ફ્લાઈટના માર્ગો ટૂંકા થઈ ગયા છે, જેના કારણે સમયની પણ બચત થઈ રહી છે અને ઈંધણની પણ બચત થઈ રહી છે, જે બંનેની બચતમાં મદદરૂપ થઈ રહી છે. અને હું તમને વધુ એક આંકડો આપીશ. આ એક જ નિર્ણયને કારણે લગભગ 1 લાખ ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. આ હોય છે રિઈમૅજિનેશન-પુનઃકલ્પનાની તાકાત.

સાથીઓ,

આજે ભારતે ભૌતિક અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું એક નવું મૉડલ સમગ્ર વિશ્વની સામે મૂક્યું છે. આનું સંયુક્ત ઉદાહરણ આપણું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. છેલ્લાં 9 વર્ષમાં અમે દેશમાં 6 લાખ કિલોમીટરથી વધુ ઑપ્ટિકલ ફાઈબર નાખ્યા છે. છેલ્લાં 9 વર્ષમાં દેશમાં મોબાઈલ મૅન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં અનેકગણો વધારો થયો છે. છેલ્લાં 9 વર્ષમાં દેશમાં ઇન્ટરનેટ ડેટાના દરમાં 25 ગણો ઘટાડો થયો છે. વિશ્વમાં સૌથી સસ્તું અને તેનું પરિણામ શું આવ્યું? વર્ષ 2012માં મારા આવતા પહેલા, ભારત વૈશ્વિક મોબાઈલ ડેટા ટ્રાફિકમાં માત્ર 2 ટકા જ યોગદાન આપતું હતું. જ્યારે વેસ્ટર્ન માર્કેટનો ફાળો ત્યારે 75 ટકા હતો. 2022માં વૈશ્વિક મોબાઈલ ડેટા ટ્રાફિકમાં ભારતનો હિસ્સો 21 હતો. જ્યારે ઉત્તર અમેરિકા અને યુરોપ પાસે વૈશ્વિક ટ્રાફિકનો માત્ર એક ચતુર્થાંશ હિસ્સો જ રહી ગયો છે. આજે, વિશ્વની 40 ટકા રિયલ ટાઇમ ડિજિટલ ચૂકવણી ભારતમાં થાય છે. આ તે લોકોને દેશની જનતાનો જવાબ છે જેઓ વિચારતા હતા કે ભારતના ગરીબો ડિજિટલ પેમેન્ટ ક્યાંથી કરી શકશે. કોઈએ મને હમણાં જ એક વીડિયો મોકલ્યો હતો કે કોઈ લગ્નમાં ઢોલ વગાડી રહ્યું છે અને તેના પર QR કોડ લગાડાયેલો હતો. અને તેઓ વરરાજા પર ફોન ફેરવીને QR કોડની મદદથી પૈસા આપી રહ્યા હતા. રિઈમૅજિનેશન-પુનઃકલ્પનાના આ યુગમાં ભારતના લોકોએ એવા લોકોની વિચારસરણીને જ નકારી કાઢી છે. આ લોકો સંસદમાં કહેતા હતા કે, ગરીબ આ ક્યાંથી કરશે? મારા દેશના ગરીબની તાકાતનો તેમને ક્યારેય અંદાજ જ ન હતો જી. મને છે.

સાથીઓ,

આપણા દેશમાં લાંબા સમય સુધી જે સરકારો હતી અથવા જેઓ સરકાર ચલાવનારા રહ્યા, તેમને માઇ-બાપ કલ્ચર બહુ પસંદ આવતું હતું. તમે લોકો આને પરિવારવાદ અને ભાઇ-ભતીજાવાદ સાથે ગૂંચવશો નહીં. તે એક અલગ જ મનોભાવ હતો. આમાં સરકાર પોતાના જ દેશના નાગરિકો વચ્ચે માસ્ટર જેવું વર્તન કરતી હતી. સ્થિતિ એવી હતી કે દેશનો નાગરિક ભલે ગમે તે કરે, સરકાર તેને શંકાની નજરે જ જોતી હતી. અને નાગરિક જે પણ કરવા માગતો હતો, તેણે સરકારની પરવાનગી લેવી પડતી હતી. જેનાં કારણે પહેલાના સમયમાં સરકાર અને નાગરિકો વચ્ચે પરસ્પર અવિશ્વાસ અને શંકાનું વાતાવરણ રહેતું હતું. હું અહીં બેઠેલા વરિષ્ઠ પત્રકારોને એક વાત યાદ અપાવવા માગું છું. તમને યાદ હશે કે એક સમયે ટીવી અને રેડિયો માટે પણ લાયસન્સ લેવું પડતું હતું. એટલું જ નહીં, તેને ડ્રાઈવિંગ લાયસન્સની જેમ વારંવાર રિન્યુ પણ કરાવવું પડતું હતું. અને તે કોઈ એક ક્ષેત્રમાં નહીં પરંતુ લગભગ દરેક ક્ષેત્રમાં હતું. તમે સારી રીતે જાણો છો કે તે સમયે વેપાર કરવો કેટલો મુશ્કેલ હતો, તે સમયે લોકોને કેવી રીતે કોન્ટ્રાક્ટ્સ મળતા હતા. 90ના દાયકામાં, મજબૂરીને કારણે, કેટલીક જૂની ભૂલો સુધારવામાં આવી હતી, અને તેને સુધારાનું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ માઇ-બાપવાળી આ જૂની માનસિકતા સંપૂર્ણપણે ગઈ નહીં. 2014 પછી, અમે આ સરકાર પ્રથમની માનસિકતાને લોકો પહેલાં અભિગમ તરફ રિઈમૅજિન કરી. અમે નાગરિકો પર વિશ્વાસના સિદ્ધાંત પર કામ કર્યું. સ્વ-પ્રમાણીકરણ હોય કે નીચા દરજ્જાની નોકરીમાંથી ઇન્ટરવ્યૂ દૂર કરવા, કોમ્પ્યુટર યોગ્યતાના આધારે નિર્ણય લે છે, તેમને નોકરી મળી જાય છે. નાના નાના આર્થિક ગુનાઓને બિનઅપરાધિક ઠેરવવાનું હોય કે જન વિશ્વાસ બિલ હોય, કોલેટરલ ફ્રી મુદ્રા લોન હોય કે સરકાર પોતે જ MSME માટે ગૅરેન્ટર બને, આવા દરેક કાર્યક્રમમાં, દરેક નીતિમાં લોકો પર વિશ્વાસ કરવો એ જ અમારો મંત્ર રહ્યો છે. હવે ટેક્સ વસૂલાતનું ઉદાહરણ આપણી સામે છે. 2013-14માં દેશની કુલ કર આવક અંદાજે રૂ. 11 લાખ કરોડ હતી. જ્યારે 2023-24માં તે 33 લાખ કરોડ રૂપિયાથી વધુ રહેવાનો અંદાજ છે. એટલે કે 9 વર્ષમાં ગ્રોસ ટેક્સ રેવન્યુમાં 3 ગણો વધારો થયો છે. અને આ ત્યારે થયું છે જ્યારે અમે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. સમીરજીનાં સૂચનને તો અમે હજુ સુધી પસંદ કર્યું જ નથી. અમે તો ઘટાડો કર્યો છે. હું આનો જવાબ આપવા માગું છું, તમે જે લોકો દુનિયા સાથે જોડાયેલા છો તેનો તેની સાથે સીધો સંબંધ છે. હું ત્રણ બાબતો પર ધ્યાન આપવું પડશે. પહેલા તો ટેક્સ ભરનારાઓની સંખ્યા વધી છે, હવે મને કહો કે ટેક્સ ભરનારાઓની સંખ્યા વધી છે, તો તેની ક્રેડિટ તમે કોને આપશો, બહુ જ સ્વાભાવિક છે સરકારના ખાતામાં તેની ક્રેડિટ જાય છે. અથવા એમ કહી શકાય કે હવે લોકો વધુ પ્રામાણિકતાથી ટેક્સ ભરી રહ્યા છે. જો એમ પણ હોય તો તેનો શ્રેય સરકારને જાય છે. તેથી મૂળ વાત એ છે કે જ્યારે કરદાતાને લાગે છે કે તેના દ્વારા ચૂકવવામાં આવેલ કરનો ઉપયોગ જાહેર હિતમાં, દેશનાં હિતમાં, જન કલ્યાણમાં, દેશનાં કલ્યાણમાં જ થશે, ત્યારે તે પ્રામાણિકપણે કર ભરવા માટે આગળ આવે છે, તેને પ્રેરણા મળે છે. અને તે આજે દેશ જોઈ રહ્યો છે. અને તેથી જ હું કરદાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે સરકારની પ્રામાણિકતા પર વિશ્વાસ રાખીને તેઓ સરકારને ટેક્સ ચૂકવવા માટે આગળ આવી રહ્યા છે. જ્યારે તમે તેમના પર વિશ્વાસ કરો છો ત્યારે લોકો તમારા પર વિશ્વાસ કરે છે તે સીધી ને સરળ વાત છે. આજે ભારતની ટેક્સ સિસ્ટમમાં જે બદલાવ આવ્યો છે તે આ કારણે જ આવ્યો છે. ટેક્સ રિટર્ન્સ માટે, અમે પ્રક્રિયાને સરળ બનાવવા માટે વિશ્વાસના આધારે જ પ્રયાસો કર્યા છે. અમે ફેસલેસ આકારણી લઈને આવ્યા છીએ. ચાલો હું તમને વધુ એક આંકડો આપું. આવક વેરા વિભાગે આ વર્ષે 6.5 કરોડથી વધુ રિટર્ન્સ પ્રોસેસ કર્યાં છે. તેમાંથી લગભગ 3 કરોડ રિટર્ન્સ 24 કલાકની અંદર પ્રોસેસ કરવામાં આવ્યાં છે. બાકીનાં રિટર્ન્સ હતાં એ પણ થોડા દિવસોમાં જ પ્રોસેસ થઈ ગયાં, અને પૈસા પણ રિફંડ થઈ ગયા. જ્યારે અગાઉ આ જ કામ માટે સરેરાશ 90 દિવસ લાગતા હતા. અને લોકોના પૈસા 90 દિવસ પડી રહેતા હતા. આજે એ કલાકોમાં કરવામાં આવે છે. થોડાં વર્ષો પહેલાં આ અકલ્પનીય હતું પણ એને પણ રિઈમૅજિનેશનની તાકાતે સાચું કરી બતાવ્યું છે.

સાથીઓ,

આજે ભારતની સમૃદ્ધિમાં વિશ્વની સમૃદ્ધિ છે, ભારતનો વિકાસ એ વિશ્વનો વિકાસ છે. ભારતે G-20 માટે જે થીમ નક્કી કરી છે, એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય, વિશ્વના અનેક પડકારોનો ઉકેલ આ જ મંત્રમાં છે. સહિયારા સંકલ્પો લઈને અને દરેકનાં હિતની રક્ષા કરીને જ આ દુનિયા વધુ સારી બની શકે છે. આ દાયકો અને આવનારાં 25 વર્ષ ભારતને લઈને અભૂતપૂર્વ વિશ્વાસનાં છે. સબકા પ્રયાસ- દરેકના પ્રયાસોથી જ ભારત તેનાં લક્ષ્યોને ઝડપથી હાંસલ કરશે. હું તમને બધાને ભારતની વિકાસ યાત્રામાં વધુ ને વધુ સામેલ થવાનું આહ્વાન કરીશ. અને જ્યારે તમે ભારતની વિકાસ યાત્રામાં જોડાઓ છો, ત્યારે ભારત તમારા વિકાસની ગૅરેન્ટી આપે છે, આજે તે ભારતનું સામર્થ્ય છે. મારા જેવા વ્યક્તિને અહીં આમંત્રિત કરવા બદલ હું ETનો આભારી છું. અખબારમાં ભલે સ્થાન ન મળે, પણ અહીં તો મળી જાય છે ક્યારેક ક્યારેક. અને હું વિચારતો હતો કે જ્યારે વિનીતજી અને સમીરજી બોલશે ત્યારે તેઓ રિઈમૅજિનેશન વિશે વાત કરશે, પરંતુ તેઓએ તે વિષયને બિલકુલ સ્પર્શ જ ન કર્યો. તેથી કદાચ તેમનું સંપાદકીય મંડળ પડદા પાછળ નક્કી કરતું હશે અને માલિકને બિલકુલ જણાવતા જ ન હશે. કારણ કે માલિકો અમને કહે છે કે જે છપાય છે તેની અમને કોઈ જાણકારી હોતી નથી, એ તો તેઓ કરે છે. તો કદાચ આવું જ બનતું હશે. ખેર, આ ખાટી મીઠી વાતો સાથે, હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1900312) Visitor Counter : 248