પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

લખનૌ, ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક રોકાણકાર શિખર 2023 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

Posted On: 10 FEB 2023 2:33PM by PIB Ahmedabad

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદી બહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય જી, બ્રજેશ પાઠક જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી તથા અહીં લખનૌના પ્રતિનિધિ શ્રીમાન  રાજનાથ સિંહ જી, અલગ અલગ દેશોમાંથી આવેલા આપ તમામ વરિષ્ઠ મહાનુભાવો, ઉત્તર પ્રદેશના તમામ મંત્રીગણ તથા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિત (વૈશ્વિક રોકાણકાર શિખર)માં પધારેલા ઉદ્યોગ જગતના સન્માનનીય સદસ્ય, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમૂદાય, નીતિ ઘડવૈયા, કોર્પોરેટ્સના આગેવાનો, દેવીઓ તથા સજ્જનો.
આપ સૌનું વૈશ્વિક રોકાણકાર શિખરમાં ઘણું સ્વાગત છે. આપ વિચારી રહ્યા હશો કે હું મુખ્ય અતિથિ હોવા છતાં  પણ આ સ્વાગતની જવાબદારી કેમ લઈ રહ્યો છું, તે એટલા માટે કે મારી અન્ય એક ભૂમિકા પણ છે. આપ સૌએ મને ભારતના પ્રધાનમંત્રીની સાથે સાથે ઉત્તર પ્રદેશનો સાંસદ પણ બનાવ્યો છે. ઉત્તર પ્રદેશ પ્રત્યે મારો એક ખાસ સ્નેહ છે અને યુપીના લોકો પ્રત્યે મારી એક ખાસ જવાબદારી છે. હું આજે એ જવાબદારી અદા કરવા માટે આજે આ શિખરનો એક હિસ્સો છું. અને તેથી જ હું દેશ—િદેશથી ઉત્તર પ્રદેશ આવનારા આપ સૌ રોકાણકારોનું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું.

સાથીઓ,
ઉત્તર પ્રદેશની ધરતી પોતાના સાંસ્કૃતિક વૈભવ, ગૌરવશાળી ઇતિહાસ તથા સમૃદ્ધ વારસા માટે પણ ઓળખવામાં આવે છે. આટલું સામર્થ્ય હોવા છતાં યુપી સાથે કેટલીક વાતો જોડાઈ ગઈ હતી. લોકો કહે છે કે ઉત્તર પ્રદેશનો વિકાસ થવો મુશ્કેલ છે. લોકો કહેતા હતા કે અહીંના કાનૂન વ્યવસ્થા સુધારવી અશક્ય છે. યુપીને બીમાર રાજ્ય કહેવામાં આવતું હતું. અહીં અવાર નવાર હજારો કરોડના ગોટાળા થતા હતા. દરેક વ્યક્તિ ઉત્તર પ્રદેશ પાસેથી પોતાની આશા ગુમાવી ચૂક્યો હતો. પરંતુ માત્ર પાંચથી છ વર્ષની અંદર ઉત્તર પ્રદેશે પોતાની એક નવી ઓળખ સ્થાપિત કરી  દીધી છે અને શાનદાર ઢબે આ ઓળખ કરી દીધી છે. હવે ઉત્તર પ્રદેશને સુશાસનથી, સારા સંચાલનથી ઓળખવામાં આવે છે. હવે ઉત્તર પ્રદેશની ઓળખ બહેતર કાનૂની વ્યવસ્થા શાંતિ અને સ્થિરતા માટે થાય છે. હવે અહીં સંપત્તિ સર્જકો માટે દરરોજ નવા અવસરો પેદા થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તર પ્રદેશના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે પહેલ  છે, તેના પરિણામો નજરે પડી રહ્યા છે. વિજળીથી લઈને કનેક્ટિવિટી સુધી દરેક ક્ષેત્રમાં સુધારો આવ્યો છે. ખૂબ ઝડપથી ઉત્તર પ્રદેશ દેશના એક માત્ર રાજ્ય તરીકે પણ ઓળખાવા લાગશે કે જ્યાં પાંચ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર મારફતે ઉત્તર પ્રદેશ સીધું જ સમૂદ્ર સાથે જોડાઈ રહ્યું છે, ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો સાથે જોડાઈ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં સરકારી વિચારધારા તથા અભિગમમાં વ્યવસાય કરવામાં સરળતા (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ) માટે સાર્થક પરિવર્તન આવ્યું છે.

સાથીઓ,
આજે ઉત્તર પ્રદેશ એક આશા, અપેક્ષા બની ગયું છે. ભારત આજે જો દુનિયા માટે ચમકતું સ્થાન છે તો ઉત્તર પ્રદેશ ભારતના વિકાસને આગળ ધપાવવામાં એક મહત્વનું નેતૃત્વ આપી રહ્યું છે.

સાથીઓ,
આપ સૌ ઉદ્યોગ જગતના દિગ્ગજો અહીં હાજર છો. આપમાંથી મોટા ભાગના એક લાંબો અનુભવ પણ છે. દુનિયાની વર્તમાન સ્થિતિ પણ આપ કોઈનાથી છાની નથી. આપ આજે ભારતના અર્થતંત્રના આજના સામર્થ્ય તથા અહીંના મેક્રો તથા માઇક્રો ઇકોનોમિક સિદ્ધાંતોને પણ અત્યંત બારીકાઈથી જોઈ રહ્યા છો. આખરે મહામારી તથા યુદ્ધના આઘાતમાંથી બહાર નીકળીને ભારત ઝડપી વિકસતું અર્થતંત્ર કેવી રીતે બનાવવાની છે ? આજે દુનિયાનો દરેક ભરોસાપાત્ર અવાજ એ માને છે કે ભારતની અર્થ વ્યવસ્થા આવી જ રીતે ઝડપથી આગળ ધપતી રહેશે. આખેર એવું તો શું બન્યું કે વૈશ્વિક મહામારીના આ સમયગાળામાં ભારતમાં માત્ર સહનશક્તિ દાખવી પરંતુ રિકવરી પણ એટલી જ ઝડપથી કરી છે.

સાથીઓ,
તેની પાછળનું સૌથી મોટું કારણ છે ભારતીયોનો પોતાની જાત પર ભરોસો, ખુદ પર આત્મવિશ્વાસ. આજે ભારતના યુવાનની વિચારધારામાં, ભારતના સમાજના દરેક નાગરિક, વધુમાં વધુ વિકાસ થતો જોવા માગે છે. તે હવે ભારતને ઝડપથી વિકસિત થતો જોવા માગે છે. ભારતના સમાજની અપેક્ષા, આજે સરકારોને પણ વેગ આપી રહી છે અને આ જ અપેક્ષા વિકાસના કાર્યોને પણ ગતિ આપી રહી છે.

અને સાથીઓ,
એ ન ભૂલો કે આજે આપ જે રાજ્યમાં બેઠા છો તેની વસતિ લગભગ લગભગ 25 કરોડ છે. દુનિયાના મોટા મોટા દેશો કરતાં પણ વધારે સામર્થ્ય, એકલા ઉત્તર પ્રદેશમાં છે. સમગ્ર ભારતની માફક આજે ઉત્તર પ્રદેશમાં એક ઘણી મોટો મહત્વાકાંક્ષી સમાજ આપની રાહ જોઈ રહ્યો છે.

સાથીઓ,
આજે ભારતના સોશિયલ, ફિઝિકલ તથા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે કામ થયું છે તેનો મોટો લાભ ઉત્તર પ્રદેશને મળ્યો છે. આ કારણસર આજે અહીં સામાજિક અને આર્થિક ઘણું વધારે સમાવેશીકરણ થઈ ચૂક્યું છે. જોડાણ થઈ શક્યું છે. એક માર્કેટના રૂપમાં ભારત હવે સીમલેસ થઈ રહ્યું છે. સરકારી પ્રક્રિયા પણ સરળ થઈ રહી છે. હું અવાર નવાર કહું છું કે આજે ભારત મજબૂરીમાં નહીં પરંતુ પ્રતિતિ સુધારણા કરે છે. આ જ કારણ છે કે ભારત 40 હજારથી વધુ  કાનૂનોને ખતમ કરી ચૂક્યું છે અને ડઝનબંધ જૂના કાનૂનો નાબુદ કરી ચૂક્યું છે.

સાથીઓ,
આજે ભારત ખરા અર્થમાં સ્પીડ અને સ્કેલના માર્ગે ચાલી નીકળ્યું છે. એક ઘણા મોટા વર્ગની પ્રાથમિક જરૂરિયાતોને અમે પૂરી કરી નાખી છે. તેથી તેઓ એક સ્તરની ઉપર જ વિચારવા લાગ્યું છે. ભવિષ્યનું વિચારવા લાગ્યું છે. આ જ તો ભારતના ભરોસા પરનું સૌથી મોટું કારણ છે.

સાથીઓ,
થોડા દિવસ અગાઉ ભારત સરકારનું જે બજેટ આવ્યું છે તેમાં પણ આપને વચનબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળશે. સરકાર આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિક્રમી ખર્ચ કરી રહી છે અને દર વર્ષે તેને અમે વધારી રહ્યા છીએ. તેને કારણે આજે આપના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણની નવી તકો સર્જાઈ રહી છે. આજે આપના માટે આરોગ્ય, શિક્ષણ, સામાજિક માળખામાં રોકાણની પણ તકો રહેલી છે. હરિયાળા વિકાસના જે માર્ગ પર ભારત ચાલી નીકળ્યું છે તેમાં તો હું આપને વિશેષ આમંત્રિત કરું છું. આ વર્ષના બજેટમાં 35 હજાર કરોડ રૂપિયા તો અમે માત્ર એનર્જી ટ્રાન્ઝિશન માટે રાખ્યા છે, તે જ પુરવાર કરે છે કે અમારો ઇરાદો શું છે. મિશન ગ્રીન હાઇડ્રોજન અમારા આ જ ઇરાદાને બુલંદ બનાવે છે. આ બજેટમાં તેની સાથે સંકળાયેલી સમગ્ર ઇકોસિસ્ટમ વિકસિત કરવા માટે અનેક પગલાં ભરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક મોબિલીટીનના ટ્રાન્સફર્મેશન માટે એક નવી પુરવઠા તથા વેલ્યૂ ચેઇન પણ અમે વિકસિત કરી રહ્યા છીએ.

સાથીઓ,
મને આનંદ છે કે નવી વેલ્યૂ તથા સપ્લાય ચેઇન વિકસિત કરવા માટે ઉત્તર પ્રદેશ આજે એક નવું ચેમ્પિયન બનીને ઉભરી રહ્યું છે. પરંપરા તથા આધુનિકતા સાથે સંકળાયેલા ઉદ્યોગોનો, એમએસએમઈનું એક અત્યંત સશક્ત નેટવર્ક આજે ઉત્તર પ્રદેશમાં વાયબ્રેન્ટ છે. અહી ભદોહીના કાલીન તથા બનારસી સિલ્ક છે. ભદોહી કાર્પેટ ક્લસ્ટર તથા વારાણસી સિલ્ક ક્લસ્ટર પણ અને તેને કારણે જ ઉત્તર પ્રદેશ ભારતનું ટેક્સટાઇલ હબ છે. આજે ભારતના કુલ મોબાઇલ ઉત્પાદનમાં 60 ટકાથી વધારે મોબાઇલ એકલા ઉત્તર પ્રદેશમાં થાય છે. મોબાઇલના સાધનોનું સૌથી મોટું ઉત્પાદન પણ ઉત્તર પ્રદેશમાં થાય છે. હવે દેશના બે ડિફેન્સ કોરિડોર પણ ઉત્તર પ્રદેશમાં બની રહ્યા છે. ઉત્તર પ્રદેશ ડિફેન્સ કોરિડોર પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આજે મેડ ઇન ઇન્ડિયા  સંરક્ષણ સાધનોની માંગ સતત વધી રહી છે. ભારતીય લશ્કરને પણ અમે વધુમાં વધુ મેડ ઇન ઇન્ડિયા ડિફેન્સ સિસ્ટમ, ડિફેન્સ પ્લેટફોર્મ આપવા માટે પ્રતિબદ્ધ છે. અને આ મહાન કાર્યનું નેતૃત્વ આ જ લખનૌની ધરતીના અમારા કર્મવીર રાજનાથ સિંહ જી સંભાળી રહ્યા છે. આવા સમયમાં જ્યારે ભારત એક વાયબ્રન્ટ ડિફેન્સ ઉદ્યોગનો વિકાસ કરી રહ્યું છે તો ફર્સ્ટ મૂવરનો લાભ આપે ચોક્કસ લેવો જોઇએ.

સાથીઓ,
ઉત્તર પ્રદેશમાં તો ડેરી, માછીમારી, કૃષિ તથા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં પણ અનેક સંભાવનાઓ છે. ફળ અને શાકભાજીઓને લઇને ઉત્તર પ્રદેશમાં ઘણી વિવિધતા છે. આ એક એવું ક્ષેત્ર છે જેમાં હજી પણ ખાનગી ક્ષેત્રની હિસ્સેદારી ઘણી મર્યાદિત છે. આપને માહિતી હશે કે ફૂડ પ્રોસેસિંગ માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના લઈને અમે આવ્યા છીએ. તેનો લાભ આપે જરૂર લેવો જોઇએ.

સાથીઓ,
આજે સરકારનો એ પ્રયાસ છે કે ઇનપુટથી લઇને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ સુધી, ખેડૂતો માટે એક આધુનિક વ્યવસ્થા ગોઠવાય. નાના નાના રોકાણકારો, કૃષિ ઇન્ફ્રા ફંડનો ઉપયોગ કરી શકે છે. આ જ રીતે દેશભરમાં એક મોટી સ્ટોરેજ ક્ષમતા વિકસિત કરવા માટે બજેટમાં અમે જોગવાઈ રાખી છે. તે પણ નાના રોકાણકારો માટે એક ઉત્તમ તક છે.

સાથીઓ,
આજે ભારતનું સૌથી મોટું ફોકસ વિવિધ પાકના વૈવિધ્યકરણ પર છે, નાના ખેડૂતોને વધારે સાધનો આપવા તથા તેમની પડકર કિંમત ઘટાડવા પર છે. તેથી જ કુદરતી ખેતી તરફ અમે ઝડપથી આગળ ધપી રહ્યા છીએ. અહીં ઉત્તર પ્રદેશમાં ગંગાના તટ પર  બંને તરફ પાંચ કિલોમીટરના ક્ષેત્રમાં કુદરતી ખેતી શરૂ થઈ ગઈ છે. હવે આ વર્ષના બજેટમાં અમે ખેડૂતોની મદદ માટે 10 હજાર બાયો ઇનપુટ રિસોર્સ કેન્દ્રો બનાવવાની જાહેરાત કરી છે. તે કુદરતી ખેતીને આથી પણ વધારે પ્રોત્સાહિત કરશે. તેમાં પણ ખાનગી ઉદ્યોગો માટે રોકાણની અનેક તકો રહેલી છે.

સાથીઓ,
ભારતમાં અન્ય એક નવું અભિયાન અમારા મિલેટ્સને લઈને શરૂ થયું છે. ભારતનું આ મિલેટ જેને સામાન્ય રીતે લોકોની બોલચાલની ભાષામાં મોટું અનાજ કહેવામાં આવે છે. હવે તેમાં ઘણી વેરાઇટીઓ પણ છે. વિશ્વના બજારમાં પણ તેની એક ઓળખ બને, તે અંગે આપે બજેટમાં સાંભળ્યું હશે કે અમે આ મિલેટ્સને મોટા અનાજને એક નવું નામ આપ્યું છે – શ્રી અન્ન. આ શ્રી અન્ન જેમાં ન્યૂટ્રીશન વેલ્યૂ ઘણી વધારે છે અને તે સુપર ફૂડ છે. જેવી રીતે શ્રીફળનું મહાત્મય છે તેવી જ રીતે શ્રી અન્નનું પણ મહાત્મય બનનારું છે. અમારો એ પ્રયાસ છે કે ભારતનું શ્રી અન્ન ગ્લોબલ ન્યૂટ્રીશન સિક્યોરીટીને આકર્ષિત કરે. દુનિયા આ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સના રૂપમાં પણ મનાવી રહી છે. તેથી એક તરફ અમે ખેડૂતોને શ્રી અન્નના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ તો બીજી તરફ તેના માટે વૈશ્વિક બજારનો પણ વિસ્તાર કરી રહ્યા છે. ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા સાથીઓ ખોરાક માટે તૈયાર (રેડી ટુ ઇટ) અને રાંધવા માટે તૈયાર (રેડી ટુ કૂક) શ્રી અન્નના પ્રોડક્ટની સંભાવનાઓ શોધી શકે છે અને માનવ જાતિની મોટી સેવા પણ કરી શકે છે.

સાથીઓ,
ઉત્તર પ્રદેશમાં અન્ય એક વિષય પર પ્રશંસનીય કામ થયું છે. આ કાર્ય શિક્ષણ તથા સ્કીલ વિકાસ સાથે સંકળાયેલું છે. મહાયોગી ગુરુ ગોરખનાથ યુનિવર્સિટી, અટલ બિહારી વાજપેયી હેલ્થ યુનિવર્સિટી, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી, મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી આવા અનેક સંસ્થાન અલગ અલગ કૌશલ્ય માટે યુવાનોને સજ્જ કરશે. મને કહેવામાં આવ્યું છે કે સ્કીલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના 16 લાખથી વધુ યુવાનોને અલગ અલગ કૌશલ્યમાં તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે પીજીઆઇ લખનૌ, આઇઆઇટી કાનપુરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંકળાયેલા વિવિધ કોર્સ પણ શરૂ કરી દીધા છે. અને હું હમણા અહીં આવી રહ્યો હતો તો શિક્ષણ જેમની જવાબદારી હોય છે, આપણા ગવર્નર સાહિબા ચાન્સેલરના રૂપમાં તેઓ આ કાર્ય જૂએ છે તેમણે મને કહ્યું કે ઉત્તર પ્રદેશ માટે આ ઘણા ગર્વની વાત છે કે નેટ એક્રેડીટેશનમાં આ વખતે ઉત્તર પ્રદેશની ચાર યુનિવર્સિટીએ સમગ્ર હિન્દુસ્તાનમાં પોતાની કાબેલિયત પુરવાર કરી દીધી છે. હું શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને તથા ચાંસેલર મેડમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. દેશના સ્ટાર્ટ અપ ક્રાંતિમાં પણ ઉત્તર પ્રદેશની ભૂમિકા સતત વધી રહી છે. આવનારા થોડા વર્ષમાં 100 ઇન્ક્યુબેટર તથા ત્રણ સ્ટેટ ઓફ ધ આર્ટ કેન્દ્રને સ્થાપિત કરવાનો લક્ષ્યાંક ઉત્તર પ્રદેશ સરકારે રાખેલો છે. એટલે કે અહીં આવનારા રોકાણકારોને પ્રતિભાશાળી તથા કુશળ યુવાનોનો એક ઘણો મોટો જથ્થો મળનારો છે.

સાથીઓ,
એક તરફ ડબલ એન્જિન સરકારનો ઇરાદો, અને બીજી તરફ સંભાવનાઓથી ભરેલું ઉત્તર પ્રદેશ રાજ્ય, તેનાથી બહેતર ભાગીદારી હોઇ જ શકે નહીં. આ જે સમય છે તેને આપણે ગુમાવવા જોઇએ નહીં. ભારતની સમૃદ્ધિમાં દુનિયાની સમૃદ્ધિ છે. ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં દુનિયાના ઉજ્જવળ ભવિષ્યની ગેરન્ટી પડેલી છે. સમૃદ્ધિના આ પ્રવાસમાં આપ સૌની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. આ રોકાણ સૌના માટે શુભદાયક રહે, મંગળ રહે, આ જ મનોકામના સાથે રોકાણ માટે આગળ આવેલા દેશ તથા દુનિયાના તમામ રોકાણકારોને હું અનેક અનેક શુભેચ્છા પાઠવું છું તથા ઉત્તર પ્રદેશના સાંસદ હોવાને નાતે હું આપ સૌને ખાતરી આપું છું  કે ઉત્તર પ્રદેશમાં આજની સરકાર, ઉત્તર પ્રદેશની આજની અમલદારશાહી પ્રગતિના માર્ગે દૃઢ સંકલ્પ થઈને ચાલવા લાગી છે તો આપના સ્વપ્નોને સાકાર કરવા માટે આપના સંકલ્પોને સિદ્ધ કરવા માટે પૂરા સામર્થ્યની સાથે અગ્રદૂત બનીને આપની સાથે ઉભી છે. આ જ વિશ્વાસ સાથે હું ફરી એક વાર દેશ તથા દુનિયાના રોકાણકારોને અમારા ઉત્તર પ્રદેશની ધરતી પર નિમંત્રિત કરું છું, સ્વાગત કરું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1898261) Visitor Counter : 273