પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્‌ઘાટન કર્યું


એક સ્મારક ટપાલ ટિકિટ 'સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં' બહાર પાડી

'આઝાદી કા અમૃત મહોત્સવ – ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન' વિષય પર સૌ પ્રથમ ડિજિટલ પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કર્યું

ઇન્દોર એક શહેર હોવાની સાથે સાથે એક દૌર (તબક્કો) પણ છે. તે એક એવો દૌર છે જે તેના વારસાને જાળવવાની સાથે સમય કરતા પહેલાં ચાલે છે"

"આપણાં પ્રવાસી ભારતીયો 'અમૃત કાલ'માં ભારતની સફરમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે

"અમૃત કાલ દરમિયાન પ્રવાસી ભારતીયો દ્વારા ભારતનું વિશિષ્ટ વૈશ્વિક વિઝન અને વૈશ્વિક વ્યવસ્થામાં તેની ભૂમિકાને મજબૂત કરવામાં આવશે"

"પ્રવાસી ભારતીયોમાં આપણે વસુધૈવ કુટુમ્બકમ્‌ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની અસંખ્ય છબીઓ જોઈએ છીએ"

"પ્રવાસી ભારતીય લોકો શક્તિશાળી અને સક્ષમ ભારતના અવાજનો પડઘો પાડે છે"

"જી-20 એ માત્ર એક રાજદ્વારી કાર્યક્રમ નથી, પરંતુ તેને જનભાગીદારીની ઐતિહાસિક ઘટનામાં ફેરવવી જોઈએ, જ્યાં કોઈ પણ 'અતિથિ દેવો ભવ:'ની ભાવનાને જોઈ શકે છે"

"ભારતીય યુવાનોનું કૌશલ્ય, મૂલ્યો અને કાર્ય નીતિમત્તા વૈશ્વિક વૃદ્ધિનું એન્જિન બની શકે છે"

"છેલ્લાં 8 વર્ષમાં ભારતે પોતાનાં પ્રવાસી ભારતીયોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે"

Posted On: 09 JAN 2023 2:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 'સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં'ની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી અને 'આઝાદી કા અમૃત મહોત્સવ – ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન' વિષય પર સૌ પ્રથમ ડિજિટલ પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.

પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) કન્વેન્શન ભારત સરકારનું મુખ્ય આયોજન છે, જે પ્રવાસી ભારતીયો સાથે ગૂંથાવા અને તેમની સાથે જોડાવા તથા પ્રવાસી ભારતીયોને એકબીજા સાથે વાતચીત કરવા સક્ષમ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ મંચ પ્રદાન કરે છે. આ વખતના પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો વિષય 'ડાયસ્પોરાઃ અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે ભરોસાપાત્ર ભાગીદારો' છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન માટે આશરે 70 વિવિધ દેશોમાંથી 3,500થી વધારે પ્રવાસી ભારતીય સભ્યોએ નોંધણી કરાવી છે.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવાસી ભારતીય દિવસ ચાર વર્ષ પછી તેની ભવ્યતામાં યોજાઈ રહ્યો છે તથા તેમણે વ્યક્તિગત આદાનપ્રદાનનાં મહત્ત્વ અને આનંદ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે 130 કરોડ ભારતીયો વતી દરેકને આવકારતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ મધ્ય પ્રદેશની ભૂમિ પર યોજાઈ રહ્યો છે, જે ભારતનાં હૃદય તરીકે ઓળખાય છે અને નર્મદાનાં પવિત્ર જળ, હરિયાળી, આદિવાસી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા માટે પ્રસિદ્ધ છે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ સમર્પિત મહા કાલ મહા લોકનો ઉલ્લેખ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે, મહાનુભાવો અને પ્રતિનિધિઓ આ પવિત્ર સ્થળની મુલાકાત લઈ શકશે. યજમાન શહેર ઇન્દોર વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઇન્દોર એક શહેર છે અને એક દૌર (તબક્કો) પણ છે, "આ એક એવો દૌર છે, જે પોતાના વારસાનું જતન કરવાની સાથે-સાથે સમય કરતાં પણ આગળ ચાલે છે." તેમણે ઇન્દોરની રાંધણકળાની ખ્યાતિ અને સ્વચ્છતા આંદોલનમાં તેની ઉપલબ્ધિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, પ્રવાસી ભારતીય દિવસ અનેક રીતે વિશેષ છે, કારણ કે ભારતે તાજેતરમાં જ તેની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, 'આઝાદી કા અમૃત મહોત્સવ' થીમ પર સૌ પ્રથમ ડિજિટલ પીબીડી પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગૌરવશાળી યુગને ફરી એકવાર આગળ લાવે છે. અમૃત કાલની આગામી 25 વર્ષની સફરમાં પ્રવાસી ભારતીયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનું વિશિષ્ટ વૈશ્વિક વિઝન અને વૈશ્વિક વ્યવસ્થામાં તેની ભૂમિકાને તેઓ મજબૂત કરશે.

સમગ્ર વિશ્વને પોતાનો દેશ ગણવાની અને માનવતાને આપણાં ભાઈઓ અને બહેનો તરીકે ગણવાની ભારતીય ફિલસૂફીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા પૂર્વજોએ ભારતનાં સાંસ્કૃતિક વિસ્તરણનો પાયો નાંખ્યો. આજની દુનિયા વિશે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીયોએ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ વચ્ચે રહીને દુનિયાના તમામ વિસ્તારોમાં પ્રવાસ કર્યો છે અને છતાં વ્યાવસાયિક ભાગીદારી મારફતે સમૃદ્ધિનાં દ્વાર ખોલવાનો માર્ગ શોધી કાઢ્યો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે આપણે વૈશ્વિક નકશા પર કરોડો પ્રવાસી ભારતીયોને જોઈએ છીએ, ત્યારે એક સાથે અસંખ્ય છબીઓ પ્રગટ થાય છે, જે 'વસુધૈવ કુટુમ્બકમ્‌'નું ચિત્ર રજૂ કરે છે અને જ્યારે કોઈ પણ વિદેશી ધરતી પર બે પ્રવાસી ભારતીયો મળે છે, ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના પ્રગટ થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "જ્યારે વિશ્વના વિવિધ ભાગોમાં સૌથી વધુ લોકતાંત્રિક, શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ નાગરિકો તરીકે પ્રવાસીઓની વાત કરવામાં આવે છે, ત્યારે લોકશાહીની જનની તરીકે ગર્વની લાગણીમાં અનેકગણો વધારો થાય છે." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ દરેક પ્રવાસી ભારતીયને ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે ઓળખાવે છે, કારણ કે જ્યારે વિશ્વ તેમનાં પ્રદાનનું મૂલ્યાંકન કરે છે, ત્યારે તેઓ શક્તિશાળી અને સક્ષમ ભારતના અવાજનો પડઘો પાડે છે. "તમે ભારતના વારસાના, મેક ઇન ઇન્ડિયાના, યોગ અને આયુર્વેદના, ભારતના કુટિર ઉદ્યોગો અને હસ્તકળાના રાષ્ટ્રદૂત (રાષ્ટ્રીય રાજદૂતો) છો." શ્રી મોદીએ આગળ કહ્યું, "તે જ સમયે, તમે ભારતની બાજરીના પણ બ્રાન્ડ એમ્બેસેડર પણ છો." તેમણે ઉલ્લેખ કર્યો કે ૨૦૨૩ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે અને દરેકને કેટલાંક બાજરી ઉત્પાદનો લઈને જ ઘરે પાછાં જવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, પ્રવાસી ભારતીયોએ ભારત વિશે વધારે જાણકારી મેળવવાની વિશ્વની ઇચ્છા પૂર્ણ કરવામાં અન્ય એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ ભારતને ખૂબ જ ઉત્સુકતા સાથે જોઈ રહ્યું છે તથા તાજેતરનાં વર્ષોમાં રાષ્ટ્રની અસાધારણ સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયા રસીનું ઉદાહરણ આપ્યું હતું અને ભારતીયોને 220 કરોડથી વધુ મફત ડોઝનાં રસીકરણના રેકોર્ડ આંકડા આપ્યા હતા. તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે, હાલના અસ્થિરતાનાં ગાળા દરમિયાન વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો ઉદય થયો છે અને તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. પ્રધાનમંત્રીએ વધી રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયાનાં ઉદાહરણો પણ આપ્યાં હતાં. તેમણે તેજસ ફાઇટર પ્લેન, એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંત અને ન્યૂક્લિયર સબમરીન અરિહંતને ઉજાગર કરતા કહ્યું કે, દુનિયાના લોકો માટે ભારત વિશે ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ ભારતની કેશલેસ અર્થવ્યવસ્થા અને ફિનટેકનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, દુનિયાનાં 40 ટકા રિયલ ટાઇમ ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે. અવકાશ ટેકનોલોજી વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત એક સાથે સેંકડો ઉપગ્રહોનાં પ્રક્ષેપણનાં બહુવિધ વિક્રમો સર્જી રહ્યું છે. તેમણે ભારતના સોફ્ટવેર અને ડિજિટલ ટેકનોલોજી ઉદ્યોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે તેની ક્ષમતા ફક્ત સમય સાથે વધી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતનાં સંદેશનું આગવું મહત્ત્વ છે." તેમણે કહ્યું હતું કે, દેશની તાકાતને ભવિષ્યમાં પ્રોત્સાહન મળશે. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત દરેકને માત્ર ભારતની સંસ્કૃતિ અને પરંપરા વિશે જ નહીં, પણ રાષ્ટ્રની પ્રગતિ વિશેના તેમનાં જ્ઞાનને પણ સમૃદ્ધ બનાવવા વિનંતી કરી. 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ચાલુ વર્ષે જી-20નું પ્રમુખ પદ સંભાળી રહ્યું છે અને આ જવાબદારી સ્થાયી ભવિષ્ય હાંસલ કરવા અને આ અનુભવોમાંથી શીખવા માટે દુનિયાને ભારતના ભૂતકાળના અનુભવોથી વાકેફ કરવાની શ્રેષ્ઠ તક લઈને આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જી-20 એ માત્ર રાજદ્વારી કાર્યક્રમ નથી, પણ તેને જનભાગીદારીની ઐતિહાસિક ઘટનામાં પરિવર્તિત કરવી જોઈએ, જ્યાં કોઈ પણ વ્યક્તિ 'અતિથિ દેવો ભવ:'ની ભાવનાને જોઈ શકે." તેમણે માહિતી આપી હતી કે, ભારતનાં વિવિધ શહેરોમાં યોજાનારી જી-20 સમિટના ભાગરૂપે 200થી વધુ બેઠકો યોજાશે અને તેમણે જણાવ્યું હતું કે, ઘણા દેશોના પ્રતિનિધિઓ સાથે અર્થપૂર્ણ જોડાણ સ્થાપિત કરવાની આ એક મોટી તક હશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે ભારત પાસે માત્ર જ્ઞાન કેન્દ્ર જ નહીં, પણ વિશ્વની કૌશલ્યની રાજધાની બનવાની તક પણ છે. તેમણે ભારતીય યુવાનોનાં કૌશલ્ય, મૂલ્યો અને કાર્ય નીતિમત્તા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "આ કૌશલ્યની મૂડી વૈશ્વિક વૃદ્ધિનું એન્જિન બની શકે છે." પ્રધાનમંત્રીએ આગામી પેઢીના પ્રવાસી ભારતીય યુવાનોમાં ઉત્સાહની નોંધ લીધી હતી. તેમણે ઉપસ્થિત જનમેદનીને વિનંતી કરી હતી કે, તેઓ યુવાનોને તેમના દેશ વિશે જણાવે અને તેમને તેની મુલાકાત લેવા માટેના અવસરો પણ પૂરા પાડે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પરંપરાગત સમજણ અને આધુનિક અભિગમ સાથે આ યુવા પ્રવાસીઓ દુનિયાને ભારત વિશે વધારે અસરકારક રીતે જણાવી શકશે. યુવાનોમાં ભારત વિશે વધતી જિજ્ઞાસા સાથે, ભારતનું પ્રવાસન, સંશોધન અને ગૌરવ વધશે." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના યુવાનો તહેવારોમાં ભારતની મુલાકાત લઈ શકે છે અથવા આઝાદી કા અમૃત મહોત્સવ સાથે સંબંધિત કાર્યક્રમો સાથે જોડાઈ શકે છે.

પ્રધાનમંત્રીએ સૂચવ્યું હતું કે, વિશ્વવિદ્યાલયો અને સંશોધન સંસ્થાઓ મારફતે પ્રવાસી ભારતીયોના તેમનાં સંબંધિત દેશો માટે તેમનાં જીવન, સંઘર્ષ અને યોગદાનનું દસ્તાવેજીકરણ કરવા સતત પ્રયાસ કરવો જોઈએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેકે દરેક ભારતવંશી સમગ્ર ભારતને પોતાની સાથે લઈ જાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છેલ્લાં 8 વર્ષમાં ભારતે પોતાનાં પ્રવાસી ભારતીયોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આજે ભારતની પ્રતિબદ્ધતા છે કે તમે જ્યાં પણ છો ત્યાં દેશ તમારા હિતો અને અપેક્ષાઓ માટે છે," એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ વિશેષ અતિથિઓ કોઓપરેટિવ રિપબ્લિક ઑફ ગુયાનાના પ્રમુખ મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી અને સુરિનામના માનનીય રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપર્સદ સંતોખીનો તેમની ટિપ્પણી અને સૂચનો બદલ આભાર માન્યો હતો.

વિશેષ અતિથિઓ કોઓપરેટિવ રિપબ્લિક ઑફ ગુયાનાના પ્રમુખ મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી અને સુરીનામ પ્રજાસત્તાકના આદરણીય પ્રમુખ મહામહિમ શ્રી ચંદ્રિકાપર્સદ સંતોખી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાજ્ય કક્ષાનાં મંત્રીઓ શ્રીમતી મીનાક્ષી લેખી, શ્રી વી મુરલીધરન અને ડૉ. રાજકુમાર રંજન સિંહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

પશ્ચાદભૂમિકા

પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) કન્વેન્શન ભારત સરકારનું મુખ્ય આયોજન છે, જે પ્રવાસી ભારતીયો સાથે ગૂંથાવા અને તેમની સાથે જોડાવા તથા પ્રવાસી ભારતીયોને એકબીજા સાથે વાતચીત કરવા સક્ષમ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. ઈન્દોરમાં 08-10 જાન્યુઆરી, 2023 સુધી મધ્ય પ્રદેશ સરકારની ભાગીદારીમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો વિષય "ડાયસ્પોરાઃ અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો" છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન માટે આશરે 70 વિવિધ દેશોમાંથી 3,500થી વધારે ડાયસ્પોરા સભ્યોએ નોંધણી કરાવી છે.

સલામત, કાનૂની, વ્યવસ્થિત અને કુશળ સ્થળાંતરનાં મહત્ત્વ પર ભાર મૂકવા માટે એક સ્મારક ટપાલ ટિકિટ 'સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં' પણ બહાર પાડવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ "આઝાદી કા અમૃત મહોત્સવ – ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ડાયસ્પોરાનું યોગદાન" વિષય પર સૌ પ્રથમ ડિજિટલ પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું, જેનો ઉદ્દેશ ભારતની આઝાદીમાં આપણા પ્રવાસી ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓનાં યોગદાનને પ્રદર્શિત કરવાનો હતો.

આ પીબીડી કન્વેન્શનમાં પાંચ વિષયોનાં પૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવશે –

  • યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરની અધ્યક્ષતામાં 'નવીનતા અને નવી ટેકનોલોજીમાં ડાયસ્પોરા યુવાનોની ભૂમિકા' પર પ્રથમ પૂર્ણ સત્ર.
  • ‘અમૃત કાલમાં ભારતીય હેલ્થકેર ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા: વિઝન @2047' વિષય પરનું બીજું સંપૂર્ણ સત્ર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં અને વિદેશ રાજ્યમંત્રી ડૉ. રાજકુમાર રંજન સિંહની સહ-અધ્યક્ષતામાં.
  • વિદેશ રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીની અધ્યક્ષતામાં 'ભારતની સોફ્ટ પાવરનો ઉપયોગ – કળા, રાંધણકળા અને રચનાત્મકતા દ્વારા સદ્‌ભાવના' વિષય પર ત્રીજું પૂર્ણ સત્ર.
  • શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં 'ભારતીય કાર્યદળની વૈશ્વિક ગતિશીલતા – ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા' પર ચોથું પૂર્ણ સત્ર.
  • નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 'રાષ્ટ્રનિર્માણ માટે સર્વસમાવેશક અભિગમ માટે ડાયસ્પોરા ઉદ્યોગસાહસિકોની સંભવિતતાનો ઉપયોગ' પર પાંચમું પૂર્ણ સત્ર.
  • તમામ પૂર્ણ સત્રોમાં પ્રસિદ્ધ ડાયસ્પોરા નિષ્ણાતોને આમંત્રિત કરી પેનલ ડિસ્કશન યોજાશે.

17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું મહત્વ એટલા માટે છે કારણ કે તેનું આયોજન ચાર વર્ષના ગાળા પછી રૂબરૂ કાર્યક્રમ તરીકે કરવામાં આવી રહ્યું છે અને કોવિડ-19 મહામારીની શરૂઆત પછીનું પ્રથમ સંમેલન છે. વર્ષ 2021માં છેલ્લું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન મહામારી દરમિયાન વર્ચ્યુઅલ રીતે યોજાયું હતું.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1889772) Visitor Counter : 334