પર્યાવરણ અને વન મંત્રાલય

સમ્મેદ શિખરજી પર્વત ક્ષેત્ર સાથે સંબંધિત ઇકો સેન્સિટિવ ઝોનનાં જાહેરનામાની કલમ 3ની જોગવાઈઓનો અમલ તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે, જેમાં તમામ પ્રવાસન અને ઇકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ સામેલ છે

તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવાં રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે

Posted On: 05 JAN 2023 5:12PM by PIB Ahmedabad

 

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (એમઓઇએફસીસી)ને છેલ્લા કેટલાક દિવસોથી જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરતી વિવિધ સંસ્થાઓ તરફથી પારસનાથ વન્યજીવન અભયારણ્યમાં થઈ રહેલી કેટલીક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત મુદ્દાઓ અંગે અનેક રજૂઆતો મળી છે, આ પ્રવૃત્તિઓએ જૈન ધર્મના અનુયાયીઓની ભાવનાઓને પ્રતિકૂળ અસર કરી છે.

ફરિયાદોમાં પારસનાથ વન્યજીવન અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનની સૂચનાની જોગવાઈઓનાં ઝારખંડ સરકાર દ્વારા ખામીયુક્ત અમલીકરણ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યના સત્તાધીશોની આવી બેદરકારીથી તેમની લાગણી દુભાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે જૈન સમાજના વિવિધ પ્રતિનિધિઓ સાથેની એક બેઠકને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સમગ્ર મુદ્દે ચર્ચા કરવા અને સંભવિત ઉકેલ માટે આમંત્રણ અપાયું હતું. પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં આવ્યા હતા અને સમ્મેદ શિખરજી ખાતેની વર્તમાન પરિસ્થિતિ વિશે અને તે સ્થળની પવિત્રતા જાળવવા માટે સમુદાયની માગણીઓ વિશે પણ વાત કરી હતી.

પ્રતિનિધિઓને જાણકારી આપવામાં આવી હતી કે, પારસનાથ વાઇલ્ડલાઇફ અભયારણ્યની સ્થાપના ભૂતપૂર્વ બિહાર રાજ્ય દ્વારા વર્ષ 1984માં વન્યજીવ સંરક્ષણ ધારા, 1972ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી, ત્યારે પર્યાવરણ (સંરક્ષણ) ધારા, 1986ની જોગવાઈઓ હેઠળ વર્ષ 2019માં ઝારખંડ રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને ઇકો સેન્સિટિવ ઝોન (ઇએસઝેડ)ને ભારત સરકારે નોટિફાઇડ કર્યો હતો.

ઇકો સેન્સિટિવ ઝોન સંરક્ષિત વિસ્તારોની આસપાસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, નિયમન અને પ્રોત્સાહન આપીને સંરક્ષિત વિસ્તારોમાં અમુક પ્રકારના "શોક એબ્ઝોર્બર્સ" તરીકે કામ કરે છે. ઇએસઝેડ નોટિફિકેશનનો હેતુ અનિયંત્રિત પર્યટનને પ્રોત્સાહન આપવાનો નથી, અને ચોક્કસપણે અભયારણ્યની સીમાની અંદર તમામ પ્રકારની વિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો નથી. ઇએસઝેડની જાહેરાત હકીકતમાં અભયારણ્યની આસપાસની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવા અથવા નિયંત્રિત કરવા માટે છે અને તેથી, તેની સીમાની બહાર છે.

એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પારસનાથ વન્યજીવ અભયારણ્યના મેનેજમેન્ટ પ્લાનમાં પૂરતી જોગવાઈઓ છે જે જૈન સમુદાયની ભાવનાઓને પ્રતિકૂળ અસર કરતી હોવાનું કહેવાય છે તેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે, ત્યારે ભારત સરકાર પણ જૈન સમુદાયની લાગણીઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ ખાસ મુદ્દાને ઉકેલવા મોનિટરિંગ કમિટીને માર્ગદર્શિકા જારી કરી શકે છે.

શ્રી યાદવે વિશેષમાં ઉલ્લેખ કર્યો હતો કે, આ મંત્રાલય સ્થાપિત તથ્યને સ્વીકારે છે કે, સમ્મેદ શિખરજી પર્વત ક્ષેત્ર માત્ર જૈન સમુદાય માટે જ નહીં, પણ સંપૂર્ણ દેશ માટે એક પવિત્ર જૈન ધાર્મિક સ્થળ છે તથા મંત્રાલય તેની પવિત્રતા જાળવવા કટિબદ્ધ છે.

આ બેઠકનાં પરિણામે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઝારખંડની રાજ્ય સરકારને પારસનાથ વન્યજીવન અભયારણ્યની સંબંધિત જોગવાઈઓ મેનેજમેન્ટ પ્લાનનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવે, જે ખાસ કરીને વનસ્પતિ અથવા પ્રાણીસૃષ્ટિને થતાં નુકસાન પર; પાલતુ પ્રાણીઓ સાથે આવવા પર; મોટેથી મ્યુઝિક વગાડવું અથવા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો; પવિત્ર સ્મારકો, સરોવરો, ખડકો, ગુફાઓ અને તીર્થસ્થાનો જેવાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને દૂષિત કરે છે; અને દારૂ, ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યો વગેરેનું વેચાણ કરવા; પારસનાથ ટેકરી પર અનધિકૃત કેમ્પિંગ અને ટ્રેકિંગ વગેરે પર પ્રતિબંધ મૂકે છે. ઝારખંડ રાજ્ય સરકારને આ જોગવાઈઓનું કડક પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, પારસનાથ ટેકરી પર દારૂ અને માંસાહારી ખાદ્ય પદાર્થોનાં વેચાણ અને વપરાશ પરના પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવે, જે ઉપરોક્ત ઓએમમાં જોગવાઇ કરવામાં આવી છે.

તદુપરાંત, પવિત્ર પારસનાથ ટેકરીની પેલે પારના બફર ઝોનનાં રક્ષણ માટે 2 ઑગસ્ટ, 2019ના રોજ બહાર પાડવામાં આવેલા ઇકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશન એસ.ઓ.2795 (ઇ)ના સંદર્ભમાં; ઉપરોક્ત ઇકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશનની કલમ 3ની જોગવાઈઓનાં અમલીકરણ પર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવી છે, જેમાં તમામ પ્રવાસન અને ઇકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ સામેલ છે. તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવાં રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬ની કલમ ૩ની પેટાકલમ (૩) હેઠળ ઉપરોક્ત ઈકો સેન્સેટીવ ઝોનનાં જાહેરનામાની જોગવાઈઓની અસરકારક દેખરેખ માટે કેન્દ્ર સરકારે ઉપરોક્ત જાહેરનામાની કલમ-૫ હેઠળ મોનિટરિંગ કમિટીની રચના કરી છે. રાજ્ય સરકારને આ મોનિટરિંગ કમિટીમાં જૈન સમુદાયના બે સભ્યો અને સ્થાનિક આદિજાતિ સમુદાયના એક સભ્યને કાયમી આમંત્રિત તરીકે રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી મહત્વપૂર્ણ હિતધારકો દ્વારા યોગ્ય સામેલગીરી અને નિરીક્ષણ સક્ષમ બને.

 

પારસનાથ ઓએમ અંગ્રેજીમાં જોવા અહીં ક્લિક કરો

પારસનાથ ઓએમ હિંદીમાં જોવા અહીં ક્લિક કરો

YP/GP/JD



(Release ID: 1889029) Visitor Counter : 262