પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હાવડાથી ન્યૂ જલપાઇગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી આપી
કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તારાતલા પટ્ટાનું ઉદ્ઘાટન કર્યું
ચાર રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને અર્પણ કર્યા
નવા જલપાઈગુડી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલારોપણ કર્યું
"જ્યાંથી વંદે માતરમ્નો જયઘોષ શરૂ થયો હતો તે ભૂમિ પરથી આજે વંદે ભારતને લીલી ઝંડી બતાવાઇ હતી"
"ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ વિકસાવવામાં આવી રહ્યા છે"
"ભારતીય રેલવેની કાયાપલટ કરવા માટે દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે"
"21મી સદીમાં દેશના ઝડપી વિકાસ માટે રેલવેની ઝડપી વૃદ્ધિ અને સુધારા આવશ્યક છે"
"મેટ્રો રેલ પ્રણાલી એ ભારતની આજની ઝડપ અને વ્યાપનું ઉદાહરણ છે"
"નવાં એરપોર્ટ્સ, જળમાર્ગો, બંદરો અને માર્ગોનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે, જેથી નાગરિકો માટે અવિરત જોડાણ સુનિશ્ચિત થઈ શકે"
"ભારત આજે તેની જલ શક્તિને વેગ આપવા માટે કામ કરી રહ્યું છે"
"13 જાન્યુઆરીના રોજ એક ક્રુઝ કાશીથી બાંગ્લાદેશ થઈને દિબ્રુગઢ જવા રવાના થશે. 3200 કિમી લાંબી આ યાત્રા સમગ્ર વિશ્વમાં આ પ્રકારની પ્રથમ યાત્રા છ
Posted On:
30 DEC 2022 1:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાવડાથી ન્યૂ જલપાઇગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ જોકા-એસ્પ્લેનેડ મેટ્રો પ્રોજેક્ટ (પર્પલ લાઇન)નાં જોકા-તારાતલા પટ્ટાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે ચાર રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કર્યું હતું, જેમાં બોઇંચી-શક્તિગઢની ત્રીજી લાઇન, દાનકુની-ચંદનપુર ચોથી લાઇનનો પ્રોજેક્ટ, નિમતીતા-ન્યૂ ફરક્કા ડબલ લાઇન અને અંબરી ફાલકાટા-ન્યૂ મયનાગુરી-ગુમાનીહાટ ડબલિંગ પ્રોજેક્ટ સામેલ છે. પ્રધાનમંત્રીએ ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલારોપણ પણ કર્યું હતું.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આજે રૂબરૂ હાજર ન રહેવા બદલ માફી માગી હતી, કેમ કે તેમના માટે આ દિવસ બંગાળની ભૂમિ સામે નમન કરવાનો છે, કારણ કે આઝાદીની લડતનો ઇતિહાસ બંગાળના દરેક કણમાં સમાયેલો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યાંથી વંદે માતરમ્નો જયઘોષ થયો હતો, તે ભૂમિ પર આજે વંદે ભારતને લીલી ઝંડી આપવામાં આવી હતી." પ્રધાનમંત્રીએ 30 ડિસેમ્બર, 1943ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝે આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં તિરંગો ફરકાવ્યો હતો અને ભારતની આઝાદી માટેનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં એ વાત પણ યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આ ઐતિહાસિક દિવસની 75મી વર્ષગાંઠ પર તેમને નેતાજીનાં માનમાં એક ટાપુનું નામ આપવા માટે આંદામાનની મુલાકાત લેવાની તક મળી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન ભારતે 475 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો અને આજે હાવડાથી નવી જલપાઈગુડી માટે જે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી રહી છે તેમાંની એક છે. આજે જે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર આ વિવિધ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે આશરે 5000 કરોડનો ખર્ચ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, તેમને આજે ગંગાની સ્વચ્છતા અને પીવાનાં પાણી સાથે સંબંધિત ઘણી યોજનાઓ પશ્ચિમ બંગાળને સમર્પિત કરવાની તક મળશે. તેમણે માહિતી આપી હતી કે, પશ્ચિમ બંગાળમાં નમામિ ગંગે યોજના હેઠળ 25થી વધારે સુએઝ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 11 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે અને સાત પ્રોજેક્ટ્સ આજે પૂર્ણ થઈ રહ્યા છે. 1500 કરોડના ખર્ચ સાથે 5 નવી યોજનાઓ પર આજથી કામ શરૂ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે સ્વચ્છીકરણ માટે આદિ ગંગા પ્રોજેક્ટ, જેના માટે 600 કરોડ રૂપિયાનાં મૂલ્યની માળખાગત સુવિધા સ્થાપિત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નદીઓની સફાઇની સાથે-સાથે કેન્દ્ર સરકારે નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે મોટી સંખ્યામાં આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ઊભા કરવાનું છે. આ કામ આગામી 10-15 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ભારતીય રેલવેના સુધારા અને વિકાસને દેશના વિકાસ સાથે જોડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ જ કારણ છે કે, કેન્દ્ર સરકાર આધુનિક રેલવે માળખાગત સુવિધામાં વિક્રમજનક રોકાણ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય રેલવેની કાયાપલટ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. તેમણે વંદે ભારત, તેજસ હમ સફર અને વિસ્ટાડૉમ કૉચ જેવી આધુનિક ટ્રેનો તથા ન્યૂ જલપાઇગુડી સહિત રેલવે સ્ટેશનોનાં આધુનિકીકરણ, રેલવે લાઇનોનાં ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન જેવી આધુનિકરણની યાદી આપી હતી. તેમણે પૂર્વીય અને પશ્ચિમી સમર્પિત નૂર કૉરિડોરનો પણ પ્રોજેક્ટ્સ તરીકે ઉલ્લેખ કર્યો છે જે લોજિસ્ટિક્સ સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. પ્રધાનમંત્રીએ રેલવેની સુરક્ષા, સ્વચ્છતા, સંકલન, ક્ષમતા, સમયપાલન અને સુવિધાઓ જેવાં ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં ભારતીય રેલવેએ આધુનિકીકરણના પાયા પર કામ કર્યું છે અને આગામી વર્ષોમાં ભારતીય રેલવે આધુનિકીકરણની નવી સફર શરૂ કરશે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, જ્યારે આઝાદીનાં પ્રથમ 70 વર્ષોમાં 20,000 કિલોમીટરની રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું, ત્યારે વર્ષ 2014થી અત્યાર સુધીમાં 32,000 કિલોમીટરથી વધારે રૂટનું ઇલેક્ટ્રિફિકેશન થયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેટ્રો રેલ સિસ્ટમ એ ભારતની અત્યારની ઝડપ અને વ્યાપનું ઉદાહરણ છે. "મેટ્રો નેટવર્ક જે 2014 પહેલા 250 કિમીથી પણ ઓછું હતું, તે દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ હિસ્સો ધરાવતું હતું. છેલ્લાં 7-8 વર્ષમાં મેટ્રોનું વિસ્તરણ 2 ડઝનથી વધારે શહેરોમાં થયું છે. આજે દેશનાં વિવિધ શહેરોમાં અંદાજે 800 કિમી લાંબા મેટ્રો ટ્રેક પર મેટ્રો દોડી રહી છે. 1000 કિમીથી વધુના મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે," એમ તેમણે માહિતી આપી હતી.
વીતેલાં વર્ષોમાં ભારત સામે ઊભા થયેલા પડકારોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી ભારતનાં વિકાસ પર ખૂબ જ નકારાત્મક અસર થઈ હતી. મુખ્ય પડકારોમાંના એક પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ દેશના માળખાગત વિકાસમાં સંકળાયેલી વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવને ઉજાગર કર્યો હતો. તેમણે વિવિધ પરિવહન સંસ્થાઓ વચ્ચે સંકલનના અભાવનો ઉલ્લેખ પણ કર્યો હતો અને તેનાં પરિણામે પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક સરકારી એજન્સીને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી વિશે કોઈ જાણકારી નહોતી. તેમણે કહ્યું હતું કે, "આની સીધી અસર દેશના પ્રામાણિક કરદાતાઓ પર પડી હતી." પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે તેમની મહેનતની કમાણીનો ઉપયોગ ગરીબોને બદલે ભ્રષ્ટાચારીઓનાં ખિસ્સા ભરવામાં થાય છે, ત્યારે અસંતોષ થવો સ્વાભાવિક છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "સરકારે એજન્સીઓનાં સંકલનમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે પીએમ ગતિ શક્તિ યોજના શરૂ કરી છે." શ્રી મોદીએ કહ્યું હતું કે, "વિવિધ રાજ્ય સરકારો હોય, નિર્માણ એજન્સીઓ હોય કે ઉદ્યોગના નિષ્ણાતો હોય, દરેક જણ ગતિ શક્તિ મંચ પર એકસાથે આવી રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પીએમ ગતિ શક્તિ દેશમાં પરિવહનનાં વિવિધ માધ્યમોને સાથે જોડવા સુધી જ મર્યાદિત નથી, પણ મલ્ટિમોડલ પ્રોજેક્ટ્સને ગતિ પણ પૂરી પાડી રહી છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નવાં એરપોર્ટ્સ, જળમાર્ગો, બંદરો અને માર્ગોનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે, જેથી નાગરિકો માટે અવિરત જોડાણ સુનિશ્ચિત થઈ શકે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણે 21મી સદીમાં આગળ વધવાની રાષ્ટ્રની સંભવિતતાનો ખરો ઉપયોગ કરવો જ જોઈએ." દેશમાં જળમાર્ગો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો હતો, જ્યારે ભારતમાં કામ, વ્યવસાય અને પ્રવાસન માટે મોટા પાયે જળમાર્ગોનો ઉપયોગ થતો હતો, પણ પછીથી ગુલામીનાં વર્ષો દરમિયાન તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે અગાઉની સરકારો દ્વારા દેશમાં જળમાર્ગોને પુનર્જીવિત કરવાના પ્રયત્નોના અભાવ તરફ પણ ધ્યાન દોર્યું હતું. "ભારત આજે તેની જલ શક્તિને વેગ આપવા માટે કામ કરી રહ્યું છે, " એમ શ્રી મોદીએ કહ્યું. તેમણે માહિતી આપી હતી કે, આજે 100થી વધારે જળમાર્ગો વિકસાવવામાં આવી રહ્યાં છે અને વેપાર-વાણિજ્ય અને પર્યટનને વેગ આપવાની સાથે-સાથે નદીઓમાં અદ્યતન ક્રુઝ શિપ શરૂ કરવાનું કામ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગંગા-બ્રહ્મપુત્રા પ્રોજેક્ટ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે નદીઓ વચ્ચે જળમાર્ગ જોડાણ સ્થાપિત કરવા હાથ ધરવામાં આવી રહ્યો છે. 13મી જાન્યુઆરી, 2023ના રોજ કાશીથી દિબ્રુગઢ સુધી બાંગ્લાદેશ થઈને રવાના થનારી આ ક્રુઝનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 3200 કિલોમીટરની લાંબી આ સફર સમગ્ર વિશ્વમાં આ પ્રકારની સૌપ્રથમ યાત્રા છે અને તે દેશમાં વધી રહેલા ક્રુઝ ટૂરિઝમનું પ્રતિબિંબ બનશે.
પશ્ચિમ બંગાળના લોકોના દેશ માટેના પ્રેમને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ ભારતમાં સાંસ્કૃતિક વારસાનાં વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં અને તેમાંથી શીખવામાં પણ તેઓ જે ઉત્સાહ દર્શાવે છે તેના પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "બંગાળના લોકો પ્રવાસન ક્ષેત્રમાં પણ નેશન ફર્સ્ટની ભાવના ધરાવે છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે દેશમાં કનેક્ટિવિટીને વેગ મળે છે અને રેલવે, જળમાર્ગ અને રાજમાર્ગો વધારે અદ્યતન બની રહ્યાં છે, ત્યારે તેનું પરિણામ ઇઝ ઑફ ટ્રાવેલ છે અને બંગાળના લોકોને તેનો લાભ પણ મળ્યો છે, " એમ શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી.
પ્રધાનમંત્રીએ ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની કેટલીક પંક્તિઓનું પઠન કરીને સંબોધનનું સમાપન કર્યું હતું, જેનો અર્થ થાય છે , "મારા દેશની માટી, હું તને શિશ ઝુકાવું છું". પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આ આઝાદી કા અમૃત કાળમાં દરેક વ્યક્તિએ આપણી માતૃભૂમિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ખભેખભો મિલાવીને કામ કરવું જ જોઈએ. પ્રધાનમંત્રીએ સમાપન કરતા કહ્યું હતું કે, "આખું વિશ્વ ભારતને આશા અને અપેક્ષાઓની નજરે જોઈ રહ્યું છે. દેશના દરેક નાગરિકે દેશની સેવા માટે પોતાની જાતને સમર્પિત કરવી જ જોઈએ."
આ પ્રસંગે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી વી. આનંદ બોઝ, ભારતના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રીઓ શ્રી જ્હોન બરલા, ડૉ. સુભાષ સરકાર અને શ્રી નિશિથ પરમાણિક તથા સાંસદ શ્રી પ્રસૂન બેનર્જી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
પશ્ચાદભૂમિકા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાવડા રેલવે સ્ટેશન પર હાવડાથી ન્યૂ જલપાઇગુડીને જોડતી 7મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ અતિ આધુનિક સેમી હાઈસ્પીડ ટ્રેન અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેન માલદા ટાઉન, બરસોઈ અને કિશનગંજ સ્ટેશનો પર બંને દિશામાં માર્ગ પર રોકાશે.
પ્રધાનમંત્રીએ જોકા-એસ્પ્લેનેડ મેટ્રો પ્રોજેક્ટ (પર્પલ લાઇન)નાં જોકા-તારાતલા પટ્ટાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જોકા, ઠાકુરપુકુર, સખેર બજાર, બેહલા ચૌરાસ્તા, બેહલા બજાર અને તારાતલા એમ 6 સ્ટેશનો ધરાવતો 6.5 કિલોમીટરનો આ પટ્ટો રૂ. 2475 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. કોલકાતા શહેરના દક્ષિણ ભાગો જેવા કે સરસુના, ડાકઘર, મુચીપારા અને દક્ષિણ 24 પરગણાના મુસાફરોને આ પ્રોજેક્ટનાં ઉદ્ઘાટનથી ઘણો લાભ થશે.
પ્રધાનમંત્રીએ ચાર રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમાં રૂ. 405 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી બોઇંચી- શક્તિગઢની ત્રીજી લાઇન; રૂ. 565 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ દાનકુની- ચંદનપુર ચોથી લાઇન પ્રોજેક્ટ; રૂ. 254 કરોડના ખર્ચે તૈયાર નિમતીતા - ન્યૂ ફરક્કા ડબલ લાઇન; અને અમ્બરી ફાલકાટા - ન્યૂ માયનાગુરી-ગુમાનીહાટ ડબલિંગ પ્રોજેક્ટ જે રૂ. 1080 કરોડથી વધારેનાં ખર્ચે વિકસાવવામાં આવ્યો છે, તેનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રૂ. 335 કરોડથી વધારેના ખર્ચે વિકસાવવામાં આવનાર નવા જલપાઈગુડી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલારોપણ પણ કર્યું હતું.
*****
DS/TS
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1887525)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam