સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વૈશ્વિક સ્તરે તાજેતરના કેસોમાં થયેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ડૉ. મનસુખ માંડવિયાએ, રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કોવિડ-19ના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્યની તૈયારીઓ અને કોવિડ-19 રસીકરણની પ્રગતિની સમીક્ષા કરી


રાજ્યોને એલર્ટ રહેવાની અને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે તમામ તૈયારીઓ રાખવાની સલાહ આપી

જેમ આપણે અગાઉના સમયમાં કેસો વધ્યા ત્યારે કર્યું હતું તેમ, કેન્દ્ર અને રાજ્યોએ સહયોગની ભાવના સાથે કામ કરવું જરૂરી છે: ડૉ. મનસુખ માંડવિયા

"ટેસ્ટ- ટ્રેક- ટ્રીટ- રસીકરણ અને કોવિડ સંબંધિત યોગ્ય આચરણોનું પાલન એ કોવિડ વ્યવસ્થાપન માટે પરખાયેલી વ્યૂહરચના તરીકે ચાલુ રહેશે"

સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવાની રાજ્યોને સલાહ આપી; ટેસ્ટિંગમાં વધારો કરવા અને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ સુનિશ્ચિત કરવાનું કહેવાયું

Posted On: 23 DEC 2022 5:39PM by PIB Ahmedabad

"કેન્દ્ર અને રાજ્યોએ કોવિડ 19 નિવારણ અને વ્યવસ્થાપન માટે અગાઉના સમયમાં કેસોની સંખ્યામાં વધારો થયો તે દરમિયાન કરવામાં આવ્યું હતું તેમ એકસાથે અને સહયોગની ભાવનાથી કામ કરવાની જરૂર છે." આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો/અધિક મુખ્ય સચિવો અને માહિતી કમિશનરો સાથે સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરતી વખતે જણાવી હતી. ચીન, જાપાન, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા કેટલાક દેશોમાં તાજેતરના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્યની તૈયારીઓ અને કોવિડ-19 રસીકરણ અભિયાનમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી કે પોલની હાજરીમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી.

પુડુચેરીના મુખ્યમંત્રી શ્રી એન રંગાસ્વામી, ત્રિપુરાના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ડો. માણિકસાહા, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, આરોગ્ય મંત્રી (રાજસ્થાન) શ્રી પરસાદીલાલ મીણા, આરોગ્ય મંત્રી (ઉત્તરાખંડ) શ્રી ધનસિંહ રાવત, આરોગ્ય મંત્રી (આસામ) શ્રી કેશબ મહંતા, આરોગ્ય મંત્રી (કર્ણાટક) ડો. કે. સુધાકર, શ્રી બન્ના ગુપ્તા, આરોગ્ય મંત્રી (ઝારખંડ), શ્રી પ્રભુરામ ચૌધરી, આરોગ્ય મંત્રી (મધ્યપ્રદેશ), આરોગ્ય મંત્રી (પંજાબ) શ્રી એસ ચેતન સિંહ જૌરમાજરા, આરોગ્ય મંત્રી (છત્તીસગઢ) શ્રી ટી એસ સિંહ દેવ, આરોગ્ય મંત્રી (મણિપુર) શ્રી સપમરંજન સિંહ, આરોગ્ય મંત્રી (હરિયાણા) શ્રી અનિલ વિજ, આરોગ્ય મંત્રી (તામિલનાડુ) શ્રી તિરુ મા સુબ્રમણ્યમ, આરોગ્ય મંત્રી (આંધ્રપ્રદેશ) શ્રીમતી વિદાદલારાજિની, આરોગ્ય મંત્રી (કેરળ) શ્રીમતી વીણા જ્યોર્જ, આરોગ્ય પ્રધાન (પશ્ચિમ બંગાળ) શ્રીમતી ચંદ્રીમા ભટ્ટાચાર્ય અને નાયબ મુખ્ય મંત્રી (દિલ્હી) શ્રી મનીષ સિસોદિયા આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આદરણીય પ્રધાનમંત્રીના સંદેશનો આ બેઠકમાં ઉલ્લેખ કર્યો જેમણે ગઇકાલે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યોને એલર્ટ રહેવા અને કોવિડ-19 વ્યવસ્થાપન માટે તમામ તૈયારીઓ રાખવાની સલાહ આપી હતી. રાજ્યોને પ્રી-એપ્ટિવ અને પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામગીરી ચાલુ રાખવાની વિનંતી કરવામાં આવી હતી. તેમણે રાજ્યોને વિનંતી કરી કે દેશમાં ફેલાઇ રહેલા નવા પ્રકારો, જો કોઇ હોય તો, સમયસર શોધી શકાય તેની ખાતરી કરવા માટે ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) નેટવર્ક દ્વારા વેરિયન્ટ્સને ટ્રેક કરવા માટે પોઝિટિવ કેસના સેમ્પલના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવામાં આવે. આરોગ્ય સુવિધા આધારિત સેન્ટિનલ સર્વેલન્સ; સાર્વત્રિક-શ્વસન વાઇરસ સર્વેલન્સ; સમુદાય આધારિત દેખરેખ; અને ગટર/ગંદાપાણીની દેખરેખ વગેરે ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો છે. તેમણે "સામુહિક રીતે સિસ્ટમને પુનઃજીવિત કરવાની અને કોઇપણ પ્રકારે આત્મસંતોષ ન માનવા તેમજ અને થાકની ભાવનાને દૂર કરવાની જરૂરિયાત" પર પ્રકાશ પાડ્યો હતો.

ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, કોવિડના નવા વેરિઅન્ટ્સને ધ્યાનમાં લીધા વિના, ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેટ અને કોવિડ સંબંધિત યોગ્ય વર્તણૂકનું પાલનએ કોવિડના વ્યવસ્થાપન માટે પરખાયેલી વ્યૂહરચના તરીકે જળવાઇ રહે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આનાથી યોગ્ય જાહેર આરોગ્યના પગલાં હાથ ધરવામાં સરળતા રહેશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 22 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતા સપ્તાહે, પ્રતિ મિલિયન 79 પરીક્ષણોના વર્તમાન દરથી ઝડપથી પરીક્ષણનો દર વધારવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી. તેમને આગળ સલાહ આપવામાં આવી હતી કે, પરીક્ષણોમાં RT-PCRનો હિસ્સો વધારવાની જરૂર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પાત્રતા ધરાવતા તમામ લોકો, જેમાં ખાસ કરીને વૃદ્ધ અને સંવેદનશીલ જન સમૂહનું રસીકરણ વધારવાની સલાહ આપી હતી. તેમણે સમયસર તથ્યપૂર્ણ રીતે સાચી માહિતીના પ્રસારણની ખાતરી કરીને ખોટી માહિતી ફેલાવવા સામે ચેતવણી આપી હતી. આગામી સમયમાં આવી રહેલા તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, તેમણે કોવિડ સંબંધિત યોગ્ય વર્તનના પાલન અંગે જનજાગૃતિ અભિયાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. ડૉ. માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીઓને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતાની વ્યક્તિગત રીતે દેખરેખ રાખવા માટે અને તેની સમીક્ષા કરવા અને આવશ્યક દવાઓનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી કરવા માટે અનુરોધ કર્યો હતો.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19ની વૈશ્વિક પરિસ્થિતિ અને સ્થાનિક પરિદૃશ્ય વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવી હતી. તેઓને યાદ અપાવવામાં આવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જૂન 2022માં "કોવિડ-19ના સંદર્ભમાં સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના માટે પરિચાલન માર્ગદર્શિકા" બહાર પાડી દીધી છે, જેમાં નવા SARS-CoV-2 વેરિઅન્ટને કારણે ફાટી નીકળેલી બીમારીને શોધી કાઢવા અને નિયંત્રિત કરવા માટે શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની વહેલી તપાસ, આઇસોલેશન, પરીક્ષણ અને સમયસર વ્યવસ્થાપન માટે કહેવાયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તેનો અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરી હતી. કોવિડ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પર વ્યાપક અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ કરવાનો; પરીક્ષણમાં વધારો કરવાનો સમાવેશ થાય છે.

રાજ્યોએ આદરણીય પ્રધાનમંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી અધ્યક્ષતામાં યોજવામાં આવેલી સમયસર સમીક્ષા બેઠકો અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સલાહની પ્રશંસા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે તેઓ કોવિડ-19ના અસરકારક નિવારણ અને વ્યવસ્થાપન માટે કેન્દ્ર સાથે મળીને કામ કરશે. તેમણે માહિતી આપી કે તેઓ તકેદારી જાળવી રહ્યા છે અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. રાજ્યોએ એવી પણ ખાતરી આપી છે કે તેઓ 27 ડિસેમ્બર, 2022ના રોજ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીની ચકાસણી કરવા માટે મોક ડ્રીલ યોજશે.

આ બેઠકમાં ડૉ. મનોહર અગનાની, અધિક સચિવ (આરોગ્ય મંત્રાલય), શ્રી લવ અગ્રવાલ, અધિકસ ચિવ (આરોગ્ય મંત્રાલય), શ્રી મનદીપ ભંડારી, સંયુક્ત સચિવ (આરોગ્ય મંત્રાલય), ડૉ. અતુલ ગોયલ, DGHS અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD


(Release ID: 1886131) Visitor Counter : 327