ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે લોકસભામાં નિયમ 193 હેઠળ દેશમાં નશીલા દ્રવ્યોની સમસ્યા અને તેને પહોંચી વળવા સરકારે લીધેલાં પગલાંની ટૂંકી ચર્ચાનો જવાબ આપ્યો

Posted On: 21 DEC 2022 8:21PM by PIB Ahmedabad

 

ડ્રગ્સના વેપાર અને તેના નફા દ્વારા આતંકવાદને નાણાં આપવા સામે મોદી સરકાર ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે અને સરકાર તેને કડકાઇથી શૂન્ય પર લઇ જવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ગૃહ મંત્રાલયની સામે નશામુક્ત ભારતનું લક્ષ્ય રાખ્યું છે અને આ લક્ષ્યને પૂર્ણ કરવામાં અમારા તરફથી કોઈ કસર રહેશે નહીં


ડ્રગ્સ સામેની આ લડાઈ કેન્દ્ર, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સાથે મળીને લડવી પડશે

 

એનડીપીએસ હેઠળ બોર્ડર સિક્યોરિટી ફોર્સ, એસએસબી અને આસામ રાઇફલ્સ- ત્રણેયને કેસ નોંધવાની સત્તા આપવામાં આવી છે, ભારતીય કોસ્ટ ગાર્ડ, રાજ્યોનાં કોસ્ટલ પોલીસ સ્ટેશન અને રેલવે પ્રોટેક્શન ફોર્સને પણ સત્તા આપવામાં આવી છે
 


પરંતુ સુરક્ષા દળોને આપવામાં આવેલા આ અધિકારો પર કેટલાંક રાજ્યોએ કહ્યું કે તેમના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે... જો આપણે આપણી એજન્સીઓને સત્તા નહીં આપીએ, તો તેઓ કેવી રીતે કામ કરશે? આપણને આપણા સુરક્ષા દળોમાં વિશ્વાસ હોવો જોઈએ, જે લોકો આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે તેઓ ડ્રગ્સની તસ્કરીને ટેકો આપી રહ્યા છે
 


જો કોઈ રાજ્યમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાય છે, તો તેનો અર્થ એ છે કે રાજ્યએ ડ્રગ્સ સામે સારું કામ કર્યું છે, રેતીમાં મોં સંતાડી દેવાથી આંધી શમી નથી જતી, આંધીનો સામનો કરવો પડે છે... શાહમૃગ નીતિથી આપણે દેશને બચાવી ન શકીએ

 

કોઈ ડ્રગ્સની તપાસ અને તેની જપ્તીને એકલદોકલ તરીકે જોઈએ નહીં, આપણે ડ્રગ્સનાં આખાં નેટવર્કને તોડી પાડવું પડશે, તો જ આ સમસ્યા હલ થઈ શકે છે

 

ડ્રગ્સનું સેવન કરનાર પીડિત હોય છે, તેના પ્રત્યે સહાનુભૂતિનું વલણ હોવું જોઈએ, પરંતુ જે લોકો ડ્રગ્સનો વેપાર અને દાણચોરી કરે છે તેમને કાયદાની જાળમાં લાવવા જોઇએ

 

આ એક સીમારહિત અપરાધ છે અને જ્યાં સુધી સહકાર, સમન્વય અને સહયોગ નહીં સધાય ત્યાં સુધી આપણે આ લડાઈ જીતી શકીશું નહીં

 

ડ્રગ ડીલર માટે, તે ગોલ્ડન ટ્રાયંગલ અને ગોલ્ડન ક્રેસન્ટ હોઈ શકે છે, પરંતુ આપણા અને આપણા યુવાનો માટે તે ડૅથ ટ્રાયંગલ અને ડૅથ ક્રેસન્ટ છે, ડ્રગ્સનાં દૂષણ સામેની આ લડતને જીતવાં માટે વિશ્વએ પોતાનો દૃષ્ટિકોણ બદલવો પડશે

 

એન્કૉર્ડની જિલ્લા કક્ષાની બેઠક સૌથી મહત્વની હોય છે અને જ્યાં સુધી ડીસીપી, કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારી વગેરે જિલ્લા કક્ષાએ સાથે બેસીને ચર્ચા નહીં કરે ત્યાં સુધી આપણી આ લડત સફળ નહીં થાય

 

ડ્રગ્સ નેટવર્કના ચાર્ટનું પણ મૅપિંગ કરવામાં આવ્યું છે અને રાજ્યોમાં ડ્રગ્સના ઘૂસવાના રસ્તા અને તેનાં નેટવર્કનું 472 જિલ્લાઓમાં મૅપિંગ કરીને રાજ્યોને મોકલવામાં આવ્યું છે

 

નાર્કોટિક્સના સેમ્પલનાં ટેસ્ટિંગમાં કોઈ વિલંબ ન થાય અને ગુનેગારો છટકી ન જાય તે માટે ભારત સરકાર 6 પ્રાદેશિક લેબની પણ સ્થાપના કરી રહી છે

 

ડ્રગ્સ વિરુદ્ધ આ અભિયાન કોઈ એક સરકારનું ન હોઈ શકે, કેન્દ્ર અને રાજ્યોની તમામ એજન્સીઓએ એક મંચ પર આવવું પડશે અને એટલી જ તીવ્રતા અને ગંભીરતા સાથે આ અભિયાન ચલાવવું પડશે તો જ આપણે આપણી આવનારી પેઢીઓને બચાવી શકીશું

 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે લોકસભામાં નિયમ 193 હેઠળ દેશમાં ડ્રગ્સની સમસ્યા અને તેની સામે સરકારે લીધેલા પગલાં અંગે ટૂંકી ચર્ચાનો જવાબ આપ્યો હતો.

ગૃહના સભ્યોનો આભાર માનતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ વિષયને રાજકીય રંગ આપવાને બદલે ગૃહે તેને ખૂબ ગંભીરતાથી લીધું છે અને તમામ સભ્યોએ એ વાત સ્વીકારી છે કે આ ખૂબ જ ગંભીર સમસ્યા છે. તેમણે કહ્યું કે ડ્રગ્સની સમસ્યા એ આપણી પેઢીઓને  બરબાદ કરી નાખનારી સમસ્યા છે અને આ કારોબારમાંથી થતા નફાનો ઉપયોગ આતંકવાદને નાણાં આપવા માટે કરવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવનાં વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશની સામે નશામુક્ત ભારતનો સંકલ્પ મૂક્યો છે અને 2014થી આ દિશામાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે ગૃહને ખાતરી આપી હતી કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ડ્રગ્સના વેપાર અને તેના નફામાંથી ટેરર ફાઇનાન્સિંગ સામે તેના નફા સામે ઝીરો-ટોલરન્સ નીતિ ધરાવે છે અને સરકાર તેને કડકાઇથી શૂન્ય પર લઈ જવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યોનો ફેલાવો આપણી ભવિષ્યની પેઢીઓને પાંગળી બનાવે જ છે એની સાથે સાથે લાખો પરિવારોને બરબાદ પણ કરે છે, સાથે સાથે કાયદો અને વ્યવસ્થા સાથે સંબંધિત અનેક પ્રકારનાં સામાજિક દૂષણો પણ ઊભાં થાય છે. તેમણે કહ્યું કે જે દેશો ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માગે છે તેઓ તેનો ઉપયોગ કરે છે અને દેશમાં આ ડર્ટી મનીની હાજરી દેશની અર્થવ્યવસ્થાને પણ નબળી પાડે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ દેશનાં ગૃહ મંત્રાલયની સામે નશામુક્ત ભારતનું લક્ષ્ય મૂક્યું છે અને આ લક્ષ્યને પૂર્ણ કરવામાં અમારા તરફથી કોઈ કસર નહીં રહે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નશીલાં દ્રવ્યો સામેની આ લડાઈ કેન્દ્ર, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સાથે મળીને લડવી પડશે, કારણ કે તેને પરિણામો સુધી લઈ જવા માટે બહુઆયામી લડાઈ લડવી જરૂરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, એરપોર્ટ અને બંદરો દ્વારા ડ્રગ્સનો પ્રવેશ બંધ કરવો પડશે. તેમણે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને રાજ્યોની એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ પણ ડ્રગ્સ સામે સંકલનમાં રહીને કામ કરવું પડશે. આ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગે પણ સાથે મળીને પુનર્વસન અને વ્યસનમુક્તિ માટે કામ કરવાનું રહેશે તેમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો આપણે આ લડાઈનાં તમામ પાસાંઓને સંબોધિત કરીશું, તો આપણું નશામુક્ત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ડ્રગ્સ સામેની લડાઈનો સવાલ છે, દેશની તમામ રાજ્ય સરકારોએ અત્યાર સુધી આ લડાઈ કેન્દ્ર સરકાર સાથે ખભેખભા મિલાવીને લડી છે અને જે પણ યોજનાઓ બનાવવામાં આવી અને માહિતીની આપ-લે કરવામાં આવી, તેના પર પક્ષનાં રાજકારણ અને સત્તામાં રહેલા પક્ષથી ઉપર ઊઠીને, તમામ રાજ્યોએ પણ ખૂબ સારી રીતે અમલ પણ કર્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સીમાપારથી ડ્રોન, દાણચોરી, ટનલ, બંદર અને એરપોર્ટ મારફતે આપણાં દેશમાં નશીલા દ્રવ્યો આવે છે, પણ વેપાર બંધ કરવો એ આ સમસ્યાનું સમાધાન નથી. "આપણે આ સમસ્યાના નવા માર્ગોનો અંત લાવવો પડશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જે વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરે છે તેના પ્રત્યે સહાનુભૂતિનું વલણ હોવું જોઈએ અને તેના પુનર્વસન માટે તૈયારી અને કાનૂની જોગવાઈઓ હોવી જોઈએ, પરંતુ જે લોકો ડ્રગ્સનો વેપાર અને દાણચોરી કરે છે તેમને કાયદાની જાળમાં લાવવા જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, જે યુવાનો તેમાં ફસાયેલા છે, તેમને પાછા લાવવા અને સમાજ એમને ફરી સ્વીકાર કરે, આવાં સામાજિક વાતાવરણનું નિર્માણ કરવાની જવાબદારી આપણે સૌ સભ્યોની છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આપણે નશીલા દ્રવ્યોની કોઈ પણ તપાસ અને તેની જપ્તીને એકલતામાં ન જોઈ શકીએ. તેમણે કહ્યું કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને તે ક્યાં જઈ રહ્યું હતું, આપણે તેનાં આખાં નેટવર્કને તોડી પાડવું પડશે. જો આપણે આખાં નેટવર્કની તપાસ કરીએ તો જ આ સમસ્યા હલ થઈ શકે છે. તેમણે કહ્યું કે, એનસીબી દેશભરમાં તપાસ કરી શકે છે અને એનઆઈએ વિદેશમાં પણ તપાસ કરી શકે છે. ગૃહ પ્રધાને ગૃહને જણાવ્યું હતું કે તેમણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે જો તેમનાં રાજ્યમાં એવો કોઈ કેસ હોય કે જેમાં ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ તપાસ હાથ ધરીને રાજ્યની સીમાઓ ઓળંગવી પડે, તો તેઓ નિઃસંકોચપણે એનસીબીની મદદ લઈ શકે છે, કારણ કે એનસીબી દરેક રાજ્યની મદદ માટે તૈયાર અને પ્રતિબદ્ધ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશની સરહદોની બહાર કોઈ પણ પ્રકારની તપાસ લઈ જવાની થાય તો તપાસ માટે એનઆઈએની મદદ પણ લઈ શકાય છે. તેમણે ગૃહને માહિતી આપી હતી કે રાજ્યોએ લગભગ 42 કેસ એનસીબી અથવા એનઆઈએને સોંપ્યા છે અને આજે રાજ્યની એજન્સીઓ, એનસીબી અને એનઆઈએ સમગ્ર નેટવર્કને સફળતાપૂર્વક તોડી પાડવા આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે એનાં ખૂબ સારાં પરિણામ પણ આપણને મળી રહ્યાં છે અને રાજ્યોના સહયોગથી કેન્દ્રની નાર્કોટિક્સ વિરુદ્ધ લડાઈની ગતિ વધી છે અને ઉત્સાહ પણ બમણો થઈ ગયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ગોલ્ડન ટ્રાયંગલમાં દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો છે ગોલ્ડન ક્રેસન્ટમાં અને ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન છે. તેમણે કહ્યું હતું કે, ડ્રગના ડીલર માટે, તે ગોલ્ડન ટ્રાયંગલ અને ગોલ્ડન ક્રેસન્ટ હોઈ શકે છે, પરંતુ આપણા અને આપણા યુવાનો માટે તે ડૅથ ટ્રાયંગલ અને ડૅથ ક્રેસન્ટ છે, વિશ્વએ ડ્રગ્સનાં દૂષણ સામેની આ લડાઈને જીતવા માટે પોતાનો દૃષ્ટિકોણ બદલવો પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યો સામેની ભારત સરકારની લડાઈનાં ત્રણ ભાગ છે – સંસ્થાગત માળખાને મજબૂત કરવું, તમામ નાર્કો એજન્સીઓનું સશક્તીકરણ અને સંકલન તથા વ્યાપક અભિયાન જાગૃતિ અભિયાન. તેમણે કહ્યું કે, આ એક સીમારહિત અપરાધ છે અને જ્યાં સુધી સહકાર, સમન્વય અને સહયોગ નહીં સધાય ત્યાં સુધી આપણે આ લડાઈ જીતી શકીશું નહીં.

સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલ વિશે ગૃહને જાણકારી આપતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં 4-સ્તરીય NCORD- એનસીએઓઆરડી સ્થાપિત કરવામાં આવી હતી અને આ અંતર્ગત લેવાયેલા ઘણા નિર્ણયો રાજ્યોને આપવામાં આવ્યાં છે અને તેને જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એન્કોર્ડની જિલ્લા કક્ષાની બેઠક સૌથી મહત્વની છે કારણ કે જ્યાં સુધી ડીસીપી, કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વગેરે જિલ્લા સ્તરે એક સાથે બેસીને ચર્ચા નહીં કરે ત્યાં સુધી આપણી આ લડત સફળ નહીં થાય. તેમણે કહ્યું કે, આજ સુધી દેશના માત્ર 32 ટકા જિલ્લાઓમાં જ એન્કૉર્ડ સમિતિ બની છે. ગૃહમંત્રીએ ગૃહનાં માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને વ્યક્તિગત રસ લઈને પોત-પોતાના રાજ્યોમાં જિલ્લા સ્તરની એન્કૉર્ડ સમિતિઓની રચના કરવા વિનંતી કરી હતી.

તેમણે કહ્યું કે જે દિવસે દેશના તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્તરે આ સમિતિની રચના થશે, આપણી આ લડાઈ ખૂબ જ મજબૂત બનશે. તેમણે કહ્યું કે આ કમિટીમાં એનસીબીને નોડલ એજન્સી તરીકે રાખવામાં આવી છે અને આ અંતર્ગત ભારતીય નેવી, ભારતીય તટરક્ષક, ડ્રગ કંટ્રોલર, રેવન્યૂ ડિપાર્ટમેન્ટ, નેશનલ મેરિટાઇમ સિક્યોરિટી, એનટીઆરઓ, પોર્ટ ટ્રસ્ટ, એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, કોસ્ટલ પોલીસ અને સ્ટેટ નાર્કો એજન્સી વગેરે મળીને સંકલનનું કામ કરે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ માટે એક એન્કોર્ડ પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે જે એનસીબી દ્વારા સંચાલિત છે અને તેનું કામ ડેટા ઇન્ટિગ્રેશનનું છે. એક રીતે આ પોર્ટલ પર એક જ જગ્યાએ સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થઈ જાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે તાજેતરમાં જ ઇન્ટરપોલની સામાન્ય સભા ભારતમાં યોજાઇ હતી અને તેમાં તેમણે નાર્કોટિક્સ અને આતંકી લિંક્સનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યાં ભારત દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો કે નાર્કોટિક્સ, આતંકવાદ અને નાર્કો વેપાર દ્વારા આતંકવાદને ફાઇનાન્સ- આ ત્રણ વિષયો પર રિયલ ટાઇમ આધારે માહિતીની આપ-લે કરવા માટે ઇન્ટરપોલ તમામ દેશોનું એક પ્લેટફોર્મ બનાવે, જેનાથી શ્રેષ્ઠ પ્રથાઓની આપ-લે પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે તાજેતરમાં જ નો મની ફોર ટેરર કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ આપણે આંતરરાષ્ટ્રીય સહયોગ માટે નાર્કોટિક્સ સામેની લડાઈ પર ખૂબ જોર આપ્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, સરકારે એક સંયુક્ત સંકલન સમિતિની પણ રચના કરી છે અને કેન્દ્રીય સ્તરે તેની ઘણી બેઠકો પણ યોજાઇ ચૂકી છે. આ ઉપરાંત એનસીબીની કેડરનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને 619 જગ્યાઓ બનાવવામાં આવી છે. તેમણે ગૃહને માહિતી આપી હતી કે નાર્કો અપરાધીઓ પર રાષ્ટ્રીય સંકલિત ડેટાબેઝ, નિદાન પણ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના પર દરેક કેસના ચલણો અને ચુકાદાઓ અપલોડ કરવામાં આવ્યા છે. અમે ઇન્ટર-ઓપરેશનલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (આઇસીજેએસ) માટે જપ્તીની ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ અને જેલનો ડેટા પણ વહેંચી રહ્યા છીએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યોનાં નેટવર્કનો ચાર્ટનું મૅપિંગ કરવામાં આવ્યું છે અને રાજ્યોમાં ડ્રગ્સ ઘૂસાડવાના રસ્તા અને તેનાં નેટવર્કનું 472 જિલ્લાઓમાં મૅપિંગ કરીને રાજ્યોને મોકલાયું છે. તેમણે કહ્યું કે આ મેપિંગ સર્વે, માહિતી, જપ્તી પછીના કેસો અને પૂછપરછના અહેવાલોનું સંકલન કર્યા પછી કરવામાં આવ્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એનડીપીએસ અંતર્ગત સરહદી સુરક્ષા દળ, એસએસબી અને આસામ રાયફલ્સ- આ ત્રણેયને કેસ નોંધવાની સત્તા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, એ જ રીતે રાજ્યોમાં ભારતીય તટરક્ષક દળ અને તટીય પોલીસ સ્ટેશનોને પણ સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત રેલવે પ્રોટેક્શન ફોર્સને પણ સત્તા આપવામાં આવી છે. પરંતુ સુરક્ષા દળોને આપવામાં આવેલા આ અધિકારો પર કેટલાંક રાજ્યોએ કહ્યું કે તેમના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે... જો આપણે આપણી એજન્સીઓને સત્તા નહીં આપીએ, તો તેઓ કેવી રીતે કામ કરશે? આપણને આપણાં સુરક્ષા દળોમાં વિશ્વાસ હોવો જોઈએ, જે લોકો આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે તેઓ ડ્રગ્સની તસ્કરીને ટેકો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે જો કોઈ રાજ્યમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાય છે, તો તેનો અર્થ એ છે કે તે રાજ્યએ ડ્રગ્સ સામે સારું કામ કર્યું છે, રેતીમાં મોં સંતાડવાથી આંધી ચાલી નથી જતી, આંધીનો સામનો કરવો પડે છે… આપણે શાહમૃગ નીતિથી દેશને બચાવી શકતા નથી. ગૃહમંત્રીએ કહ્યું કે એનઆઈએને દુનિયાભરમાં કોઈ પણ મામલાની તપાસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. નાણાકીય તપાસ માટે પણ ઘણા બધા નિષ્ણાતો રાખવામાં આવ્યા છે, ભારત સરકારનાં ગૃહ મંત્રાલય દ્વારા નાણાકીય દસ્તાવેજોનાં વિશ્લેષણ માટે ઘણા નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ ચેનલ્સ, હવાલા ટ્રાન્ઝેક્શન અને ડાર્ક નેટ- આ ત્રણેય માટે હેકાથોનનું આયોજન કરીને ટેલેન્ટેડ બાળકોને તેમાં સામેલ કરીને એક સચોટ વ્યૂહરચના બનાવાઇ છે અને તેનાં માધ્યમથી ઘણાં લોકો પકડાયાં પણ છે. તેમણે કહ્યું કે અમે સ્વદેશી કૂતરાની જાતિઓ તૈયાર કરીને ઘણી ડોગ સ્કવોડ બનાવી દીધી છે અને રાજ્યોને પણ આવી ડોગ સ્કવોડ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે એક સમર્પિત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમર્પિત એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ રાજ્યોની સહાય માટે ઉપલબ્ધ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, બેવડા ઉપયોગની દવાઓનો કેટલો ઓછો ઉપયોગ કરી શકાય છે એના પર ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યૂટિકલ્સ દ્વારા અધિકારીઓની એક કમિટીની રચના કરવામાં આવી છે, જે જુએ છે કે આવી કેટલી દવાઓ પર પ્રતિબંધ લગાવી શકાય છે, જેના માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે. તેમણે આશા વ્યક્ત કરી કે ઘણી દવાઓને પ્રતિબંધિત શ્રેણીમાં લાવવામાં આવશે અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકાશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, દરિયાઈ માર્ગે થતી દાણચોરી અટકાવવા માટે એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને ભારતીય નૌકાદળ, ભારતીય તટરક્ષક દળ, એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા અને એનસીબીની સંયુક્ત સાપ્તાહિક બેઠક યોજાય છે, જેમાં માહિતીનું આદાન-પ્રદાન થાય છે. તેમણે કહ્યું કે મણિપુરમાં લગભગ 1000 હૅક્ટર ગેરકાયદેસર નશાની ખેતી નષ્ટ કરીને, ત્યાં બાગાયતી ખેતી કરવામાં આવી છે અને ત્યાં પુનર્વસનના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ સાથે, મેક, જે તમામ એજન્સીઓનાં સંકલનનું કેન્દ્ર છે અને સબમેક તરીકે, અમે નાર્કો માટે એક અલગ મેકની વ્યવસ્થાની રચના કરી છે અને તેમાં નાર્કો ટ્રાફિકિંગ પ્લેટફોર્મ્સ પર નજર રાખવી, ડ્રગ નેટવર્ક્સને આંતરવું, વલણોનું સતત વિશ્લેષણ અને ડેટાબેઝ અપડેટ્સનું વિશ્લેષણ કરીને નવી વ્યૂહરચના બનાવવાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સના ટ્રેનિંગ મોડ્યુલમાં પાંચ અલગ-અલગ ટ્રેનિંગ મોડયુલ તૈયાર કરવામાં આવ્યા છે અને આ પાંચ મોડ્યુલમાં જિલ્લા સુધી ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી હતી કે 3 ડિસેમ્બરે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્ય સ્તરના તમામ તાલીમ કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, 40 ટકા જિલ્લાઓમાં આ કામગીરી થઈ ચૂકી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એનસીબી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વચ્ચે નશીલા દ્રવ્યોની ફોરેન્સિક તપાસ માટે પણ સમજૂતી થઈ છે અને ભારત સરકાર લગભગ સમગ્ર દેશમાં નશીલા દ્રવ્યોની 6 પ્રાદેશિક પ્રયોગશાળાઓ સ્થાપિત કરી રહી છે, જેથી નમૂના પરીક્ષણમાં વિલંબ નહીં થાય. તેમણે જણાવ્યું હતું કે, મોટા જથ્થાવાળા કેસોના ગુનેગારોને જામીન ન મળે તે માટે તારીખ પ્રમાણે નહીં પરંતુ જથ્થા મુજબ પ્રાથમિકતા રહેશે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે નશામુક્ત ભારત અભિયાન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા 15 ઑગસ્ટ, 2020ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તેને મેપિંગ કરાયેલ 372 જિલ્લાઓમાં નીચલા તાલુકાઓ સુધી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત લગભગ 2.7 લાખથી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં 14 કરોડથી વધુ બાળકોએ વ્યસન મુક્તિના શપથ લીધા છે. આ ઉપરાંત 8000થી વધુ માસ્ટર વોલન્ટિયર્સની ઓળખ કરવામાં આવી છે, જે આ કામને ન્યૂનતમ માનદ વેતન સાથે કરે છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ તેનો પ્રચાર કરે છે. તેમણે કહ્યું હતું કે, અમે વ્યસન મુક્તિની રાષ્ટ્રીય ઓનલાઇન પદ્ધતિ મારફતે આશરે એક લાખ વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને યુવાનોને જોડવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ. ગૃહ મંત્રીએ કહ્યું કે ભારત સરકારે લગભગ 341 ઇન્ટિગ્રેટેડ રિહેબિલિટેશન સેન્ટર્સની સ્થાપના કરી છે અને અન્ય 300 પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત સરકારી હૉસ્પિટલોમાં પણ 41 વ્યસનની સારવારની સુવિધા શરૂ કરવામાં આવી છે અને વધુ 75નું નિર્માણ કરવાનું આયોજન છે. અમે ૭૨ આઉટરીચ કેન્દ્રો સ્થાપ્યાં છે અને અમે લગભગ બે લાખ સલાહકારો પણ તૈયાર કર્યા છે જે આવા કિસ્સાઓમાં પરામર્શ આપવાનું કામ કરે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં 75 વર્ષનાં અવસર પર અમે 60 દિવસની અંદર 75000 કિલો નશીલા પદાર્થોનો નાશ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ અમે 60 દિવસમાં જ 1,60,000 કિલો નશીલા પદાર્થોને બાળવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીનાં નેતૃત્વમાં અમે નક્કી કર્યું હતું કે અમે આ દેશની પેઢી અને યુવાનોને ડ્રગ્સ દ્વારા બરબાદ નહીં થવા દઈએ અને અમે તેમાં સફળ થઈ રહ્યા છીએ. તેમણે 2006થી 2013 અને 2014થી 2022 સુધીના કેટલાક આંકડા આપ્યા હતા-

વિગત

2006-2013

2014-2022

ફેરફાર (%)

જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ,

કિલોગ્રામમાં

22 લાખ 45 હજાર

કિલોગ્રામ

62 લાખ 60 હજાર

કિલોગ્રામ

180% વધુ

જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ,

યુનિટ્સમાં

10 કરોડ યુનિટ્સ

24 કરોડ યુનિટ્સ

134% વધુ

કિંમતમાં

33 હજાર કરોડ

97 હજાર કરોડ

ત્રણ ગણું

કુલ કેસો

1,45,062

4,14,697

185%

કુલ ધરપકડ

1,62,908

5,23,234

220%

 

 

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમે નશીલા દ્રવ્યોની દાણચોરીના કેસને ગંભીર પ્રકારના કેસમાં મૂક્યો છે અને નશીલા દ્રવ્યોની દાણચોરી કરતા વેપારીઓ સામે નોંધાયેલા 13,000 કેસ એ જ દર્શાવે છે કે અમારી દિશા સાચી છે અને તેનાં પરિણામો પણ મળી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 61 નવા સાયટોટ્રોપિક પદાર્થોને નોટિફાઇ કર્યા છે, જે અગાઉ આ કેટેગરીમાં આવતા ન હતા. ભારતીય એજન્સીઓએ લગભગ 14000 કિલો ટ્રામાડોલ પણ જપ્ત કર્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યો સામેનું આ અભિયાન કોઈ એક સરકાર, કોઈ એક પક્ષ અને કોઈ એક એજન્સીનું ન હોઈ શકે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોની તમામ એજન્સીઓએ એક જ મંચ પર આવવું પડશે અને સમાન તીવ્રતા અને ગંભીરતા સાથે આ અભિયાન ચલાવવું પડશે તો જ આપણે આપણી ભવિષ્યની પેઢીઓને બચાવી શકીશું. તેમણે કહ્યું કે આજે આ લડાઈ એવા નિર્ણાયક તબક્કે છે કે જો આપણે જીતીશું, તો આપણે આપણા વંશને બચાવી શકીશું. શ્રી શાહે ગૃહને વિનંતી કરી હતી કે આ એક મુદ્દા પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, તમામ રાજ્ય સરકારોએ સાથે મળીને જિલ્લા સ્તરીય એનકોર્ડની રચના કરે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારનાં ગૃહ મંત્રાલયે શરૂ કરેલાં અભિયાનને મજબૂત બનાવે.

YP/GP/JD



(Release ID: 1885567) Visitor Counter : 253