પ્રધાનમંત્રીનું કાર્યાલય

મહારાષ્ટ્રનાં નાગપુરમાં વિવિધ વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 11 DEC 2022 3:26PM by PIB Ahmedabad

મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન ભગતસિંહજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, આ ધરતીના સંતાન અને મહારાષ્ટ્રનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ શ્રી દેવેન્દ્રજી, નીતિનજી, રાવ સાહેબ દાનવે, ડૉ. ભારતી તાઈ અને વિશાળ સંખ્યામાં પધારેલાં નાગપુરનાં મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો.

આજ સંકષ્ટી ચતુર્થી આહે. કોણ્તેહી શુભ કામ કરતાના, આપણ પ્રથમ ગણેશ પૂજન કરતો. આજ નાગપુરાત આહોત, તર ટેકડીચ્યા ગણપતિ બાપ્પાલા, માઝે વંદન. 11 ડિસેમ્બરનો આજનો દિવસ સંકષ્ટી ચતુર્થીનો પવિત્ર દિવસ છે. આજે મહારાષ્ટ્રના વિકાસ માટે 11 તારાઓનાં મહાનક્ષત્રનો ઉદય થઈ રહ્યો છે.

પહેલો તારો - 'હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ' જે હવે નાગપુર અને શિરડી માટે તૈયાર થઈ ચૂક્યો છે. બીજો સિતારો નાગપુર એઈમ્સ છે, જેનો લાભ વિદર્ભના એક મોટા વિસ્તારના લોકોને મળશે. ત્રીજો સિતારો નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થની સ્થાપના છે. ચોથો તારો એ આઈસીએમઆરનું સંશોધન કેન્દ્ર છે જે લોહીને લગતા રોગોનાં નિવારણ માટે ચંદ્રપુરમાં બનાવવામાં આવ્યું છે. પાંચમો સિતારો સિપેટ ચંદ્રપુરની સ્થાપના છે, જે પેટ્રોરસાયણ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. છઠ્ઠો તારો એ નાગપુરમાં નાગ નદીનાં પ્રદૂષણને ઘટાડવા માટે શરૂ કરાયેલ એક પ્રોજેક્ટ છે. સાતમો સિતારો નાગપુરમાં મેટ્રો ફેઝ ૧નું ઉદ્‌ઘાટન અને બીજા તબક્કાનો શિલાન્યાસ છે. આઠમો તારો નાગપુર અને બિલાસપુર વચ્ચે આજે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ છે. નવમો સિતારો- 'નાગપુર' અને 'અજની'  રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટેની પરિયોજના છે. 10મો તારો - અજનીમાં 12 હજાર હૉર્સ પાવરનાં રેલવે એન્જિનના મેન્ટેનન્સ ડેપોનું લોકાર્પણ છે. અગિયારમો સિતારો નાગપુર-ઇટારસી લાઇનના કોહલી-નરખેડ રૂટનું લોકાર્પણ છે. અગિયાર સિતારાઓનું આ મહાનક્ષત્ર મહારાષ્ટ્રના વિકાસને નવી દિશા આપશે, નવી ઊર્જા આપશે. આઝાદીનાં 75 વર્ષના અમૃત મહોત્સવમાં 75 હજાર કરોડના આ વિકાસ કાર્યો માટે મહારાષ્ટ્રને અને મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ અભિનંદન.

સાથીઓ,

આજનું આ આયોજન એ વાતનો પણ પુરાવો છે કે ડબલ એન્જિનની સરકાર, મહારાષ્ટ્રમાં કેટલી ઝડપી ગતિએ કામ કરી રહી છે. સમૃદ્ધિ મહામાર્ગથી નાગપુર અને મુંબઈ વચ્ચેનું અંતર તો ઘટશે જ, સાથે સાથે તે મહારાષ્ટ્રના 24 જિલ્લાઓને આધુનિક કનેક્ટિવિટી સાથે જોડી રહ્યો છે. તેનાથી ખેતી-ખેડૂતોને, આસ્થાનાં વિવિધ સ્થળોએ આવતા-જતા શ્રદ્ધાળુઓને, ઉદ્યોગોને બહુ મોટો લાભ થવાનો છે, રોજગારની નવી તકો ઊભી થવાની છે.

સાથીઓ,

આજના દિવસની બીજી એક વિશેષતા પણ છે. આજે જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તે માળખાગત વિકાસનું સંપૂર્ણ વિઝન દર્શાવે છે. એઈમ્સ પોતાનામાં જ એક અલગ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને સમૃદ્ધિ મહામાર્ગ એક અલગ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. એ જ રીતે વંદે ભારત એક્સપ્રેસ અને નાગપુર મેટ્રો બંને જ એક અલગ પ્રકારના કેરેક્ટર યુઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતાં, પરંતુ આ બધુ એક બૂકેમાં, ફૂલોના ગુલદસ્તામાં અલગ અલગ પુષ્પોની જેમ છે, જેમાંથી નીકળીને વિકાસની સુગંધ લોકો સુધી પહોંચશે.

વિકાસનો આ ગુલદસ્તો છેલ્લાં 8 વર્ષના પરિશ્રમથી તૈયાર, વિશાળ બગીચાનું પ્રતિબિંબ પણ છે. સામાન્ય માનવીની આરોગ્ય સેવાની વાત હોય કે પછી વેલ્થ ક્રિએશનની વાત હોય, ખેડૂતને સશક્ત બનાવવાની વાત હોય કે પછી જળ સંરક્ષણની વાત હોય, આજે દેશમાં પહેલી વાર એવી સરકાર આવી રહી છે જેણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક માનવીય સ્વરૂપ આપ્યું છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક એવો માનવીય સ્પર્શ જે આજે દરેકનાં જીવનને સ્પર્શી રહ્યો છે. આયુષ્માન ભારત યોજના, જે દરેક ગરીબને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર પ્રદાન કરે છે, તે આપણા સોશિયલ ઇન્ફ્રાનું ઉદાહરણ છે. કાશી, કેદારનાથ, ઉજ્જૈનથી લઈને પંઢરપુર સુધી આપણાં શ્રદ્ધાનાં સ્થળોનો વિકાસ એ આપણા સાંસ્કૃતિક ઇન્ફ્રાનું ઉદાહરણ છે.

જન ધન યોજના, જે 45 કરોડથી વધુ ગરીબોને બૅન્કિંગ સિસ્ટમ સાથે જોડે છે, તે આપણાં નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. નાગપુર એઈમ્સ જેવી આધુનિક હૉસ્પિટલો ખોલવાનું અભિયાન, દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજો ખોલવાનું અભિયાન, આપણાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. અને તે બધામાં જે સમાન છે તે છે માનવ સંવેદનાનું તત્ત્વ, માનવ સ્પર્શ, સંવેદનશીલતા. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માત્ર નિર્જીવ રસ્તાઓ અને ફ્લાયઓવર સુધી મર્યાદિત ન રાખી શકીએ, તેનો વિસ્તાર ઘણો મોટો છે.

અને સાથીઓ,

જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામમાં સંવેદનશીલતા ન હોય, તેનું માનવીય સ્વરૂપ ન હોય, માત્ર ઈંટો, પથ્થરો, સિમેન્ટ, ચૂનો, લોખંડ જોવા મળે ત્યારે તેનું નુકસાન દેશની જનતાને સહન કરવું પડે છે, સામાન્ય માણસને સહન કરવું પડે છે. હું તમને ગોસિખુર્દ ડેમનું ઉદાહરણ આપવા માગું છું. આ ડેમનું ભૂમિપૂજન ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને તે સમયે તેનો અંદાજીત ખર્ચ આશરે ૪૦૦ કરોડ રૂપિયાની આસપાસ હતો. પરંતુ વર્ષોથી અસંવેદનશીલ કાર્યશૈલીનાં કારણે આ ડેમ વર્ષો સુધી પૂર્ણ થઇ શક્યો ન હતો. હવે ડેમની અંદાજીત કિંમત 400 કરોડ રૂપિયાથી વધીને 18 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2017માં ડબલ એન્જિનની સરકાર બન્યા બાદ આ ડેમની કામગીરી વેગવાન બની છે, દરેક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. મને સંતોષ છે કે આ વર્ષે આ ડેમ પૂર્ણ ભરાયો છે. તમે કલ્પના કરી શકો છો, આ માટે ત્રણ દાયકાથી પણ વધુ સમય લાગ્યો ત્યારે છેક તેનો લાભ ગામને, ખેડૂતને મળવાનું શરૂ થયું છે.

ભાઇઓ અને બહેનો,

આઝાદીના અમૃત કાળમાં દેશ વિકસિત ભારતના મહાન સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. વિકસિત ભારતનાં નિર્માણનો માર્ગ ભારતની સામૂહિક શક્તિ છે. વિકસિત ભારતનાં નિર્માણનો મંત્ર છે- રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યનો વિકાસ. વીતેલા દાયકાઓમાં આપણો અનુભવ એ રહ્યો છે કે જ્યારે આપણે વિકાસને મર્યાદિત કરીએ છીએ, ત્યારે તકો પણ મર્યાદિત થઈ જ જાય છે. જ્યારે શિક્ષણ થોડા લોકો સુધી, અમુક વર્ગો સુધી જ મર્યાદિત હતું, ત્યારે રાષ્ટ્રની પ્રતિભા પણ સંપૂર્ણપણે ઉજાગર થઈ શકી નહોતી. જ્યારે કેટલાક લોકો પૂરતી જ બૅન્કો સુધીની પહોંચ હતી, ત્યારે વ્યવસાય-વેપાર પણ મર્યાદિત જ રહ્યો. જ્યારે વધુ સારી કનેક્ટિવિટી માત્ર થોડાં શહેરો પૂરતી જ મર્યાદિત હતી, ત્યારે વિકાસ પણ એ જ વિસ્તાર પૂરતો મર્યાદિત રહ્યો. એટલે કે, ન તો વિકાસનો સંપૂર્ણ લાભ દેશની વિશાળ વસ્તીને મળી રહ્યો હતો કે ન તો ભારતની અસલી તાકાત ઉભરીને સામે આવી રહી હતી. છેલ્લાં આઠ વર્ષમાં અમે આ વિચારસરણી અને અભિગમ બંનેમાં પરિવર્તન કર્યું છે. અમે 'સબકા સાથ- સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ' પર ભાર મૂકી રહ્યા છીએ. અને જ્યારે હું સબકા પ્રયાસ કહું છું, ત્યારે તેમાં દરેક દેશવાસી સામેલ છે અને દેશનું દરેક રાજ્ય સામેલ છે. નાનું હોય કે મોટું જે પણ હોય, સૌનું સામર્થ્ય વધશે, તો જ ભારત વિકસિત બનશે. એટલે જ જે પાછળ રહી ગયા છે, વંચિત રહી ગયા છે, જેમને નાના ગણવામાં આવ્યા અમે તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. એટલે કે, 'પહેલા જે વંચિત હતા તે હવે અમારી સરકારની પ્રાથમિકતામાં છે'.

આથી આજે નાના ખેડૂતો માટે પ્રાથમિકતાના ધોરણે કામગીરી થઇ રહી છે. વિદર્ભના ખેડૂતોને પણ પીએમ કિસાન સન્માન નિધિનો મોટો લાભ મળ્યો છે. અમારી સરકારે જ પશુપાલકોને પ્રાધાન્ય આપી કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે જોડ્યા છે. અમારા શેરી વિક્રેતાઓ, પાથરણાંવાળા વિક્રેતા ભાઈઓ અને બહેનો, સ્ટ્રીટ વૅન્ડર્સ, એ ભાઇ-બહેનોને પણ અગાઉ કોઈ પૂછતું ન હતું, તેઓ પણ વંચિત હતાં. આજે આવા લાખો સાથીઓને પણ અગ્રતા આપતા બૅન્કમાંથી સરળતાથી લોન મળી રહી છે.

સાથીઓ,

વંચિતોને પ્રાધાન્ય આપવાનું વધુ એક ઉદાહરણ આપણા આકાંક્ષી જિલ્લાઓનું પણ છે. દેશમાં 100થી વધુ જિલ્લાઓ એવા છે જે આઝાદીના આટલા દાયકાઓ પછી પણ વિકાસના અનેક માપદંડો પર ઘણા પાછળ હતા. આમાંના મોટા ભાગના આદિવાસી વિસ્તારો હતા, હિંસાથી પ્રભાવિત વિસ્તારો હતા. તેમાં મરાઠવાડા અને વિદર્ભના પણ અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. છેલ્લાં 8 વર્ષથી, અમે દેશના આવા જ વંચિત વિસ્તારોને ઝડપી વિકાસની ઊર્જાનું નવું કેન્દ્ર બનાવવા પર ભાર મૂકી રહ્યા છીએ. આજે જે પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે પણ આ વિચારસરણી અને અભિગમનું પ્રગટ રૂપ છે.

સાથીઓ,

આજે તમારી સાથે વાત કરતા હું મહારાષ્ટ્રના લોકોને, દેશની જનતાને, ભારતનાં રાજકારણમાં આવી રહેલી એક વિકૃતિથી સાવચેત કરવા પણ માગું છું. આ વિકૃતિ છે શૉર્ટ કટનાં રાજકારણની. આ વિકૃતિ છે, રાજકીય સ્વાર્થ માટે દેશના પૈસા લૂંટાવી દેવાની. આ વિકૃતિ છે, કરદાતાઓની મહેનતની કમાણીને લૂંટાવી દેવાની.

શૉર્ટકટ અપનાવનારા આ રાજકીય પક્ષો, આ રાજકીય નેતાઓ દેશના દરેક કરદાતાના સૌથી મોટા દુશ્મન છે. જેમનો હેતુ માત્ર સત્તામાં આવવાનો હોય છે, જેમનું લક્ષ્ય માત્ર ખોટાં વચનો આપીને સરકાર હડપવાનું હોય છે, તેઓ ક્યારેય દેશનું નિર્માણ કરી શકતા નથી. આજે જ્યારે એવા સમયમાં, ભારત આગામી 25 વર્ષોનાં લક્ષ્યો પર કામ કરી રહ્યું છે, ત્યારે કેટલાક રાજકીય પક્ષો પોતાના અંગત સ્વાર્થમાં ભારતની અર્થવ્યવસ્થાને ખતમ કરવા માગે છે.

આપણને બધાને યાદ હશે કે જ્યારે પહેલી ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે ભારત તેનો લાભ ઉઠાવી શક્યું નહોતું, આપણે બીજી-ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં પણ પાછળ રહી ગયા હતા, પરંતુ આજે જ્યારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સમય છે, ત્યારે ભારત તેને ગુમાવી શકે તેમ નથી. હું ફરીથી કહીશ, આવી તક કોઈ પણ દેશ પાસે વારંવાર આવતી નથી. કોઈ પણ દેશ શૉર્ટકટથી ચાલી ન શકે, દેશની પ્રગતિ માટે સ્થાયી વિકાસ, સ્થાયી ઉકેલ માટે કામ કરવું, લાંબા ગાળાનું વિઝન ખૂબ જ જરૂરી છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ટકાઉ વિકાસનાં મૂળમાં હોય છે.

એક સમયે દક્ષિણ કોરિયા પણ એક ગરીબ દેશ હતો, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા, તે દેશે તેનું ભાગ્ય બદલી નાખ્યું છે. આજે ખાડીના દેશો, આટલા આગળ એટલા માટે પણ છે અને લાખો ભારતીયોને ત્યાં રોજગારી મળે છે, કારણ કે તેમણે પણ છેલ્લા ત્રણ-ચાર દાયકામાં પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું છે, આધુનિક બનાવ્યું છે અને ફ્યુચર રેડી કર્યું છે.

તમે જાણતા જ હશો કે આજે ભારતના લોકોને સિંગાપોર જવાનું મન થાય છે. થોડા દાયકા પહેલા સુધી, સિંગાપોર પણ એક સામાન્ય ટાપુ દેશ હતો, લોકો મત્સ્યઉદ્યોગમાંથી થોડી આજીવિકા મેળવતા હતા. પરંતુ સિંગાપોરે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું, યોગ્ય આર્થિક નીતિઓને અનુસરી અને આજે તે વિશ્વનાં અર્થતંત્રનું આટલું મોટું કેન્દ્ર બની ગયું છે. જો આ દેશોમાં પણ શૉર્ટ-કટની રાજનીતિ થઈ હોત, કરદાતાઓના પૈસા લૂંટાવી દેવાયા હોત, તો આ દેશો કદી એ ઊંચાઇએ ન પહોંચી શકતે જ્યાં આજે તે છે. મોડેથી તો મોડેથી, ભારત પાસે હવે આ તક આવી છે. અગાઉની સરકારો દરમિયાન, આપણા દેશના પ્રામાણિક કરદાતાઓ દ્વારા આપવામાં આવતા નાણાં કાં તો ભ્રષ્ટાચારને ભેટ ચઢી ગયા અથવા વોટબૅન્કને મજબૂત બનાવવામાં વપરાઇ ગયા. હવે સમયની માગ એ છે કે સરકારી તિજોરીની પાઇ પાઇનો ઉપયોગ, દેશની મૂડી યુવા પેઢીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે નિર્માણ પાછળ ખર્ચ થવી જોઇએ.

આજે હું ભારતના દરેક નવયુવાનને આગ્રહ કરીશ, દરેક કરદાતાને આગ્રહ કરીશ કે, આવા સ્વાર્થી રાજકીય પક્ષોને, આવા સ્વાર્થી રાજકીય નેતાઓને ખુલ્લા પાડો. જેઓ "આમદની અઠન્ની, ખર્ચા રૂપૈયા" એ વાળી  કુનીતિ સાથે રાજકીય પક્ષો ચલાવી રહ્યા છે તે આ દેશને અંદરથી ખોખલો બનાવી દેશે. વિશ્વના ઘણા દેશોમાં આપણે આમદની અઠન્ની, ખર્ચા રૂપૈયા" આવી કુનીતિને કારણે સમગ્ર અર્થતંત્ર તબાહ થતાં જોયું છે. આપણે સાથે મળીને ભારતને આવી કુનીતિથી બચાવવાનું છે. આપણે યાદ રાખવાનું છે, એક તરફ “આમદની અઠન્ની, ખર્ચા રૂપૈયા"વાળી દિશાહીન કુનીતિ અને માત્ર સ્વાર્થ છે. તો બીજી તરફ દેશહિત અને સમર્પણભાવ છે, સાતત્યપૂર્ણ વિકાસ-ટકાઉ ઉકેલો માટેના પ્રયાસો છે. આજે ભારતના યુવાનો પાસે જે તક આવી છે તેને આપણે એમ જ જવા દઈ શકીએ નહીં.

અને મને ખુશી છે કે આજે દેશમાં સાતત્યપૂર્ણ વિકાસ અને ટકાઉ ઉકેલોને સામાન્ય માનવીનો પણ જબરદસ્ત ટેકો મળી રહ્યો છે. ગુજરાતમાં ગત સપ્તાહે જે પરિણામો આવ્યાં છે, તે ટકાઉ વિકાસ અને ટકાઉ ઉકેલની આર્થિક નીતિ, વિકાસની વ્યૂહરચનાનું પરિણામ છે.

હું શૉર્ટ કટ અપનાવતા આવા રાજકારણીઓને પણ નમ્રતાપૂર્વક અને આદરપૂર્વક કહીશ કે તેઓ ટકાઉ વિકાસનાં વિઝનને સમજે અને તેનું મહત્વ સમજે. આજે દેશ માટે તેની કેટલી જરૂર છે, એને સમજો. શૉર્ટકટને બદલે કાયમી વિકાસ કરીને પણ તમે ચૂંટણી જીતી શકો છો, વારંવાર ચૂંટણી જીતી શકો છો, વારંવાર ચૂંટણી જીતી શકો છો. હું આવી પાર્ટીઓને કહેવા માગું છું, તમારે ડરવાની જરૂર નથી. મને વિશ્વાસ છે કે, જ્યારે તમે દેશહિતને સર્વોપરી રાખશો, ત્યારે તમે શૉર્ટકટની રાજનીતિનો માર્ગ પણ ચોક્કસપણે છોડી દેશો.

ભાઇઓ અને બહેનો,

હું ફરી એકવાર મહારાષ્ટ્રના લોકોને, દેશના લોકોને આ પરિયોજનાઓ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અને હું મારા નવયુવા મિત્રોને કહું છું કે- આ જે મેં આજે 11 સિતારા દેખાડ્યા છે, જે 11 તારા આપની સામે ગણાવ્યા છે, 11 સ્ટાર્સ તમારાં ભવિષ્યનું ઘડતર કરવાના છે, તમારા માટે તકોને જન્મ આપવાના છે, અને આ જ માર્ગ છે, આ જ સાચો માર્ગ છે- ઈસહા પંથા, ઈસહા પંથા, આ મંત્રને લઈને ચાલો આપણે સંપૂર્ણ સમર્પણભાવથી આપણી જાતને ખપાવી દઈએ. 25 વર્ષની આ તકને આપણે જવા નહીં દઈએ દોસ્તો.

ખૂબ ખૂબ આભાર!

YP/GP/JD



(Release ID: 1882545) Visitor Counter : 197