પ્રધાનમંત્રીનું કાર્યાલય
વારાણસીમાં કાશી તમિલ સંગમમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
Posted On:
19 NOV 2022 7:00PM by PIB Ahmedabad
હર હર મહાદેવ!
વણક્કમ્ કાશી.
વણક્કમ્ તમિલનાડુ.
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રી એલ મુરુગનજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પૉન રાધાકૃષ્ણનજી, વિશ્વ વિખ્યાત સંગીતકાર અને રાજ્યસભાના સભ્ય ઇલૈઈરાજાજી, બીએચયુના વાઇસ ચાન્સલર સુધીર જૈન, આઇઆઇટી મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર કામકોટ્ટીજી, અન્ય બધા મહાનુભવો, અને તમિલનાડુથી મારાં કાશીમાં પધારેલા તમામ મારા આદરણીય અતિથિઓ, દેવીઓ અને સજ્જનો,
વિશ્વના સૌથી પ્રાચીન જીવંત શહેર કાશીની પવિત્ર ભૂમિ પર આપ સૌને જોઇને આજે મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું, ખૂબ જ સારું લાગે છે. હું આપ સૌનું મહાદેવની નગરી કાશીમાં, કાશી-તમિલ સંગમમ્માં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણા દેશમાં સંગમોનો ખૂબ મહિમા અને ખૂબ મહત્વ રહ્યું છે. નદીઓ અને ધારાઓના સંગમથી માંડીને વિચારો-વિચારધારાઓ, જ્ઞાન-વિજ્ઞાન અને સમાજ-સંસ્કૃતિઓના સંગમ સુધી, આપણે દરેક સંગમની ઉજવણી કરી છે. આ ઉજવણી હકીકતમાં ભારતની વિવિધતાઓ અને વિશેષતાઓની ઉજવણી છે. અને તેથી જ કાશી-તમિલ સંગમમ્ પોતે જ વિશેષ છે, અદ્વિતીય છે. આજે આપણી સમક્ષ એક તરફ સમગ્ર ભારતને પોતાનામાં સમાવતી આપણી સાંસ્કૃતિક રાજધાની કાશી છે, તો બીજી તરફ ભારતની પ્રાચીનતા અને ગૌરવનું કેન્દ્ર છે આપણું તમિલનાડુ અને તમિલ સંસ્કૃતિ છે. આ સંગમ પણ ગંગા યમુનાના સંગમ જેટલો જ પવિત્ર છે. તેમાં ગંગા-યમુના જેવી જ અનંત સંભાવનાઓ અને સામર્થ્ય સમાયેલું છે. હું આ કાર્યક્રમ માટે કાશી અને તમિલનાડુના તમામ લોકોને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું દેશનાં શિક્ષણ મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારને પણ ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું, જેમણે એક મહિનાના આ વ્યાપક કાર્યક્રમને સાકાર કર્યો છે. બીએચયુ અને આઇઆઇટી મદ્રાસ જેવી મહત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થાઓ પણ આમાં સહકાર આપી રહી છે. ખાસ કરીને હું કાશી અને તમિલનાડુના વિદ્વાનોને, વિદ્યાર્થીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
આપણે ત્યાં ઋષિમુનિઓએ કહ્યું છે- 'એકો અહમ્ બહુ સ્યામ્'! એટલે કે, એક જ ચેતના, વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. આ ફિલસૂફીને આપણે કાશી અને તામિલનાડુના સંદર્ભમાં સાક્ષાત્ જોઈ શકીએ છીએ. કાશી અને તમિલનાડુ બંને સંસ્કૃતિ અને સભ્યતાનાં કાલાતીત કેન્દ્રો છે. બંને પ્રદેશો સંસ્કૃત અને તમિલ જેવી વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓનાં કેન્દ્રો છે. કાશીમાં બાબા વિશ્વનાથ છે તો તમિલનાડુમાં ભગવાન રામેશ્વરમનાં આશીર્વાદ છે. કાશી અને તમિલનાડુ, બંને શિવમય છે, બંને શક્તિમય છે. એક પોતે જ કાશી છે તો તમિલનાડુમાં દક્ષિણ કાશી છે. બેઉની સપ્તપુરીઓમાં 'કાશી-કાંચી'નાં રૂપમાં પોતાનું મહત્વ છે. કાશી અને તામિલનાડુ બંને સંગીત, સાહિત્ય અને કલાના અદ્ભુત સ્ત્રોત પણ છે. કાશીના તબલા અને તમિલનાડુના તન્નુમાઈ. કાશીમાં બનારસી સાડીઓ મળશે, તો તમિલનાડુનું કાંજીવરમ સિલ્ક દુનિયાભરમાં પ્રખ્યાત છે. બંને ભારતીય આધ્યાત્મિકતાના મહાન આચાર્યોની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. કાશી એ ભક્ત તુલસીની ભૂમિ છે તો તમિળનાડુ સંત થિરુવલ્લવરની ભક્તિ-ભૂમિ. તમે કાશી અને તામિલનાડુના જુદા જુદા રંગોમાં જીવનનાં દરેક ક્ષેત્રમાં, જીવનના દરેક આયામમાં આ એક જેવી ઊર્જાનાં દર્શન કરી શકો છો. આજે પણ તમિલ વિવાહ પરંપરામાં કાશી યાત્રાનો ઉલ્લેખ થાય છે. એટલે કે કાશી યાત્રાને તમિલ યુવાનોનાં જીવનની નવી સફર સાથે જોડવામાં આવે છે. તમિલ હૃદયમાં કાશી માટેનો આ અવિનાશી પ્રેમ છે, જે ભૂતકાળમાં ક્યારેય ભૂંસાયો નહીં, ન તો ભવિષ્યમાં ક્યારેય અદૃશ્ય થશે. આ જ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની એ પરંપરા છે, જે આપણા પૂર્વજો જીવતા હતા અને આજે આ કાશી-તમિલ સંગમમ ફરી એનાં ગૌરવને આગળ વધારી રહ્યું છે.
સાથીઓ,
તમિલનાડુએ કાશીનાં નિર્માણમાં, કાશીના વિકાસમાં પણ અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. તમિલનાડુમાં જન્મેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન બીએચયુના પૂર્વ વાઇસ ચાન્સલર હતા. બીએચયુ આજે પણ તેમનું યોગદાન યાદ કરે છે. શ્રી રાજેશ્વર શાસ્ત્રી જેવા તમિલ મૂળના પ્રખ્યાત વૈદિક વિદ્વાન કાશીમાં રહેતા હતા. તેમણે રામઘાટ ખાતે સાંગવેદ વિદ્યાલયની સ્થાપના કરી. એ જ રીતે હનુમાન ઘાટમાં રહેતા શ્રી પટ્ટાભીરામ શાસ્ત્રીજીને પણ કાશીના લોકો યાદ કરે છે. જો તમે કાશી ભ્રમણ કરશો, તો તમે જોશો કે હરિશ્ચંદ્ર ઘાટ પર "કાશી કામકોટિશ્વર પંચાયતન મંદિર" છે, જે એક તમિલિયન મંદિર છે. કેદાર ઘાટ પર પણ 200 વર્ષ જૂનો કુમારસ્વામી મઠ છે અને માર્કંડેય આશ્રમ છે. અહીં હનુમાન ઘાટ અને કેદાર ઘાટની આસપાસ મોટી સંખ્યામાં તમિલનાડુના લોકો રહે છે, જેમણે પેઢીઓથી કાશી માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. તમિલનાડુની અન્ય એક મહાન વિભૂતિ, મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીજી, જેઓ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની પણ હતા, તેઓ પણ કાશીમાં ઘણા સમય સુધી રહ્યા. અહીં જ તેમણે મિશન કૉલેજ અને જયનારાયણ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કાશી સાથે એટલા જોડાયેલા હતા કે કાશી તેમનો હિસ્સો બની ગઈ. કહેવાય છે કે તેણે પોતાની લોકપ્રિય મૂછો પણ અહીં જ રાખી હતી. આવી અનેક હસ્તીઓએ, કેટલીય પરંપરાઓએ, કેટલીય આસ્થાઓએ કાશી અને તમિલનાડુને રાષ્ટ્રીય એકતાનાં સૂત્ર સાથે જોડી રાખ્યાં છે. હવે બીએચયુએ સુબ્રમણ્યમ ભારતીનાં નામે ચૅર સ્થાપિત કરીને પોતાનું ગૌરવ વધુ વધાર્યું છે.
સાથીઓ,
કાશી-તમિલ સંગમમ્નું આ આયોજન ત્યારે થઈ રહ્યું છે જ્યારે ભારતે પોતાની આઝાદીના અમૃતકાલમાં પ્રવેશ કર્યો છે. અમૃતકાલમાં, સમગ્ર દેશની એકતા અને એકજૂથ પ્રયત્નોથી આપણા સંકલ્પો પૂર્ણ થશે. ભારત એક એવો દેશ છે જેણે હજારો વર્ષોથી 'સં વો મનાંસિ જાનતામ્'ના મંત્રથી, 'એક બીજાનાં મનને જાણતાં રહીને', આદર કરતા રહીને સ્વાભાવિક સાંસ્કૃતિક એકતા જીવી છે. આપણા દેશમાં 'સૌરાષ્ટ્રે સોમનાથમ્'થી 'સેતુબંધે તુ રામેશમ્' સુધીના ૧૨ જ્યોતિર્લિંગને સવારે ઊઠીને સ્મરણ કરવાની પરંપરા છે. આપણે આપણા દિવસની શરૂઆત દેશની આધ્યાત્મિક એકતાને યાદ કરીને કરીએ છીએ. આપણે સ્નાન કરતી વખતે, પૂજા કરતી વખતે પણ મંત્રોનું પઠન કરીએ છીએ - ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન્ સન્નિધિમ્ કુરુ॥ એટલે કે ગંગા, યમુનાથી લઈને ગોદાવરી અને કાવેરી સુધી બધી જ નદીઓ આપણા જળમાં નિવાસ કરે. એટલે કે આપણે સમગ્ર ભારતની નદીઓમાં સ્નાન કરવાની ભાવના કરીએ છીએ. આપણે આઝાદી પછી હજારો વર્ષોની આ પરંપરાને, આ વિરાસતને મજબૂત કરવાની હતી. તેને દેશની એકતાનું સૂત્ર બનાવવાનું હતું. પરંતુ, કમનસીબે, આ માટે બહુ પ્રયત્નો કરવામાં આવ્યા ન હતા. કાશી-તમિલ સંગમમ્ આજે આ સંકલ્પ માટેનો એક મંચ બનશે. તે આપણને આપણા આ કર્તવ્યોનો અહેસાસ કરાવશે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાની ઊર્જા આપશે.
સાથીઓ,
ભારતનું સ્વરૂપ કેવું છે, શરીર શું છે, એ વિષ્ણુ પુરાણનો એક શ્લોક આપણને જણાવે છે, જે કહે છે – ઉત્તરં યત્ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ્। વર્ષં તદ્ ભારતં નામ ભારતી યત્ર સન્તતિ: ॥ એટલે કે ભારત એ જે હિમાલયથી હિંદ મહાસાગર સુધીની તમામ વિવિધતાઓ અને વિશિષ્ટતાઓને સમાવે છે. અને તેનું દરેક સંતાન ભારતીય છે. જો આપણે ભારતનાં આ મૂળિયા, આ મૂળનો અનુભવ કરવો હોય, તો આપણે જોઈ શકીએ છીએ કે હજારો કિલોમીટર દૂર હોવા છતાં ઉત્તર અને દક્ષિણ કેટલા નજીક છે. સંગમ તમિલ સાહિત્યમાં હજારો માઇલ દૂર વહેતી ગંગાનું ગૌરવગાન કરવામાં આવ્યું હતું, તમિલ ગ્રંથ કલિતોગૈમાં વારાણસીના લોકોની પ્રશંસા કરવામાં આવી છે. આપણા પૂર્વજોએ થિરુપ્પુગલ મારફતે મળીને ભગવાન મુરુગા અને કાશીનો મહિમા એક સાથે ગાયો હતો, દક્ષિણના કાશી તરીકે ઓળખાતા તેનકાસીની સ્થાપના કરી હતી.
સાથીઓ,
તે ભૌતિક અંતર અને એ ભાષા-ભેદને તોડનારી આ આત્મીયતા જ હતી, જે સ્વામી કુમરગુરુપર તામિલનાડુથી કાશી આવ્યા અને તેને પોતાની કર્મભૂમિ બનાવી હતી. કેદારેશ્વર મંદિરનું નિર્માણ અહીં કેદાર ઘાટ પર ધર્માપુરમ આધીનમના સ્વામી કુમરગુરુપરે અહીં કરાવ્યું હતું. ત્યાર બાદ તેમના શિષ્યોએ તંજાવુર જિલ્લામાં કાવેરી નદીના કિનારે કાશી વિશ્વનાથ મંદિરની સ્થાપના કરી હતી. મનોન્મણિયમ સુંદરનારજીએ તમિલનાડુનું રાજ્ય ગીત 'તમિલ તાઈ વાડ઼તુ' લખ્યું છે. કહેવાય છે કે તેમના ગુરુ કોડગા-નલ્લૂર સુંદરર સ્વામીગલજીએ કાશીના મણિકર્ણિકા ઘાટ પર ઘણો સમય વિતાવ્યો હતો. ખુદ મનોનમણ્યમ સુંદરનારજી પર પણ કાશીનો ઘણો પ્રભાવ હતો. તમિલનાડુમાં જન્મેલા રામાનુજાચાર્ય જેવા સંતો પણ હજારો માઇલ ચાલીને કાશીથી કાશ્મીર સુધીની યાત્રા કરતા હતા. આજે પણ તેમનાં જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે છે. સી રાજગોપાલાચારીજીએ લખેલાં રામાયણ અને મહાભારતથી, દક્ષિણથી ઉત્તર સુધી, આખો દેશ આજે પણ પ્રેરણા લે છે. મને યાદ છે, મારા એક શિક્ષકે મને કહ્યું હતું કે તમે રામાયણ અને મહાભારત જરૂર વાંચ્યાં હશે, પરંતુ જો તમે તેને ઊંડાણથી સમજવા માગતા હો, તો જ્યારે પણ તમને તક મળે, ત્યારે તમે રાજાજીએ જે રામાયણ મહાભારત લખ્યાં, એ વાંચશો તો તમને કંઈક સમજાશે. મારો અનુભવ એ છે કે રામાનુજાચાર્ય અને શંકરાચાર્યથી લઈને રાજાજી અને સર્વપલ્લી રાધાકૃષ્ણન સુધી, દક્ષિણના વિદ્વાનોનાં ભારતીય દર્શનને સમજ્યા વિના આપણે ભારતને જાણી શકતા નથી, આ મહાપુરુષો છે, આપણે તેમને સમજવા પડશે.
સાથીઓ,
આજે ભારતે પોતાના 'વારસાના ગૌરવ'ના પંચ-પ્રણને સામે મૂક્યા છે. દુનિયાના કોઈ પણ દેશ પાસે પ્રાચીન વારસો હોય તો તે દેશ તેના પર ગર્વ લે છે. ગર્વથી તેને દુનિયામાં આગળ કરે છે. ઇજિપ્તના પિરામિડથી માંડીને ઇટાલીના કોલોસિયમ અને પિઝાના ટાવર સુધીનાં આવાં ઘણાં ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. આપણી પાસે પણ દુનિયાની સૌથી પ્રાચીન ભાષા તમિલ છે. આજની તારીખે પણ આ ભાષા એટલી જ લોકપ્રિય છે, એટલી જ જીવંત છે. દુનિયાના લોકોને જ્યારે ખબર પડે છે કે દુનિયાની સૌથી જૂની ભાષા ભારતમાં છે તો તેમને આશ્ચર્ય થાય છે. પણ આપણે તેના ગૌરવગાનમાં પાછળ રહીએ છીએ. આ આપણા 130 કરોડ દેશવાસીઓની જવાબદારી છે કે આપણે તમિલના આ વારસાને બચાવવાનો પણ છે અને તેને સમૃદ્ધ પણ કરવાનો છે. જો આપણે તમિલને ભૂલી જઈશું તો પણ દેશને નુકસાન થશે, અને જો આપણે તમિલને બંધનોમાં બાંધી રાખીશું તો પણ તેનું નુકસાન છે. આપણે યાદ રાખવું પડશે - આપણે ભાષા ભેદને દૂર કરીએ, ભાવનાત્મક કાયમ કરીએ.
સાથીઓ,
કાશી-તમિલ સંગમમ્, હું માનું છું કે, તે શબ્દો કરતાં અનુભવની બાબત વધારે છે. કાશીની આ યાત્રા દરમિયાન તમે તેની યાદો સાથે જોડાવાના છો, જે તમારા જીવનની મૂડી બની જશે. કાશીના મારા લોકો તમારી મહેમાનગતિમાં કોઈ કસર છોડશે નહીં. હું ઇચ્છું છું કે તમિલનાડુ અને અન્ય દક્ષિણના રાજ્યોમાં પણ આ પ્રકારનાં આયોજનો થાય, દેશના અન્ય ભાગોમાંથી લોકો ત્યાં જાય, ભારતને જીવે, ભારતને જાણે. મારી કામના છે કે, કાશી-તમિલ સંગમમ્ એમાંથી જે અમૃત નીકળે, એને યુવાનો માટે સંશોધન અને અનુસંધાનનાં માધ્યમથી આગળ ધપાવીએ. આ બીજ આગળ જતાં રાષ્ટ્રીય એકતાનું વટવૃક્ષ બને. રાષ્ટ્ર હિત એ જ આપણું હિત છે – 'નાટ્ટુ નલને નમદુ નલન'. આ મંત્ર આપણા દેશવાસીઓનો જીવનમંત્ર બનવો જોઈએ. આ જ ભાવના સાથે, તમને બધાને ફરી એક વાર ખૂબ ખૂબ શુભકામનાઓ.
ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ધન્યવાદ!
વણક્કમ્
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1877437)
Visitor Counter : 259
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam