પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીર રોજગાર મેળાને સંબોધન કર્યું

"હવે સમય આવી ગયો છે કે જૂના પડકારોને પાછળ છોડી દેવા જોઈએ અને નવી શક્યતાઓનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ"

"વિકાસની ઝડપી ગતિ માટે, આપણે નવા અભિગમ સાથે, નવી વિચારસરણી સાથે કામ કરવું પડશે"

"માળખાગત વિકાસ અને કનેક્ટિવિટીમાં વધારો થવાને કારણે રાજ્યમાં પર્યટન ક્ષેત્રને વેગ મળ્યો છે"

“અમે વિકાસનો લાભ તમામ વર્ગો અને નાગરિકોને સમાનરૂપે આપવા માટે પ્રતિબદ્ધ છીએ"

"જમ્મુ-કાશ્મીરના લોકો ભ્રષ્ટાચારને નફરત કરે છે, મને હંમેશા તેમની પીડાનો અહેસાસ થાય છે"

"જમ્મુ અને કાશ્મીર દરેક ભારતીયનું ગૌરવ છે. આપણે સૌ સાથે મળીને જમ્મુ-કાશ્મીરને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે"

Posted On: 30 OCT 2022 10:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જમ્મુ અને કાશ્મીર રોજગાર મેળાને સંબોધન કર્યું હતું.

પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આજે જમ્મુ અને કાશ્મીરના તેજસ્વી યુવાનો માટે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ગણાવ્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરમાં 20 અલગ-અલગ સ્થળોએ સરકારમાં કામ કરવા માટે નિમણૂક પત્રો મેળવનાર તમામ ત્રણ હજાર યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. યુવાનોને પીડબલ્યુડી, આરોગ્ય વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પશુપાલન, જલ શક્તિ અને શિક્ષણ-સંસ્કૃતિ જેવા વિવિધ વિભાગોમાં સેવા આપવાની તકો મળશે તેવી માહિતી તેમણે આપી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં 700થી વધુ નિમણૂક પત્રો આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં 21મી સદીના દાયકાનાં મહત્ત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હવે જૂના પડકારોને પાછળ છોડી દેવાનો અને નવી શક્યતાઓનો સંપૂર્ણ લાભ લેવાનો સમય આવી ગયો છે. મને ખુશી છે કે જમ્મુ-કાશ્મીરના યુવાનો તેમનાં રાજ્ય અને લોકોના વિકાસ માટે મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે." શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણી યુવા પેઢી જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની નવી ગાથા લખશે, જેથી રાજ્યમાં રોજગાર મેળાનું આયોજન અતિ વિશિષ્ટ બનશે.

નવાં, પારદર્શક અને સંવેદનશીલ શાસન દ્વારા જમ્મુ અને કાશ્મીરના સતત વિકાસ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિકાસની ઝડપી ગતિ માટે આપણે નવા અભિગમ સાથે, નવી વિચારસરણી સાથે કામ કરવું પડશે." તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2019થી અત્યાર સુધીમાં આશરે ત્રીસ હજાર સરકારી જગ્યાઓ પર ભરતી થઈ છે, જેમાંથી છેલ્લાં દોઢ વર્ષમાં 20,000 નોકરીઓ આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા અને રાજ્ય વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "'યોગ્યતાનાં માધ્યમથી રોજગારી'નો મંત્ર રાજ્યના યુવાનોમાં નવો આત્મવિશ્વાસ જગાવી રહ્યો છે."

પ્રધાનમંત્રીએ રોજગાર અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે છેલ્લાં 8 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે 22 ઑક્ટોબરથી દેશના વિભિન્ન ભાગોમાં આયોજિત 'રોજગાર મેળા' તેનો એક ભાગ છે. " અભિયાન હેઠળ", પ્રધાનમંત્રીએ કહ્યું, "પ્રથમ તબક્કામાં આગામી કેટલાક મહિનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખથી વધુ નિમણૂક પત્રો આપવામાં આવશે." તેમણે માહિતી આપી હતી કે સરકારે રોજગારને વેગ આપવા માટે રાજ્યમાં વ્યવસાયનાં વાતાવરણનો વ્યાપ વધાર્યો છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નવી ઔદ્યોગિક નીતિ અને બિઝનેસ સુધારાઓ કાર્યયોજનાએ વેપાર-વાણિજ્યને સરળ કરવાનો માર્ગ મોકળો કર્યો છે, જેણે અહીં રોકાણને જબરદસ્ત વેગ આપ્યો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "જે ગતિએ વિકાસ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ થઈ રહ્યું છે, તેનાથી અહીંનું સંપૂર્ણ અર્થતંત્ર બદલાઈ જશે." તેમણે ટ્રેનોથી લઈને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સુધી કાશ્મીર સાથે જોડાણને વેગ આપતી યોજનાઓનાં ઉદાહરણો આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, શ્રીનગરથી શારજાહ સુધીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થઈ ચૂકી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અહીંના ખેડૂતોને પણ કનેક્ટિવિટી વધવાથી ઘણો મોટો ફાયદો થયો છે, કારણ કે જમ્મુ-કાશ્મીરના સફરજનના ખેડૂતો માટે હવે તેમની પેદાશો રાજ્યની બહાર મોકલવાનું સરળ બન્યું છે. પ્રધાનમંત્રીએ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, સરકાર ડ્રૉન મારફતે પરિવહનને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વિક્રમી વધારા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, માળખાગત વિકાસ અને કનેક્ટિવિટીમાં વધારાને કારણે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમારો પ્રયાસ છે કે સરકારી યોજનાઓનો લાભ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાજના દરેક વર્ગ સુધી પહોંચે." તેમણે કહ્યું કે સરકાર તમામ વર્ગો અને નાગરિકોને વિકાસનો સમાન લાભ લે માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, જમ્મુ અને કાશ્મીરમાં 2 નવી એઈમ્સ, 7 નવી મેડિકલ કૉલેજો, રાજ્યની 2 કૅન્સર સંસ્થાઓ અને 15 નર્સિંગ કૉલેજો શરૂ થવાની સાથે સ્વાસ્થ્ય અને શૈક્ષણિક માળખાને મજબૂત કરવાના પ્રયાસો ચાલુ છે.

જમ્મુ અને કાશ્મીરના લોકોએ પારદર્શકતા પર હંમેશા ભાર મૂક્યો છે અને તેની પ્રશંસા કરી છે વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ સરકારી સેવાઓમાં આવતા યુવાનોને તેને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, "અગાઉ જ્યારે પણ હું જમ્મુ અને કાશ્મીરના લોકોને મળતો હતો, ત્યારે મને હંમેશા તેમની પીડાનો અનુભવ થતો હતો. સિસ્ટમમાં ભ્રષ્ટાચારની પીડા હતી. જમ્મુ-કાશ્મીરના લોકો ભ્રષ્ટાચારથી નફરત કરે છે." પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા અને તેમની ટીમની ભ્રષ્ટાચારનાં દૂષણોને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશંસા કરી હતી.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ખાતરી સાથે ટિપ્પણી કરી હતી કે, જે યુવાનો આજે નિયુક્તિ પત્ર મેળવી રહ્યા છે, તેઓ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે તેમની જવાબદારીઓ અદા કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીર દરેક ભારતીયનું ગૌરવ છે. આપણે સૌ સાથે મળીને જમ્મુ-કાશ્મીરને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે. આપણે વર્ષ 2047ના વિકસિત ભારતનું પણ બહુ મોટું લક્ષ્ય ધરાવીએ છીએ અને તેને પૂર્ણ કરવા માટે આપણે દ્રઢ નિશ્ચય સાથે રાષ્ટ્રનિર્માણમાં જોડાવું પડશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1871956) Visitor Counter : 188