પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ NAM સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો

Posted On: 04 MAY 2020 1:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 મે 2020ના રોજ હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા આપવા અંગે ચર્ચા કરવા માટે યોજવામાં આવેલી નોન અલાઇન્ડ મૂવમેન્ટ (NAM) સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો.

NAM સંપર્ક સમૂહની ઑનલાઇન શિખર બેઠકની થીમ કોવિડ-19 સામે એકજૂથરાખવામાં આવી હતી, જેનું યજમાન પદ NAMના વર્તમાન અધ્યક્ષ અઝેરબૈજાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇલ્હામ અલિયેવે સંભાળ્યું હતું. આ બેઠકના આયોજનનો મૂળ હેતુ કોવિડ-19 મહામારી સામે આંતરરાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો અને આ મહામારીનો સામનો કરવા માટે દરેક દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રયાસોમાં ગતિવિધી લાવવાનો હતો. આ કાર્યક્રમમાં શાંતિ માટે બહુપક્ષીયતા અને રાજદ્વારિતા આંતરરાષ્ટ્રીય દિવસની પણ શાબ્દિક ઉજવણી કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી મોદીની સહભાગીતાએ અગ્રણી આદ્યસ્થાપક સભ્ય તરીકે NAMના સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે ભારતની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. આ ચર્ચા દરમિયાન, પ્રધાનમંત્રીએ આ ચળવળમાં એકજૂથતા જાળવી રાખવા માટે શક્ય હોય એટલો સહકાર આપવામાં ભારતની સજ્જતાની પુષ્ટિ કરતી વખતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે લીધેલા પગલાંનો ઉલ્લેખ કરીને કટોકટીના આ સમયમાં સંકલિત, સહિયારા અને એકસમાન પ્રતિક્રિયા આપવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ખાસ કરીને આતંકવાદ અને ખોટા સમાચારના પ્રસાર જેવી બાબતોના અન્ય વાયરસ સામે દુનિયાના નિરંતર પ્રયાસો પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની સાથે અન્ય 30 કરતાં વધારે દેશોના અને સરકારોના વડા તેમજ અન્ય નેતાઓ જોડાયા હતા, જેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન તેમજ યુરોપના દેશોનો પણ સમાવશ થાય છે. આ શિખર મંત્રણા બેઠકને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસભાના અધ્યક્ષ પ્રો. તિજ્જાની મુહમ્મદ બાંદે, સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ શ્રી એન્ટોનિઓ ગુટેરસ, આફ્રિકન સંઘના ચેરપર્સન મુસા ફાકી મહામત, યુરોપીયન સંઘના ઉચ્ચ પ્રતિનિધી જોસેપ બોર્રેલ તેમજ વિશ્વ આરોગ્ય સંગઠનના મહા નિદેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસુસે પણ સંબોધન કર્યું હતું.

એકંદરે, NAMના નેતાઓએ કોવિડ-19ના પ્રભાવોનું આકલન કર્યું હતું. તેના સંભવિત ઉપચારો માટેની જરૂરિયાતો અને માંગ ઓળખી કાઢી હતી અને કાર્યલક્ષી ફોલોઅપ લેવા માટે વિનંતી કરી હતી. આ બેઠક પછી, નેતાઓએ એક ઘોષણાનો સ્વીકાર કર્યો હતો જેમાં કોવિડ-19 સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય એકજૂથતાનું મહત્વને રેખાંકિત કરવામાં આવ્યું હતું. નેતાઓએ કોવિડ-19 સામેની જંગમાં સભ્ય દેશોની મૂળભૂત તબીબી, સામાજિક અને માનવીય જરૂરિયાતો પ્રતિબિંબિત કરતો સામાન્ય ડેટાબેઝ તૈયાર કરીને સભ્ય દેશોની માંગ અને જરૂરિયાતોને ઓળખી કાઢવા માટે એક ટાસ્ક ફોર્સનું ગઠન કરવાની પણ જાહેરાત કરી હતી.

SD/GP


(Release ID: 1869224) Visitor Counter : 108