પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ રાષ્ટ્રને લોકાર્પિત કર્યા


“બેંકિંગ સેવાઓ છેવાડાના સ્થળ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના કાર્યને અમે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે”

“જ્યારે નાણાકીય ભાગીદારીઓને ડિજિટલ ભાગીદારીઓ સાથે સાંકળી લેવામાં આવે ત્યારે સંભાવનાઓની સંપૂર્ણ નવી દુનિયાના દ્વાર ખુલે છે”

“આજે ભારતમાં પ્રત્યેક એક લાખ પુખ્ત નાગરિકોએ શાખાઓની સંખ્યા જર્મની, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો કરતાં વધારે છે”

“ભારતના ડિજિટલ બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની IMFએ પણ પ્રશંસા કરી છે”

“વર્લ્ડ બેંકે તો ત્યાં સુધી કહ્યું છે કે, ભારત ડિજિટલાઇઝેશન દ્વારા સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અગ્રેસર બન્યું છે”

“આજે, બેંકિંગ નાણાકીય વ્યવહારોથી આગળ નીકળી ગયું છે અને તે 'ગુડ ગવર્નન્સ' તેમજ 'સેવાઓની બહેતર ડિલિવરી'નું માધ્યમ પણ બની ગયું છે”

“જો જન ધન ખાતાઓએ દેશમાં નાણાકીય સમાવેશનો પાયો નાખ્યો છે, તો ફિનટેક નાણાકીય ક્રાંતિનો આધાર તૈયાર કરશે”

“આજે આખો દેશ જન ધન બેંક ખાતાની તાકાતનો અનુભવ કરી રહ્યો છે”

“કોઇપણ દેશની અર્થવ્યવસ્થા એટલી જ પ્રગતિશીલ હોય છે, જેટલી તેની બેંકિંગ પ્રણાલી મજબૂત હોય”

Posted On: 16 OCT 2022 12:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU) રાષ્ટ્રને લોકાર્પિત કર્યા છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતા, પ્રધાનમંત્રીએ 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU) વધુ નાણાકીય સમાવેશિતા લાવશે અને નાગરિકો માટે બેંકિંગ અનુભવમાં વૃદ્ધિ કરશે તે બાબત પર વિશેષ ભાર મૂકીને પોતાના સંદેશની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “DBU એ સામાન્ય નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગની દિશામાં લેવામાં આવેલું એક મોટું પગલું છે”. પ્રધાનમંત્રીએ એવી માહિતી આપી હતી કે, આવા બેંકિંગ સેટઅપમાં સરકાર ઓછામાં ઓછા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી મહત્તમ સેવાઓ પૂરી પાડવાનું લક્ષ્ય રાખે છે, અને આ બધું કોઇપણ કાગળ પર થતા કાર્યોને સામેલ કર્યા વગર ડિજિટલ રીતે કરવામાં આવશે. તે એક મજબૂત અને સુરક્ષિત બેંકિંગ પ્રણાલી પ્રદાન કરવાની સાથે સાથે બેંકિંગ પ્રક્રિયાને પણ સરળ બનાવશે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, નાના શહેરો અને ગામડાંઓમાં રહેતા લોકોને લોન મેળવવા માટે નાણાં ટ્રાન્સફર કરવા જેવા લાભો પ્રાપ્ત થશે. ડિજિટલ બેંકિંગ એકમો એ દિશામાં લેવાયેલું અન્ય એક મોટું પગલું છે જે ભારતમાં સામાન્ય માણસોના જીવનને સરળ બનાવવા જઇ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકને સશક્ત બનાવવાનો અને તેમને તાકતવર બનાવવાનો છે અને તેના પરિણામ સ્વરૂપે, છેવાડાની વ્યક્તિને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવામાં આવી છે અને તેમના કલ્યાણની દિશામાં સમગ્ર સરકાર આગળ વધી રહી છે. તેમણે એવા બે ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો કે જેના પર સરકારે એક સાથે કામ કર્યું છે. પહેલું તો, બેંકિંગ પ્રણાલીમાં સુધારણા, મજબૂતીકરણ અને તેને પારદર્શક બનાવવાની કામગીરી અને બીજું, નાણાકીય સમાવેશિતા.

ભૂતકાળની પરંપરાગત પદ્ધતિઓ કે જેમાં લોકોને બેંકમાં જવું પડતું હતું તેને યાદ કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સરકારે બેંકને લોકો સુધી લાવીને આ અભિગમમાં પરિવર્તન લાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે, “અમે બેંકિંગ સેવાઓને છેવાડાના સ્થળ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે”. ગરીબો બેંકના દ્વારે જઇને ઉભા રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી તેના બદલે હવે બેંકો ગરીબોના દરવાજે જઇ રહી છે ત્યાં સુધીનું ખૂબ જ મોટું પરિવર્તન લાવવામાં આવ્યું છે. આનાથી ગરીબો અને બેંકો વચ્ચેનું અંતર ઘટ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે માત્ર શારીરિક અંતર જ નહીં પરંતુ, સૌથી અગત્યનું એવું માનસિક અંતર પણ અમે દૂર કર્યું છે.” અંતરિયાળ અને દૂરસ્થ વિસ્તારોને બેંકિંગ સેવાઓમાં આવરી લેવાની કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આજે ભારતના 99 ટકા કરતાં વધુ ગામોમાં 5 કિમીની ત્રિજ્યામાં બેંકની શાખા, બેંકિંગ આઉટલેટ અથવા 'બેંકિંગ મિત્ર' ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, “સામાન્ય નાગરિકોને બેંકિંગને લગતી જરૂરિયાતો પૂરી પાડવા માટે ઇન્ડિયા પોસ્ટ બેંકો દ્વારા વ્યાપક પોસ્ટ ઓફિસ નેટવર્કનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે”. તેમણે ઉમેર્યું હતું કે, “આજે ભારતમાં સરેરાશ પ્રત્યેક એક લાખ પુખ્ત નાગરિકો દીઠ શાખાઓની સંખ્યા જર્મની, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો કરતાં પણ વધારે છે”.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમુક વિભાગોમાં પ્રારંભિક તબક્કે ગેરસમજ હોવા છતાં, આજે સમગ્ર દેશ જન ધન બેંક ખાતાઓની તાકાતનો અનુભવ કરી રહ્યો છે.” તેમણે આગળ માહિતી આપી હતી કે, આ ખાતાઓએ નબળા લોકોને ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો આપવા માટે સરકારને સમર્થ બનાવી છે. તેમણે જણાવ્યું હતુ કે, આનાથી ગરીબો માટે જામીન વગરની લોન લેવાનો માર્ગ મોકળો થયો છે અને લક્ષિત લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રકમ પહોંચાડવામાં આવે છે. આ ખાતાઓ ઘરો, શૌચાલયો, ગેસની સબસિડી અને ખેડૂતો માટેની વિવિધ યોજનાઓના લાભો એકીકૃત રીતે સુનિશ્ચિત કરી શકાય તે માટેની મુખ્ય પદ્ધતિ છે. ભારતના ડિજિટલ બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્વીકૃતિ મળી હોવાનું પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “IMF દ્વારા પણ ભારતના ડિજિટલ બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરવામાં આવી છે. આનો શ્રેય ભારતના ગરીબો, ખેડૂતો અને શ્રમિકોને જાય છે, જેમણે નવી ટેકનોલોજી અપનાવી છે, અને તેને પોતાના જીવનનો એક ભાગ બનાવી છે.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતુ કે, “UPI એ ભારત માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલ્યા છે. જ્યારે નાણાકીય ભાગીદારીઓને ડિજિટલ ભાગીદારીઓ સાથે સાંકળી દેવામાં આવે છે, ત્યારે સંભાવનાઓની સંપૂર્ણ નવી દુનિયાના દ્વાર ખુલે છે. તેના માટે, UPI જેવું મોટું ઉદાહરણ આપણી સમક્ષ છે. ભારતને આનું ગૌરવ છે કારણ કે તે સમગ્ર દુનિયામાં પોતાની રીતે આ પ્રકારની પ્રથમ ટેકનોલોજી છે. તેમણે માહિતી આપી હતી કે, આજે 70 કરોડ સ્વદેશી રુપે કાર્ડ કાર્યરત છે, જે વિદેશી માંધાતાઓના વર્ચસ્વના જમાના અને આવા ઉત્પાદનોના ગણ્યાગાંઠ્યા પ્રમાણમાં ઉપલબ્ધ હતા તેવી સ્થિતિમાંથી થયેલું એક વિશાળ પરિવર્તન છે. તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજી અને અર્થવ્યવસ્થાનું આ સંયોજન ગરીબો માટે ગૌરવ અને પરવડતામાં વૃદ્ધિ કરી રહ્યું છે અને મધ્યમ વર્ગનું સશક્તિકરણ કરી રહ્યું છે, જ્યારે સાથે સાથે તે દેશના ડિજિટલ વિભાજનને પણ નાબૂદ કરી રહ્યું છે. ભ્રષ્ટાચારના નાબૂદીકરણમાં DBT વ્યવસ્થાએ નિભાવેલી ભૂમિકાની પણ તેમણે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, DBTના માધ્યમથી વિવિધ યોજનાઓ અંતર્ગત 25 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તેઓ આવતીકાલે ખેડૂતોને આગામી હપ્તો ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, આજે આખી દુનિયા આ DBT અને ભારતની ડિજિટલ શક્તિની પ્રશંસા કરી રહી છે. આજે તેને વૈશ્વિક મોડલ તરીકે જોવામાં આવે છે. વિશ્વ બેંકે તો ત્યાં સુધી કહી દીધું છે કે ભારત ડિજિટલાઇઝેશન દ્વારા સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અગ્રેસર બન્યું છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ભારતની નીતિઓ અને પ્રયાસોના કેન્દ્રમાં ફિનટેકને રાખવામાં આવી છે અને તે ભવિષ્યનું ઘડતર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. ડિજિટલ બેંકિંગ એકમો ફિનટેકની આ ક્ષમતાને વધુ વિસ્તૃત કરશે. તેમણે કહ્યું હતું કે, “જો જન ધન ખાતાઓએ દેશમાં નાણાકીય સમાવેશનો પાયો નાખ્યો છે, તો ફિનટેક નાણાકીય ક્રાંતિનો આધાર તૈયાર કરશે”.

બ્લોકચેઇન ટેકનોલોજી પર આધારિત ડિજિટલ ચલણ શરૂ કરવાની સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, “આગામી સમયમાં આવનારું ડિજિટલ ચલણ હોય, કે પછી આજના સમયમાં થતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનો હોય, અર્થતંત્ર ઉપરાંત, ઘણા બધા મહત્વપૂર્ણ પાસાઓ તેની સાથે સંકળાયેલા છે”. તેમણે બચત, ભૌતિક ચલણની ઝંઝટમાંથી મુક્તિ અને પર્યાવરણીય લાભોને તેના મુખ્ય ફાયદા તરીકે ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ એવો પણ ખાસ જણાવ્યું હતું કે, ચલણ છાપવા માટે કાગળ અને શાહી આયાત કરવામાં આવે છે, અને ડિજિટલ અર્થતંત્ર અપનાવીને આપણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છીએ, જ્યારે કાગળનો વપરાશ ઘટાડીને પર્યાવરણને પણ લાભ આપી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ ખાસ ધ્યાન દોર્યું હતું કે, આજના સમયમાં બેંકિંગ, નાણાકીય વ્યવહારોથી આગળ નીકળી ગયું છે અને તે ગુડ ગવર્નન્સતેમજ સેવાઓની બહેતર ડિલિવરીનું માધ્યમ પણ બની ગયું છે. આજે, આ પ્રણાલીએ ખાનગી ક્ષેત્ર અને નાના પાયાના ઉદ્યોગો માટે પણ વૃદ્ધિની અપાર સંભાવનાઓને ઉદિત કરી છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, ભારતમાં ભાગ્યે જ એવું કોઇ ક્ષેત્ર હશે કે જેમાં ટેકનોલોજીના માધ્યમથી ઉત્પાદન અને સેવાની ડિલિવરી નવી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નિર્માણ ન કરતી હોય. તેમણે કહ્યું હતું કે, “ડિજિટલ અર્થતંત્ર આજે આપણા અર્થતંત્રની, આપણા સ્ટાર્ટઅપ વિશ્વની, મેક ઇન ઇન્ડિયાની અને આત્મનિર્ભર ભારતની એક મોટી તાકાત છે”. તેમણે આગળ જણાવ્યું હતું કે, આજે આપણા નાના ઉદ્યોગો, અમારા MSME પણ GEM જેવી પ્રણાલી દ્વારા સરકારી ટેન્ડરોમાં ભાગ લઇ રહ્યા છે. તેમને વેપારની નવી તકો પ્રાપ્ત થઇ રહી છે. અત્યાર સુધીમાં GEM પર 2.5 લાખ કરોડ રૂપિયાના ઓર્ડર આપવામાં આવ્યા છે. ડિજિટલ બેંકિંગ એકમો દ્વારા હવે આ દિશામાં ઘણી વધુ નવી તકો ઊભી થશે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, કોઇપણ દેશની અર્થવ્યવસ્થા એટલી જ પ્રગતિશીલ હોય છે જેટલી તેની બેંકિંગ પ્રણાલી મજબૂત હોય.”  તેમણે માહિતી આપી હતી કે, છેલ્લા 8 વર્ષ દરમિયાન દેશ 2014 પહેલાંની ફોન બેંકિંગપ્રણાલીમાંથી આગળ વધીને ડિજિટલ બેંકિંગ તરફ વળ્યો છે અને તેના પરિણામ સ્વરૂપે ભારતનું અર્થતંત્ર નિરંતર પ્રગતિ કરી રહ્યું છે. જૂની રીતોને યાદ કરતા પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, 2014 પહેલા બેંકોને તેમની કામગીરી નક્કી કરવા માટે ફોન કૉલ આવતા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ફોન બેંકિંગની રાજનીતિએ બેંકોને અસુરક્ષિત બનાવી છે અને હજારો કરોડના કૌભાંડોના બીજ વાવીને દેશની અર્થવ્યવસ્થાને અસુરક્ષિત બનાવી છે.

વર્તમાન સરકારે સમગ્ર પ્રણાલીમાં કેવી રીતે પરિવર્તન લાવી લીધું છે તે બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પારદર્શિતા પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. તેમણે આગળ કહ્યું હતું, “NPAની ઓળખમાં પારદર્શિતા લાવ્યા પછી, લાખો કરોડ રૂપિયા બેંકિંગ પ્રણાલીમાં પાછા લાવવામાં આવ્યા. અમે બેંકોનું પુનઃમૂડીકરણ કર્યું, વિલફુલ ડિફોલ્ટર્સ સામે પગલાં લીધાં અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદામાં સુધારો કર્યો છે.તેમણે વધુમાં નોંધ્યું હતું કે, પારદર્શક અને વૈજ્ઞાનિક પ્રણાલીની રચના માટે, લોન માટે ટેકનોલોજી અને એનાલિટિક્સના ઉપયોગને પ્રોત્સાહન આપતી વખતે IBCની મદદથી NPA-સંબંધિત મુદ્દાઓના નિરાકરણને  વધુ વેગવાન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બેંકોના વિલીનીકરણ જેવા નિર્ણયો પોલિસી પેરાલિસિસ (નીતિગત અસામર્થ્ય)નો ભોગ બન્યા હતા અને દેશે તેમને હિંમતપૂર્વક લીધા હતા. આ નિર્ણયોના પરિણામો આજે આપણી સમક્ષ છે. તેમણે માહિતી આપી હતી કે, ડિજિટલ બેંકિંગ એકમો અને ફિનટેકના આવિષ્કારી ઉપયોગ જેવી નવી પહેલ દ્વારા બેંકિંગ પ્રણાલી માટે હવે એક નવું સ્વ-સંચાલિત વ્યવસ્થાતંત્ર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રાહકો માટે જેટલી વધુ સ્વાયત્તતા છે, એટલી જ બેંકો માટે પણ વધુ સગવડતા અને પારદર્શિતા છે તેમ જણાવતા તેમણે હિતધારકોને આ અભિયાનને આગળ વધારવા માટે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં, ગામડાના નાના વેપારીઓને સંપૂર્ણપણે ડિજિટલ વ્યવહારો તરફ આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે બેંકોને દેશના લાભ માટે સંપૂર્ણ રીતે ડિજિટલ થવા માટે 100 વેપારીઓને તેમની સાથે જોડવાની પણ વિનંતી કરી હતી. શ્રી મોદીએ પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, “મને પૂરો ભરોસો છે કે, આ પહેલ આપણી બેંકિંગ પ્રણાલી અને અર્થવ્યવસ્થાને એવા તબક્કે લઇ જશે જે ભવિષ્ય માટે તૈયાર હશે, અને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવશે”.

કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શ્રી શક્તિકાંત દાસ સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ, સાંસદો, બેંકિંગ અગ્રણીઓ, નિષ્ણાતો અને લાભાર્થીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેમાં જોડાયા હતા.

પૃષ્ઠભૂમિ

નાણાકીય સમાવેશિતાને વધુ ગાઢ બનાવવાના વધુ એક પગલાંરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU) લોકાર્પિત કર્યા હતા.

2022-23ના કેન્દ્રીય અંદાજપત્રના ભાષણમાં કરવામાં આવેલા ઉલ્લેખના ભાગરૂપે, નાણામંત્રીએ આપણા દેશની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીને અંકિત કરવા માટે 75 જિલ્લાઓમાં 75 DBU સ્થાપવાની જાહેરાત કરી હતી. DBUની સ્થાપના દેશના દરેક ખૂણે ખૂણે ડિજિટલ બેંકિંગના લાભો પહોંચે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહી છે અને તે તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે. જાહેર ક્ષેત્રની 11 બેંકો, ખાનગી ક્ષેત્રની 12 બેંકો અને એક સ્મોલ ફાઇનાન્સ બેંક આ પ્રયાસમાં ભાગ લઇ રહી છે.

DBU બ્રિક-એન્ડ-મોર્ટાર આઉટલેટ્સ હશે જે લોકોને વિવિધ પ્રકારની ડિજિટલ બેંકિંગ સુવિધાઓ પૂરી પાડશે જેમાં બચત ખાતું ખોલવું, બેલેન્સ તપાસવું, પાસબુક પ્રિન્ટ કરવી, ફંડ ટ્રાન્સફર કરવું, ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવું, લોન માટે અરજી કરવી, ઇશ્યુ કરાયેલા ચેક માટે સ્ટોપ-પેમેન્ટની સૂચનાઓ આપવી, ક્રેડિટ/ડેબિટ કાર્ડ માટે અરજી કરવી, ખાતાનું સ્ટેટમેન્ટ જોવું, ટેક્સની ચુકવણી કરવી, બિલ ચુકવવા, નામાંકન કરવું વગેરે સામેલ છે.

DBU, ગ્રાહકોને આખા વર્ષ દરમિયાન બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓની સસ્તી અને અનુકૂળ સુલભતા માટે તેમજ ઉન્નત ડિજિટલ અનુભવ મેળવવા માટે સમર્થ બનાવશે. તે ડિજિટલ નાણાકીય સાક્ષરતાનો ફેલાવો કરશે અને સાયબર સુરક્ષા જાગૃતિ તેમજ સલામતી અંગે ગ્રાહકોને શિક્ષિત કરવા પર તેમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, વાસ્તવિક સમયની સહાયતા પ્રદાન કરવા માટે અને DBU દ્વારા દ્વારા પૂરા પાડવામાં આવતા વ્યવસાય અને સેવાઓમાંથી ઉદ્ભવતી ગ્રાહક ફરિયાદોનું સીધું જ અથવા બિઝનેસ ફેસિલિટેટર્સ/કોરસપોન્ડસ દ્વારા નિવારણ કરવા માટે પૂરતું ડિજિટલ વ્યવસ્થાતંત્ર પણ તૈયાર કરવામાં આવશે.

YP/GP/JD



(Release ID: 1868254) Visitor Counter : 264