પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતા નગર ખાતે યોજવામાં આવેલી કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું
“જ્યારે ન્યાય મળતો જોવા મળે છે, ત્યારે બંધારણીય સંસ્થાઓમાં દેશવાસીઓનો વિશ્વાસ મજબૂત થાય છે”
“દેશની જનતાને સરકારની ગેરહાજરી કે તેમના તરફથી દબાણ થતું હોય તેવું ન લાગવું જોઇએ”
“છેલ્લા 8 વર્ષોમાં, ભારતે દોઢ હજાર કરતાં વધારે જૂના અને અપ્રસ્તૂત કાયદાઓને રદ કર્યા છે અને 32 હજારથી વધુ પાલન નાબૂદ કર્યા છે”
“આપણે એ સમજવું પડશે કે રાજ્યોમાં સ્થાનિક સ્તરે વૈકલ્પિક વિવાદ નિરાકરણના વ્યવસ્થાતંત્રને કેવી રીતે કાયદાકીય વ્યવસ્થાનો એક ભાગ બનાવી શકાય”
“આપણે એવા કાયદાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ કે જેને ગરીબમાં ગરીબ લોકો પણ સરળતાથી સમજી શકે”
“ન્યાયની સરળતા માટે કાનૂની વ્યવસ્થામાં સ્થાનિક ભાષા મોટી ભૂમિકા નિભાવે છે”
“રાજ્ય સરકારોએ અન્ડરટ્રાયલ કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ સાથે કામ કરવું જોઇએ જેથી ન્યાયિક વ્યવસ્થા માનવ આદર્શો સાથે આગળ વધે”
“જો આપણે બંધારણની ભાવના પર નજર કરીએ તો, વિવિધ કામગીરીઓ હોવા છતાં ન્યાયતંત્ર, ધારાસભા અને અદાલતો વચ્ચે દલીલ કે સ્પર્ધાને કોઇ જ અવકાશ નથી”
“સમર્થ રાષ્ટ્ર અને સુમેળપૂર્ણ સમાજ માટે સંવેદનશીલ ન્યાય પ્રણાલી હોવી જરૂરી છે”
Posted On:
15 OCT 2022 11:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું હતું.
આ સભાને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દેશના તમામ રાજ્યોના કાયદા મંત્રીઓ અને સચિવોની આ નિર્ણાયક બેઠક સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભવ્ય સાનિધ્ય હેઠળ યોજાઇ રહી છે, અને તે સરદાર પટેલની જ પ્રેરણા છે જે આપણને આઝાદી કા અમૃત મહોત્સવના આ તબક્કા દરમિયાન આપણને સાચી દિશામાં નિર્દેશ કરીને આપણા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આપણા જેવા વિકાસશીલ દેશમાં સ્વસ્થ અને આત્મવિશ્વાસુ સમાજ માટે ભરોસાપાત્ર અને ઝડપી ન્યાય પ્રણાલીની જરૂરિયાત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દરેક સમાજમાં ન્યાયિક પ્રણાલી અને વિવિધ પ્રક્રિયાઓ તેમજ પરંપરાઓ બદલાતા સમયની જરૂરિયાતો અનુસાર વિકસતી રહી છે. શ્રી મોદીએ આગળ કહ્યું હતું, “જનતાને જ્યારે ન્યાય મળતો જોવા મળે છે, ત્યારે બંધારણીય સંસ્થાઓમાં દેશવાસીઓનો વિશ્વાસ મજબૂત થાય છે. અને જ્યારે ન્યાય મળે છે ત્યારે સામાન્ય માણસનો આત્મવિશ્વાસ વધે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશમાં કાયદો અને વ્યવસ્થામાં સતત સુધારા માટે આવી ઘટનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
પ્રધાનમંત્રીએ આગળ માહિતી આપી હતી કે, ભારતીય સમાજની વિકાસ યાત્રા હજારો વર્ષ જૂની છે અને આપણે ગંભીર પડકારોનો સામનો કરવા છતાં સતત પ્રગતિ કરી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે “આપણા સમાજનું સૌથી મોટું પાસું એ છે કે પ્રગતિના માર્ગ પર આગળ વધતી વખતે આંતરિક રીતે પોતાને સુધારવાની વૃત્તિ રાખીએ છીએ.”. સતત સુધારણાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે, દરેક વ્યવસ્થાતંત્રની સુચારુ કામગીરી માટે તે અનિવાર્ય જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણો સમાજ અપ્રસ્તૂત કાયદાઓ અને ખોટા રિવાજોને દૂર કરવાનું ચાલુ રાખે છે. અન્યથા, જ્યારે કોઇપણ પરંપરા રૂઢિચુસ્તતામાં રૂપાંતરિત થઇ જાય છે, ત્યારે તે સમાજ પર બોજરૂપ બની જાય છે.” તેમણે કહ્યું હતું કે, “દેશની જનતાને ન તો સરકારની ગેરહાજરીનો અનુભવ થવો જોઇએ કે ન તો તેમને સરકાર તરફથી દબાણ થતું હોય તેવો અનુભવવું જોઇએ.”
ભારતના નાગરિકો પર સરકાર દ્વારા કરવામાં આવતા દબાણને દૂર કરવાની બાબત પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, છેલ્લાં 8 વર્ષમાં ભારતે આવિષ્કાર અને ઇઝ ઓફ લિવિંગમાં અવરોધો ઊભા કરી રહેલા દોઢ હજારથી વધુ જૂના-પૂરાણા કાયદાઓને રદ કર્યા છે અને 32 હજારથી વધુ પાલનોને નાબૂદ કર્યા છે જેથી કાનૂની અવરોધોનો અંત લાવી શકાય. તેમણે કહ્યું હતું કે “આમાંના કેટલાય કાયદા તો ગુલામીના સમયથી અમલમાં મૂકવામાં આવ્યા હતા.”. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુલામીના સમયથી અમલમાં મૂકવામાં આવેલા ઘણા જૂના કાયદા હજુ પણ રાજ્યોમાં કાર્યરત છે અને આ કોન્ફરન્સમાં આવા કાયદાઓ નાબૂદ કરવાનો માર્ગ ઘડવા માટે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોને અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “આ આઝાદીના અમૃત કાળમાં, ગુલામીના સમયથી ચાલતા કાયદાઓને નાબૂદ કરીને નવા કાયદા ઘડવા જોઇએ.” પ્રધાનમંત્રીએ લોકો માટે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ જસ્ટિસ પર ધ્યાન કેન્દ્રીત કરતી વખતે રાજ્યોના વર્તમાન કાયદાઓની સમીક્ષા કરવા તરફ પણ ધ્યાન દોર્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ન્યાય આપવામાં થતો વિલંબ એ સૌથી મોટા પડકાર તરીકે સામે આવ્યું છે અને ન્યાયતંત્ર આ દિશામાં અત્યંત ગંભીરતા સાથે કામ કરી રહ્યું છે. વૈકલ્પિક વિવાદ નિરાકરણના વ્યવસ્થાતંતત્ર પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, ભારતના ગામડાઓમાં લાંબા સમયથી તેનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હવે તેને રાજ્ય સ્તરે પ્રોત્સાહન કરી શકાય છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “તેને રાજ્યોમાં સ્થાનિક સ્તરે કાયદાકીય વ્યવસ્થાનો એક ભાગ કેવી રીતે બનાવી શકાય તે આપણે સમજવું પડશે”.
તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તત્કાલીન સરકારે સાંજની અદાલતોનો ખ્યાલ રજૂ કર્યો હતો. તેમણે આ અંગે આગળ સમજાવ્યું હતું કે કલમોની દૃષ્ટિએ ઓછા ગંભીર હોય તેવા કેસો સાંજની અદાલતો દ્વારા હાથ ધરવામાં આવતા હતા જેના પરિણામે તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં 9 લાખથી વધુ કેસોનું નિરાકરણ આવ્યું છે. પ્રધાનમંત્રીએ લોક અદાલતોના ઉદભવ પર પણ પ્રકાશ પાડ્યો હતો. આવી અદાલતોના કારણે વિવિધ રાજ્યોમાં લાખો કેસોનો નિકાલ થયો છે અને અદાલતો પર કેસોનો બોજ હળવો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, “ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને આનાથી ઘણો ફાયદો થયો છે”.
સંસદમાં કાયદા ઘડવાની પ્રક્રિયામાં મંત્રીઓની જવાબદારીની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે જો કાયદામાં જ ગૂંચ હોય, તો સામાન્ય નાગરિકોને ભવિષ્યમાં તેનો ભોગ બનવું પડશે, પછી ભલે તેની પાછળ આવો કોઇ ઇરાદા ન હોય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે ઘણા પૈસા ખર્ચીને પોસ્ટથી પિલ્લર સુધી દોડવું પડે છે. તેમણે કહ્યું હતું, “જ્યારે કાયદો સામાન્ય માણસની સમજમાં આવે છે, ત્યારે તેની અસર કંઇક અલગ જ પ્રકારની હોય છે.”
અન્ય દેશોના ઉદાહરણો ટાંકતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે જ્યારે સંસદ અથવા વિધાનસભામાં કાયદો ઘડવામાં આવે છે, ત્યારે તે કાયદાની પરિભાષામાં તેને વિગતવાર સમજાવવા માટે તૈયાર કરવામાં આવે છે, અને બીજું કે કાયદોનો મુસદ્દો એવી ભાષામાં તૈયાર કરવામાં આવે છે જેને સામન્ય માણસ પણ સરળતાથી સમજી શકે. કાયદાના અમલની સમયરેખા પણ નક્કી કરવામાં આવે અને નવા સંજોગોમાં કાયદાની ફરીથી સમીક્ષા કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, “ઇઝ ઓફ જસ્ટિસ માટે સ્થાનિક ભાષા કાનૂની વ્યવસ્થામાં ઘણી મોટી ભૂમિકા નિભાવે છે. માતૃભાષામાં યુવાનો માટે શૈક્ષણિક ઇકોસિસ્ટમનું પણ નિર્માણ કરવું પડશે. કાયદાના અભ્યાસક્રમો માતૃભાષામાં હોવા જોઇએ, આપણા કાયદા સરળ ભાષામાં લખાયેલા હોવા જોઇએ, ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતના મહત્વના કેસોની ડિજિટલ લાઇબ્રેરીઓ સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ હોવી જોઇએ.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે સમાજની સાથે ન્યાયતંત્રનો વિકાસ થાય છે, ત્યારે તે આધુનિકતાને અપનાવવાની કુદરતી વૃત્તિ ધરાવે છે. પરિણામે, સમાજમાં જે પરિવર્તનો થાય છે તે ન્યાય પ્રણાલી દ્વારા પણ જોઇ શકાય છે”. ન્યાય પ્રણાલીમાં ટેકનોલોજીના સંકલન પર ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ ઇ-કોર્ટ અને વર્ચ્યુઅલ સુનાવણી તેમજ ઇ-ફાઇલિંગને પ્રોત્સાહન આપવું જોઇએ. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં 5Gના આગમન સાથે આ પ્રણાલીઓને હવે મોટો વેગ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, “દરેક રાજ્યએ તેના વ્યવસ્થાતંત્રને અપડેટ અને અપગ્રેડ કરવું પડશે. ટેકનોલોજી અનુસાર તેને તૈયાર કરવું તે આપણા કાયદાકીય શિક્ષણનું એક મહત્વપૂર્ણ ધ્યેય પણ હોવું જોઇએ”.
ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત બેઠકને યાદ કરીને જ્યાં પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન અન્ડરટ્રાયલ કેદીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે અહીં ઉપસ્થિત મહાનુભાવોને આવા કેસોના નિકાલ માટે ઝડપી ટ્રાયલ તરફ કામ કરવા માટે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારોએ અન્ડરટ્રાયલ કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ સાથે કામ કરવું જોઇએ જેથી ન્યાયતંત્ર માનવ આદર્શો સાથે આગળ વધે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે. “સંવેદનશીલ ન્યાય તંત્ર સક્ષમ રાષ્ટ્ર અને સૂમેળભર્યા સમાજના નિર્માણ માટે જરૂરી છે”.
બંધારણની સર્વોપરિતાને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, બંધારણ ન્યાયતંત્ર, ધારાસભા અને કાર્યપાલિકાનું મૂળ છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “સરકાર હોય, સંસદ હોય, કે પછી આપણી અદાલતો હોય, ત્રણેય એક રીતે એક જ માતાના સંતાનો છે. તેથી તેમના કાર્યો અલગ અલગ હોવા છતાં બંધારણની ભાવનાથી જોઇએ તો દલીલ કે સ્પર્ધાને કોઇ અવકાશ નથી હોતો. એક માતાના બાળકોની જેમ, ત્રણેયએ મા ભારતીની સેવા કરવાની છે, તેમણે સાથે મળીને 21મી સદીમાં ભારતને નવી ઊંચાઇએ સુધી લઇ જવાનું છે”,
આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરેન રિજીજુ અને કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી એસ. પી. સિંહ બઘેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
ગુજરાતના એકતા નગર ખાતે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા બે દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદ યોજવા પાછળનો ઉદ્દેશ્ય ભારતની કાનૂની અને ન્યાયિક પ્રણાલીને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નીતિ નિર્માતાઓને એક સામાન્ય મંચ પ્રદાન કરવાનો છે. આ પરિષદ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન કરી શકશે, નવા વિચારો એકબીજાને જણાવી શકશે અને જાણી શકશે તેમજ તેમના પરસ્પર સહયોગમાં સુધારો કરી શકશે.
આ પરિષદ વૈકલ્પિક વિવાદ નિરાકરણ વ્યવસ્થાતંત્રો જેમ કે ઝડપી અને પરવડે તેવા ન્યાય માટે લવાદ અને મધ્યસ્થી, એકંદર કાનૂની માળખાનું અપગ્રેડેશન, અપ્રચલિત કાયદાઓને દૂર કરવાની કામગીરી, ન્યાયની પહોંચમાં સુધારો કરવો, પડતર કેસોની સંખ્યામાં ઘટાડો કરવો અને ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે બહેતર સંકલન અને રાજ્ય કાનૂની પ્રણાલીઓને મજબૂત કરવા માટે રાજ્યના વિધેયકોને લગતી દરખાસ્તોમાં એકરૂપતા લાવવી વગેરે વિષયોને કેન્દ્રમાં રાખીને હાથ ધરવામાં આવતી વિવિધ ચર્ચાઓની સાક્ષી બનશે.
*****
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1868002)
Visitor Counter : 278
Read this release in:
Punjabi
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam